Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસની વાટે:સાચી મિત્રતા: સ્વાર્થ અને ખુશામતથી પર એક પવિત્ર સંબંધ

    17 hours ago

    હસમુખ પટેલ હમણાં ફ્રેન્ડશિપ ડે ગયો. મોટાભાગના લોકોએ પરિચિતોને મેસેજ મોકલી તેની ખાનાપૂર્તિ કરી. કેટલાકે આ અંગ્રેજી તહેવાર માટે તેમની પાસે સમય નથી તેમ કહી તેને અવગણ્યો હશે. પરંતુ કેટલાકે આ દિવસે સાચા મિત્રોને યાદ કર્યા? તેમણે તેમને જીવનમાં શું આપ્યું તેનો વિચાર કરી તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી? કેટલાએ મિત્રના ઉપકારને યાદ કરી સાચા અર્થમાં મિત્ર પ્રત્યેનો આદર દર્શાવ્યો? કેટલાએ મિત્રો સાથે ખાઈ-પીને મજા કરી? કેટલાએ આવા મિત્ર આપવા બદલ કુદરતનો આભાર માન્યો? મિત્રને યાદ કરી કેટલાની આંખો ભીની થઈ? મિત્રતાની આછી શરૂઆત તરુણાવસ્થામાં થાય છે. બાળપણ પાર કરી કિશોરાવસ્થાના ઉંબરે પગ મૂકવાની સાથે બાળકની મા-બાપથી અળગા થવાની અને સમવયસ્કો સાથે જોડાવાની પ્રક્રિયા શરૂ થાય છે. તરુણો વધુને વધુ સમય મિત્રો સાથે ગાળવાનું પસંદ કરે છે. આ તબક્કામાં વડીલો આ બાબતે ટોકે તે તેમને ગમતું નથી. બાળકના વિકાસ અને સુરક્ષા બાબતે ચિંતિત માતા-પિતાએ બાળકના મિત્રો કોણ છે, કેવા છે તેની ઉપર નજર રાખવી જરૂરી છે. મિત્રોના રવાડે ચઢી ચિંતા કરાવે તેવી દિશામાં આગળ વધી રહેલ તરુણના માતા-પિતાની રોકટોક કે રુકાવટ કામ કરતી નથી. તેમણે બાળક સાથે મજબૂત સંબંધ બાંધવો પડે, સલાહ આપવાનું બંધ કરી પોતાના તરુણ સંતાનને સાંભળવું પડે. તેમણે મોઢાં પર પટ્ટી બાંધી જરૂર પડે ત્યારે ભાગ્યે જ બોલવાનું. બાકીના સમયનો સાંભળવામાં ઉપયોગ કરવો. સાંભળવું એટલે પ્રેમ કરવો. આ પ્રેમ જ બાળકને બહારની અસરથી બચાવી શકે. તે માટે રોકટોકને બદલે બાળક માતા-પિતા સાથે જોડાયેલું રહે, તરુણને તેમની સાથે રહેવું ગમે તે માટે શું કરવું તે માતા-પિતાએ શીખવાનું હોય છે. આ કાળ તરુણ-તરુણી કરતાં માતા-પિતા માટે કસોટીનો કાળ છે. કૉલેજકાળમાં યુવક-યુવતીઓ વડીલોના બંધનોથી મુક્ત થતા હોય છે. સાથે સાથે તેમણે પોતાની જિંદગીની જવાબદારી લેવાની થાય છે. એ પછી જીવનમાં જે પણ કરે તેનાં પરિણામ તેમણે જાતે ભોગવવાં પડે છે. જે પરિસ્થિતિનું નિર્માણ થાય તેનો ઉકેલ પણ જાતે જ કાઢવાનો હોય છે. કૉલેજકાળમાં તાળીમિત્રોનું પ્રમાણ વધુ હોય છે. જે યુવાનો આ સમયમાં જીવન બાબતે ગંભીર ન હોય તેઓ મિત્રતાની બાબતમાં પણ ગંભીર ન જ હોય. તેઓની મિત્રતા તરુણ-તરુણીઓ જેવી જ હોવાની અને કૉલેજમાંથી છૂટ્યા પછી ભુલાઈ જવાની પરંતુ આ ઉંમરે કેટલા યુવાનો જીવનની દિશા ખોળવાની મથામણમાં હોય છે. ધીરે ધીરે તેમને દિશા મળવા લાગે છે. આવા યુવાનો વચ્ચે સાચી મિત્રતાનાં બીજ રોપાય છે અને સમય-સંજોગો પ્રમાણે તે પાંગરતા ને વિકસતા જાય છે. તેમાંથી કેટલાક મિત્રસંબંધો વટવૃક્ષનું રૂપ ધારણ કરે છે. કેટલીક મિત્રતા વિચારના પાયા પર રચાય છે. ભૌતિકતાની ભાગદોડના આ સમયમાં વિચારીને જીવનારા કેટલા? તેમને સમજી શકે તેવા માણસો કેટલા? પોતાના વિચારને સમજી શકે તેવી વ્યક્તિ સાથે મિત્રતા ન થાય તો જ નવાઈ! આવી મિત્રતા દીર્ઘકાલીન હોય છે અને ક્યારેક તો અમરત્વ પ્રાપ્ત કરે છે. કેટલીક વાર હેતુ વ્યક્તિઓને જોડે છે. એક હેતુવાળા લોકો મળે છે અને પોતાના હેતુને સમર્પિત થઈ કામ કરે છે. આવો હેતુ સ્વાર્થનો હોય ત્યારે ક્યારેક કાવતરા, કૌભાંડ કે ગુનાઓને જન્મ આપે છે. આવો હેતુ પરમાર્થનો હોય ત્યારે તે ‘મિશન’માં પરિણમે છે. આવાં મિશન સમાજને ઊજળો કરે છે અને વિશ્વને વધુ રૂપાળું બનાવે છે. મિત્ર આડા રસ્તે જાય તો પણ ચૂપ રહે તો તે મિત્ર નથી. મિત્ર ખોટા માર્ગે હોય તો પણ તેની ખુશામત કરનાર તો તેના કરતાં વધુ ખતરનાક હોય છે. સાચો મિત્ર પોતાના મિત્રને ખોટી દિશામાં જતો રોકવા જતાં મિત્રતા તૂટી જાય તેની પણ પરવા કરતો નથી. ઊગતા સૂરજને પૂજનારા ખુશામતખોર વ્યક્તિઓ મિત્ર તો ન હોઈ શકે પણ નજીક પણ ન ફરકે તેની કાળજી રાખવી રહી. સત્તાસ્થાને રહેલા લોકોની આસપાસ મધપૂડા પાસે માખીઓની જેમ ગણગણતા લોકો મિત્રો નથી, પોતાના લાભ અર્થે ચાટુગીરી કરનારા લોકો છે. તેઓ સત્તાસ્થાને રહેલ દરેક લોકોની આસપાસ આ જ રીતે ખુશામતરૂપી ગણગણાટ કરતી મધમાખીઓ છે. સત્તા છૂટતાં તેઓ મોઢું ફેરવી જશે. મિત્રો ન હોય તો ચાલે પણ આવા લોકોથી તો દૂર જ રહેવું. સાચો મિત્ર કદાચ સુખમાં સાથે નહીં હોય પણ દુઃખમાં દૂર તો નહીં જ હોય. ક્યારેક એવું બને કે આપણને અંતરથી ચાહનાર મિત્ર આપણે તેને અવગણીએ તો પણ આપણને પ્રેમ કરતો રહે છે. આપણે તેને ભૂલી ગયા હોઈએ તો પણ તે આપણને યાદ કરતો રહેતો હોય છે. જ્યારે દુઃખ પડે ત્યારે આવો મિત્ર પુનઃ પ્રાપ્ત થાય છે. સાચો મિત્ર મેળવવા યોગ્યતા કેળવવી પડે. આવી યોગ્યતા સૌને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના! }
    Click here to Read More
    Previous Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:કન્યા, વૃશ્ચિક રાશિના જાતકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી
    Next Article
    મૉન્ટાજ:‘ઓલ્ડબોય’: બદલો, નૈતિકતા અને અપરાધબોધની વાત

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment