Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટૂંકી વાર્તા:બેફિકર

    7 hours ago

    લીના કાપડિયા ઘરમાં મહેમાન આવવાના હતા. શિખાએ નવ વર્ષના મનીષને સમજાવી રાખ્યું હતું, ‘પપ્પાના બિઝનેસ પાર્ટનર આવવાના છે. જરા સખણો રહેજે અને ડાહ્યો થઈને જે પૂછે એ પ્રશ્નોના જવાબ આપજે.’ મનીષે હકારમાં માથું હલાવ્યું હતું. મહેમાનને આવતાં જરા મોડું થયું. મનીષ ત્યાં સુધીમાં મહેમાન વિશેની આખી વાત ભૂલી ગયો હતો અને ફ્રાયમ્સ ખાવામાં અને આમતેમ ફેંકવામાં પડ્યો હતો. બેલ વાગી ત્યારે અચાનક એને ખ્યાલ આવ્યો કે એણે વ્યવસ્થિત છોકરા તરીકે ઉપસ્થિત થવાનું હતું. એણે પોતાનું શર્ટ બરાબર કર્યું. મમ્મીએ દરવાજો ખોલ્યો. અંકલ, આન્ટીની સાથે એના જેટલી જ ઉંમરની એક છોકરી હતી. એના પોતાનાથી ખૂબ વ્યવસ્થિત, સુંદર, સજીને આવેલી પરી. મમ્મીએ અંકલ, આન્ટીની ઓળખાણ કરાવી. પરીની ઓળખાણ કરાવતાં મમ્મી બોલી, ‘મનીષ, આ રૂપ છે. આ મારો દીકરો મનીષ.’ પછી અંકલ, આન્ટીએ એને ઘણા પ્રશ્નો પૂછ્યા જેના જવાબ મનીષ આપી શક્યો નહીં. મહેમાનના ગયા પછી શિખાએ મનીષને ધમકાવ્યો, ‘જોયું, રૂપ કેટલા આત્મવિશ્વાસથી બોલતી હતી, કેવી સરસ રીતે વાતો કરતી હતી અને તું તો તતપપ થઈ ગયો. કેવી સરસ સ્કૂલમાં મૂક્યો છે તો પણ…’ મનીષને મમ્મીની વાત તો સાચી લાગી એટલે જવાબ આપવાને બદલે એ ફરી ફ્રાયમ્સ ફાંકવા લાગ્યો. જોકે, પપ્પા આકાશે મનીષના માથે હાથ ફેરવ્યો. બીજા દિવસે નીચે રહેતાં આરતીબેનને ત્યાંથી ઊંધિયું આવ્યું. ‘ખરેખર ઊંધિયું બહુ સરસ બન્યું છે, નહીં?’ આકાશે બે-ત્રણ વાર ઊંધિયાના વખાણ કરતાં આંગળી ચાટતાં કહ્યું. શિખાએ હકારમાં માથું હલાવ્યું. સોસાયટી મોટી હતી અને વાટકા-વ્યવહાર શિખાનો ઘણા લોકો સાથે હતો એટલે બે દિવસ પછી મારુબેન ઘરમાં બનાવેલા લાડુ આપી ગયાં. લાડુ ઘણા સારા બન્યા હતા. ઉત્સાહથી આકાશે બે લાડુ મોઢામાં મૂકતાં કહ્યું, ‘ખરેખર મારુબેન જેવા લાડુ કોઈ બનાવી ન શકે. એમનો હાથ બેસી ગયો છે.’ શિખાએ હકારમાં માથું હલાવ્યું. ડિસેમ્બર મહિનો હતો એટલે સોસાયટીમાં કાર્નિવલની ગોઠવણી કરી હતી. ઘણી સ્ત્રીઓએ જુદી જુદી વાનગીઓના અને રમતના સ્ટોલ્સ પણ રાખ્યા હતા. શિખાએ સ્ટોલ રાખ્યો ન હતો. આકાશે શિખાને એનું કારણ પૂછ્યું, ‘તું તો દર વર્ષે સ્ટોલ રાખે છે. આ વખતે કેમ નથી રાખ્યો?’ ‘મારાથી ઘણી સારી વાનગીઓ બનાવનારા છે આપણી સોસાયટીમાં.’ શિખાએ કહ્યું. ‘તો?’ ‘મારું ન વેચાય તો?’ ‘પણ તારાં દહીંવડાં અને છોલે-ભટુરે તો પ્રખ્યાત છે આપણી સોસાયટીમાં. દર વર્ષે તો વેચાઈ જાય છે.’ ‘એ તો છે પણ…’ ‘પણ…?’ ‘મને આત્મવિશ્વાસનો અભાવ લાગે છે.’ ‘કેમ?’ આકાશે પૂછ્યું. શિખાએ જવાબ ન આપ્યો. બે દિવસ પછી જમતી વખતે શિખાએ કહ્યું, ‘કદાચ તારે લીધે જ મારો આત્મવિશ્વાસ ચાલ્યો ગયો છે.’ ‘મેં શું કર્યું?’ આકાશે પૂછ્યું. ‘જેના પણ ઘરે જઈએ આંગળી ચાટી ચાટીને વખાણ કરતાં ખાય. જાણે કોઈ દિવસ એવી ટેસ્ટી વાનગી જ ન ખાધી હોય અને કોઈ કંઈ પણ આપી જાય વખાણનો એવો અતિરેક કરે ને! મને તો એમ જ લાગવા માંડ્યું છે કે જાણે હું કાંઈ સારું બનાવતી જ નથી.’ ‘પણ મેં એવું ક્યારે કહ્યું?’ ‘તું મોઢેથી નથી બોલ્યો પણ તારું વર્તન એવું દર્શાવે છે.’ ‘અને તેં આત્મવિશ્વાસ ગુમાવી દીધો?’ ‘નવાઈની વાત છે પણ હા.’ ‘તો તું તો આખો દિવસ મનીષની બીજા સાથે સરખામણી કરીને ઉતારી પાડે છે તો એનો આત્મવિશ્વાસ કેવી રીતે કેળવાશે? એણે તો જીવનમાં હજી હરણફાળ ભરવાની છે. આત્મવિશ્વાસ વિના તો કોઈ કાર્ય એ હાથ પર લઈ જ નહીં શકે,’ આકાશે કહ્યું. શિખાએ સોફા પર બેઠેલા મનિયા સામે જોયું. એ ચણાને ઉપર ફેંકીને પોતાના મોઢામાં ઝીલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ‘તમને લાગે છે આ લબાડને કોઈ અસર થતી હશે?’ શિખાએ હસીને પ્રેમથી કહ્યું અને ઉમેર્યું, ‘ઠીક છે. હવે હું ધ્યાન રાખીશ.’ ‘અને તું નીચે સ્ટોલ રાખજે.’ ‘ઓફ કોર્સ,’ શિખાએ પ્રત્યુત્તર આપ્યો. એ સાંજે શિખા મનીષને ગણિત કરાવી રહી હતી. આકાશ બધા માટે સેન્ડવિચ બનાવી રહ્યો હતો. મનીષના સાતમાંથી ત્રણ દાખલા સાચા પડ્યા. મનમાં તો શિખા અકળાઈ પણ મનીષને કહ્યું, ‘તારા ત્રણ દાખલા સાચા છે. સરસ.’ ‘હું પાણી પી આવું?’ મનીષે પૂછ્યું. ‘હા,’ શિખાએ જવાબ આપ્યો. મનીષ છાતી ફુલાવીને પાણી લેવા ગયો. એ જોઈને શિખાને હસવું આવ્યું. મનીષે શિખાએ ફ્રિજ પર ટિંગાડેલું પોતે દોરેલું ચિત્ર જોયું. એ પોરસાયો. ‘આ તો મારું ડ્રોઇંગ છે!’ એણે ઉત્સાહથી કહ્યું. ‘હા, સરસ છે એટલે મેં ફ્રિજ પર મૂક્યું છે,’ શિખાએ કહ્યું. મનીષે છાતી 56 ઇંચની કરી. ‘મને વધારે દાખલા આપ. હું કરીશ,’ મનીષે કહ્યું. શિખાએ આશ્ચર્યથી મનીષ સામે જોયું. શિખાને થયું આ બેફિકર ચહેરાની પાછળ એક ભાવુક ચહેરો હતો જેના પર એના દરેક શબ્દની અસર થતી હતી. આકાશને યાદ આવ્યું; પિતાની સરખામણી કરવાની આદતને કારણે એણે પોતે કેટલી મોટી તકો ગુમાવી દીધી હતી, પણ એ ચર્ચા કરવાની હવે કોઈ જરૂર ન હતી.
    Click here to Read More
    Previous Article
    જીવનના હકારની કવિતા:જીવનના બ્લેકબોર્ડ પર મીંડાની ગણતરી…
    Next Article
    અપડેટ .:તમારો ફોન તમારી વાતો સાંભળે છે એ વાત કેટલી સાચી?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment