Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લેક એન્ડ વ્હાઈટ:યથા ભોક્તા તથા ભોજયિતા!

    11 hours ago

    આપણા દેશમાં લોકોને કોઈ ને કોઈ મુદ્દે વાંધો પડતો હોય છે, પરંતુ હોટેલ્સમાં, ફૂડ જોઇન્ટ્સમાં, મસમોટી બ્રાન્ડનાં ફૂડ આઉટલેટ્સમાં કે ઈવન ફાઈવસ્ટાર હોટેલ્સનાં રેસ્ટોરાંઝનાં કિચનમાં બેફામ ગંદકી હોય, ખોરાકમાં જીવડાં ખદબદતાં હોય એવા કિસ્સાઓ અવારનવાર બહાર આવે તો પણ લોકો જાગૃત થતાં નથી. પહેલાં આપણે એવા થોડા કિસ્સાઓની વાત કરીએ પછી એ વાત કરીએ કે લોકોનાં સ્વાસ્થ્ય સાથે રમત કરતા રેસ્ટોરાંમાલિકો કે હોટેલમાલિકો સામે અવાજ ઉઠાવવાને બદલે ગ્રાહકોથી માંડીને સરકારો સુધી બધાં કઈ હદ સુધી કુંભકર્ણની જેમ ઊંઘતાં રહે છે. આપણે હોટેલ કે રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે ઊંચા ભાવ એટલા માટે ચૂકવતાં હોઈએ છીએ કે આપણે સ્વાદ, ગુણવત્તા અને સ્વચ્છતાની અપેક્ષા રાખી શકીએ, પરંતુ મોટાભાગની હોટેલ્સનાં અને રેસ્ટોરાંનાં રસોડામાં ભયંકર અસ્વચ્છતા અને ગંદકી હોય છે. 17 ઓગસ્ટના દિવસે એક કુટુંબ મુંબઈના અંધેરી ઉપનગરની એક પ્રખ્યાત બર્ગર રેસ્ટોરાંમાં ગયું. ત્યાં તેમણે દીકરી માટે બર્ગર મગાવ્યું હતું. એ બર્ગરમાં કાચનો ટુકડો મળી આવતાં તેમણે રેસ્ટોરાંના મેનેજરને ફરિયાદ કરી હતી. મેનેજરે માફી માગી લીધી હતી. આવી જ રીતે 9 ઓગસ્ટના દિવસે નાગપુરના બજાજનગર વિસ્તારની એક પ્રખ્યાત હોટેલમાં ડિનર માટે ગયેલા ગ્રાહકની શાકભાજીમાં બ્લેડ મળી આવી હતી! આવા કિસ્સાઓ અવારનવાર બનતા રહે છે. અમદાવાદની એક ફાઈવસ્ટાર હોટેલમાં એક ગ્રાહકે સેન્ડવિચમાં જીવડું મળ્યું હોવાની ફરિયાદ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એ હોટેલને પંદર હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. ઉત્તર પ્રદેશના ગોરખપુર શહેરમાં પ્રખ્યાત ‘બાર્બેક્યુ નેશન’ રેસ્ટોરાંમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન બિરિયાનીમાં વાંદો મળી આવ્યો હતો. એ ઘટના પછી ફૂડ સેફ્ટી વિભાગે તપાસ કરી અને મેનેજમેન્ટે ખામી બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. પુડુચેરીમાં એક રેસ્ટોરાંમાં બિરિયાનીમાં મૃત જીવડું મળી આવ્યું એટલે કન્ઝ્યુમર કોર્ટે રેસ્ટોરાંને જવાબદાર ઠેરવી ગ્રાહકને વળતર પેટે દસ પ્લેટ બિરિયાની આપવાનો અનોખો આદેશ કર્યો હતો! કેરળના કોચી શહેરની એક બેકરીમાં બ્રેડની અંદર ગરોળી મળી આવી હતી. આરોગ્ય અધિકારીઓએ તપાસ કરીને એ બેકરીને પચ્ચીસ હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. મહારાષ્ટ્રમાં થોડા દિવસો અગાઉ બે જુદી-જુદી કંપનીનાં પ્રખ્યાત પિઝા આઉટલેટ્સમાં ફૂડ સેફ્ટી તપાસમાં જીવડાંઓના ઉપદ્રવ સહિત ગંભીર અસ્વચ્છતા જોવા મળી હતી એને કારણે બે મલ્ટિનેશનલ કંપનીનાં પાંચ આઉટલેટ્સ બંધ કરવાની ફરજ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને પાડી હતી. મહારાષ્ટ્રમાં બ્લિન્ક ઇટ, ઝેપ્ટો, ઇન્સ્ટામાર્ટ જેવી કંપનીઓના વેરહાઉસીસમાં વંદાઓ, ઉંદરનાં મળ, ગંદાં સ્ટોરેજ રેક, અને અસ્વચ્છતા જોવા મળ્યાં હતાં એટલે બાર વેરહાઉસીસનાં લાયસન્સ સસ્પેન્ડ કરાયાં હતાં. ચંદીગઢના એક રેસ્ટોરાંમાં ગ્રાહકને પીરસવામાં આવેલા ભટુરામાં જીવતી ગરોળી મળી આવી હતી. એ પછી ગ્રાહક કન્ઝયુમર કોર્ટમાં ગયો હતો. કન્ઝયુમર કોર્ટે તે ગ્રાહકને માનસિક ત્રાસ બદલ ચાલીસ હજાર રૂપિયા અને કાનૂની ખર્ચ માટે રૂપિયા દસ હજાર એટલે કુલ પચાસ હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ એ રેસ્ટોરાંને આપ્યો હતો. મુંબઈમાં ગુજરાતી થાળી માટે એક ખૂબ જ જાણીતા રેસ્ટોરાંમાં થોડા દિવસો અગાઉ જે પ્રકારની ગંદકી બહાર આવી એ જોયા પછી કદાચ જિંદગીમાં એ રેસ્ટોરાંમાં ગ્રાહક ગુજરાતી થાળી ખાવાનો તો ઠીક જોવાનો વિચાર પણ માંડી વાળે. જોકે, થોડા સમયમાં એ રેસ્ટોરાં પાછી ધમધમતી થઈ જશે એની ગેરંટી આપી શકાય! આપણા દેશનાં મોટાં ભાગની હોટેલ્સ કે રેસ્ટોરાંમાં કોઈ ગ્રાહક જમવા જાય ત્યારે જો તેને એ રેસ્ટોરાં કે હોટેલનાં રસોડાની વાસ્તવિકતા જાણવા મળે અથવા એક વાર રસોડા પર તેની નજર પડી જાય તો તે જિંદગીમાં ફરી વાર એ રેસ્ટોરાં કે હોટલમાં પગ ન મૂકે! મુંબઈ કે દેશનાં અન્ય શહેરોમાં લોકો જૂની દુકાનના નામે કે જૂની હોટેલ કે રેસ્ટોરાંના નામને ગુણવત્તાની ગેરંટી માની લે છે, પણ જૂનું નામ એટલે સુરક્ષિત ખોરાક એવું માનવાની ભૂલ કરવા જેવી જરૂર નથી. મુંબઈમાં એક સદી જૂની અનેક હોટેલ્સ તથા રેસ્ટોરાંથી માંડીને ખૂબ જ જૂનાં આઇસક્રીમ પાર્લરનાં લાયસન્સ ભયંકર ગંદકીને કારણે સસ્પેન્ડ થયાં. મુદ્દો એ છે કે આપણા દેશમાં પબ્લિકને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવાય છે અને પબ્લિકને પણ એ ફાવી ગયું છે. બીજા હજારો મુદ્દે વાંધો ઉઠાવતાં લોકોને હોટલમાં, રેસ્ટોરાંમાં, ફૂડ જોઇન્ટ્સમાં ખોરાકમાં જીવજંતુ મળે ત્યારે થોડો ઊહાપોહ થાય અને પછી બધું શાંત પડી જાય છે. હમણાં આંદોલનોની મોસમ ચાલે છે ત્યારે રેસ્ટોરાં, હોટેલ કે ફૂડ જોઇન્ટ્સ સામે એક એવું આંદોલન શરૂ કરવું જોઈએ કે લોકોનાં સ્વાસ્થ્ય સાથે રમવાનું બંધ કરો અને તમારાં રસોડાં લોકો જોઈ શકશે એવું જાહેર કરો. ગ્રાહકોએ જ જાહેર કરવું જોઈએ કે હવે પછી અમે જે રેસ્ટોરાં, હોટેલ કે ફૂડ જોઇન્ટ્સ એનું કિચન જોવાની મંજૂરી આપશે ત્યાં જ ખાવાપીવા માટે જઈશું. સરકાર પણ ધારે તો આ કરી શકે. સરકારે એવો કાનૂન બનાવવો જોઈએ કે ગ્રાહકો કોઈપણ રેસ્ટોરાં, હોટેલ કે ફૂડ જોઇન્ટ્સનાં રસોડામાં જઈને ત્યાં કેવી સ્થિતિ છે એ જોઈ શકે. તો જ આ બધા સુધરશે. અત્યારે દેશમાં અપવાદરૂપ રેસ્ટોરાં કે ફૂડ જોઇન્ટ્સ એવાં છે કે જેમનાં રસોડાં ખુલ્લાં હોય છે. લોકોની નજર સામે તેઓ બધું બનાવતાં હોય છે અથવા તો તેઓ ગ્રાહકોને રસોડું જોવાની મંજૂરી આપતાં હોય. જોકે, રેસ્ટોરાંમાલિકો કે હોટેલમાલિકો કે કોઈ પણ ખાદ્યપદાર્થો બનાવનારા કે વેચનારા ગુણવત્તા અને સ્વચ્છતાને મુદ્દે ચિંતા નથી કરતા એ માટે પબ્લિક પણ જવાબદાર છે. લારીવાળાઓ લોકોની નજર સામે ખાદ્યપદાર્થ બનાવતા હોય છે, પણ ત્યાં લોકોની નજર સામે ગંદકી હોય છતાંય લોકોને આદત પડી ગઈ હોય છે કે એટલું તો ચાલે હવે! પાણીપૂરીવાળો નવરો બેઠો-બેઠો નાક સાફ કરતો હોય કે મોબાઈલમાં ગેમ રમતો હોય કે માથું ખંજવાળતો હોય અને કોઈ ગ્રાહક આવે એટલે તરત એ જ હાથ પાણીપૂરીના પાણીમાં નાખીને પાણીપૂરી ખવડાવતો હોય છે અને લોકો ટેસથી ખાતાં હોય છે! કોલ્હાપુરનો એક પાણીપૂરીવાળો પાણીપૂરીનું પાણી બનાવવા માટે ટોઈલેટની બાલદીમાંથી પાણી લાવતો હતો એ વીડિયો વાઈરલ થયો હતો, પછી પણ લોકોની આંખ ખુલી નહોતી! ‘યથા રાજા તથા પ્રજા’ કહેવત છે એમ ‘યથા ભોક્તા તથા ભોજયિતા’ (જેવાં ખાનાર એમ જ ખવડાવનાર) એવી એક નવી કહેવત બનાવવી જોઈએ!
    Click here to Read More
    Previous Article
    કાગવાણી:સ્વરાજ્યનું ગાન: કાગબાપુ અને ગાંધીવિચાર
    Next Article
    વસુંધરાના વહાલાં દવલાં:રાષ્ટ્રીય પક્ષીની હોડમાં હારેલાં ઘોરાડ પક્ષી માટે દેશી ખેતી બનશે સંજીવની!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment