Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૉલાજ:અનુવાદનો આનંદ, આનંદનો અનુવાદ

    11 hours ago

    હરદ્વાર ગોસ્વામી સંસ્કૃત પ્રમાણે તે ‘वद्’ ધાતુ પરથી બનેલો છે. ‘वद्’ એટલે બોલવું. ‘वद्’ ધાતુની સાથે ‘घञ्’ પ્રત્યય લાગવાથી તે ભાવવાચક સંજ્ઞા ‘वाद’ બને છે. વાદ એટલે કહેલી વાત. ‘वाद’ની આગળ ‘अनु’ ઉપસર્ગ લગાવવાથી ‘અનુવાદ’ શબ્દ બને છે. બૌદ્ધ ધર્મના માધ્યમથી ચીને ભારતીય દર્શનગ્રંથોનો અનુવાદ કરી ચેતોવિસ્તાર કર્યો. ગુજરાતી ભાષામાં બંગાળી સાહિત્યનો મબલક અનુવાદ થયો છે. રવીન્દ્રનાથ તો વિશાળ ફલક પર ઊતરી આવ્યા છે. માત્ર બંગાળી જ શું કામ, ભારતની બધી ભાષાઓમાંથી ઉત્તમ સાહિત્ય ગુજરાતીમાં આવ્યું છે. નારાયણ હેમચંદ્રે ગુજરાતીમાં બંગાળી સાહિત્યના અનુવાદનો પ્રારંભ કર્યો હતો. સેન્ટ જેરોમે બાઇબલનો અનુવાદ કર્યો હતો. આથી તેમને ‘અનુવાદકોના આશ્રયદાતા’ કહેવામાં આવે છે. એફઆઇટી (ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ ટ્રાન્સલેટર્સ) દ્વારા વર્ષ 1953થી આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 1991માં એફ. આઇ. ટી.એ વિશ્વભરના અનુવાદ સમુદાયની એકતાને પ્રોત્સાહન આપવા માટે, સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસનો વિચાર શરૂ કર્યો. વિશ્વવિકાસમાં વૈચારિક આદાન-પ્રદાન મહત્ત્વનો આયામ બન્યું છે. આ આદાન-પ્રદાનનો આધાર અનુવાદ છે. ભારત જેવા બહુભાષી દેશમાં અનુવાદ નામનો આંગળિયો એક પ્રદેશમાંથી બીજા પ્રદેશ સુધી સંસ્કૃતિની સુવાસ પહોંચાડે છે. હવે તો વિશ્વની કોઈ ભાષામાં ઉત્તમ પુસ્તક અવતરે એના બીજા દિવસથી અનુવાદનું કામ ગુજરાતીમાં શરૂ થઈ જાય છે. કેટલાક પ્રકાશકોને મૌલિક પુસ્તક કરતાં અનુવાદના પુસ્તકમાં વધુ રસ હોય છે. પ્રકાશકનું કામ ઉત્તમ સાહિત્યના પ્રસાર-પ્રચારનું છે. વાંચનથી વિચારના દરવાજા ખૂલે છે. આજે સરેરાશ પુસ્તક વાંચન ઘટી રહ્યું છે. એને કારણે પ્રકાશકોના શોરૂમને શટર પડી રહ્યાં છે. તાજેતરમાં ‘બટવારા’ ફિલ્મ રિલીઝ થઈ, જે અસગર વજાહતની કૃતિ ‘જિસ લાહોર નૈ દેખ્યા, ઓ જમ્યા ઈ નૈ’ પર આધારિત છે. આ કૃતિ અનેક ભાષાઓમાં અનુવાદિત થઈ ચૂકી છે. હિન્દી નવલકથા ‘રેતસમાધિ’ના અંગ્રેજી અનુવાદ ‘Tomb of Sand’ને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળેલું. ગીતાંજલિશ્રી લિખિત અને ડેઝી રૉકવેલ દ્વારા અનુવાદિત નવલકથામાં ‘સામાન્ય સ્ત્રીમાં છુપાયેલી એક અસામાન્ય સ્ત્રીની આ મહાગાથા છે.’ આ અગાઉ જે ભારતીય લેખકોને બુકર પ્રાઇઝ મળ્યા એ સીધા અંગ્રેજીમાં લખાયેલા હતા. આ પુસ્તક માટે આશરે 50 લાખ રૂપિયા જેટલો પુરસ્કાર મળ્યો હતો (50,000 પાઉન્ડ). ઇનામની રકમ લેખક તથા અનુવાદક વચ્ચે અડધી-અડધી વહેંચવામાં આવે છે. એવૉર્ડ માટે નૉમિનેટ થયા બાદ શ્રીએ કહ્યું, ‘લેખન પોતે જ એક પુરસ્કાર છે, પરંતુ બુકર જેવી વિશેષ ઓળખ મેળવવી એ એક બોનસ છે.’ ભારતીય ભાષામાં રચાયેલ કૃતિના અનુવાદનાં વૈશ્વિક વધામણાં થાય ત્યારે ભારતીય તરીકે ગૌરવ અનુભવાય છે. આ લેખિકાનાં પુસ્તકો આ પહેલાં પણ વિશ્વની કેટલીક ભાષાઓમાં અનુવાદિત થઈ ચૂક્યાં છે. ચન્દ્રકાન્ત દેવતાલેની કવિતાઓનો ગુજરાતી અનુવાદ નીલા ત્રિવેદીએ કર્યો છે: ‘આ સ્ત્રી આકાશ અને પૃથ્વીની વચ્ચે ક્યારની કપડાં ધોકાવી રહી છે, પછી તડકાના તાર પર સૂકવે છે.’ આ કાવ્યમાં સદીઓથી સ્ત્રીને એક ઘરેડમાં જોવાયેલી આંખો પર કટાક્ષ છે. અંતઃકરણને આંદોલિત કરતા શબ્દો બેફિકરી અને બેતકલ્લુફીમાં પરિણમે છે. કવિનો સંવેદનાત્મક આત્મવિસ્તાર જાગતિક સમીક્ષાની જનેતા છે. કુન્દનિકા કાપડિયા ‘પરમ સમીપે’માં કહે છે, ‘માટી જેમ કુંભાર પાસે, પવનચક્કી જેમ પવન પાસે, બાળકો જેમ વડીલો પાસે, તેમ હે પ્રભુ, અમે તમારી પાસે કૃપા ઇચ્છીએ છીએ.’ (રોબર્ટ લૂઇ સ્ટીવન્સન). રોમનોએ તો યવન સંસ્કૃતિને અનુવાદના માધ્યમથી સ્વીકારી હતી. ઈશ્વરે આપેલી રમ્ય પ્રકૃતિનો અનુવાદ હજી આપણે કરી શક્યા નથી. એની કૃપાનો અનુવાદ આપણે ‘આપણા હક’ તરીકે કર્યો છે. ‘હાલ’ કવિ સંપાદિત પ્રાકૃત મુક્તકોની ‘ગાથામાધુરી’નો હરિવલ્લભ ભાયાણી પાસેથી અદભુત અનુવાદ મળ્યો છે: ‘પ્રફુલ્લ અરવિંદરૂપી મંદિર મકરંદ પાનથી આનંદિત થયેલી ભ્રમરાવલિ ગુંજારવ કરી રહી છે. જાણે વસંત-લક્ષ્મીની ઇન્દ્રનીલ જડેલી રણઝણતી કટિમેખલા!’ ગુજરાતી વાચકો માટે આ સમૃદ્ધ ખજાનો છે. અનુવાદ એ બે સંસ્કૃતિ વચ્ચેનો સક્રિય સંવાહક છે. ભાષાનો વિકાસ-વિસ્તાર થયો છે. કૃતિ સાથે આખો પ્રદેશ અનુવાદિત થાય છે. અનુવાદક તરીકે સ્વતંત્ર કારકિર્દી કરી શકાય એટલી શક્યતાઓની ક્ષિતિજ વિસ્તરી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020માં અનુવાદ કૌશલ્યને ભારતીય ભાષાઓના પાઠ્યક્રમોમાં દાખલ કરવાની ભલામણ કરવામાં આવી છે. પાણિનિએ અષ્ટાધ્યાયીમાં ‘अनुवादे चरणानाम्’ ઉલ્લેખ કર્યો છે. Translation મૂળ લૅટિનના ‘Trans’ અને ‘Latio’ પરથી બન્યો છે. અનુવાદ એટલે નવસંસ્કરણ, દ્વિજકર્મ, પુનર્જન્મ, ભાષાંતર, કહેવાયેલી વસ્તુ ફરી કહેવી. અનુવાદ એટલે કોઈના આત્માને બીજા કોઈના શરીરમાં સ્થાપિત કરવો. ફરી તળેલાં ભજિયાં આનંદ ન આપે પણ કૅટરરની કુશળતાથી ચટાકેદાર બની શકે છે. શૈલી અને પોત જાળવીને ધૂમકેતુની ‘પોસ્ટ ઑફિસ’ વાર્તાનો ‘ધ લેટર’ નામે અંગ્રેજી અનુવાદ ઘણો વખણાયો છે. નગીનદાસ પારેખનો ‘ઘરે બાહિરે’નો અનુવાદ આદર્શ ગણાય છે. ગ્યૉટેને અભિજ્ઞાન શાકુન્તલમના અનુવાદમાંથી વિશ્વસાહિત્યની વિભાવના મળી હતી. મહાકવિ બાણની ‘કાદંબરી’નો ભાલણે કરેલો ગુજરાતી પદ્યાનુવાદ એ સફળ અનુવાદ છે. ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો ત્યારે એમણે વિચાર્યુ, ‘આ પુરસ્કારની રકમમાંથી શ્રેષ્ઠ મરાઠી કવિતાઓને ગુજરાતીમાં અનુવાદિત કરાવીશ.’ મરાઠી કે અન્ય કોઈ જ્ઞાનપીઠ સર્જકોને આવો ઉમદા વિચાર હજુ સુધી આવ્યો નથી! અનુવાદના અભાવે ઉત્તમ ગુજરાતી કૃતિઓ વિશ્વસાહિત્ય પાસે બહુ ઓછી પહોંચી છે. સંસ્કૃતની કૃતિઓ ગુજરાતીમાં અનૂદિત થઈ છે અને ગુર્જરી સમૃદ્ધ થઈ. ટી.એસ. એલિયટ સમગ્ર વિશ્વમાં પહોંચ્યા એના કારણમાં એમને ઉત્તમ અનુવાદકો મળ્યા હતા. કેટલાક અનુવાદ મૂળ કૃતિ કરતાં પણ ચડિયાતા થયા છે. રવીન્દ્રનાથ ટાગોરની મૂળ કૃતિનો ઝવેરચંદ મેઘાણીએ કરેલો અનુવાદ ‘મન મોર બની થનગાટ કરે’ એનું જ્વલંત ઉદાહરણ છે. ‘ગીતાંજલિ’નો અંગ્રેજીમાં અનુવાદ ન થયો હોત તો રવીન્દ્રનાથને ક્યારેય નોબેલ પ્રાઇઝ મળ્યું ન હોત! શબ્દશઃ અનુવાદ શુષ્ક હોય છે, ભાવવાહી અનુવાદ ઉત્તમ ગણાય છે. અનુવાદકાર્ય ધારીએ એટલું સહેલું નથી. ગૂગલ ટ્રાન્સલેટ ખપ પૂરતું કામ લાગી શકે. અનુવાદ એક વિજ્ઞાન છે, જેમાં પૂર્વધારણાથી પ્રસ્થાપન સુધીની વૈજ્ઞાનિક પ્રક્રિયા આવી જાય છે. મધ્યકાળમાં મુસ્લિમ સલ્તનત હોવા છતાં અરબી-ફારસી-ઉર્દૂમાંથી સાવ ઓછું સાહિત્ય અનુવાદિત થયું છે. દિલ્હીની સાહિત્ય અકાદમી તથા નૅશનલ બુક ટ્રસ્ટ દ્વારા ભારતની અનેક પ્રાદેશિક ભાષાઓનાં પુસ્તકો ગુજરાતીમાં અનુવાદિત થયાં છે. ગુજરાત સાહિત્ય અકાદમી અનુવાદ પુસ્તક પ્રકાશન માટે 30 હજાર અને શ્રેષ્ઠ અનુવાદિત પુસ્તકને 51 હજાર રૂપિયા રકમ આપીને અનુવાદકાર્યને વેગ આપે છે. અનુવાદ ક્રિએટિવ ન હોય તો કૃતિ મરી જાય છે. સર્જન એ કાયાકલ્પ છે તો અનુવાદ તો કાયાકલ્પનો પણ કાયાકલ્પ છે. અનુવાદ એ છોડને એક જમીનમાંથી કાઢીને બીજી જમીનમાં રોપવા જેવું છે, એક શીશીમાંથી બીજી શીશીમાં અત્તર નાખવા જેવું છે. સીધી નકલથી અનુવાદ કૃતક બને છે. જે તે પ્રદેશ પ્રમાણે કૃતિ ઢાળવાથી વાચકને એમ લાગે છે કે આ તો મારી ભાષાની જ વાત છે. અનુવાદકના અશ્વની સવારી ન આવડે તો એ પછાડી પણ દે. સેન્સવાળા રૂપાંતરથી સર્જન નિખરે છે. આજે ઇન્ટરનેટ અને ઇન્સ્ટન્ટના જમાનામાં ધીરજ ખૂટતી જાય છે, ત્યારે સવારે અનુવાદ થયેલાં પુસ્તકો બપોરે બજારમાં આવી જાય છે અને સાંજ પડ્યે પસ્તી થઈ જતાં હોય છે. આવજો... ‘કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.’ - જે. કૃષ્ણમૂર્તિ
    Click here to Read More
    Previous Article
    લક્ષ્યવેધ:સફળતાનો રસ્તો કંટાળાજનક જ હોય
    Next Article
    એન્કાઉન્ટર:ફિલ્મ ‘શોલે’માં વીરુ બસંતીને નાચવાની ના કેમ પાડે છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment