Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉક્ટરની ડાયરી:ક્યાંક ઈ વરસે ધોધમાર ને ક્યાંક જેવો તેવો,આ વરસાદ પણ જોને સાવ તારી જેવો!

    7 hours ago

    2006નું વર્ષ. સુરત શહેરનું આભ દરિયો ઠાલવતું હોય એમ વરસી રહ્યું હતું. એમાંય આઠમી ઓગસ્ટે તો જાણે બારેય પ્રકારના મેઘ બાર વખત ત્રાટકતા હોય એવી હાલત સર્જાઈ હતી! એક આફતમાં બીજી આફત ભળી. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે ઊકાઈ બંધમાંથી આઠથી નવ લાખ ક્યુસેક્સ જેટલું પાણી છોડવામાં આવ્યું. તાપી નદી પોતાના પટમાં સમાવી ન શકે એટલો જળપ્રવાહ આખરે જાય ક્યાં? સુરત આખું જળબંબાકાર થઈ ગયું. સુરતની જનતાએ ભૂતકાળમાં અનેક વાર પૂરની ઘટનાઓ જોયેલી અને સહન કરેલી છે, પણ 2006ના ઓગસ્ટ મહિનાની આઠમી તારીખ લાખો સુરતી લાલાઓની સ્મૃતિમાં એક વિનાશક હોનારત રૂપે સચવાયેલી છે. આવી પૂરગ્રસ્ત હાલતમાં આદર્શ સોસાયટીના એક બંગલામાં ડૉ. યોગેશભાઈ ગંભીર મનોદશામાં મુકાઈ ગયા હતા. એમના પત્ની ડૉ. કુસુમબહેન બ્રેઇન ટ્યુમરની વ્યાધિથી પીડાઈને પથારીગ્રસ્ત હતા. અન્ય દવાઓ, ઇન્જેક્શનો અને ઓક્સિજન પર ટકી રહ્યાં હતાં. ડૉ. યોગેશભાઈની ચિંતાનું કારણ એ હતું કે એમની પાસે જે ઓક્સિજનનો સિલિન્ડર હતો તે લગભગ ખાલી થવા આવ્યો હતો. જો તાત્કાલિક બીજો સિલિન્ડર ઉપલબ્ધ ન થાય તો પત્નીનો જીવ જોખમમાં મુકાઈ શકે તેવી સ્થિતિ હતી. ડૉ. યોગેશભાઈએ સામેના બંગલામાં રહેતા ડૉ. શાહને ફોન કર્યો, “સર, મારી વાઇફનો જીવ જોખમમાં છે. ઓક્સિજન ખલાસ થવા આવ્યો છે. જો નવો સિલિન્ડર નહીં મળે તો.…’ ડૉ. વિનોદભાઈ શાહ એમની પત્ની અમિતાબહેન સાથે બેસીને બાલ્કનીમાંથી સોસાયટીમાં ફેલાઈ ગયેલા દરિયાને નિહાળી રહ્યા હતા, અમિતાબહેન એમનાં કોલેજકાળનાં પરાક્રમો વર્ણવી રહ્યાં હતાં. મિત્ર ડૉ. યોગેશભાઈની મુસીબત વિશે જાણીને એમણે પહેલો સવાલ આ કર્યોઃ “મિત્ર, તમે એજન્સીમાં ફોન કર્યો?’ જવાબ મળ્યો, “હા, કર્યો હતો. ત્યાંથી સિલિન્ડર રવાના પણ કરવામાં આવ્યો હતો, પરંતુ પાણીના વેગીલા પ્રવાહમાં સિલિન્ડર તણાઈ ગયો. હવે તમે જ મદદ કરી શકો એમ છો.’ “મને વિચારવા માટે બે-પાંચ મિનિટનો સમય આપો!’ ડૉ. શાહે કહ્યું. આવું કહેતી વખતે તે સમજતા હતા કે સમય યોગેશભાઈ પાસેથી નહીં પણ યમરાજ પાસેથી માગવાનો હતો. શ્વાસોનું મૂલ્ય આવી તૂટતી જતી ક્ષણોમાં જ સમજાય છે. ડૉ. વિનોદભાઈ શાહે પત્નીને કહ્યું, “ઓક્સિજન સિલિન્ડર તો આપણી પાસે આવી જશે, પણ એને ત્રીસેક ફૂટ દૂર જઈને લઈ આવવો પડશે. એ માટે આ દરિયો તરીને જવું પડે અને એ વજનદાર બાટલાને ઊંચકીને પાછાં ત્રીસ ફૂટ આવવું પડે. આ પૂરથી ગાંડીતૂર બનેલી તાપીમાં કૂદવાનું સાહસ અત્યારે કોનામાં છે?’ આ ફોનવાળી ઘટના બની તે પહેલાં પતિ-પત્ની સ્વિમિંગ વિશે જ ચર્ચા કરી રહ્યાં હતાં. ચાળીસ વર્ષનાં થયેલાં અમિતાબહેન પોતાના વીસ વર્ષની વયનાં પરાક્રમો વર્ણવી રહ્યાં હતાં, “કોલેજમાં ભણતી હતી ત્યારે હું સ્વિમિંગ સ્પર્ધામાં ચેમ્પિયન બની હતી. તાપી નદીના આ કાંઠેથી પડતી હતી અને સામા કાંઠે નીકળી હતી.’ ડૉ. શાહની મૂંઝવણ પારખીને અમિતાબેને તૈયારી બતાવી, “જો તમે કહેતા હો તો હું આ કામ કરવા માટે તૈયાર છું.’ “ગાંડી થઈ છે?’ ડૉ. શાહ હસ્યાઃ “એ જે સ્વિમિંગ ચેમ્પિયન થઈ હતી તે વીસ વર્ષની એક યુવતી હતી, આ મારી સામે જે બેઠી છે તે ચાળીસ વર્ષની, બે બાળકોની મા છે. બીજી મહત્ત્વની વાત એ કે સ્પર્ધામાં તરવું અને પૂરમાં તરવું એ બંને તદ્દન અલગ બાબતો છે.’ ડૉ. શાહની વાત સાચ સાચી હતી. ફાઇટ માસ્ટરના નિર્દેશન હેઠળ સિનેમાના પડદા ઉપર તલવારબાજી કરવી સહેલી છે, પણ હલ્દીઘાટીના યુદ્ધમેદાનમાં ચેતક પર સવાર થયેલા મહારાણા પ્રતાપના ભાલાના ઘા સામે ઊભા રહેવું એ મરવાના ખેલ છે. અમિતાબહેન મક્કમ રહ્યાં, “મેં તરવાનું શીખ્યું તે માત્ર મેડલ જીતવા માટે ન હતું, સમય આવે કોઈનો જીવ બચાવી શકું તે માટે હતું. મારી ઉંમર ભલે ના પાડતી હોય પણ મારું મન હા કહે છે.’ ડૉ. વિનોદભાઈએ પોતાના ડૉક્ટર મિત્રોનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું. થોડાક નિષ્ફળ પ્રયત્નો પછી એક મિત્ર તરફથી સારા સમાચાર આવ્યા. ડૉ. નિર્મલ ચોરાડિયાએ કહ્યું, “મારી પાસે ઓક્સિજન સિલિન્ડર છે. હું અને ડૉ. યતીશભાઈ લાપસીવાલા એ લઈને ઘોડદોડ રોડ પર પહોંચી જઈશું. ત્યાંથી સિલિન્ડર લઈ જવાની જવાબદારી તમારી.’ સિલિન્ડર ઘોડદોડ રોડ સુધી આવી ગયો. એને જ્યાં પહોંચાડવાનો હતો એ સોસાયટી સમાંતર રોડ ઉપર આવેલી હતી. હવે સૌથી અઘરો સવાલ એ હતો કે આ બે સ્થળોની વચ્ચે પથરાયેલા અફાટ જળરાશિને વીંધીને એ ભારે સિલિન્ડરને ડૉ. યોગેશભાઈના ઘર સુધી લઈ આવવો શી રીતે? અમિતાબહેન ભૂતકાળમાં કુશળ તરવૈયા રહી ચૂક્યાં હતાં. ઉપરાંત તેમણે ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ઘોડેસવારી, કાર રેસિંગ અને ટ્રેકિંગ જેવી સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. એમને પોતાની તરવાની શક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ હતો. ભલભલા યુવાનો જ્યારે પાણીમાં બેસી ગયા ત્યારે અમિતાબહેન પૂરમાં પાણીમાં ઝંપલાવવા માટે તૈયાર થઈ ગયાં. વાત પ્રસરી ગઈ. વ્યૂહરચના તૈયાર કરી દેવામાં આવી. એક લાંબું, જાડું દોરડું લેવામાં આવ્યું, એનો એક છેડો લોખંડની જાળી સાથે અને બીજો છેડો અમિતાબહેનની કમર ફરતે બાંધી દેવામાં આવ્યો. આજુબાજુના બંગલાઓની બાલ્કનીઓ આ દિલધડક ઓપરેશન જોવા માટે ઊભા રહેલા માણસોથી ભરાઈ ગઈ. બપોરના સાડા ચારે અમિતાબહેને પાણીમાં છલાંગ લગાવી. ઘેરાયેલા આકાશના લીધે વાતાવરણમાં સારું એવું અંધારું પથરાઈ ગયું હતું. અમિતાબહેન માત્ર તરવામાં જ માહેર ન હતાં, એમને એ વાતની પણ ખબર હતી કે વહેતા જળપ્રવાહમાં સીધા સામે પાર જવાનો પ્રયાસ કરવામાં આવે તો નિર્ધારિત સ્થાન કરતાં થોડાક મીટર્સ નિચાણવાળી જગ્યાએ પહોંચી જવાય. માટે શરૂઆતમાં સામા વહેણે થોડુંક ઉપરની દિશામાં જવું પડે, એ પછી પાણીનો પટ ક્રોસ કરવો પડે. આ કામ ખૂબ અઘરું સાબિત થયું. ત્રણસો બંગલાઓમાં જમા થયેલા લોકો એક ‘અબળા’ની આ સબળી કોશિશને શ્વાસ થંભાવીને જોઈ રહ્યો હતો. અમિતાબહેને સામા પ્રવાહે તરીને જલારામ ડેરી પાસે પહોંચીને પછી ક્રોસમાં તરવાનું ચાલુ કર્યું. ત્યાંથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ઈમારત પાસે પહોંચ્યાં. પછી ઘોડદોડ રોડ પર પથરાયેલું પાણી કાપ્યું. જ્યારે પાણીની સપાટી છીછરી લાગી ત્યારે પગે ચાલીને ગંતવ્ય સ્થાન સુધી જઈ પહોંચ્યાં. ડૉ. નિર્મલભાઈ અને ડૉ. વશી વગેરે મિત્રોએ તાળીઓ પાડીને અમિતાબહેનું સ્વાગત કર્યું. એમને ઓક્સિજનનો બાટલો સોંપ્યો. હવેનું કામ વધારે અઘરું હતું. અમિતાબહેને તરવાનું પણ હતું અને સિલિન્ડરને પકડી રાખવાનો પણ હતો. સીધી રીતે આ શક્ય ન હતું. બધાંએ યુક્તિ લડાવી. બાટલો ફરીથી સરી ન જાય એ માટે સાત-આઠ વાંસની લાકડીઓ બાંધીને નનામી જેવું માળખું તૈયાર કર્યું. એની ઉપર સિલિન્ડરને મૂકીને દોરડાની મદદથી મુશ્કેટાટ બાંધી દીધો. અમિતાબહેન ફરીથી પાણીમાં પડ્યાં. એક હાથે નનામી ખેંચતાં જાય, બીજા હાથે પાણી કાપતાં જાય. શ્વાસ ફૂલી જાય. હાથ-પગમાં ખાલી ચડવા માંડી, પણ હવે જોખમ એક નહીં, બબ્બે જિંદગીઓનું હતું. અમિતાબહેન પૂરું અંતર કાપીને પાછાં આવ્યાં. ઓક્સિજનનો સિલિન્ડર ડૉ. કુસુમબહેનની પથારી સુધી પહોંચાડી દીધો. સર્વત્ર આ સમાચાર ફેલાઈ ગયા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ સુધી આ વાત પહોંચી ગઈ. એક સ્ત્રીના આ સાહસ, સામર્થ્ય અને શૌર્યને તત્કાલીન આઈ. એમ. એ. પ્રેસિડેન્ટે અમિતાબહેનને ‘નારી શક્તિ એવોર્ડ’ આપીને સન્માનિત કર્યાં. જ્યારે જ્યારે ચોમાસું આવે છે, સુરતનું આકાશ ગર્જી ઊઠે છે, તાપી ગાંડીતૂર થાય છે ત્યારે ડૉ. વિનોદભાઈ અને અમિતાબહેન પોતાના ઘરની બાલ્કનીમાં બેસીને આ ‘ઓપરેશન સિલિન્ડર’ને યાદ કરીને હસી લે છે.
    Click here to Read More
    Previous Article
    धर्म अलग हो सकता है, लेकिन इंसानियत एक है... न्यूयॉर्क के मैडिसन स्क्वायर में बोले RSS प्रमुख मोहन भागवत
    Next Article
    આંતરમનના આટાપાટા:નિષ્ફળતાની મરુભૂમિ અને ભવ્ય સફળતા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment