Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરમનના આટાપાટા:નિષ્ફળતાની મરુભૂમિ અને ભવ્ય સફળતા

    8 hours ago

    ડૉ. જય નારાયણ વ્યાસ તમે એમેઝોન પ્રાઇમ પર લટાર મારવા નીકળો તો છ ભાગમાં વહેંચાયેલી ‘મેડ ઇન ઇન્ડિયા - ટાઇટન સ્ટોરી’ નામની એક ફિલ્મ નજરે ચડશે. આ ફિલ્મમાં એ જમાનાની વાત છે જ્યારે આ દેશમાં કુલ મળીને લગભગ અઢાર લાખ ઘડિયાળો બનતી હતી, જેમાં મોટો હિસ્સો HMT બનાવતી હતી અને ત્યાર પછી ઓલ્વિન કરીને એક બીજી કંપની હતી જે વર્ષે આઠ લાખ ઘડિયાળો બનાવતી હતી. આ સામે ભારતમાં દર વર્ષે પચાસ લાખ કરતાં વધુ કાંડા ઘડિયાળો વેચાતી હતી. એ જમાનો હતો જ્યારે ભારતમાં સૌથી વધુ દાણચોરીથી આવતી વસ્તુ હીરા, ઝવેરાત, સોનું, ચાંદી, સિગારેટ લાઇટર કે સિગારેટ નહીં, પણ ઘડિયાળ હતી. અને આપણા કાંડે માત્ર દેશી ઘડિયાળ જ બંધાયેલી હોય એ પડકાર ઉપાડી લેવાનું કામ એક માથાફરેલા માણસ ઝેર્ક્ષિસ દેસાઈએ કર્યું. એની સાથે એના આ સાહસમાં બીજા ત્રણ માણસો જોડાયા. એકની પાસે સરકારી કંપનીમાં સીનિયર પોઝિશનની સુરક્ષિત નોકરી હતી, એક IIT ગ્રેજ્યુએટ અને એક મહિલા જે લેડી શ્રીરામ કૉલેજમાંથી પોતાનો અભ્યાસ પૂરો કરીને ઉડાન ભરવા માટે પોતાનું આકાશ શોધી રહી હતી. આ ચારની ચોકડી એક અશક્ય લાગતું કામ હાથમાં લે છે. અલબત્ત, તેમની પાસે જે.આર.ડી. ટાટા જેવા માતબર ઉદ્યોગપતિના આશીર્વાદ હોય છે, પણ એ સિવાય કશું જ નહીં. જે.આર.ડી. ટાટા પણ એટલા માટે આ સાહસ સાથે જોડાય છે કારણ કે કાંડા ઘડિયાળ માટે આ દેશમાં એક ખૂબ મોટું બજાર દાણચોરીથી સંતોષાય છે. દેશની બંને કાંડા ઘડિયાળ કંપનીઓની કુલ ઉત્પાદન શક્તિ કરતાં લગભગ બમણી કાંડા ઘડિયાળો ભારતમાં દાણચોરીથી આવે છે. જે.આર.ડી. ટાટા સ્વિટ્ઝરલૅન્ડની એક ખ્યાતનામ ઘડિયાળ નિર્માતા કંપનીના વડા સાથે કોલેબોરેશન માટે મીટિંગ કરે છે. ચર્ચાના અંતે પેલા સ્વિસ વડા ટેક્નોલૉજી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરતા કહે છે કે ભારતીયો આવી ઝીણવટભરી કારીગરીવાળી ઘડિયાળો બનાવવા માટે લાયક જ નથી અને મારે મારું બ્રાન્ડ નેમ બગાડવું નથી. તે વખતે ભારતમાં માત્ર બે જ ઘડિયાળ કંપની હતી. એકની પાસે ‘સિટીઝન’ અને બીજી પાસે જાપાનની ‘સિટીઝન/સિકો’નું કોલેબોરેશન હતું. જે.આર.ડી. જાણતા હતા કે ભારતીય કારીગરો હજુ સ્વિટ્ઝરલૅન્ડની બરોબરી કરી શકે તેવી ઘડિયાળ બનાવવા સક્ષમ નથી. છતાં છેવટની દરખાસ્ત તરીકે તેઓ પેલા ઉત્પાદકને કહે છે કે ‘મારો દેશ એરોપ્લેન, સ્ટીલ અને રેલવે એન્જિન બનાવી શકે છે, તો શું અમે કાંડા ઘડિયાળ ન બનાવી શકીએ?’ પરંતુ, પેલો સ્વિસ ઉત્પાદક ફરી ઘસીને ના પાડે છે અને વાતચીત તૂટી જાય છે. સ્વદેશ પરત આવીને એરપોર્ટથી જ સીધા તેઓ ઝેર્ક્ષિસ દેસાઈ પાસે જઈને અનાઉન્સ કરે છે કે જ્યાં સુધી હું આ સ્વિસ મેન્યુફેક્ચરરની ચેલેન્જ ઉપાડીને ભારતમાં એના જેવી ગુણવત્તાસભર ઘડિયાળ ન બનાવું ત્યાં સુધી કાંડે ઘડિયાળ નહીં બાંધું. આટલું કહી પોતાના કાંડે બાંધેલી ઘડિયાળ છોડીને એ ઝેર્ક્ષિસ દેસાઈના ટેબલ પર મૂકી દે છે. દેસાઈ અને એના સાથીઓ પણ પોતાની કાંડા ઘડિયાળો છોડી બાજુ પર મૂકી દે છે. બીડું ઝડપાઈ ગયું છે. આમ તો વાર્તા ઘણી લાંબી છે, પણ એક એવો તબક્કો આવે છે જ્યારે ટાઇટન બ્રાન્ડ નેમથી આ લોકો ક્વાર્ટ્ઝ ઘડિયાળ બનાવે છે અને એનું પહેલું નંગ બોમ્બે હાઉસ જઈને જે.આર.ડી. ટાટાને ભેટ આપે છે. જે.આર.ડી. ટાટાના હરખનો પાર નથી. એ જ સમયે એ પાર્ટી માટે જઈ રહ્યા હોય છે જેમાં પેલો સ્વિસ પણ આવવાનો હોય છે. જે.આર.ડી. પોતાના કાંડે બાંધેલી ઘડિયાળ એને ગર્વથી બતાવે છે કે આ અમે અમારી મહેનતથી જાતે બનાવી છે. કમનસીબે એ ઘડિયાળ ત્યાં સુધીમાં એક કલાક પાછળ પડી ગઈ હોય છે અને પેલો સ્વિસ ઉત્પાદક જે.આર.ડી.ની મનભરીને મજાક ઉડાડે છે. ગુસ્સાથી ધૂંઆપૂંઆ થયેલા જે.આર.ડી. આ ટીમ પર પોતાનો રોષ ઠાલવે છે. સ્વાભાવિક છે કે આ લોકો હતાશ થઈ જાય છે. ત્યાર પછીની એક મુલાકાતમાં જે.આર.ડી., ઝેર્ક્ષિસ દેસાઈના ખભા પર હાથ મૂકીને કહે છે કે તમે નિષ્ફળ ગયા એ કંઈ રાજી થવાની વાત નથી, પણ મિ. દેસાઈ એટલું યાદ રાખજો: ‘ધ રૂટ ટુ અ સ્પેક્ટેક્યુલર સક્સેસ પાસીસ થ્રુ અ સ્પેક્ટેક્યુલર ફેલ્યોર’ અર્થાત્ ભવ્ય સફળતાનો રાજમાર્ગ એટલી જ ભવ્ય નિષ્ફળતાને વીંધીને આગળ વધે છે. આ કોઈ પરીકથા નથી, નકરી વાસ્તવિકતા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવનના કોઈ ને કોઈ ક્ષેત્રમાં ગમે તેવી મહાન વ્યક્તિ હોય, ક્યારેક નિષ્ફળતા એની સામે ભટકાઈ જાય છે. આવી નિષ્ફળતાને માથે ન બેસાડતાં ઝેર્ક્ષિસ દેસાઈ અને એની ટીમની માફક તમે જો એ મુસીબતની પીઠ પર જ સવારી કરી લો તો સફળતા સામે છેડે અચૂક આપણી રાહ જોતી હોય છે. તક મળે તો ‘ટાઇટન સ્ટોરી’ જરૂર જોજો, મજા આવશે. છેલ્લા એક અઠવાડિયામાં મેં આ ફિલ્મ સત્તાવીશ વખત જોઈ છે, પણ હું તો મગજ વગરનો માણસ છું, કદાચ બુદ્ધિ પણ ઓછી હશે એટલે સત્તાવીશ વખત જોવાની જરૂર પડી! તમે ન જોઈ હોય તો માત્ર એક વખત તો જરૂર જોજો.
    Click here to Read More
    Previous Article
    ડૉક્ટરની ડાયરી:ક્યાંક ઈ વરસે ધોધમાર ને ક્યાંક જેવો તેવો,આ વરસાદ પણ જોને સાવ તારી જેવો!
    Next Article
    બુધવારની બપોરે:મિલના હો તો, કૈસે મિલે હમ...?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment