Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાગવાણી:સ્વરાજ્યનું ગાન: કાગબાપુ અને ગાંધીવિચાર

    10 hours ago

    ઈશ કાગ જ્યારે કોઈ રાજકીય વિચારધારા પુસ્તકોનાં પાનાં અને સભાઓના મંચ પરથી ઉતરીને સામાન્ય માનવીના કંઠે ગુંજવા લાગે, ત્યારે જ તે સાચા અર્થમાં ક્રાંતિ બને છે. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ કેવળ સત્તાપલટાની રાજકીય લડાઈ નહોતી, પણ સત્ય, અહિંસા, સ્વરાજ અને સ્વાવલંબનનાં મૂલ્યોને જનજીવનમાં વણી લેતી એક વિરાટ સાંસ્કૃતિક ચળવળ હતી. મહાત્મા ગાંધીના આ વિચારોને ગુજરાતના છેવાડાના ગામડાં સુધી પહોંચાડવામાં અનેક કાર્યકર્તાઓનું યોગદાન રહ્યું છે. આમ છતાં, આ ભગીરથ કાર્યને સૌથી પ્રભાવશાળી કાવ્યાત્મક સ્વરૂપ આપવાનું શ્રેય પદ્મશ્રી ભક્તકવિ દુલા ભાયા કાગને ફાળે જાય છે. 1938ના હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં રચાયેલી તેમની પ્રખ્યાત કૃતિ ‘ગાંધીડો મારો'માં મહાત્માનું ચિત્રણ એક રાજકીય નેતાને બદલે નૈતિક શક્તિના પ્રતીક તરીકે ઊપસી આવે છે. બ્રિટિશ હકૂમતને "જેનો સૂરજ કદી આથમતો નથી’ એવા સામ્રાજ્ય તરીકે ઓળખવામાં આવતી. કાગબાપુ આ જ કલ્પનાને પડકારતા લખે છે: "સૂરજ આટા ફરે એવડો ડુંગરો, ડુંગરાને ડોલાવનારો.’ ભૌતિક સત્તા કરતાં નૈતિક બળ સદાય ચડિયાતું હોય છે, તે આ પંક્તિઓનો સૂર છે. અહિંસાના ગાંધીવાદી વિચારને કાગબાપુએ જેટલી સહજતા અને ઊંડાણથી આલેખ્યો છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ‘વાણિયો ખેડે વેર' છે. શીર્ષક પોતે જ એક કૌતુક જગાવે છે કે વાણિયો વળી યુદ્ધ કેવી રીતે કરે? આ વિરોધાભાસ દ્વારા કવિ ગાંધીજીના સંઘર્ષનું અનોખું સ્વરૂપ સ્પષ્ટ કરે છે: "ઘાવ ઝીલે ઘમસાણના રે, એની આંખમાં નાવ્યા ઝેર, દુનિયા આખી ડોલવા લાગી, વાણિયો ખેડે વેર.’ અહીં સંઘર્ષ અકબંધ છે, પણ દ્વેષનો છાંટોય નથી. પ્રહારો સહન કરવાની તૈયારી છે, પણ બદલાની ભાવના નથી. કાગબાપુની દૃષ્ટિએ ગાંધીવિચાર માત્ર રાજકીય સ્વતંત્રતા સુધી સીમિત નહોતો, તે ભારતનાં સાંસ્કૃતિક અને નૈતિક પુનર્જાગરણની પ્રક્રિયા હતી. તેનું સુંદર નિરૂપણ ‘ચૂંદડી' કાવ્યમાં જોવા મળે છે. અહીં ગાંધીજી કોઈ નેતા નહીં, પરંતુ સમાજના નૈતિક જીવનને સત્યના રંગે રંગતા એક રંગરેજ બનીને આવે છે: "નવાં બીબાં ને જૂનો રંગ છે.’ આ એક જ પંક્તિ ભારતીય તત્ત્વચિંતનનો નિચોડ આપે છે. સત્યાગ્રહ, ખાદી કે અસહકાર જેવી પદ્ધતિઓ ભલે નવી લાગતી હોય, પરંતુ તેના મૂળમાં રહેલા સત્ય, કરુણા અને સંયમ જેવાં મૂલ્યો તો ભારતની સનાતન પરંપરાની જ નીપજ છે. ‘ચૂંદડી' પછી કાગબાપુની ગાંધીવિચાર સાથેની આ આંતરયાત્રા ‘મોહન દૂબળો કેમ?' ગીતમાં વધુ ગૂઢ બને છે. ગાંધીજીના ઉપવાસ અને ત્યાગને કવિ કેવળ રાજકીય હથિયાર તરીકે જોવાને બદલે, સમાજની પીડાના પ્રતિધ્વનિ તરીકે સ્થાપે છે. સામાજિક સુધારણા અને પ્રાચીન પરંપરા વચ્ચેના ગાંધીજીના અભિગમને ઘણીવાર ગેરસમજથી જોવામાં આવ્યો છે. આ જટિલ સમીકરણનો અત્યંત માર્મિક ઉકેલ કાગબાપુ ‘ચાકડો' ગીતમાં આપે છે: "હળવો ફેરવજે જૂનો ચાકડો, ચાકડે જૂને ઉતારજે નવા ઘાટ રે.’ કુંભારનો ચાકડો ભલે જૂનો હોય, પણ તેમાંથી આકાર લેતાં વાસણો નવાં જ હોય છે. અહીં ચાકડો હળવેથી ફેરવવાની ટકોર ખૂબ સૂચક છે. ઉતાવળિયો સુધારો સમાજના તાણાવાણાને તોડી નાખે છે, જ્યારે વિચારપૂર્વકનું પરિવર્તન સમાજને નવો આકાર આપે છે. કાગબાપુ માટે ગાંધીવાદ કોઈ એક વ્યક્તિની પૂજા નહોતી, પણ સામાજિક ન્યાય અને માનવીય સમાનતા માટે નિરંતર ચાલતી નૈતિક પ્રક્રિયા હતી. આઝાદી પછી પણ સ્વૈચ્છિક સેવા અને સમાજનિર્માણના પ્રશ્નો તેમના કાવ્યોમાં એટલી જ ગંભીરતાથી ગુંજતા રહ્યાં. કાગબાપુનાં કાવ્યોનું સૌથી મોટું જમા પાસું એ છે કે તેમાં રાજકીય વિચારધારા અને લોકસંસ્કૃતિ એકાકાર થઈ જાય છે. મૌખિક પરંપરામાં ગવાતાં આ ગીતોએ શિક્ષણ અને જ્ઞાતિના તમામ ભેદભાવોને પાર કરીને ગાંધીવિચારને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં એક સેતુનું કામ કર્યું છે. તેમણે ગાંધીજીની વિચારધારાને ફક્ત ગાઈ નથી, તેને ગુજરાતના લોકમાનસમાં રોપીને લોકભોગ્ય બનાવી છે.
    Click here to Read More
    Previous Article
    બુધવારની બપોરે:મિલના હો તો, કૈસે મિલે હમ...?
    Next Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:યથા ભોક્તા તથા ભોજયિતા!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment