Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અક્ષરનો અજવાસ:સંધ્યા શ્રાવણની રમે હોળીયે રે લોલ…

    10 hours ago

    જયેન્દ્રસિંહ જાદવ શરાવણની એક સંધ્યાએ બેસીને હું આકાશમાં છવાયેલી લાલિમાને નીરખી રહ્યો છું. સાંજના છ વાગવા આવ્યા છે. આજે રજા છે એટલે ગામ આવ્યો છું. ગામડામાં શ્રાવણનાં હોવાપણાની વિશેષ અનુભૂતિ થાય છે. ગામની સીમમાં આવેલા શિવ મંદિરે દર્શન કરવા જવું છે. હવે હું નીકળી પડ્યો છું નેળિયામાં થઈને સીમમાં આવેલ રામેશ્વર મહાદેવનાં દર્શને જવા. સંધ્યા બરાબર ખીલી છે કોઈ મહાન ચિત્રકાર આ ખીલેલી સંધ્યાનું ચિત્ર કેનવાસ પર ઉતારે તો કેવું ઉતારે! કવિ દાદની રચના મનોમન યાદ આવે છે; ‘આભમાં ઊડે અબીલ ગુલાલ રે, સંધ્યા શ્રાવણની રમે હોળીયે રે લોલ. એણે એક રે ફૂલડું ઝંબોળીને ફેક્યું રે લોલ…’ ધરતી આખી થઈ ગઈ છે, રંગચોળ રે... આ રંગો માત્ર આકાશને જ નહીં, પણ જોનારના અસ્તિત્વને પણ રંગી નાખે છે. દિવસે વાદળા હતા એટલે દિવસે આકાશમાં છવાયેલા મેઘાડંબર વચ્ચે સૂર્યનો જે થોડોઘણો અંશ બચ્યો હતો, તે પણ હવે ધીમે ધીમે ક્ષિતિજમાં ઓગળી રહ્યો છે. ઓગળવું કેટલું સહજ હોવું જોઈએ તે સમજાઈ રહ્યું છે. નેળિયામાં આસપાસ બંને તરફ વૃક્ષો છે. આ વૃક્ષો પરનાં માળા અને બખોલમાં પાછા ફરેલા પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો છે. નાદબ્રહ્મની પરમ અનુભૂતિ થઇ રહી છે. મને લાગી રહ્યું છે કે દિવસના કોલાહલ પછી આવતી આ સાંજ માત્ર દિવસનો અંત નથી, પણ તે દિવસ અને રાત્રિને જોડતો સેતુ છે. પ્રકાશ અને અંધકાર વચ્ચે, આકાર અને નિરાકાર વચ્ચેનો અભેદ્ય સંબંધને સ્થાપિત કરવો એ જ એનો હેતુ છે. હું આગળ વધી રહ્યો છું સાંજ વધુને વધુ ઢળી રહી છે, એકાદ વાદળી જાણે પૃથ્વીની વધુ નજીક આવવા મથી રહી હોય તેમ લાગે છે. આ વાદળી હવે ધીમે ધીમે વરસવા લાગી છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે જેમાં શ્રાવણમાં અસ્તિત્વ સાથે એકાકાર થવાની વાતને અત્યંત સુંદર રીતે વર્ણવવામાં આવી છે: ‘कः प्रसूते पूरोवातं कः प्रेरयति वारिदम्। प्राप्ते तु श्रावणे मासि भवत्येकार्णवं जगत्॥.’ અર્થાત્ પૂર્વના પવનોને કોણ સર્જે છે? વાદળોને કોણ પ્રેરે છે? શ્રાવણ માસના આગમનથી તો સમગ્ર જગત એકરૂપ, એક મહાસાગર જેવું બની જાય છે. મારા મનમાં આવા અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. સાંજના આ ઝાંખા પડતા ઉજાસમાં આગળ વધતા મારા પગલાઓ ખરેખર એવો જ અહેસાસ કરાવે છે કે આકાશ અને ધરતી વચ્ચેનો ભેદ હવે ભૂંસાઈ રહ્યો છે. આ એક એવી અવસ્થા છે જ્યાં મારું અને તારું, અંદર અને બહાર—બધું જ ઓગળીને એકરસ થઈ જાય છે અને ચેતનાનું એક નવું જ સ્તર ઊઘડે છે. આમ વિચારતા વિચારતા હું ક્યારે આગળ વધી ગયો ખબર જ ન રહી. રસ્તામાં અમારું ખેતર પણ આવ્યું પણ મને એ ખ્યાલ જ ન રહ્યો ! કપડાં ભીનાં થયાં છે. મારા કપડામાંથી જે પાણી ટપકે છે તેમાંથી અજાણતા જ માલિકીનો ભાવ અને અહંકાર ક્યાંક નીતરી ગયો હશે એમ લાગે છે, શ્રાવણની આ સાંજ એ રીતે મારાપણાનાં માલિકીભાવને ખંખેરી રહી છે. નિરાલાની કવિતામાં એમ આવે છે: ‘दिवसावसान का समय मेघमय आसमान से उतर रही है वह संध्या-सुंदरी परी-सी- धीरे धीरे धीरे.’ શ્રાવણની આ સાંજ પણ એ ‘સંધ્યા-સુંદરી’ માફક જ કોઈ પણ જાતના ઘોંઘાટ વિના, અત્યંત નીરવ પગલે, સીમના અવાવરું રસ્તાઓ થકી મારા મનની ભીતર ઊતરી રહી છે. આ સાંજ કોઈ વાદ્ય નથી વગાડતી, છતાં તેના મૌનમાં એક પ્રચંડ નાદ છુપાયેલો છે. નિરાલાજી બહુ સ્પષ્ટ રીતે એ મૌનને સાંભળી શકે છે. તેઓ કહે છે કે આ સાંજના નૂપુરોમાં રણઝણાટ નથી, પણ આખા બ્રહ્માંડમાં માત્ર એક અવ્યક્ત શબ્દ ગુંજી રહ્યો છે. વરસાદ ધીરે ધીરે વધી રહ્યો છે. હું એમાં ભીંજાઈ રહ્યો છું. મને એવી અનુભૂતિ થઇ રહી છે કે જ્યારે બહારનો વરસાદ આપણને ભીંજવતો હોય, ત્યારે આપણી અંદર પણ એક શ્રાવણ આકાર લઈ રહ્યો હોય છે. કવિ ઉમાશંકર જોશી લખે છે: ‘શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર; તું વરસીને રહી જશે, એના બારો માસ નિતાર.’ બહારનો શ્રાવણ કદાચ થોડા સમયમાં વિદાય લેશે, પણ ભીતરનો જે ખાલીપો છે, સ્મૃતિઓનો જે વરસાદ છે, તેનો નિતાર તો બારેમાસ રહેવાનો છે. ચાલતા ચાલતા હવે અંધારું વધુ ઘૂંટાયું છે. દૃષ્ટિની મર્યાદા પૂરી થાય છે અને સ્પર્શ તથા ગંધનું સામ્રાજ્ય શરૂ થાય છે. રસ્તામાં આવતા જૂના વડલા નીચેથી પસાર થતી વખતે, પાંદડા પરથી ટપકતું એક મોટું ટીપું સીધું કપાળ પર પડે છે અને જાણે હજારો વર્ષોની સુષુપ્ત ચેતના ઝબકીને જાગી ઉઠે છે. હવામાં તરતી ભીની માટીની સુગંધ અને અંધારામાં વૃક્ષોના પાંદડાં પરથી ટપકતા પાણીનો લયબદ્ધ અવાજ મનને એક અનોખી ચેતનાથી ભરી દે છે. નેળિયું પૂરું થાય છે અને સીમના છેવાડે આવેલું રામેશ્વર મહાદેવનું નાનકડું રમ્ય શિવાલય દેખાય છે. ગર્ભગૃહમાં અંધારું છે. ગર્ભગૃહમાં ટમટમતો દીવો જાણે આખાય જગતમાં અસ્તિત્વનો એકમાત્ર સાક્ષી હોય તેમ પ્રજ્વલિત છે. ભીના વાને અને ભીના મને હું ગર્ભગૃહમાં પ્રવેશું છું. શ્રાવણની આ સાંજ, જે બહાર વાદળોના ગડગડાટ અને વરસાદના સ્વરૂપમાં હતી, તે અહીં શિવલિંગની આસપાસ પ્રસરેલી નીરવ શાંતિમાં જાણે વિલીન થઈ ગઈ છે. શબ્દો અને મૌન વચ્ચે અટવાયેલી આ શ્રાવણની સાંજ, શિવના દર્શનથી પૂર્ણતા પામે છે. અંદર બહાર બધું જ ભીનું છે. બહાર શ્રાવણ નીતરી રહ્યો છે ને અંદર નેણ.. આ ક્ષણે જ મારું મન મહાદેવને મનોમન જળાભિષેક કરતા કરતા ગઈ ઉઠે છે કે; ‘આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી આ કપૂર-કાયા સરી જશે કોઇ ઝીલો જી પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઇ ઝીલો જી. આ જતિ-સતીનાં તર રેલે કોઇ ઝીલો જી પેલા શિવલોચન-અંબાર હો કોઇ ઝીલો જી…’ - બાલમુકુન્દ દવે અંતે, હું ચોર હોઉં તો બુદ્ધનાં નયનમાંથી શાંતિ ચોરીને ભાગી જાઉં. - વિપિન પરીખ }
    Click here to Read More
    Previous Article
    અમલપિયાલી:કોઈ ગમે તેટલું મથે પણ શબ્દ હંમેશાં અધૂરી અભિવ્યક્તિ જ રહે છે
    Next Article
    લક્ષ્યવેધ:સફળતાનો રસ્તો કંટાળાજનક જ હોય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment