Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહજ સંવાદ:એક ગુજરાતી નક્સલવાદી અજીતા નારાયણ…

    9 hours ago

    હા, પિતાનું નામ કુનિક્કલ નારાયણ, પણ માતા મંદાકિની. ભાવનગર અને પછી મુંબઈમાં શિક્ષિકા. એક મલયાલી, બીજી ગુજરાતી. બંને પરણ્યાં મુંબઈમાં અને નક્સલી જિંદગી જીવ્યાં કેરળમાં. પુલપેલી અને તેલિચેરીમાં પોલીસ સ્ટેશન પર 22 નવેમ્બર, 1968ના દિવસે પોલીસ થાણાં સળગાવી મૂક્યાં, સ્વતંત્ર વાયનાડની ઘોષણા કરી. (આ લોકસભા વિસ્તારથી રાહુલ ગાંધી ચૂંટાઈ આવ્યા છે.) સંસ્થાનું નામ મુક્તિ સંઘર્ષ. 50 નક્સલી સામેલ હતાં, પોલીસ અફસરો માર્યા ગયા. હથિયારો નક્સલીઓએ કબજે કર્યાં અને પછી જંગલમાં ભાગી છૂટ્યા. છેક પાર્લામેન્ટ સુધી આ ઘટનાની નોંધ લેવામાં આવી. અજીતા (કેરળમાં તેનું ઉચ્ચારણ ‘અજીથા’ કરવામાં આવે છે.) જંગલમાં પણ અનાજનાં ગોદામ લૂંટવામાં આવ્યાં, પણ કોઈ એક જગ્યાએ સ્થાયી થવું અઘરું હતું. પોલીસનાં ધાડાં સર્વત્ર ઊતરી પડ્યાં હતાં. 50માંથી 35 તો પોલીસના હાથે મરાયા. 15 બાકી રહ્યા તેમાં આ અજીતા પણ હતી. માંડ 25 વર્ષની યુવતી. પિતાએ ક્રાંતિની ભ્રાંતિનો પૂરો નશો કરાવડાવ્યો હતો. એક ગામડામાં ભોજન અને સલામતી મેળવવા ગયાં, એક ચર્ચના પાદરીને ખબર પડી, તેણે દેવળનો ઘંટારવ શરૂ કરી દીધો. બીજા ગામમાં પોલીસ છાવણી હતી, તેણે આ સાંભળ્યું અને ધસી આવ્યા. બધાની ધરપકડ થઈ, મુકદ્દમો ચાલ્યો. અજીતાને આજન્મ કારાવાસની સજા થઈ. ત્યારે માતા મંદાકિનીને બીજી જેલમાં રાખવામાં આવી હતી. સરકાર ડાબેરી હતી, સામ્યવાદીઓની હતી; નક્સલ તો તેના જોડિયા ભાઈ કહેવાય. એક ફાંટો માઓવાદીઓનો હતો. આવાં કુલ 40 જૂથ સક્રિય હતાં, આજે પણ જુદાં-જુદાં નામે સક્રિય છે. અગાઉ તેના નેતાઓ ચારુ મઝુમદાર, કનુ સાન્યાલ અને જંગલ સાંથાલ હતા. માઓ તેમના નેતા. 1967માં પશ્ચિમ બંગાળના નક્સલબાડી ગામમાં પહેલો હિંસાનો પ્રયોગ થયો, તેમાં કનુ સાન્યાલ આગેવાન હતો. 2014માં બપ્પાદિત્ય પોલે તેનું જીવનચરિત્ર લખ્યું, તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતનો પહેલો નક્સલ કનુ સાન્યાલ હતો. 23 માર્ચ, 2010ના રોજ સિલિગુડી નગરની નજીક આવેલા સેબતેલા જોતે ગામમાં પોતાના કાર્યાલયમાં જ છત પર લટકીને ફાંસો ખાનાર કનુ સાન્યાલનું પોલીસ પોસ્ટમોર્ટમ કરી રહી હતી. તેણે આપઘાત કર્યો હતો કે સાથીદારોએ જ ખતમ કરી નાંખ્યો હતો તેનું રહસ્ય આજ સુધી રહ્યું છે. મૂળ CPI - કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાનો સભ્ય; પછી 1962ના ચીની હુમલા સમયે સામ્યવાદીઓનું વિભાજન થયું. એટલે માર્ક્સ, માઓ, લેનિનના રસ્તે ‘ચીન જેવી ક્રાંતિ’ કરવાનો આ બધાનો હેતુ હતો. બીજો કટ્ટર નક્સલ ચારુ મઝુમદાર હતો, તેણે આઠ પાનાંનો એક ઢંઢેરો બહાર પાડ્યો. હત્યાઓ તેનો મુખ્ય ઉદ્દેશ. આમ તો નામ જમીનદારનું, પણ પછી નક્સલ નેતા કહે તે બધાને જાહેરમાં મારી નાખવા, સરકારી કચેરીઓ અને પોલીસ થાણાં સળગાવી મૂકવાં, ખંડણી ઉઘરાવવી એવી પ્રવૃત્તિની સાથે ગરીબ આદિવાસીઓ પર જુલમ શરૂ કર્યો. નવી-નવી સંસ્થાઓ ચાલુ કરી. ભારતીય કમ્યુનિસ્ટ માઓવાદી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓ-લેનિન), ઓલ ઇન્ડિયા કો-ઓર્ડિનેશન કમિટી ઓફ કમ્યુનિસ્ટ રિવોલ્યુશનરીઝ, માર્ક્સવાદી લેનિનવાદી પાર્ટી, સિલિગુડી જૂથ વગેરે અનેક નામ. કનુ તેના માટે 30 સપ્ટેમ્બર, 1967ના રોજ ચીન પહોંચ્યા. 2 ઓક્ટોબરે માઓ ત્સે તુંગને મળ્યા. આમેય ચીને 1962માં બહારના ઘણા ભાગો પર દાવો કરીને આક્રમણ કર્યું જ હતું. કનુ પછી ચારુ મઝુમદાર 1972માં જેલમાં મૃત્યુ પામ્યો. મૂળ સૂત્ર રહ્યું વર્ગ શત્રુ અને વર્ગ સંઘર્ષ. આમાંનું કશું ભારતમાં શક્ય નહોતું તેનો એકરાર જેલ મુક્તિ પછી અજીતાએ કર્યો છે. તેની મલયાલમ આત્મકથા ‘ઓર્માક્કુરીપ્પુગલ’માં વિગતે વાત કરી છે. તેણે પૂછ્યું છે, ‘શું અમારું આંદોલન અપરિપક્વ હતું? વધુ લોકો કેમ જોડાયા નહીં? અમારા કોમરેડો પણ સ્ત્રીને ભોગવવાની ચીજ માનતા હતા. મને તો 5 વર્ષ એકાંતિક સજાની કોટડીમાં રાખવામાં આવી. ડાબેરી સરકારની પોલીસ મને મારતી, ગાળો આપતી, બળાત્કારની ધમકી આપતી, વેશ્યા કહેતી... લગભગ પાગલ થવાની પરાકાષ્ઠાએ હું પહોંચી ગઈ હતી.’ 1977માં તેને છોડવામાં આવી. તે પછી નક્સલ ભ્રાંતિ છોડીને સમાજસેવાનું કામ કરવા તરફ સક્રિય બની. કોઝિકોડમાં તેના નાનકડા મકાનમાં 2006માં મારી મુલાકાત થઈ હતી. હવે તો તેની મલયાલમ ભાષામાં લખેલી આત્મકથા અંગ્રેજીમાં પણ પ્રકાશિત થઈ છે. પણ, આ 2026માં ‘અમે નક્સલવાદી છીએ’ એવું ચિદમ્બરમ કે કેજરીવાલ કહે ત્યારે પેલા ભસ્મીભૂત થઈ ચૂકેલા નક્સલીઓ હસતા હશે. ક્રાંતિની મુગ્ધતા સાથે તેઓએ તો ગલત રસ્તો લીધો હતો. તેઓ આ લોકશાહીમાં માનતા નહોતા, ચૂંટણીને વાહિયાત સમજતા હતા; અર્થાત્ ભારતીય બંધારણની વિરુદ્ધ રહ્યા અને મર્યા. મહાશ્વેતા દેવી પોતે ડાબેરી વિચાર ધરાવતાં બંગાળી લેખિકા હતાં, તેમણે ‘હજાર ચુરાશીર મા’ નવલકથા લખી છે. બંગાળના મધ્યમવર્ગીય મુગ્ધ યુવાનો નક્સલની ક્રાંતિની ભ્રાંતિમાં કેવા ખુવાર થયા તેનું વર્ણન છે, પણ આ ચિદમ્બરમ કે કેજરીવાલ તો બંધારણ અને ચૂંટણીને માન્ય કરીને પ્રતિનિધિ બન્યા, મંત્રી બન્યા. હવે પોતાને નક્સલ કહે તે કેવી છેતરપિંડી છે? શું તેઓ બંધારણીય માર્ગો છોડીને હિંસા, હુમલા વગેરેનો નક્સલી માર્ગ અપનાવશે? દિમાગી નક્સલનું કામ કેટલાક બૌદ્ધિકો કરી રહ્યા છે, તેનો આશય તો માત્ર સરકારના વિરોધ પૂરતો જ છે; એટલે એવું લાગે છે કે મોદીએ તો ઉદાર ભાવે ‘દિમાગી નક્સલ’ કહ્યા, વાસ્તવમાં તો તેઓ નકલી અને અર્ધ દિમાગી નક્સલીઓથી વધુ કશું જ નથી.
    Click here to Read More
    Previous Article
    ક્રાઇમ સિક્રેટ:બીચ પરથી ગાયબ પત્ની બેંગ્લોરમાંથી કેવી રીતે મળી?
    Next Article
    નીલે ગગન કે તલે:સુખડનો હાર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment