Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિચારોના વૃંદાવનમાં:અભયને સમજવા માટે ભયને જાણો

    14 hours ago

    અભયનો મહિમા કરવો એ એક વાત છે અને જીવનમાં અભય પ્રાપ્ત કરવો એ બીજી વાત છે. જેમણે જીવનમાં થોડીઘણી અભયસિદ્ધિ મેળવી હોય એવા એક મહાનુભાવ મારા સ્મરણમાં છે. આ મહાનુભાવ એટલે મોરારજી દેસાઇ. તેઓ વડાપ્રધાન હતા ત્યારે એમનું વિમાન રાતના અંધારામાં શેરડીનાં ખેતરમાં તૂટી પડેલું. બચી ગયેલા મોરારજીભાઈએ એ પ્રસંગે સ્વસ્થતા જાળવી હતી. ઇજિપ્તમાં એક સૂફી ફકીરને ત્રણ કલાક માટે મળવાનું બનેલું. સત્સંગ દરમિયાન એક સૂફી સૂત્ર જાણવા મળ્યું: A prayer without presence is no prayer; ઉપસ્થિતિ વિનાની પ્રાર્થના એ પ્રાર્થના નથી. કંઈ કેટલીય બાબતો આપણા દ્વારા થતી હોય તોય આપણે એ વેળાએ ખાસ અર્થમાં ગેરહાજર હોઈએ છીએ. આપણી આવી ગેરમૌજૂદગી કે અનુપસ્થિતિ ઘણી સમસ્યાઓ સર્જે છે. માણસ ક્રોધથી થરથર કંપે ત્યારે એ ખરેખર ‘હાજર’ હોય છે ખરો ? માણસ કદી ચોવીસે કલાક ક્રોધી ન રહી શકે. એને ક્રોધ ચડે, એ જ બતાવે છે કે ક્રોધની ક્ષણો પહેલાં એ ક્રોધમુક્ત હતો. આમ માંડ થોડીક ક્ષણો માટે જ એ ક્રોધયુક્ત હોય છે, બાકીના બધા સમય દરમિયાન ગમે તેવો ક્રોધી માણસ પણ ક્રોધમુક્ત હોય છે. ક્રોધની ક્ષણો દરમિયાન તમે, તમે નથી હોતા. માણસ ક્રોધ ઊતરી જાય પછી કહે છે કે પોતે શું બોલી ગયો એનું ભાન ન રહ્યું. આ ખાસ ક્ષણો દરમિયાન કોઈ બીજી જ બાબત આપણો કબજો લઈ લે છે. આમ ક્રોધની ક્ષણોમાં થરથર કાંપનારો વાસ્તવમાં અનુપસ્થિત હોય છે; ખાસ અર્થમાં એ ગેરહાજર હોય છે. આવી ‘ગેરમૌજૂદગી’ ઘણી બાબતોમાં વરતાય છે. જમવાની થાળી સામે હોય ત્યારે જમતી વેળાએ ઘણી વાર જમનારો ગેરહાજર હોય છે. પૂજા કરતી વખતે પણ આવું બને છે. ખૂન કરતી વખતે ખૂની આવા ખાસ અર્થમાં ગેરહાજર હોય છે. He is not him- self. બળાત્કાર થાય ત્યારે બળાત્કાર કરનારો ખરેખર હાજર હોય છે ખરો ? અહીં અનુપસ્થિતિની માત્રાનો પ્રશ્ન છે, કારણ કે સંપૂર્ણ ગેરહાજરી, એ તો મૃત્યુ જ ગણાય. આવી સમજણને આધારે ભયની કેમિસ્ટ્રી સમજવા જેવી છે, જેથી અભય એટલે શું તે માંડ સમજી શકાય. ભયથી થરથર કંપે ત્યારે માણસ પૂરી માત્રામાં હાજર નથી હોતો. આમ ભયનું મૂળ ગેરહાજરી છે. ઋષિએ પ્રભુને ભયસ્વરૂપ ગણાવીને કહ્યું: ભયાનાં ભયં ભીષણં ભીષણાનામ, ગતિ: પ્રાણિનાં પાવનં પાવનાનામ્. ભયનાં કારણો ઘણાં, પરંતુ બધા ભય મૃત્યુના આશ્રિત છે. આમ મૃત્યુ ‘ભયાનાં ભયં’ છે. થોડોક ભય એટલે થોડુંક મૃત્યુ. આત્યંતિક ભય એટલે આત્યંતિક ગેરહાજરી. આમ ગેરહાજરીનો અનુબંધ મૃત્યુ સાથે છે. ગીતામાં કૃષ્ણે દૈવીસંપત્તિનાં લક્ષણો ગણાવ્યાં તેમાં અભયને પ્રથમ સ્થાને મૂક્યો. અભય સવૃત્તિઓનો કે સદગુણોનો રાજા છે. હાથીનાં પગલાંમાં બધાં પગલાં આવી જાય તેવી આ વાત છે. મહાવીર સ્વામીએ મેઘકુમારને ઉપદેશ આપ્યો અને કહ્યું: ‘જે ભયમુક્ત નથી તે કદી અહિંસક ન હોઇ શકે.’ આમ અભય એ અહિંસાની પૂર્વશરત છે. ટૂંકમાં, જે આદમી ભયમુક્ત નથી તે સ્વસ્થ ન હોઇ શકે, અપરિગ્રહી ન હોઇ શકે, ક્રોધમુક્ત ન હોઇ શકે, વીર ન હોઇ શકે અને સાધુ પણ ન હોઇ શકે. બીજા શબ્દોમાં કહીએ તો સદગુણનો ખરો સંબંધ ઉપસ્થિતિ સાથે છે અને દુર્ગુણનો સંબંધ અનુપસ્થિતિ સાથે છે. અભય જો સદગુણોનો રાજા છે તો દંભ દુર્ગુણોનો સરદાર છે. કૃષ્ણ તેથી દંભને આસુરી સંપત્તિનાં લક્ષણોની યાદીમાં પહેલા સ્થાને મૂકે છે. સાર્ત્ર દંભ માટે ‘Bad faith’ શબ્દ પ્રયોજે છે. દંભ કરનારો પોતાનું જીવન નથી જીવતો. હોટલમાં બેરર વધારે પડતો ઝૂકીને ગ્રાહકો સાથે વર્તે ત્યારે એ પોતાના ‘સ્વ’ને હડસેલો મારીને એમ કરતો રહે છે. સાર્ત્ર કહે છે કે શાહીનો ખડિયો, બસ શાહીનો ખડિયો જ હોય છે. આપણે જ્યારે આપણે ન હોઇએ ત્યારે દંભ થતો હોય છે. દંભ એ તો સમાજને ભરવામાં આવતો કર છે. આમ અભય અને દંભ સામસામે છેડે છે. એકનો સંબંધ જીવનની માત્રા સાથે છે, જ્યારે બીજાનો સંબંધ મૃત્યુની માત્રા સાથે છે. પ્રેમ જીવનમિત્ર છે. દ્વેષ મૃત્યુમિત્ર છે. જે ભયમુક્ત નથી તે કદી પ્રેમ ન કરી શકે. ગાંધીજીએ કહ્યું છે કે ઘૃણા મૃત્યુની દિશામાં લઇ જાય છે. ક્રોધ, ઇર્ષ્યા, દ્વેષ, ઘૃણા અને હિંસાવૃત્તિ, એ સૌ મૃત્યુમિત્રો છે. જેને લોકો ‘ફ્લર્ટિંગ’ કહે છે તે માટે મેં ખાસ શબ્દ પ્રયોજ્યો છે. ફ્લર્ટિંગ એટલે ‘સ્પર્શ સુખાનુભવ.’ નીતિની વાતો ઘડીભર બાજુએ રાખીએ તો, સ્પર્શ સુખાનુભવ એ જીવનમિત્ર છે. કોઇની વિરુદ્ધ નનામો કાગળ લખવો એ મૃત્યુમિત્ર થવા બરાબર છે. માણસમાં જેટલી દંભની માત્રા વધારે, તેટલે અંશે તે મરેલો ગણાય. નનામો પત્ર લખનાર માણસ, જે માણસને એણે અપાર નુકસાન પહોંચાડ્યું હોય, તેને મળે ત્યારે સ્મિત વેરી શકે. આવું બને તેને ખાસ અર્થમાં થોડુંક મૃત્યુ કહી શકાય. દંભ માણસને જીવતેજીવત ખતમ કરે છે. એ પોતે પોતાનું જીવન નથી જીવતો. ગેરહાજરીનો આ પણ એક પ્રકાર છે. જેટલી ગેરહાજરી પ્રબળ એટલી મૃત્યુની માત્રા વધારે. દંભનાં કારખાનાં ધર્મની ઓથે ચાલે છે અને એમાં લેબર પ્રોબ્લેમ નથી. આ પૃથ્વી પર વાઘ માટે કે સિંહ માટે અભયારણ્ય રચાયાં, પરંતુ માણસ માટે ક્યાંય અભયારણ્ય રચાયું ખરું? આજનો માણસ મુખ્ય ત્રણ જાતના ભયથી પીડાઇ રહ્યો છે: 1. ગરીબ થઇ જવાનો ભય, 2. ઇજ્જત ગુમાવવાનો ભય અને ૩. રોગની રિબામણીનો ભય. યાદ રાખવા જેવું છે કે માલદાર માણસને ગરીબ થઈ જવાનો ભય વધારે સતાવે છે. બિનસલામતીનો ભાવ એને વધારે પજવે છે. એ જ રીતે ઇજ્જતની પજવણી ઓછી નથી હોતી. ઇજ્જતની બહુ પરવા કરનારો પ્રેમ ન કરી શકે. ઇજ્જત વાંસા વગરની ચુડેલ જેવી હોય છે. તે એક સમાજમાન્ય બ્લેકમેઈલ છે. માણસને પાછલી ઉંમરે રોગની સતામણીનો ભય રહે છે. સંતાનો પરવા ક૨શે કે નહીં, એનો વિચાર પજવે છે. આપણા ધર્મગુરુઓએ નરકનો ભય આબાદ ચગાવ્યો છે. સ્કંદપુરાણમાં નરકના પ્રકારો વર્ણવ્યા છે. એમાં એકએકથી ચડિયાતી યાતનાઓનું વર્ણન છે. આ પૃથ્વી પર ભય ઓછો હોય તેમ જીવન પછીના સંભવિત ભયને ચગાવવામાં આવ્યો છે. સમગ્ર માનવજાત ભયગ્રસ્ત છે તેથી યુદ્ધગ્રસ્ત છે. હિંસાના મૂળમાં ભય રહેલો છે. જે માણસ કિલ્લો બંધાવે તે માણસ યુદ્ધને આમંત્રણ આપે છે. જે માણસ તિજોરી આણે તે ચોરને ખેંચી લાવે છે. યાદ રહે કે બધા જ પ્રકારના ભય મૃત્યુના આશ્રિત છે. અભયારણ્ય ક્યારે સર્જાય ? જે બીજાને બીવડાવે તે અંદરથી ભયભીત હોય છે. હું કોઈથી ભય ન પામું એટલું પૂરતું નથી; મારાથી કોઈ ભય પામે તો પણ મારો અભય ખોરવાય છે. કોઈનો ભય મને ન સતાવે એ અભયની પ્રાપ્તિનો પૂર્વાર્ધ છે, પરંતુ કોઈ મારા થકી ભય ન પામે તે અભયસિદ્ધિનો ઉત્તરાર્ધ છે. આ વાત અભયારણ્ય રચાય તેની પૂર્વશરત છે. ભયમુક્ત માણસ જ બીજાને ભયમુક્ત કરી શકે. આપણા તરફથી કોઈ ભય પામે ત્યાં સુધી આપણો અભય અધૂરો છે. માણસ માટે અભયારણ્ય ક્યારે સર્જાય ? આ પ્રશ્ન અગત્યનો છે. પાઘડીનો વળ છેડે માનવેતર પ્રાણીઓ આપણાથી સર્વથા ભયમુક્ત બને તો જ યુદ્ધવિહીન વિશ્વનું નિર્માણ થઈ શકે. આવી નિર્ભયતા માટે મથવું એ ધર્મ છે. આપણી પોતાની હાજરી વગરની પ્રાર્થના, એ પ્રાર્થના નથી. } Blog: http://gunvantshah.wordpress.com
    Click here to Read More
    Previous Article
    કવર સ્ટોરી:ફેક ન્યૂઝ: સત્ય પર જૂઠનું આક્રમણ
    Next Article
    શબ્દ સકળ પૃથ્વીના:જીવનના અર્થની શોધ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment