Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અક્ષરનો અજવાસ:ઉચ્ચ શિક્ષણમાં લાંબી આવરદાવાળા ચાઇનીઝ પ્રયોગો...

    8 hours ago

    જયેન્દ્રસિંહ જાદવ તાજેતરમાં ચીનના શિક્ષણ મંત્રાલયે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એક અત્યંત વિરાટ સર્જરી કરી છે. ચીનની યુનિવર્સિટીઓએ સમય વીતી ગયા પછી પણ અપ્રસ્તુત રહેલા 12,200 જેટલા અંડરગ્રેજ્યુએટ કોર્સીસને એકઝાટકે રદ કરી દીધા છે. તેની સામે આધુનિક યુગની માગ અને ઔદ્યોગિક અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને 10,200 જેટલા નવા અભ્યાસક્રમો દાખલ કર્યા છે. આ રદ કરાયેલા અભ્યાસક્રમોમાં મુખ્યત્વે પરંપરાગત આર્ટ્સ, હ્યુમેનિટીઝ, વિદેશી ભાષાઓ, પ્રોડક્ટ ડિઝાઇન અને જૂના મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, ‘શાંઘાઈ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી’એ તેનો જૂનો પ્રોડક્ટ ડિઝાઇન કોર્સ રદ કરી દીધો છે, કારણ કે AI હવે સેકન્ડ્સમાં મૉડેલિંગ અને રેન્ડરિંગ કરી શકે છે. તેની જગ્યાએ ચીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, સેમિકન્ડક્ટર એન્જિનિયરિંગ, બ્રેઇન-કમ્પ્યૂટર સાયન્સ, એમબોડીડ ઇન્ટેલિજન્સ અને કાર્બન ન્યુટ્રાલિટી જેવા વિષયો ઉમેર્યા છે. આવું કરવા પાછળનું કારણ ચીનના શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે. પરંપરાગત શૈક્ષણિક પ્રણાલીના સ્થાને હવે ગતિશીલ, સક્રિય અને કૌશલ્ય-આધારિત શિક્ષણ પદ્ધતિ અપનાવવી. હવે શિક્ષણ અને ઉદ્યોગના જોડાણને વધુ મજબૂત બનાવવા ઇન્ટર્નશિપ, લાઈવ પ્રોજેક્ટ્સ અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને વણી લેવામાં આવી છે. ચીને પોતાના વિદ્યાર્થીઓને સંશોધનનું લક્ષ્ય પણ નવેસરથી આપ્યું છે. સંશોધન માત્ર સંશોધનપત્રોના પ્રકાશન પૂરતું સીમિત ન રહેતા પેટન્ટ, પ્રોટોટાઈપ, નીતિ-ઉકેલ અને સામાજિક અસરો ઊભી કરવાનું બની ગયું છે. ચીનનો આ નિર્ણય માત્ર શૈક્ષણિક સુધારો નથી, પરંતુ આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાની દીર્ઘદૃષ્ટિપૂર્ણ વ્યૂહરચના છે. વર્ષ 2026-27માં ચીનમાં અંદાજે 1.27 કરોડ ગ્રેજ્યુએટ્સ બજારમાં મૂકાવાના છે અને યુવા બેરોજગારીનો દર 16.9% એ પહોંચ્યો છે. યુનિવર્સિટીની ડિગ્રીઓ અને વાસ્તવિક બજારની જરૂરિયાતો વચ્ચેનો આ તફાવત પૂરો કરવા ચીને પોતાની શિક્ષણ પ્રણાલીને ઔદ્યોગિક નીતિ સાથે સીધી જોડી દીધી છે. સમગ્ર વિશ્વમાં આજે આ જ પ્રવાહ વહી રહ્યો છે. દક્ષિણ કોરિયા, જાપાન કે પશ્ચિમના વિકસિત દેશો પણ ‘ડિગ્રી’ના બદલે ‘ડાયનેમિક સ્કિલિંગ’ પર ભાર મૂકી રહ્યા છે. જેમ જૂનાં શસ્ત્રોથી આધુનિક યુદ્ધ લડી શકાતાં નથી, તેવી જ રીતે જૂના અભ્યાસક્રમોથી તૈયાર થનાર યુવાનો દ્વારા આવતીકાલના જીવંત પડકારો ઝીલી શકાતા નથી. ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં યુનિવર્સિટીઓ અને કૉલેજોનો વ્યાપ તો વધ્યો છે, પણ ઊંડાણ નથી. આજકાલ આધુનિકતાને નામે ભારતમાં ફેન્સી અને આકર્ષક નામો ધરાવતા નવા અભ્યાસક્રમો શરૂ તો થાય છે પરંતુ તે તો પહેલાંના અભ્યાસક્રમો કરતાંય વધુ અપ્રસ્તુત હોય છે, એમ પણ બને છે. આવા અપ્રસ્તુત અભ્યાસક્રમોથી યુવાનને કામ અને કામ આપનારને સારા યુવાનો નથી મળી રહ્યા. આજે ભારતના અર્થતંત્રમાં 30% જીડીપીનું યોગદાન આપતા અને કરોડો લોકોને રોજીરોટી આપતા એમએસએમઈ (MSME) ક્ષેત્રને યોગ્ય કૌશલ્ય ધરાવતા યુવાનો મળતા નથી, જ્યારે બીજી તરફ લાખો ગ્રેજ્યુએટ્સ હાથમાં ડિગ્રીઓ લઈને બેરોજગારીના અંધકારમાં ભટકી રહ્યા છે. આ સ્થિતિ દર્શાવે છે કે આપણા વર્ગખંડો અને વાસ્તવિક દુનિયા વચ્ચે એક ઊંડી ખાઈ નિર્માણ પામી છે. આપણે ત્યાં નવા અભ્યાસક્રમો ઘડાય છે તેમાં જૂના વિષયવસ્તુને માત્ર નવેસરથી પ્રસ્તુત કરવાની શૈક્ષણિક કસરત કરવામાં આવે છે. આ માટે સંસ્થાકીય આળસને ખંખેરી ઉદ્યોગોને સાથે રાખી નવા જરૂર મુજબના કોર્સીસ ઘડવા પડશે. કોર્સીસ ઘડનારાને પણ ઘડવા પડશે. આ માટે ભારતે દરેક યુનિવર્સિટી કોર્સનું દર ત્રણથી પાંચ વર્ષે કડક શૈક્ષણિક, વ્યાવસાયિક અને રોજગારલક્ષી ઓડિટ કરવું પડશે. જે કોર્સ વિદ્યાર્થીઓની રોજગારક્ષમતા વધારી ન શકે કે સમાજને કશું પ્રદાન ન કરી શકે, તેને કાં તો મૂળમાંથી બદલવો જોઈએ અથવા ચીનની જેમ હિંમતપૂર્વક નાબૂદ કરવો જોઈએ. ચીને શાળા કક્ષાએથી જ એટલે કે ધોરણ 6 થી ‘ડિઝાઇન થિંકિંગ અને ઇનોવેશન’નો વિષય દાખલ કરીને વિશ્વભરમાં એક અનોખો પ્રયોગ કર્યો છે. જ્યારે એક નાનું બાળક નાની વયથી જ પોતાની આસપાસની સામાજિક કે અન્ય સમસ્યાઓને ઓળખીને તેનો સર્જનાત્મક ઉકેલ શોધતા શીખે છે, ત્યારે તે ભવિષ્યમાં માત્ર ડિગ્રીનો કાગળ લઈને નોકરી શોધવા ફરતો નોકરિયાત નથી બનતો, પણ એક આત્મવિશ્વાસુ ઉદ્યોગસાહસિક બને છે. ઈતિહાસ પર નજર કરીએ તો આ વાતના સુસ્પષ્ટ પુરાવા મળે છે. પ્રાચીન તક્ષશિલા યુનિવર્સિટીનો અભ્યાસક્રમ એવો બહુઆયામી હતો જેમાં વેદ, દર્શન અને વ્યાકરણની સાથે સાથે આયુર્વેદ, ધનુર્વિદ્યા, અર્થશાસ્ત્ર અને યુદ્ધનીતિ ભણાવવામાં આવતી હતી. આ જ અભ્યાસક્રમનું પરિણામ હતું કે આપણને ચાણક્ય જેવા મુત્સદ્દી રાજનીતિજ્ઞ મળ્યા, જેમણે ખંડ-ખંડમાં વહેંચાયેલા ભારતને એકછત્ર સમ્રાટ આપ્યો, અને જીવક જેવા વૈદ્યરાજ મળ્યા જેમણે માનવજાતની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું. અર્વાચીન યુગમાં મહાત્મા ગાંધીજીએ આપેલી ‘નઈ તાલીમ’ની વિભાવના પણ ઉત્તમ નાગરિક ઘડતરનો શ્રેષ્ઠ માર્ગ હતી. ગાંધીજી મસ્તક (Head), હૃદય (Heart) અને હાથ (Hand) ના ત્રિવેણી સંગમ જેવા શિક્ષણના પુરસ્કર્તા હતા. જ્યારે એક એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હેકાથોનમાં બેસીને રાત-દિવસ એક કરીને દેશના કિસાન માટે, સફાઈ કર્મચારી માટે કે દિવ્યાંગ બાળકો માટે કોઈ આઈડિયા કે એપ વિકસાવે છે, ત્યારે તે માત્ર કોડિંગ નથી શીખતો; તેના હૃદયમાં દેશવાસીઓ પ્રત્યે સંવેદના અને રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ જન્મે છે. આ જ ઉત્તમ નાગરિકત્વની વાસ્તવિક વ્યાખ્યા છે.જ્ઞાન અને વિજ્ઞાનનો, શ્રમ અને સંસ્કારનો, તથા ટેક્નોલૉજી અને ચારિત્ર્યનો આ સુંદર સમન્વય જ ભારતીય શિક્ષણનો નવો અરુણોદય લાવશે. જ્યારે આપણો યુવાન પોતાના હાથમાં આધુનિક કૌશલ્યનું સાધન અને હૃદયમાં ભારતીય મૂલ્યોની જ્યોત લઈને વર્ગખંડમાંથી બહાર નીકળશે, ત્યારે જ ભારત સાચા અર્થમાં વિકસિત બનવાના પોતાના સ્વપ્નને સાકાર કરી શકશે. અંતે, અને વૃક્ષ, પંખી સાથે ખોટું બોલે નહીં, એથી જ સ્તો વૃક્ષને ફળ આવે છે...- મંગેશ પાડગાંવકર
    Click here to Read More
    Previous Article
    ટૂંકી વાર્તા:પરીક્ષા કોની?
    Next Article
    અમલપિયાલી:દરેકના ગમા-અણગમા એકસરખા હોત તો પૃથ્વી પર એક જ માણસ હોત!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment