Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓફબીટ:મીરાં, તમને મળવા અમે અધીરાં

    10 hours ago

    મીરાંબાઈ આધુનિક છે. એમનો પ્રત્યેક શબ્દ ચમત્કાર છે. એમનો કૃષ્ણ આપણી જેમ જ એમનો અંગત છે. સમર્પણ પછીની ખુમારી મીરાંબાઈની વિશેષ છે. જેના ઘટમાં ગોવિંદ છે એમને જગત ન્યારું લાગે? ગોવિંદો પ્રાણ અમારો રે, મુને જગ લાગ્યો ખારો રે, મુને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે નાવે રે. સ્ત્રી હોય કે પુરુષ, એકલતા સહન કરવાની બાબતે જાતે જ ઝઝૂમવું પડે છે. મીરાંબાઈને એમના સમયમાં અપાર લોકચાહના મળી. એ બહુ ઓછા લોકોથી સહન થયું. નજીકના સંબંધો જ નિરાશા આપે અને એ સંબંધો જ ચાવીરૂપ બનીને અસમંજસનાં તાળાં ખોલી આપે! મીરાંબાઈને હૃદય કૃષ્ણ જ પૂર્ણ. કૃષ્ણ સિવાય કશું પણ ન ખપે. આજના સમયમાં મીરાંબાઈ હોત તો? હોત તો પણ એટલાં જ પ્રસ્તુત હોત જેટલાં પહેલાં છે. ગુજરાતી કવિતામાં એમનું પ્રદાન અજોડ છે. ખાનાંનાં બહાનાંઓમાં ગોઠવીને મીરાંબાઈને મૂલવી શકાય એમ નથી. આજે પણ અસંખ્ય પદો રોજ ક્યાંક ને ક્યાંક મીરાંબાઈને નામ ગવાય છે. સંગીતે એમને પૂજ્ય અને પ્રિય રાખીને દરેક ગાયકના કંઠમાં બિરાજમાન કર્યાં છે. મેવાડની તપતી ધરતી પર મીરાંબાઈએ ભક્તિનાં વાદળોને સાંબેલાધાર વરસાવ્યાં છે. દ્વારકાથી પ્રભુ ડાકોર પધાર્યા, ડાકોરને કીધું કાશી, મોરલીવાળો રે વ્રજવાસી. દ્વારકાથી ડાકોર આવ્યું એ કોણ? મોરલીવાળો વ્રજવાસી આજે ઓળખવો કઈ રીતે? શબ્દ અને શ્યામ મીરાંબાઈમાં એકરૂપ છે. જેમણે પોતાના આત્મા પર ‘મેરે તો ગિરિધર ગોપાલ'નું ટેટૂ ચિતરાવ્યું છે. એ જ ‘કાનુડો શું જાણે મારી પ્રીત' એવી લાગણી પણ પ્રગટ કરે છે. ‘જૂનું તો થયું રે દેવળ' એમ કહીને પ્રેમની કટારી લાગ્યાના રોમાંચને પણ શબ્દવગો કરે છે. આંબલિયાની પકડેલી ડાળમાં મુખડાની માયાનો તારણહાર શ્યામસુંદર મોરલીવાળો જ છે. રામ રાખે તેમ રહીએ અને રામ રમકડું જડિયું એ બંનેમાં રૂડી ને રંગીલી વ્હાલાની વાંસળીની વાદલડી જ વરસે છે. મીરાંબાઈનો શબ્દ અચરજના રોમાંચનું દર્શન છે. મીરાંબાઈ જેવું થવામાં સહજાવસ્થાને અનુભવવી પડે. જે જળમાં ને વાદળમાં તે જ પતિ અને એ જ વનસ્પતિ - એ રાગને આલાપવો પડે. કવિ નિરંજન ભગત મીરાંબાઈ વિશે હૈયું ભરાઈ જાય એવું ઘેરાઈને બોલ્યા છે. ભગતસાહેબની આંખે મીરાંબાઈને પામવા જેવા છે. ભગતસાહેબ લખે છે. ‘મીરાં રહસ્યદર્શી હતી, ભક્ત હતી, સંત હતી. એનું દર્શન એકતાનું દર્શન હતું. સમન્વયનું દર્શન હતું. સામંજસ્યનું દર્શન હતું. સર્વધર્મ સમભાવનું, દર્શન હતું. મીરાં કોઈની ન હતી અને સૌની હતી. કોઈ એનું ન હતું, અને સૌ એનું હતું. એનામાં સગુણ-સાકારનો અનુભવ છે અને નિર્ગુણ-નિરાકારનો અનુભવ છે. સમકાલીન વિષ્ણુભક્તિ, શિવભક્તિ, રામભક્તિ - ભક્તિમાર્ગથી અને સંતપરંપરાથી પણ મીરાં પર છે. મીરાંની ભક્તિ ભલે કૃષ્ણભક્તિ છે પણ મીરાંનો કૃષ્ણ ઐતિહાસિક કે પૌરાણિક કૃષ્ણ નથી, મહાભારતનો કે ભાગવતનો કૃષ્ણ નથી. મીરાંનો કૃષ્ણ એનો અંગત કૃષ્ણ છે, જે કૃષ્ણને એણે આત્મસાત કર્યો છે એ કૃષ્ણ છે. મીરાં સ્વયં ગોપી છે, રાધા છે, કૃષ્ણની પત્ની છે, પ્રિયા છે, સખી છે, દાસી છે. મીરાં કૃષ્ણની સાથે સ્વકીયા, પરકીયા રૂપે મિલન, વિરહ, સંભોગ, શૃંગાર, વિપ્રલંભ શૃંગાર અને અંતે શાંતરસ અનુભવે છે. મીરાંની ભક્તિ પ્રેમલક્ષણા ભક્તિ છે. મીરાંની આ ભક્તિનો ‘પેંડો ન્યારો' છે. આમ, મીરાંનો પરમેશ્વર, પંથમાં નથી, ગ્રંથમાં નથી, અરે, ગોકુળ-વૃંદાવનમાં પણ નથી. મીરાંનો પરમેશ્વર તો છે મીરાંના હૃદયમાં. મીરાં એટલે હૃદય, માનવહૃદય. સિક્સ પોકેટ જીન્સ અને ચાઈનીઝ કૉલર શર્ટ પહેરતી પેઢીને મીરાંબાઈ માટે આશ્ચર્ય થાય જ. એમના વતી મીરાંબાઈને પત્ર લખ્યો છે. મીરાં, તમને મળવા અમે અધીરાં. તમને પત્ર લખવા માટે સંબોધનની નહીં, આત્મ સંશોધનની જરૂર પડે. તમે જે કંઈ કર્યું એ પ્રેમ જ છે. સ્ટ્રીટ લાઈટના અજવાળાને ચાંદની રાતના અજવાળાની ખબર ક્યાંથી હોય? ગઈકાલે રાત્રે સ્વપ્નમાં તમારો એકતારો ઉછીનો લઈને કૃષ્ણને ભજવા બેઠો. એકતારાએ કહ્યું: "આ આંગળીઓ મીરાંની નથી. હું નહીં વાગું!’ તમને કૃષ્ણ મળે તો એને કહેજો કે મારે મીરાં બનવું છે. ઑન ધ બીટ્સ "જો, પ્રભુ, મારે મંદિરે પધારો તો રાખીશ ગુલાબ-ચમેલીમાં, બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, તમ માટે તો ખપી ઘેલીમાં.’ - મીરાંબાઈ
    Click here to Read More
    Previous Article
    ગતકડું:જેની પાસે રિમોટ હોય એ રાજા
    Next Article
    રેઈનબો:મધર ટેરેસા : પરમાર્થની પોસ્ટ અને સેવાનું સદન

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment