Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટૂંકી વાર્તા:પરીક્ષા કોની?

    8 hours ago

    અનંત પટેલ રેવતીને આશ્ચર્ય થતું હતું કે તે બધું જ સારી રીતે વિચારી શકતી હોવા છતાં, સમજી શકતી હોવા છતાં તેના વિશે જ્યારે અગત્યનો નિર્ણય લેવાનો હોય તો કોઈ તેનો અભિપ્રાય પણ પૂછતું ન હતું. રેવતીને બાવીસમું વરસ બેસી ગયું હતું. તેનાં મા-બાપ અને તેના મોટાભાઈઓ તેના માટે મુરતિયાઓ જોતા હતા પણ રેવતીને કશી જ વાત કર્યા વિના કે મુરતિયો બતાવ્યા વિના જ વાત અટકાવી દેતા હતા. રેવતીના મનમાં શું છે? આવું જાણવાની તેમને જાણે કે જરૂર જ નહોતી! રેવતી બધું સાંભળ્યા કરતી. જોયા કરતી બધું ને મનમાં કંઈક અંશે અટવાયાં કરતી. એને થતું કે બંને ભાઈઓ તેમની ઈચ્છા મુજબની છોકરી જોઈને, પસંદ કરીને પરણ્યા છે, તો પછી મને છોકરો જોવાનો અધિકાર કેમ નહીં? મા-બાપ કદાચ જૂનવાણી વિચારનાં હોઈ શકે પણ ભાઈઓ તો નવા જમાનાના છે ને? એ કેમ મારા માટે કંઈ જ વિચારતા નથી? ‘જોકે, એ બધા એના માટે જે છોકરો જોશે તે સારો જ જોશે. એ કંઈ ગમે ત્યાં મને પરણાવી દે તેવા નથી, છતાંય મને લગ્ન પહેલાં છોકરો જોવાની કે તેની સાથે વાતચીત કરવાની તક શા માટે નહીં?’ આવું તે મનોમન વિચારતી. એક મુરતિયો તેમણે જોયો. બધાને ગમ્યો. નોકરી કરતો હતો. એ છોકરો રેવતીને જોવા આવવાનો હતો. મા-બાપ અને ભાઈઓએ રેવતીને સૂચના આપી દીધી હતી કે તેણે વધારે પૂછપરછ કરવાની નથી. જે પૂછે તેનો જ ઉત્તર દેવાનો. રેવતીએ આ સૂચનાથી ખૂબ જ આશ્ચર્ય અનુભવ્યું. આ સૂચના મુજબ અમલ કરવાથી તો કદાચ એવુંય બને કે આવનાર છોકરો તેને વધુ પડતી ગંભીર અને સમજણ વિનાની પણ માની લે, કેમ કે ભણેલો-ગણેલો અને સારી નોકરી કરતો છોકરો તેની જીવનસંગિની બનનાર છોકરી શરૂઆતમાં જ આમ ગુમસૂમ અને બાઘાની જેમ બેસી રહેતી જાણે તો શક્ય છે કે એ એને નાપસંદ પણ કરી દે! રેવતીએ તેના મનની વાત તેની ભાભીઓને કરી. ભાભીઓ રેવતી સાથે સંમત જ હતી પણ એમના પતિદેવો અને સાસુ-સસરાના ડરથી ખુલ્લંખુલ્લા કશું બોલી શકતી ન હતી, પણ રેવતીએ જ જ્યારે સ્પષ્ટ વાત કરી ત્યારે તેમનામાં પણ હિંમત આવી. હા જ તો, એક નજીવા કારણસર છોકરો ના પાડી દે તો? અત્યાર સુધી તો રેવતીના ભાઈઓ જ બધા છોકરાઓને ના પાડી દેતા હતા એટલે વાંધો ન હતો પણ સામેથી છોકરો જ રેવતીને નાપાસ કરી દે ને બહાર છોકરી ‘બબૂચક’ છે તેવી છાપ ફેલાઈ જાય તો મુશ્કેલી થાય. રેવતી અને તેની બંને ભાભીઓએ તેની બાને આ વાત કરી એટલી જ વિનંતી કરી કે મુલાકાત વખતે રેવતીને પણ છોકરાને પ્રશ્નો પૂછવાની છૂટ આપે જેથી સામેના છોકરાને પણ લાગે કે રેવતી પણ હોશિયાર છે! આ બધી વાત તેનાં બાએ તેના ભાઈઓ અને બાપુજીને કરી તો એ તાડૂકી ઊઠ્યા, ‘બેસ બેસ છાનીમાની, મોટી પ્રશ્નો પૂછવાવાળી જોઈ ના હોય તો... અમે કહીએ એટલું જ કરવાનું છે, સામા પ્રશ્નો પૂછીને છોકરાની પરીક્ષા નથી લેવાની, પરીક્ષા તો તારે આપવાની છે... જરા પણ દોઢડાહપણ ના જોઈએ...’ … બસ થઈ રહ્યું. રેવતીની ઈચ્છા પર પાણી ફરી વળ્યું. છતાં એણે મન મનાવ્યું. નિયત દિવસે મુરતિયો આવ્યો. બાજુના રૂમમાં રેવતી અને એ બેઠાં. ભાભીએ બારણું સહેજ આડું કર્યું. રેવતી તો થોડીવાર બેસી રહી. છોકરો તો કશું પૂછતો જ ન હતો. રેવતીને થયું, આમ ને આમ ક્યાં સુધી બેસી રહેવાનું? છેવટે એણે જ બધું શરૂ કર્યું. છોકરાનું નામ, ઉંમર, નોકરી વિશે, અભ્યાસ, શોખ વગેરે જાણી લીધું. તેવી જ રીતે છોકરાએ પણ રેવતી વિશે જાણ્યું. પછી તો બંને જણ હળવાફૂલ બની ગયા. જાણે ખરેખર પતિ-પત્ની બની જવાનાં હોય ને નિરાંતે વાતો કરતાં હોય તે રીતે વાતો કરવા લાગ્યાં, સાવ સહજ! કશો જ ભાર નહીં, વળી હળવું હાસ્ય પણ... ને આ બધું બાજુના ખંડમાં બેઠેલાં રેવતીનાં મા-બાપ અને ભાઈઓને અકળાવતું હતું. ‘છોકરીને ના પાડી તોય છૂટથી વાતે મંડી છે તે હવે તો લોચો જ થવાનો, આ છોકરો આપણને ના જ પાડી દેશે તો?’ એવો ભય પણ તેમનામાં આવી ગયો. મુરતિયો વિદાય થયો. અઠવાડિયામાં તેના પિતાજી ટપાલથી જવાબ આપશે તેમ કહી એ ચાલ્યો ગયો. એના ગયા પછી રેવતીનાં બા-બાપુ અને ભાઈઓએ તો રેવતીની ધૂળ કાઢી નાખી. રેવતી મૂંગી મૂંગી સાંભળતી જ રહી. અઠવાડિયાનો વાયદો બતાવ્યો એટલે પરિણામ શૂન્ય જ! એવી એમની કદાચ ધારણા હતી... પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે અઠવાડિયાના અંતે તે મુરતિયાના પિતાજીનો પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું, ‘રેવતી મારા પુત્રને ગમી છે, અમને આ સંબંધ કબૂલ છે.’ સૌ ખુશ થયાં. રેવતીના પિતા અને ભાઈઓએ તેમની ભૂલ કબૂલી અને રેવતીને અભિનંદન આપ્યા. એની ભાભીઓ અને રેવતીનાં બા પણ રાજી રાજી થઈ ગયાં.
    Click here to Read More
    Previous Article
    એન્કાઉન્ટર .:સ્ત્રીઓના હાથમાં મોબાઈલ ન હોત તો?
    Next Article
    અક્ષરનો અજવાસ:ઉચ્ચ શિક્ષણમાં લાંબી આવરદાવાળા ચાઇનીઝ પ્રયોગો...

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment