Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશ-વિદેશ:સાઉદી-તુર્કી-પાકિસ્તાન સંરક્ષણ કરારની ભારત પર અસરો

    10 hours ago

    ડૉ. જય નારાયણ વ્યાસ 7 ઓગસ્ટ, 2026ના રોજ મક્કામાં હસ્તાક્ષર પામેલા ‘મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ’ દ્વારા સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાને એક નવા સુરક્ષા માળખાની રચના કરી છે. આ કરારને માત્ર એક રાજદ્વારી ઘટના તરીકે જોવો પૂરતો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને ભારતની વ્યૂહાત્મક સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં તેની ગહન અસરો છે. આ ત્રિપક્ષીય કરારનો મૂળ સિદ્ધાંત સામૂહિક સુરક્ષા પર આધારિત છે, એટલે કે ત્રણેયમાંથી કોઈપણ એક દેશ પર સશસ્ત્ર હુમલો થાય તો તેને ત્રણેય સામેનો હુમલો ગણવામાં આવશે. આ કરાર અચાનક અસ્તિત્વમાં આવ્યો નથી. 17 સપ્ટેમ્બર, 2025ના રોજ સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા ‘સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ’નું આ વિસ્તરણ છે. એપ્રિલ, 2026માં પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર અને સપોર્ટ એરક્રાફ્ટની સાઉદી અરેબિયામાં ઉપસ્થિતિ દર્શાવે છે કે આ સંબંધો હવે માત્ર કાગળ પર મર્યાદિત નથી, પરંતુ વ્યાવહારિક સ્તરે મજબૂત થઈ રહ્યા છે. આ કરાર ત્રણેય દેશોની વિશિષ્ટ તાકાતોનું મિશ્રણ કરવાનો પ્રયાસ છે. સાઉદી અરેબિયા પાસે વિશાળ નાણાકીય ભંડોળ, ઊર્જા સંસાધનો અને મધ્ય-પૂર્વમાં મજબૂત રાજદ્વારી પ્રભાવ છે. પાકિસ્તાન પાસે પરમાણુ હથિયાર ક્ષમતા, સૈન્ય અનુભવ અને મોટી માનવશક્તિ છે, જ્યારે તુર્કી અત્યાધુનિક ડિફેન્સ-ઈન્ડસ્ટ્રિયલ કોમ્પ્લેક્સ, ડ્રોન અને માનવરહિત પ્રણાલીઓ તેમજ ‘નાટો’નો લાંબો લશ્કરી અનુભવ ધરાવે છે. આ ત્રણેયની શક્તિઓનું સંયોજન એટલે કે સાઉદીનાં નાણાં, પાકિસ્તાનની મિલિટરી અને તુર્કીની ડિફેન્સ ટેકનોલોજી એક નવું સમીકરણ રચે છે. પશ્ચિમ એશિયાની સુરક્ષા વ્યવસ્થા દાયકાઓથી અમેરિકન સુરક્ષા છત્ર નીચે રહી છે. પરંતુ હવે અહીંના દેશો એક જ મહાશક્તિ પર નિર્ભર રહેવાને બદલે ‘સ્ટ્રેટેજિક ડાઈવર્સિફિકેશન’ તરફ આગળ વધી રહ્યા છે. સાઉદી અરેબિયા એક તરફ અમેરિકા સાથે ગાઢ સંબંધો જાળવી રહ્યું છે, તો બીજી તરફ ચીન સાથે આર્થિક ભાગીદારી અને તુર્કી-પાકિસ્તાન સાથે સુરક્ષા કરારો કરીને પોતાની સુરક્ષા વ્યવસ્થાને વૈવિધ્યસભર બનાવી રહ્યું છે. ઈરાને આ કરારની ટીકા કરતા કહ્યું છે કે, ‘આ કરાર સાઉદીને કાયમી સુરક્ષાની ખાતરી આપી શકશે નહીં. સાઉદીએ સમજવું જોઈએ કે જેમ વર્ષો સુધી અમેરિકાને સાચવી રાખવાની નીતિથી તેમને સુરક્ષા નથી મળી, તેમ તુર્કી અને પાકિસ્તાન સાથેના માત્ર કાગળ પરના કરારથી પણ તેમને સુરક્ષા નહીં મળે. જો સાઉદી અરેબિયા પોતાની નીતિઓમાં સુધારો કરે, તો તેણે સુરક્ષા માટે અન્ય લોકો પાસે આજીજી કરવાની જરૂર નહીં પડે.’ જો આ કરારને કોઈ ચોક્કસ દેશ વિરુદ્ધના લશ્કરી મોરચા તરીકે જોવામાં આવે, તો પશ્ચિમ એશિયામાં નવો તણાવ ઊભો થઈ શકે છે. જોકે, ત્રણેય દેશો આ કરારને સંપૂર્ણપણે રક્ષણાત્મક ગણાવી રહ્યા છે. ભારતે આ કરારનું મૂલ્યાંકન કોઈ પણ પ્રકારની લાગણીશીલતા કે ભય વગર નીચે મુજબના પાંચ મહત્ત્વના મુદ્દાઓ પર કરવું જોઈએ: (1) પાકિસ્તાનને નવો વ્યૂહાત્મક લાભ: પરમાણુ હથિયારો અને ચીનની મિત્રતા ધરાવતા પાકિસ્તાન માટે હવે સાઉદી નાણાકીય સહાય અને તુર્કીની સૈન્ય ટેક્નોલોજીનું સુરક્ષા માળખું ઉપલબ્ધ થવું એ તેના માટે રાજદ્વારી અને લશ્કરી દૃષ્ટિએ મોટો લાભ છે. (2) તુર્કીનો પાકિસ્તાન તરફનો ઝુકાવ: તુર્કીના પાકિસ્તાન સાથે વધતા સંરક્ષણ સંબંધો ભારત માટે સંવેદનશીલ વિષય છે. જોકે, આનો અર્થ એ નથી કે તુર્કી ભારત સામેના કોઈ પણ સંઘર્ષમાં આપમેળે પાકિસ્તાનની સાથે સક્રિય યુદ્ધમાં જોડાઈ જશે. આ કરારને ‘નાટોનું મિડલ ઈસ્ટર્ન વર્ઝન’ માનવું અતિશયોક્તિ છે. (3) ભારત અને સાઉદી અરેબિયાના દ્વિપક્ષીય સંબંધો: સાઉદીના પાકિસ્તાન સાથે સંરક્ષણ કરારનો અર્થ એ નથી કે તે ભારત સાથેના સંબંધો ઘટાડી દેશે. ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર અંદાજે 42 અબજ ડોલર જેટલો છે અને સાઉદી અરેબિયા ભારત માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ઊર્જા સુરક્ષા ભાગીદાર છે. (4) ઊર્જા સુરક્ષા અને સાવચેતી: ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે પશ્ચિમ એશિયા પર નિર્ભર છે. આ પરિસ્થિતિમાં ભારતે કોઈ ઉતાવળિયું પગલું લઈ કાઉન્ટર-એલાયન્સ બનાવવાની જરૂર નથી, પરંતુ સાઉદી અરેબિયા સાથેના વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવવા જોઈએ. (5) ગઠબંધન નહીં, ભાગીદારી: 21મી સદીની ભૂરાજનીતિમાં હવે માત્ર ‘કોણ કોની સાથે છે?’ એ સવાલ નથી, પરંતુ ‘કયા મુદ્દે કોણ કોની સાથે છે?’ તે મહત્ત્વનું છે. એક દેશ વેપારમાં ભાગીદાર હોઈ શકે છે જ્યારે સુરક્ષાના મુદ્દે મતભેદો પણ હોઈ શકે છે. આ બદલાતી પરિસ્થિતિમાં ભારત માટે ચિંતા કરતાં વધુ સજાગ અને સક્રિય રહેવાની જરૂર છે. ભારતે પોતાની વિદેશ નીતિ અને સુરક્ષા માટે કેટલાક વ્યાવહારિક પગલાં ભરવા જોઈએ. ભારતે સાઉદી અરેબિયા, UAE, કતાર અને ઓમાન જેવા દેશો સાથે રાજદ્વારી અને આર્થિક સંબંધો વધુ મજબૂત કરવા જોઈએ. મતભેદો હોવા છતાં તુર્કી સાથેના રાજદ્વારી દરવાજા સંપૂર્ણપણે બંધ કરવાને બદલે સાવચેતીપૂર્વકનો સંવાદ ચાલુ રાખવો જોઈએ. પાકિસ્તાનની દરેક રાજદ્વારી સફળતાને ભારતનો પરાજય માનવાની જરૂર નથી. ભારત જેટલું પોતાનાં ડ્રોન્સ, મિસાઈલ્સ, એર ડિફેન્સ, સાઇબર કેપિટલ અને નૌકાદળની તાકાતમાં આત્મનિર્ભર બનશે, એટલું જ બાહ્ય ગઠબંધનોનું દબાણ નહીંવત્ થઈ જશે. સાઉદી-તુર્કી-પાકિસ્તાન કરારને ભારત વિરુદ્ધના કોઈ ભયજનક કાવતરા તરીકે જોવાની જરૂર નથી. આ ઘટના દર્શાવે છે કે, વિશ્વ હવે નવાં શક્તિશાળી સમીકરણો અને આર્થિક-વ્યૂહાત્મક ભાગીદારીઓની દુનિયામાં પ્રવેશી રહ્યું છે. ભારત માટે સૌથી મોટી તાકાત કોઈ અન્ય દેશ સાથેનું ગઠબંધન નહીં, પરંતુ પોતાની આર્થિક મજબૂતાઈ, સ્વતંત્ર વિદેશ નીતિ અને અજેય સૈન્ય ક્ષમતા છે.
    Click here to Read More
    Previous Article
    હિડન ટ્રુથ:એ. આઈ. અને સાંખ્ય દર્શન
    Next Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:‘લિટલ માસ્ટર’નો માસ્ટરસ્ટ્રોક: રઘુરામ ભટ્ટના સ્પિન સામે સની ડાબોડી બેટ્સમેન બન્યા!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment