Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માય સ્પેસ .:લિ. હું આવું છું: હસ્તાક્ષરમાંથી ઊઘડતા મેઘાણી

    11 hours ago

    નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે આટલી કે માતની હાકલ પડી છે. જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે, ફિરક શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે! સ્વાતંત્ર્યસંગ્રામના સેનાની, નિર્ભિક પત્રકાર, લોકસાહિત્ય ઉપરની ધૂળ ખંખેરીને એને લોકસ્મૃતિમાં અમર કરનાર, બહારવટિયાઓની સાથે બેસીને એમની કથાઓ સાંભળનાર, સૌરાષ્ટ્રના ગામડે ગામડે પગપાળા ફરીને લોકસાહિત્યનો ખજાનો એકઠો કરનાર તરીકે આપણે સૌ ઝવેરચંદ મેઘાણીને ઓળખીએ છીએ, પરંતુ વિશ્વ સાહિત્ય, વિશ્વ સિનેમાના જાણકાર તરીકે આપણે એમને ઓછા જ ઓળખીએ છીએ. એ જમાનામાં ઈન્ટરનેટ કે બીજી કોઈ સવલતો નહોતી. એક પોસ્ટકાર્ડ પણ જ્યારે અઠવાડિયે એક ગામથી બીજે ગામ પહોંચતું હોય ત્યારે યુરોપીય સાહિત્ય વિશે આટલી બધી માહિતી અને વિવેચક ગુજરાતી વાચકો સુધી પહોંચાડવાનું ખૂબ મહત્ત્વનું કામ ઝવેરચંદ મેઘાણીએ કર્યું. વિક્ટર હ્યુગો, ચાર્લ્સ ડિકન્સ, હેન્રી ટિપ્સન જેવા શ્રેષ્ઠ યુરોપિયન સાહિત્યકારોને એમણે વાંચ્યા, એના પર મનન કરીને ગુજરાતી ભાષામાં એમના શ્રેષ્ઠ કામને પહોંચાડ્યું. વિનોદ મેઘાણી એમના પુત્રએ કરેલા ઝવેરચંદ મેઘાણીના પત્રોનું સંકલન એમના સ્વભાવ, સમય, જીવન અને સાહિત્યનું સમગ્ર દર્શન છે. 28 ઓગસ્ટે એમનો જન્મદિવસ. એમણે લખેલા કેટલાક પત્રોમાંથી સાભાર અવતરણ લીધા છે. પત્ની દમયંતીબેનને લખેલો એક સુંદર પત્ર: મુંબઈઃ 8.3.1930. મારી વહાલી દેવી, મારી રાહ જોઈને બેઠી હોઈશ તેને બદલે આ કાગળનો કટકો મળશે ત્યારે તને અત્યંત નિરાશા થશે પણ મારો ઈલાજ ચાલ્યો નથી. આજે નીકળવાનો જ હતો ત્યાં સવારે રાણપુરથી તાર મળ્યો કે મારે રોકાઈ જવું. કદાચ મારે ચારપાંચ દિવસ વધુ રોકાણ થશે. મારી વેદના હવે ધીરે ધીરે જાગતી આવે છે. તું ભાવનગર જઈ આવી હઈશ. હું એ સમાચાર વાંચી અત્યંત રાજી થયેલો. તું તારી જાતે પ્રવાસો કરે અને હૃદય સુખમાં રાખે એ મને ખૂબ ગમે છે. મારી સાથે તો ક્યાંયે પ્રવાસો કરવાનું તારું દિલ વધ્યું નથી એટલો હું કમભાગી છું. ખેર. હવે જો તારી મેળે બીજી રીતેય મન મોકળું કરી ફરે હરે તો હું તેથી મન વાળીશ. તબિયત ખૂબ સાચવજે. કસરત છોડતી નહીં. વધુ શું લખું? ગમતું નથી, ઘર સાંભરે છે. બીજી બાજુ રોજરોજ સત્યાગ્રહનું યુદ્ધ જામતું જાય છે. વલ્લભભાઈ પટેલ જેલમાં પુરાયા. હવે તો શું થશે ને શું નહીં થાય? કોણ જાણે ક્યાં ફેંકાશું? (7 એપ્રિલ, 1933ના રોજ દમયંતીબેનને અગ્નિસ્નાન કર્યું. આ ઘટના પછી મેઘાણી ખૂબ વ્યથિત રહ્યા. એમણે બોટાદ છોડી દીધું. મુંબઈમાં વસવાટ કર્યો, પરંતુ એ પછીની એમની રચનાઓમાં માનવીય પીડા, એકલતા અને આંતરિક વેદનાનો સ્વર વધુ ઘેરો બન્યો.) એમને છ પુત્રો હતા અને ત્રણ પુત્રીઓ. મહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયંત, અશોક, ઈન્દુ, પદ્મલા, મુરલી... સંતાનો સાથેનો એમનો પત્ર વ્યવહાર પણ બહુ જ આત્મીય અને એક પિતાની ચિંતા, સ્નેહ અને સંતાનોને સાલતા અભાવ વિશેની સમજ સાથેનો રહ્યો છે. મહેન્દ્રભાઈ, એમના પુત્રને એમણે લખ્યું છે: બોટાદ, 18.4.1943. તારી પ્રવૃત્તિની કોશિશ જાણી ખેદ થયો. અહીં હું જ્યારે તૂટી મરું છું ત્યારે તું મને ‘ફૂલછાબ’માં તેમ જ સાહિત્યસર્જનમાં સહાયભૂત થવાનું છોડી કેમ ભાગ્યો? મુંબઈ માટેનાં તારાં આકર્ષણો અનહેલ્ધી છે એટલું જ લખું તો બસ થશે... (પત્ર 332) અને રાણપુર. 19.5.1943 ... તેં કાગળ કેમ ન લખ્યો તેનાં કારણો વાંચ્યાં. વિચિત્ર કારણો! તું તારી જ પસંદગીથી મુંબઈ ગયો છે, મેં મોકલ્યો નથી. મને ગમતી લાઈન લેવા મેં દબાણ કર્યું નથી. તું ભણતો નાનો બાળક હતો ત્યારથી આજ સુધી તારે કઈ શાળામાં ભણવું તેની પણ મેં ફરજ પાડી નથી... આંહી તારા કાગળ વગર ભાંડરડાં ડળવળે, મારે પણ નમાયો બાળક વધારાનો નહીં એટલે દિલ બળ્યા કરે... એટલે આકરા શબ્દો લખાઈ ગયા. (પત્ર 333) ચિત્રાદેવી, એમના બીજાં પત્ની નેપાળી પરિવારમાંથી હતા. એ પણ બાળવયમાં વિધવા થયેલાં. 1934માં બંનેએ લગ્ન કર્યાં ત્યારે વિધવા સાથે લગ્ન કરીને એમણે સમાજની પરંપરા તોડી, પરંતુ લોકોના મોઢે ગરણું નથી બંધાતું, દમયંતીબેનના અવસાન પછી એમણે ઝડપથી લગ્ન કર્યાં એ વિશે જાતભાતની વાયકાઓ ચાલતી રહી જેની મેઘાણીએ ક્યારેય ચિંતા કરી નહીં. બીજાં પત્ની ચિત્રાદેવી ઉપર લખેલો પત્ર: મુંબઈ. 26.8.1943 મારી વહાલી, આંહી તો શિર પર સો મણની શિલાનો ભાર. ચાલીસ મણ ઊતર્યો, હજુ સાઠ મણ બાકી છે. ઉપરાંત ફૂલછાબની સ્થિતિ, પગાર વગેરેની ભાંજગડમાં પહેલા ચાર દિવસ ખોપરીના છૂંદા કરવા પડ્યા. હજુ કાંઈ નિશ્ચિત નથી. ક્યાંય જઈ શકતો નથી, રાત્રે પાંચ-છ કલાક માંડ સૂવા મળે છે. વહેલું પતાવીને ઘરે પહોંચી જવા દિલ દોડે છે. છોકરાં તો મારા જેવા પ્રેમાળ પિતાને ન સાંભરે એ તું માની શકે છે ખરી? પત્ની-તારા જેવી મારી સંભાળ રાખનારી પત્ની-તો ઊલટાની આંહી દૂર બેઠે વધુ સાંભરે. આપણે બહુ જુદાં રહ્યાં નથી એટલે એકલાં અગવડ પણ ઘણી લાગે. છોકરાં નજર સામે તરવરે. પુત્ર નાનક અને મસ્તાન પર લખેલો કાગળ: બોટાદ, 18.12.1946. વહાલા પુત્રો, તમને સોળમું વર્ષ બેઠું તે પ્રસંગે મારા હૃદયના આશીર્વાદ છે. મનથી, શરીરથી, ખૂબ તેજસ્વી બનો અને આ જીવનમાર્ગ પર પૂર્ણ આનંદ-ઉત્સાહ સાથે આગળ વધો. જેમ જેમ તમારું વય વધતું જાય છે તેમ તેમ તમારી બાલ્યાવસ્થાનો દુઃખી ભૂતકાળ દૂર ને દૂર ઠેલાતો જાય છે. એ સમયની સર્વ સ્મૃતિઓ લુપ્ત બનો! ભવિષ્યનાં જ આશા ને ઉલ્લાસ તમારા હૃદયોમાં પ્રકાશી રહો! જે કંઈ કષ્ટો તમે સહ્યાં છે તેણે તમારી શક્તિને વધારી છે. હું તો તમને કાંઈ મદદ કરી શકતો નથી પણ મારા પ્રેમનું ભાતું તમને બંધાવ્યું છે. તમે મને તમારો અનહદ પ્રેમ આપીને ટકાવ્યો છે. તમે બેઉ ફક્ત ભાઈઓ નથી, મિત્રો છો, જન્મસંગાથીઓ છો, એકબીજાના પૂરક છો, એક જ પંથના તીર્થયાત્રીઓ છો. શરીરે જુદા છતાં એકરસ અને એકરૂપ છો એમ માનજો. 9 માર્ચ, 1947ના દિવસે બોટાદમાં હૃદયરોગના કારણે એમનું અવસાન થયું ત્યારે એ માત્ર 50 વર્ષના હતા. તેઓ ભારતની આઝાદી જોવા માટે જીવતા રહ્યા નહીં...ભારતની જો સૌથી મોટી નબળાઈ હોય તો એ છે દસ્તાવેજીકરણનો અભાવ. આપણે આપણા શ્રેષ્ઠ કલાકારો, લેખકો, સાહિત્યકારો વિશે કોઈ ખાસ માહિતી જાળવી શક્યા નથી. જેને બદલે મેઘાણી પાસે જે કઈ આવ્યું, મળ્યું, શોધ્યું એ બધાને એમણે કાગળ પર ઉતારીને સો જેટલાં પુસ્તકોમાં આપણા માટે ભવ્ય વારસો છોડ્યો.
    Click here to Read More
    Previous Article
    એન્કાઉન્ટર:ફિલ્મ ‘શોલે’માં વીરુ બસંતીને નાચવાની ના કેમ પાડે છે?
    Next Article
    માનસ દર્શન:આત્મા : મહેશતત્ત્વ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment