Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનસ દર્શન:આત્મા : મહેશતત્ત્વ

    11 hours ago

    હું મહેશ વિશે બોલું. વ્યાસપીઠ પ્રત્યેની શ્રોતાઓની શ્રદ્ધા છે, એમનો આદર છે, અહોભાવ છે એટલે બધાં વર્ષોથી સાંભળે છે, સાંભળતા રહેશે. મારું એ દર્શન પ્રસ્તુત થતું જાય, પરંતુ વાત તો ત્યારે બનશે કે જેમણે મહેશ વિશે દર્શન કર્યું છે, અનુભવ કર્યો છે અને પછી ગાયન કર્યું છે, એવી પ્રતિભાઓનું વક્તવ્ય શું છે એ જાણીએ. એવી એક પરમ પ્રતિભા છે મા પાર્વતી, જેમણે નિરંતર મહેશનું દર્શન કર્યું છે. મનમાં ક્યારેક આશંકા થઈ; શિવ સાથે મતભેદ પણ થયો. શિવની વાતો માની નહીં; આકરો દંડ પણ ભોગવ્યો, અવશ્ય. છતાં પણ શિવદર્શન નથી છૂટ્યું. તમે શું અંદાજ કરો છો, સત્યાસી હજાર વર્ષ સુધી ભગવાન કૈલાસના ભવન બહાર ધ્યાનમાં બેસી ગયા ત્યારે ભવાની સતી શું કરતી હશે? રોતી હશે. કેટલું રોઈ હશે? ચિત્કાર કરતી હશે! મારા પ્રાણ છૂટી જાય, એવી માગ પણ કરતી રહી હશે. મારી તલગાજરડી આંખ કહેવા માગે છે કે એ બધી અવસ્થાઓ દરમિયાન સતીએ સત્યાસી હજાર વર્ષ સુધી પોતાના મહેશનું દર્શન કર્યું છે; જોયું છે, ખૂબ જોયું છે. હવે સત્યાસી હજાર વર્ષ સુધી દર્શન કરતાં કરતાં સંગ તો છૂટ્યો છે અને દર્શન ચાલી રહ્યું છે, કેમ કે શિવે સંગ તો છોડી દીધો છે. હવે એ અંદરથી બહુ જ સંનિકટ થઈને મહેસૂસ કરી રહી છે. ત્યારે ભવાનીએ ‘માનસ’માં એક ચોપાઈ ગાઈ. સત્યાસી હજાર વર્ષ સુધીનું દર્શન મને મહેસૂસ થાય છે. ન ખાધું, ન પીધું, ન સૂતી, માત્ર જોતી રહી. ભીતર અનવરત મહેસૂસ થતા ગયા મહાદેવ. આપણે તો દર્શન કર્યા વિના વાતો કરીએ છીએ! આપણે અનુભવ કર્યા વિના બોલતા રહીએ છીએ! આવો, આજે પાર્વતીનાં વચનોથી મહેશનું દર્શન કરીએ. મહેશને મહેસૂસ કરીએ ભવાનીના જ શબ્દોમાં. પાર્વતી કહે છે, એવી મર્યાદા છે, જ્યાં નિંદા થતી હોય ત્યાં આમ કરવું જોઈએ અથવા તો કાન બંધ કરીને એ સભામાંથી નીકળી જવું જોઈએ; રોષથી નહીં, વિનયથી. હવે જે પાર્વતીએ સત્યાસી હજાર વર્ષ શું, જનમોજનમ જે મહેશને મહેસૂસ કર્યા છે એમના વિશે પાર્વતી કહે છે, મહેશ શું છે? મોરારિબાપુ કહે એ એટલું સબળ ન હોઈ શકે, મા ભવાની કહે એ પરફેક્ટ હોઈ શકે. પાર્વતીએ અહીં ‘મહેશ’ શબ્દપ્રયોગ કર્યો છે- જગદાતમા મહેસુ પુરારી. જગત જનક સબ કે હિતકારી. મારા મહેશ કેવા છે? ભવાની બોલી, ‘જગદાતમા મહેસુ પુરારી.’ પાર્વતી કહે છે, મારા મહેશ જગતનો આત્મા છે. જગત ત્રણ છે-સ્થૂળ, સૂક્ષ્મ, કારણ. આ આખુંયે વેદાંત છે. તુલસીએ કોઈ વિદ્યા નથી છોડી. જેવી રીતે શરીર ત્રણ પ્રકારનાં હોય છે. એક સ્થૂળ, જે આપણું બોડી, ઉપરથી દેખાય છે, હાથ-પગ, નાક બધું દેખાય છે, એ સ્થૂળ શરીર છે. બીજું એક સૂક્ષ્મ શરીર હોય છે જે અંદર છે, જે દેખાતું નથી. અદૃશ્ય છે અને ત્રીજું છે કારણ શરીર. કહેવાય છે કે ‘પિંડે બ્રહ્માંડે’, જે પિંડને લાગુ પડે છે એ બ્રહ્માંડને પણ લાગુ પડે છે; જે બ્રહ્માંડને લાગુ પડે છે એ પિંડને પણ લાગુ પડે છે. આ મારું શરીર, આ તમારું શરીર એ સ્થૂળ શરીર છે. એ નષ્ટ થઈ જશે, પંચભૂતમાં વિલીન થઈ જશે. પંચભૂતનો સંયોગ જ આ દેહ છે. પંચતત્ત્વનું આ શરીર બન્યું છે એ સ્થૂળ શરીર છે. પરંતુ બધી સ્થૂળતાની અંદર એનો છુપાયેલો જે એક સર્જક છે એ દેખાતો નથી. એ ત્રણેય જગતનો આત્મા મારા મહેશ છે. જો મહેશ નથી તો સૂક્ષ્મ જગત નથી. જો મહેશ નથી તો સ્થૂળ જગત પણ નથી. પાર્વતી કહે છે, મારા મહેશ એ જગતનો આત્મા છે; એ મહેશ છે. પુરારિના બે અર્થ છે. આ તો કવિતાના બંધારણને જાળવવા માટે ત્રિપુરારિને બદલે પુરારિ લખી દીધું. મૂળ તો ત્રિપુરારિ છે. એ ત્રિપુરારિ રાક્ષસ. એ ત્રિપુર અસુર ત્રણેયમાં ગતિ કરતો હતો. એનું નિધન એક જ રીતે થાય છે કે એક સાથે જો ત્રિપુર પર પ્રહાર કરવામાં આવે તો જ એ મરે અને એ ભગવાન શંકરે કર્યું. ત્યારથી એ ત્રિપુરારિ થઈ ગયા. ત્રિપુરારિનું સંક્ષિપ્ત રૂપ છે પુરારિ. તો પાર્વતી કહે છે, મહેશ જગતનો આત્મા છે. મહેશ જે ભીડથી મુક્ત છે. ભીડમાં રહેવા છતાં એકલા છે. એકલા રહીને પ્રભુનામની ભીડ સાથે જોડાયેલા છે. એ સૌના હિતકારી છે. એ છે પાર્વતીના મહેશ. એ દર્શન અને અનુભવ પછી નીકળેલું વક્તવ્ય છે. }(સંકલનઃ નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com
    Click here to Read More
    Previous Article
    માય સ્પેસ .:લિ. હું આવું છું: હસ્તાક્ષરમાંથી ઊઘડતા મેઘાણી
    Next Article
    ડૂબકી:જટિલતામાં ગૂંચવાયેલું જીવન

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment