Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૂબકી:જટિલતામાં ગૂંચવાયેલું જીવન

    12 hours ago

    એ સમય કંઈ સદીઓ પહેલાંનો નથી. મારા જેવડી ઉંમરના લોકોએ નાનપણમાં એ જમાનો જોયો છે. જીવન ધીમી ગતિમાં ચાલતું. લોકો પાસે મર્યાદિત ચીજવસ્તુઓ હતી. એમની મહત્ત્વાકાંક્ષા મર્યાદિત હતી. લોકો પાસે એકબીજાને મળવાનો પૂરતો સમય હતો. જીવનજરૂરિયાતની મોટા ભાગની ચીજો એમના ગામમાંથી અથવા નજીકના શહેરમાંથી મળી રહેતી. કરિયાણાની દુકાન ગામમાં જ હોય, શાળા સાવ પાસે હોય. સગાંસંબંધીઓ પણ આજુબાજુમાં જ રહેતાં હોય. મનોરંજન માટે બહુ બહુ તો રેડિયો કે ટ્રાન્ઝિસ્ટર, ગામમાં આવતી નાટકમંડળી, ભવાયા, બહુરૂપીઓ, ઉત્સવો, મેળા, શેરીરમતો અને સાથે બેસીને મારેલા વાતોના તડાકા. હવે એ બધું બદલાઈ ગયું છે. આવકમાં વધારો થયો છે, સગવડો વધી છે, પસંદગીના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે અને ટેક્નોલોજીનો જાદુ ચોમેર ફરી વળ્યો છે. ઘેર બેસીને જ લગભગ બધું ઓર્ડર કરી શકાય છે. હજારો માઇલ દૂર બેઠેલી વ્યક્તિ સાથે એક સેકન્ડમાં વાત થઈ શકે છે. દુનિયાના કોઈ પણ સ્થળે પહોંચવું આસાન થયું છે. વર્ક ફ્રોમ હોમ કરી શકાય છે. તેમ છતાં, ઘણા લોકો ફરિયાદ કરતા રહે છે – ‘અમારી પાસે સમય નથી.’ પ્રશ્ન એ છે કે આપણું જીવન સરળ બનાવવા માટે અઢળક સુવિધાઓ પ્રાપ્ત થઈ હોવા છતાં આપણે કયા કારણે જીવનને સતત જટિલ બનાવતા રહીએ છીએ? ચાલીસેક વર્ષથી અમેરિકામાં રહેતો સિત્તર વર્ષનો એક પુરુષ મિત્રો સાથે એની માતાના સાદા જીવનની વાત કરતો હતો: ‘મારી મા ગામડામાં રહેતી. એની પાસે પ્રેશર કૂકર પણ નહોતું, વાસણો પણ ખપ પૂરતાં. તેમ છતાં દસ-બાર મહેમાનો અચાનક આવી ચઢે તો એ બધાં માટે ફટાફટ સ્વાદિષ્ટ રસોઈ બનાવીને જમાડી શકતી. એક જ જોડ ચંપલ, આંખમાં નંબર આવ્યા ત્યારે જે ચશ્માં બનાવ્યાં એનાથી જ આખું જીવન જીવી ગઈ.’ એક મિત્રે સહાનુભૂતિ બતાવી: ‘બિચારાં બહુ તકલીફમાં જીવ્યાં.’ પુરુષે માથું ધુણાવ્યું: ‘ના, એ આનંદથી જીવી.’ બીજા મિત્રે કહ્યું, ‘તમે પણ આનંદથી જ જીવો છોને?’ પુરુષે નિસાસો નાખ્યો: ‘હું વૈભવમાં જીવું છું, પરંતુ આનંદમાં જીવું છું કે કેમ એની મને ખબર નથી.’ અગાઉ કોઈ પરિવાર કે મિત્રો પ્રવાસમાં જવાનું નક્કી કરે તે સાથે જ ટ્રેનની ટિકિટ બુક કરાવીને નીકળી પડતા. એમના માટે પ્રવાસનો હેતુ આનંદ અને અનુભવ મેળવવાનો હતો. ટ્રેનની લાંબી મુસાફરીમાં તેઓ અજાણ્યા સહપ્રવાસીઓ સાથે આરામથી વાતો કરતા, ઘેરથી બનાવી લાવેલું ભોજન સાથે બેસીને ખાતા અને ખવરાવતા, બારીમાંથી દેખાતાં દૃશ્યો જોવામાં તલ્લીન થઈ જતા. આજે લોકો મહિનાઓ પહેલાં પ્રવાસનું આયોજન કરે છે. પ્રવાસસ્થળની પસંદગીમાં સંમત થતાં ઘણો સમય જાય, પછી ફ્લાઇટ્સ, હોટેલ, જોવાનાં સ્થળો, રેટિન્ગ્સ, સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોએ મૂકેલી પોસ્ટનું ‘અધ્યયન’, પેકેજિસની સરખામણીમાં ઘણો સમય જાય છે. ક્યારેક તો લોકો તૈયારીમાં જ એટલો સમય વિતાવે છે કે પ્રવાસસ્થળે પહોંચે ત્યાં સુધીમાં થાકી ગયા હોય. ત્યાં પહોંચ્યા પછી પણ ફોન હાથમાંથી છૂટતો નથી. પ્રવાસસ્થળે સદેહે હાજર હોય, છતાં એની પ્રત્યક્ષ મજા માણવાને બદલે તેઓ ફોટા અપલોડ કરવામાં જ વ્યસ્ત થઈ જાય છે. અગાઉ લોકો પત્રો લખતા. ટપાલ ભલે મોડી પહોંચતી, પરંતુ એમાંથી લખનાર અને વાંચનાર બંને ‘રૂબરૂ મળ્યા તુલ્ય’ ભાવ અનુભવી શકતા. આજના સમયમાં સહજ અને સ્વાભાવિક સંબંધોમાં સંકુલતા પ્રવેશી ગઈ છે. સૌ કોઈ પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા છે અને ભૌગોલિક અંતર પણ વધી ગયું છે. નોકરી-ધંધા પાછળ આપવો પડતો સમય, વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા, આર્થિક દબાણ અને વ્યક્તિસ્વાતંત્ર્યના બદલાયેલા ખ્યાલોની વચ્ચે આત્મીયતાની સહજ અપેક્ષા ધરાવતા સંબંધો પર ભારે અસર પડી છે. હવે એક જ છત નીચે રહેતા પરિવારમાં પણ સૌ પોતપોતાની ડિજિટલ દુનિયામાં ખોવાઈ જવા લાગ્યા છે. જે સંબંધો અગાઉ કુદરતી રીતે જ મજબૂત બનતા, એને ટકાવી રાખવા માટે હવે વધારે સભાન પ્રયાસો, ધીરજ અને લાગણીના સ્તરે વધુ સમજણની જરૂર પડે છે. આજે લોકો દૂર-દૂર સુધી ‘કનેક્ટેડ’ તો છે, પરંતુ એકમેકની સાથે દિલથી જોડાયેલા નથી. સામાજિક સંબંધોમાં અગાઉ જેવી નિકટતા રહી નથી; રાજકારણ અને અન્ય પરિબળોના હસ્તક્ષેપથી સામાજનું પરંપરાગત માળખું ડગમગવા લાગ્યું છે. અગાઉ બધું જ ઉત્તમ હતું એમ માનવું ભૂલભરેલું છે. તે સમયે લોકો પાસે મર્યાદિત તકો હતી અને તબીબી સેવાઓ પ્રાથમિક સ્તરની હતી. તે સમયે પણ લોકો સંઘર્ષ કરતા હતા, સંબંધોમાં તિરાડ પડતી હતી અને એમની પાસે સમગ્રતાને આંબવા માટેનાં પૂરતાં સંસાધનો નહોતાં. આજે લગભગ દરેક ક્ષેત્રમાં અકલ્પ્ય વિકાસ થયો છે. મહિલાવિકાસની નવી દિશાઓ ઊઘડી છે. લોકોનું જીવનધોરણ સુધર્યું છે. જ્ઞાન અને માહિતી મેળવવા માટે અનેક માધ્યમો વિકસ્યાં છે. મુદ્દો જૂના અને નવા વચ્ચે સમતોલન જાળવવાનો છે. જીવનમાં ઉત્તમની અપેક્ષા ચોક્કસ રાખીએ, પરંતુ એની આત્યંતિકતાથી દૂર રહીએ. ટેક્નોલોજીના ગુલામ થયા વિના એનો ઉચિત લાભ લઈએ. દરેક ઈચ્છાને અનિવાર્ય જરૂરિયાત માનવાની ભૂલ ન કરીએ. સંતાનોની દરેક ક્ષણ પર હાવી થયા વિના એમને મુક્તપણે જાતે આગળ વધવા દઈએ. ટેક્નોલોજી દ્વારા તત્કાળ વાતચીત ભલે કરીએ, પરંતુ સાચો સંવાદ પણ સાધીએ. પસંદગીના અનેક વિકલ્પોમાંથી યોગ્યની જ પસંદગી કરીએ અને દિવસનો થોડો સમય ‘ફોનમુક્ત’ રહીએ. જીવન પોતે જટિલ હોતું નથી, આપણે એને જટિલ બનાવીએ છીએ. સારી રીતે જીવવા માટે અનિવાર્ય એટલું મેળવવા સંઘર્ષ કરીએ. વધારે પડતાં ભૌતિક સુખસાધનો, મહત્ત્વાકાંક્ષા, હદબહારની દોડધામ અને એકીસાથે અનેક જવાબદારીઓનું ભારણ એટલું બધું વધવું ન જોઈએ કે શ્ર્વાસ લેવાનો પણ સમય ન મળે. સરળતાનો અર્થ બધું ઓછું કરી નાખવા જેવો થતો નથી, બલ્કે જરૂર જેટલું જ મેળવીને શાંતિથી, આનંદથી અને પોતાના માટે સમય કાઢીને જીવવું એ છે.
    Click here to Read More
    Previous Article
    માનસ દર્શન:આત્મા : મહેશતત્ત્વ
    Next Article
    મૉન્ટાજ:ડીસીઃ દાસ અને ચંદ્રાનું પાગલપન!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment