Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેઈનબો:મધર ટેરેસા : પરમાર્થની પોસ્ટ અને સેવાનું સદન

    10 hours ago

    રક્ષા શુક્લ એ કવાર ખલીલ જિબ્રાન એક ખેતર પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં એમની નજર ચાડિયા પર પડી. તેમણે મનોમન ચાડિયાને સવાલ કર્યો, ‘તને એક જ અવસ્થામાં અવિરત ઊભા રહેવાનો થાક નથી લાગતો?’ ત્યારે ચાડિયો જવાબ આપતો હોય એવું લાગ્યું, ‘પ્રકૃતિના પરિસરમાં રહેવાની મને મજા આવે છે. સૂર્ય-ચંદ્રની આવ-જા, ઉષા-સંધ્યાના મનમોહક રંગો અને રાતનું તારા ભરેલું આકાશ મને મોહે છે. પંખીઓનો ટહુકાર અને ઝરમર ઝરતો વરસાદ મને સતત આકર્ષે છે. એથીય વધુ સેવા કરવાની મને તક મળી છે એનો આનંદ ઓર છે.’ ઈશ્વરે જ્યારે માણસનો દેહ આપી અહીં ધરતી પર મોકલ્યા છે ત્યારે કોઈ નિસ્વાર્થ સેવા કરી ઈશ્વર તરફનું ઋણ અદા કરવું જોઈએ. મોરારિબાપુ જેમ સત્ય, પ્રેમ અને કરુણાની વાત સતત કરતા રહે છે તેમ મધર ટેરેસાનો જીવનમંત્ર પણ પ્રેમ અને કરુણા હતા. તેમની માનવસેવાની મહેક સર્વત્ર પથરાયેલી હતી. કુષ્ઠરોગીઓ, સમાજથી બહિષ્કૃત એવા દર્દીઓ, એઈડ્સ જેવા અસાધ્ય રોગથી પીડાતા મનુષ્યો આદિની આજીવન સેવા કરવી તે જ મધર ટેરેસાનાં જીવનનો ધર્મ બની રહ્યો. તેમની સેવા દયાથી નહીં પણ કરુણાથી પ્રેરાયેલી હતી. લગભગ પોણી સદી જેવા દીર્ઘકાળ સુધી ‘બ્લેસેડ ટેરેસા ઓફ કલકત્તા’ના હુલામણા નામે વિશ્વભરમાં આદરપૂર્ણ સ્થાન પામેલાં મધર ટેરેસા હંમેશાં કહેતાં, ‘મનુષ્યજાતને રોટલાની ભૂખ કરતાં પ્રેમ માટેની ભૂખ ઘણી વધુ છે અને તેને તૃપ્ત કરવાનું કામ ઘણું મોટું છે.’ બાળપણથી ધાર્મિક એવાં મધર ટેરેસાએ 18 વર્ષની ઉંમરે સિસ્ટર થઈ મિશનરી બનવા માટે ઘર છોડ્યું. સંયમપૂર્ણ જીવનનો રાહ લીધો. મધર ટેરેસા ભારતીય નાગરિકત્વ ધરાવતાં એક આલ્બેનિયન રોમન કેથોલિક નન હતાં. તેમણે કલકત્તામાં ઠેક-ઠેકાણે ચેરિટી મિશનરીની સ્થાપના કરી હતી. 45 વર્ષ સુધી અવિરત સેવા કરી. મધરે પ્રથમ ભારતભરમાં અને ત્યાર બાદ અન્ય દેશોમાં ચેરિટી મિશનરીના વિસ્તરણ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું. 1970ના દાયકા સુધીમાં તો તેઓ ગરીબ, બીમાર, તરછોડાયેલાં અને અસહાય લોકોનાં બેલી તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામી ચૂક્યાં હતાં. તેમનાં જીવન વિશે ફિલ્મો અને પુસ્તકો પણ લખાયાં. તેમનાં મૃત્યુ સમયે 123 દેશોમાં આવાં 610 મિશન ચાલતાં હતાં. મધર ટેરેસાને નજીકથી જાણનારાં કહે છે કે તેમની સાથે હેન્ડશેક કરવાથી એવી ઉષ્માનો અનુભવ થતો હતો કે તેમની સાથે જોડાયાં વિના છૂટકો જ ન થાય. એમનાં અસ્તિત્વનું આભામંડળ અંતરને ટાઢક આપનારું હતું. પોતાનાં જીવનના અંતિમ દિવસો સુધી તેઓ ગરીબ લોકોનાં શૌચાલય સાફ કરતાં હતાં. તેમણે નનનાં વસ્ત્રોનો ત્યાગ કરી ભારતીય સાડી અપનાવી લીધી હતી. આ સાડી તેમની ખાસ ઓળખ એટલે બની, કેમ કે આ સાડી રંગબેરંગી નહીં પણ સફેદ રંગની હતી અને તેની ચારે બાજુ વાદળી રંગની બોર્ડર રહેતી. તેઓ હંમેશાં આ જ સાડીમાં જોવા મળતાં. એ એમની ઓળખ બની. મધરે માત્ર પહેરવેશ જ નહીં પણ પોતાની રહેણીકરણી પણ ભારતીય જ કરી નાંખી હતી. બહુ જ ઓછા સમયમાં ભારતીય સંસ્કૃતિ સાથે અનુસંધાન સાધી લીધું. તેમને ચોકલેટ બહુ ભાવતી. તેમનું અવસાન થયું ત્યારે તેમના ટેબલના ખાનામાં પણ કેડબરી ચોકલેટ પડેલી હતી. 1962માં મધર ટેરેસાને પદ્મશ્રી એનાયત કરીને ભારતે તેમનું પ્રથમ બહુમાન કર્યું હતું. 1979ના સમયમાં તેમને નોબેલ પારિતોષિક અર્પણ થયું. 1980માં ભારતના સર્વોચ્ચ નાગરિક બહુમાન ‘ભારતરત્ન’થી તેમને સન્માનિત કરાયાં. ઇન્ડિયન એરલાઇન્સ તથા એર ઇન્ડિયાએ મધર ટેરેસાની સેવાઓની કદર રૂપે તથા ભારતીય સમાજ પરના તેમના પ્રભાવને પારખીને તેમને ભારતમાં કે વિશ્વમાં ગમે ત્યાં નિઃશુલ્ક વિમાન મુસાફરીની સગવડ કરી આપી હતી. ભારતીય રેલવે દ્વારા પણ આવી જ સવલત મધરને પૂરી પાડવામાં આવી હતી. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર નવીન ચાવલાએ મધર ટેરેસાની જીવનકથા લખી છે. મધર ટેરેસાને તેઓ 1975માં પ્રથમવાર મળ્યા હતા. નવીન ચાવલાએ બીબીસીને જણાવેલું કે ‘મેં એક બાબત નોંધી હતી કે મધર ટેરેસાની સાડી એકદમ સ્વચ્છ હતી, પણ તેમાં ઘણી જગ્યાએ રફૂ કરવામાં આવેલું હતું, જેથી તે ફાટેલી ન દેખાય.’ મેં કોઈ સિસ્ટરને પૂછ્યું હતું કે ‘મધરની સાડીમાં આટલાં બધાં રફૂ કેમ કરેલાં છે?’ તો તેમણે કહ્યું કે ‘નિયમ અનુસાર અમારી પાસે માત્ર ત્રણ જ સાડી હોવી જોઈએ. એક પહેરવા માટે, એક ધોવા માટે અને એક ખાસ પ્રસંગોએ પહેરવા માટે.’ મધર ટેરેસા પાસે પણ ત્રણ જ સાડી હતી. તેમણે પોતાની મરજીથી આવી રીતે ગરીબીને અપનાવી હતી, તેમની કોઈ મજબૂરી નહોતી. ગંભીર કાર્ય કરવા છતાં અને સતત દુઃખી અને પરેશાન લોકોની વચ્ચે રહેવા છતાં તેમનામાં સેન્સ ઓફ હ્યુમર અકબંધ રહી હતી. તેઓ કહેતાં કે ‘હું ગરીબ લોકો પાસે ઉદાસ ચહેરો લઈને ન જઈ શકું. આ દુનિયા પર આપણે મોત અને દુઃખ નહીં, બલકે શાંતિ અને આનંદ ફેલાવીએ.’ ધર્માંતરણના આરોપ પણ મધર પર લાગતા રહ્યા છે. પત્રકાર અને લેખક ક્રિસ્ટોફર હિચેન્સે 1994માં ‘હેલ્સ એન્જલ’ નામની એક ડોક્યુમેન્ટરી બનાવી હતી જેમાં ટેરેસાના ચેરિટી કાર્યની ટીકા કરી હતી. મધરે કહ્યું હતું કે ‘હું તમામ ધર્મોને પ્રેમ કરું છું. જો કોઈ હિન્દુ છે તો તે વધુ સારા હિન્દુ બને, મુસ્લિમ વધુ સારા મુસ્લિમ બને અને ખ્રિસ્તી વધુ સારા ખ્રિસ્તી બને.’ સેવા કરનારે હંમેશાં ‘કુછ તો લોગ કહેંગે...’ ગીતને ફેવરિટ લિસ્ટમાં રાખવું... ઇતિ સારાં પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે. - સ્વામી વિવેકાનંદ
    Click here to Read More
    Previous Article
    ઓફબીટ:મીરાં, તમને મળવા અમે અધીરાં
    Next Article
    કૃતિ સેનન એડ વિવાદ પર ઉર્વશી રૌતેલાની એન્ટ્રી:ક્રિએટિવિટીના નામે સંસ્કૃતિ સાથે સમાધાન ન થવું જોઈએ; ભારતીય પરંપરાઓનું સન્માન જરૂરી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment