Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નીલે ગગન કે તલે:સુખડનો હાર

    9 hours ago

    ઈસવી સન 1970માં એક અમેરિકન ડોલરના ચાર (યસ, ફોર) રૂપિયા રેટ હતો. હવાઈના ઇસ્ટવેસ્ટ સેન્ટરમાં આખા એશિયામાંથી કેવળ છ નાટ્યકર્મીઓને ભણવા શિષ્યવૃત્તિ મળતી હતી અને મૃણાલિની સારાભાઈની સારમાણસાઈથી તે મને મળી. ભણવું, રહેવું ફ્રીમાં, રોજના પાંચ ડોલર સ્ટાઇપેન્ડમાં ખાવું, પીવું ને વોટેવર. આવવા–જવાનું વિમાનભાડું જાતે કાઢવાનું. તે સમયે અમારા ઘરનો મુખ્ય ઉપાર્જક હું હતો. ફુલટાઇમ ને પાર્ટટાઇમ બે નોકરીઓ કરતો હતો. મોંઘા ફ્લેટમાં ભાડે રહેતાં હતાં અમો. તે સમયે રૂ. 3000/– ડિપોઝિટ ભરો તો સરકારી ફ્લેટ મળે તેમ હતું. કિંતુ અમારી પાસે એટલા પૈસા નહોતા. અમદાવાદથી અમદાવાદનું એરાઉન્ડ ધ વર્લ્ડ એરફેર રૂ. 8000/– હતું ને અલબત્ત તે પણ અમારી પાસે નહોતા. વધુમાં, હું અમેરિકા હોઉં તેટલા નવ મહિના ઘર ચલાવવા માટે સારી એવી રકમ મૂકતા જવું પડે ને તે પણ ડિટ્ટો ડિટ્ટો. હું નિરીક્ષક સાપ્તાહિકમાં કામ કરતો હતો જેથી સ્વ. એચ. એમ. પટેલ જેવા સજ્જનના પરિચયમાં આવેલો. પટેલ સાહેબે સામેથી વિમાનભાડાની સોઈ કરી આપી. અમુક લોન આઈએનટીમાંથી દામુભાઈએ અપાવી, અને મગનલાલ બારોટની ભલામણથી તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને મલવા ગયા કપાસીના સ્કૂટર ઉપર, અને મારી કથા સાંભળી મુખ્યમંત્રીશ્રીએ આકાશવાણીમાં ચારપાંચ પ્રચારનાટકો લખવાની વરદી અપાવી. ચકી લાવી ચોખાનો દાણો, ગાંધીનગરથી પાછા ફરતાં કપાસી કહે કે આપણી ટોટલે ટોટલ એરેન્જમેન્ટ ના થઈ જાય ત્યાં સુધી કોઈને કહેવાનું નહીં. પછી કપાસી હસીને કહે કે જવાને દિવસે બી જાહેર કરવાની કોઈ જરૂર નથી! ખભે ઝોરી લઈને મણિનગર જતા હોઈએ એમ ચાલતા થવાનું! અચાનક કોઈ આલબમમાંથી આ જૂનો ફોટો અરુણને જડ્યો અને એણે સર્ક્યુલેટ કર્યો. આ લખતાં બેત્રણ વાર ગળું ખોંખારવું પડેલ છે ને હજી કેટલી વાર અખ્ખહ... ને સૌથી પહેલી નજર ફોટામાં પિતાજીના ચહેરા તરફ જાય છે. અમારી હાલારી બોલીમાં પિતાજીને ‘ભાઈ’ કહેવાની રસમ છે, તે મારા પિતાજી યાને ‘ભાઈ’ સવારે સ્કૂલમાં માસ્તરી કરતા, બપોરે ટ્યૂશનો કરતા અને રાત્રે કોઈ છાત્રાલયમાં નામું લખવા જતા. અચાનક એમને કશીક કરપીણ માનસિક બીમારી થઈ જેમાં એમનો ફક્ત દેહ ચાલુ રહ્યો કિંતુ એમના ખોળિયામાંથી વલ્લભદાસ માસ્તર છૂ થઈ ગયા, આ ફોટો જોતાં આપણને ખબર પડતી નથી કે માસ્તરસાહેબ આ પ્રસંગે માનસિક રીતે હાજર છે ખરા? કે એમને ખ્યાલ છે ખરો કે ગણિતમાં સોમાંથી સો માર્ક ન લાવી શકનાર એમનો ઠોઠ દીકરો આજે સુખડનો હાર પહેરીને તે સમયના અમદાવાદના ધૂળિયા એરપોર્ટ ઉપર પ્રેસિડેન્ટ નિક્સનની સહી સાથે જે–વન ઇન્વિટેશન વિઝાનો તગમો પહેરીને પરદેશ જાય છે? ખોભરો, જરા શ્વાસ લેવા દો! અને આ સર્વેથી અસંપૃક્ત મારા પિતાજીની સાથે હરખથી ઊભાં છે મારાં માતુશ્રી વિજિયાબેન! ખબરદાર કોઈએ રડવાનું નથી! આ તો આનંદનો અવસર છે. મધુ પરદેશ જાય છે, ઈ તો હરખની વાત છે. આવ મારા દીકરા, કહીને વિજિયાબેન મને પાસે ખેંચે છે ને નિક્સન સાહેબનો ઇન્વાઇટી ઇયાં ને ઇયાં મૂગોમૂગો રડી પડે છે. અઠ્યાવીસ વરસની ઉમરમાં બેચાર દિવસ આઘાપાછા થયા હોઈએ તે સિવાય હું માતુશ્રી સાથે તકરારો કરતો, એક ખૂણે નિશ્ચેષ્ટ બેઠેલા ‘ભાઈ’ની ભીંતની આરપાર જોતી હોય એવી ભાવવિહીન નજર જોઈ મનમાં ને મનમાં જાતને લાતો મારતો, બે નાના ભાઈઓને ખાલીખાલી સતાવતો ને સતત, અનવરત, કાયમ અને એવરી મિનિટ ખર્ચની, પૈસાની, ભાડાની ને બહેનોના વહેવારની ફિકરમાં ડૂબાડૂબ અમે આજીવન લહેર કરતાં. અને હલો! અઅ સરવે પૃથ્વી ઉપર મૂકીને હું ઊડી જવાનો છું? નો ‘ભાઈ?’ નો મા? નો નથિંગ? એ નવી વાત સજીવ બનીને મને પોંખતી હતી મારી માએ મને આવ મારા દીકરા કહીને પાસે ખેંચ્યો ત્યારે! અને હું રોયો તે આ વહાલના સાગરમાંથી વિખૂટો થવાના આઘાતથી? કે નવ મહિના માટે તેમાંથી છૂટ્યો તેના સુખદ એહસાસથી? અને મારી બીજી બાજુ ઊભો છે મારો નાનો ભાઈ અરુણ, કદાચ મારા પરદેશ જવા બાબત રાજી છે, કદાચ હવે તેને ઘરનો મોભી થયાનો હરખ છે. મધુભાઈએ સૂટ પહેર્યો છે, વુલન કોટનો કોલર ગળે કરડે છે. કોઈ સુખડનો હાર પહેરાવે છે, મને સુખડના હાર સાથે મહાલતો જોઈ એરપોર્ટ ઉપર બીજા ઊતારુઓને મૂકવા આવેલા લોકોનું ‘ટોરું’ અમારી આસપાસ થઈ જાય છે. ને ફરી એકવાર વડીલોના ચરણસ્પર્શ, ભાઈ–ભાઈબંધોને સજ્જડ ભેટવાનું ને લેફ્ટરાઇટ લેક્ટરાઇટ, ઊડ્યું વિમાન. અમદાવાદથી મુંબઈ, મુંબઈથી બેંગકોક! આઉટ! આયેમ આઉટ ઓફ ઇંડિયા, ઓત્તારીની થાઈલેન્ડ? ભારત બહારની ધરતી ઉપર પગ મૂકતાં જાણે એક અલ્લડતાનો નાગ ડસ્યો! જાણે હવે તો હમ મર્દે આઝાદ મંગતા! અભી તો હમ કુછ ભી કર સકતા! શબ્દમર્યાદા પૂરી થાય છે, પણ મિંયાસાબ, હજી વાત શરૂ બી થઈ નથી. સુખડનો હાર? સુખનો હાર? ખડનો હાર? જય જનની!
    Click here to Read More
    Previous Article
    સહજ સંવાદ:એક ગુજરાતી નક્સલવાદી અજીતા નારાયણ…
    Next Article
    મેનેજમેન્ટની ABCD:ટાઇમ મેનેજમેન્ટનું થોરામાં ઘનું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment