Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગતકડું:જેની પાસે રિમોટ હોય એ રાજા

    9 hours ago

    ડૉ. પ્રકાશ દવે તમારું રિમોટ કંટ્રોલ કોઈના હાથમાં ન આપો. જો બીજાના હાથમાં આપશો તો એ ઈચ્છશે એ જ અને એટલું જ તમે જોઈ શકશો. પત્નીના હાથમાં રિમોટ કંટ્રોલ હોવાના કારણે ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલ જોવાથી વંચિત રહી ગયેલા અને વિકલ્પે ફરજીયાત સીરિયલ જોવી પડી એવા મારા મિત્ર મગને દુઃખી હૃદયે કરેલું આ વિધાન છે. જોકે, બધાંનાં ઘરમાં આવું હોતું નથી.અમુક ઘરમાં રિમોટ પતિ પાસે જ હોય છે. એણે માત્ર પત્ની કહે એ ચેનલ બદલી આપવાની હોય છે. બધી પત્નીઓ ક્રૂર નથી હોતી, એ પોતાને ગમતી સીરિયલ જોઈ લે પછી ‘હવે તમારે સમાચાર જોવા હોય તો જુઓ’ એમ કહીને રસોડામાં જતી રહે છે! ટીવીના રિમોટ કંટ્રોલની શોધ થઈ એ પહેલાં ઘણી શાંતિ હતી. જોકે ટીવીની શોધ થઈ એ પહેલાં તો સાવ શાંતિ હતી, પણ એ આડવાત થઈ! રિમોટ કંટ્રોલની શોધ થઈ એ પહેલાં ટીવીમાં ચેનલ બદલવા કે ટીવીનું વોલ્યૂમ વધારે-ઓછું કરવા આપણે પોતાને ટીવી સુધી જવું પડતું. એકસો કિલોગ્રામ જેટલું વજન હોય એવા લોકો આટલી ભારે કાયા લઈ ને ટીવી સુધી લાંબા થવામાં કંટાળો અનુભવતા. વૃદ્ધ અને ટીવી ચેનલ બદલતાં ન આવડે એવાં લોકો ટીવી સુધી નક્કામો ધક્કો ખાવા જતાં જ નહીં. આળસુ લોકો તો ઊભાં થઈને ટીવી સુધી જવા કરતાં જે કાર્યક્રમ આવે છે એ જ જોઈને આનંદ પ્રાપ્ત કરી લેતા. મહેમાન બનીને આવેલા લોકો હું ચેનલ બદલવા જઈશ તો ઘરધણીને ખરાબ લાગશે એવા સંકોચથી સુનમૂન બેસી રહેતા. બાળપણમાંથી રાજીનામું આપી દીધું હોય, યુવાન તરીકે નિમણૂક થવાની તૈયારી હોય અને ખાસ તો જેને ઊઠબેસ કરવાની આળસ ન થતી હોય એવી વ્યક્તિ ટીવી અને સોફા વચ્ચે અપડાઉન કર્યા કરતી. એ વ્યક્તિ પોતાને ગમતો કાર્યક્રમ સેટ કરવા ટીવી પાસે જાય એટલે દાદીમાં કહેતાં કે ભજન મૂક. દાદીના વિચારો સાથે અસંમત રહેવાની જેણે આજીવન નૈતિક ફરજ બજાવી છે એવા દાદા સમાચાર ચાલુ કરવાનું ફરમાન કરતા. મમ્મી રસોડામાંથી બહાર આવીને રસોઈ શો જોવાનાં મનોરથ વ્યક્ત કરતી. એકાદ ટાબરિયું કાર્ટૂન ચેનલ જોવા જીદ કરતું. આમાં પોતાની મરજીનો કાર્યક્રમ સેટ કરવા ગયેલી વ્યક્તિ પર ધર્મસંકટ આવતું. ઘીના ઠામમાં ઘી પડ્યું રહે એ માટે એવો રસ્તો કાઢવામાં આવતો કે પાંચ પાંચ મિનિટ માટે બધાંને પસંદ હોય એવા કાર્યક્રમ મૂકવામાં આવે. ટીવી સેટ કરવા ગયેલી વ્યક્તિ સોફા તરફ પાછી ફરતી હોય ત્યાં એકાદ હુકમ છૂટતો કે અવાજ થોડો ધીમો કરી નાંખ. અવાજ ધીમો થાય ત્યાં કોઈ કલર આછો કરવાનું કહેતું. આમ, ઘરની એક વ્યક્તિ ટીવી અને ટીવી જોનારાં વચ્ચે સેન્ડવિચ બની જતી. એ વ્યક્તિ જીવંત રિમોટ કંટ્રોલ તરીકે ફરજ બજાવતી. પણ પછી રિમોટ કંટ્રોલ આવ્યાં. એટલે નવી સમસ્યા શરૂ થઈ. આ રિમોટ પર કંટ્રોલ મેળવવા ઘરના સભ્યો વચ્ચે રીતસરની સ્પર્ધા શરૂ થઈ. હોર્મુઝ ખાડી પર કોનું નિયંત્રણ એ પ્રશ્ન હવે આવ્યો. રિમોટ પર કોનું નિયંત્રણ એ પ્રશ્ન ઘણો જૂનો અને વ્યાપક છે. રિમોટ કંટ્રોલ પર કંટ્રોલ કરવામાં મત્સ્યગાલાગલ ન્યાય કામ કરતો નથી. ‘બળિયાના બે ભાગ’ એ કહેવત પણ કામ આવતી નથી. આ કેસમાં બચ્ચે મન કે સચ્ચે માનીને ચાલવામાં આવે છે. મોટાભાગનાં ઘરોમાં રિમોટધારક બાળક હોય છે. બાળક પાસે રિમોટ હોય અને એ પોતાનો મનપસંદ કાર્યક્રમ જોતું હોય ત્યારે બાકીના સભ્યો એની પાસે દાવેદારી નોંધાવી દે છે. બાળકને જાતજાતની લાલચ આપી એમની પાસેથી રિમોટ પડાવી લેવા પ્રયત્નો થાય છે, જેમાં ઇમોશનલ બ્લેકમેઈલનો પણ સમાવેશ થાય છે. રિમોટ એ રેડિયો અને ટીવી કુળનું યંત્ર છે. રેડિયો અને ટીવી બંધ પડી જાય ત્યારે એને બધી દિશાએથી થોડું થોડું મારવાથી મોટાભાગે એ ચાલુ થઈ જાય છે. રિમોટ પણ ગમે ત્યારે બંધ પડી જવાનો સ્વભાવ ધરાવે છે. આવા વખતે રિમોટને મારવાથી અથવા એને ખુરશીના હાથા પર ઠપકારવાથી એ ચાલુ થઈ જાય છે. જેની પાસે રિમોટનો હવાલો હોય એણે સતત સાવધાન રહેવું પડે છે. જેમ કે, જાહેરાત આવે ત્યારે જોરથી સંગીત વાગવા માંડે અથવા સીરિયલમાં ઓચિંતા કોઈ ગુંડા જોરજોરથી અટ્ટહાસ્ય કરવા માંડે ત્યારે ઘરના ચારે ખૂણેથી ફરમાનો છૂટે છે: ‘ધીમું કર ધીમું કર!’ એક ભાઈ ટીવી જોતા હતા. બાજુમાં સાત વરસનો પુત્ર બેઠો હતો. રિમોટ પેલા ભાઈ પાસે હતું. ઓચિંતા એ ભાઈએ ચેનલ બદલાવી તો અંગ્રેજી ફિલ્મોની કોઈ ચેનલ શરૂ થઈ. એમાં કોઈ રોમેન્ટિક ગીત ચાલતું હતું. આ જોઈને સાત વરસના પુત્રે તરત જ પિતાને કહ્યું, ‘પપ્પા આવી ચેનલ ન જોવાય, જલ્દી બદલવાની નાંખો.’ પપ્પાએ ચેનલ તો બદલાવી નાંખી, પણ ધીમેથી કહ્યું, ‘તારી વાત સાચી છે બેટા, પણ આ સલાહ તારે મને નહીં પણ મારે તને આપવાની હોય!’
    Click here to Read More
    Previous Article
    મેનેજમેન્ટની ABCD:ટાઇમ મેનેજમેન્ટનું થોરામાં ઘનું
    Next Article
    ઓફબીટ:મીરાં, તમને મળવા અમે અધીરાં

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment