Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમયાંતર:રશિયા જીતતું નથી, યુક્રેન હારતું નથી!

    13 hours ago

    લલિત ખંભાયતા મોસ્કોના પાદરમાં આવેલા ‘વાઈલ્ડબેરી’ના ગોડાઉનમાં રવિવાર 16મી ઓગસ્ટનો દિવસ આમ તો રાબેતા મુજબનો જ હતો. ‘વાઈલ્ડબેરી’ (જંગલી બોર) ફળનું નામ છે, પણ રશિયામાં એ સૌથી મોટી ઓનલાઈન વેપાર કરતી કંપની છે. રશિયામાં ઠેર ઠેર તેનાં ગોડાઉન પણ છે. મૉસ્કોથી 40 કિલોમીટર દક્ષિણે આવેલું ગોડાઉન સૌથી મોટું, 2 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું. સવારે અચાનક ત્યાં આગ લાગવી શરૂ થઈ. જોતજોતામાં આગ વ્યાપક બની. થોડી વાર પછી ખ્યાલ આવ્યો કે યુક્રેનનાં ડ્રોન 1300 કિલોમીટર દૂરથી આવીને આગ લગાડી ગયાં હતાં! રશિયાએ જ પછી આંકડા આપ્યા કે ચોવીસ કલાકમાં અમે 1500 જેટલા યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા. તો પછી સવાલ એ થાય કે યુક્રેને રવાના કેટલા કર્યા હશે? એકલા મૉસ્કો આસપાસ 600 ડ્રોન નોંધાયાં હતાં. ગોડાઉન સળગી ઊઠ્યું, નવેક મૃત્યુ નોંધાયાં. છેલ્લાં કેટલાંક અઠવાડિયાઓથી યુક્રેનની હડફેટે રશિયાના લશ્કર, સરકારી બાંધકામો કે નેતાઓને બદલે ‘વાઈલ્ડબેરી’ કંપની આવી છે. 16મી ઓગસ્ટે થયેલો હુમલો વાઇલ્ડબેરી પર થયેલો 20મો હુમલો હતો. ‘વાઇલ્ડબેરી’ અને ગોડાઉનમાં જે કંપનીનો સામાન હોય એ બધાંને છ અબજ ડૉલર કરતાં વધારેના ખાડામાં યુક્રેને ઉતારી દીધા છે. ‘વાઇલ્ડબેરી’ હડફેટે ચડી છે કેમ કે યુક્રેનના દાવા મુજબ એ રશિયાના લશ્કર માટે સામગ્રી-પુરવઠો પહોંચાડવાનું પણ કામ કરે છે. રશિયાનું (કે દુનિયાનું કોઈપણ) લશ્કર તો જ અવિરત લડી શકે જો એમને પુરવઠો પૂરો પાડવામાં આવે. ‘વાઇલ્ડબેરી’ પર હુમલો થાય એટલે રશિયન લશ્કરને પહોંચતા પુરવઠાને અસર થાય અને તેની લડત નબળી પડે. *** બાર વર્ષ પહેલાં ફેબ્રુઆરી, 2014માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. એ વખતે વાત થોડા વખતમાં પતી ગઈ. વળી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો, મોટા પાયે કર્યો. યુક્રેનને સાંજ પડતાં તો હતું ન હતું કરી દેવું એવું રશિયાનું આયોજન હતું. એ વાતને સાડા ચાર વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો. યુક્રેન હારતું નથી, રશિયા જીતતું નથી. યુદ્ધ ક્યાં જાય છે એ કોઈને સમજાતું નથી. પણ એવું શા માટે થાય છે? યુક્રેનની અસાધારણ લશ્કરી શક્તિ લશ્કરી દૃષ્ટિએ જગતના શક્તિશાળી દેશોમાં રશિયાનો સમાવેશ થાય છે. મોટું લશ્કર, સંખ્યાબંધ મિસાઈલો, સૌથી વધુ પરમાણુ શસ્ત્રો એ બધું હોય તો નાના દેશ સામે યુદ્ધ જીતી જવાય એવું જરાય નથી. રશિયાને જોકે, ભ્રમ હતો કે એ યુક્રેનને ગણતરીના દિવસોમાં ઘૂંટણિયે લાવી દેશે, પરંતુ એવું થઈ શક્યું નહીં કેમ કે યુક્રેનની લશ્કરી તાકાત વિશે રશિયા છેવટ સુધી અંધારામાં હતું (જેમ ઇરાનની મિસાઈલ શક્તિ અંગે અમેરિકા ભ્રમમાં છે). બીજી તરફ યુક્રેને 2014થી જ એ નક્કી કરી લીધું હતું કે આજે નહીં તો કાલે રશિયા સામે લડવું તો પડશે, માટે કરો તૈયારી. રશિયાનો વિસ્તાર પોણા બે કરોડ ચોરસ કિલોમીટર છે. યુક્રેનનો માંડ છ લાખ ચોરસ કિલોમીટર. રશિયાની પહોળાઈ 4 હજાર કિલોમીટર અને દેશની લંબાઈ 9 હજાર કિલોમીટર છે. યુક્રેનની પહોળાઈ માંડ 1300 કિલોમીટર છે. માટે સરહદે શસ્ત્ર-સરંજામ પહોંચાડવો યુક્રેન માટે સહેલો છે, રશિયા માટે એ કામ બહુ લાંબુ ચાલે છે. રસ્તામાં જ યુક્રેન હુમલો કરી પથારી ફેરવી નાખે એ તો અલગ. લડે છે કોણ, યુક્રેન કે નાટો? રશિયા સામે દેખીતી રીતે યુક્રેન લડે છે, પણ પડદા પાછળ ‘નાટો’ (નોર્થ એટલાન્ટિક ટ્રિટિ ઓર્ગેનાઈઝેશન) છે. ‘નાટો’ જ એ સંગઠન છે, જે બીજા વિશ્વ યુદ્ધ પછી રશિયાનો વિરોધ કરવા માટે બન્યું છે. પોણી સદી જૂના એ સંગઠનનું નામ આવે ત્યાં રશિયા અંગૂઠાભર ઊભું થાય એમાં નવાઈ નથી. યુક્રેને ‘નાટો’માં જોડાવાની વાત કરી ત્યારથી જ રશિયાને વધારે વાંધો પડ્યો અને છેવટે હુમલો કરી દીધો. અત્યારે તો સ્થિતિ એવી છે કે યુક્રેનને ‘નાટો’માં જોડાવા દીધું હોત તો રશિયાને આટલું નુકસાન ન થયું હોત, કેમ કે જ્યારથી યુદ્ધના ભણકારા વાગતા હતા ત્યારથી યુક્રેને ‘નાટો’ની માફક પોતાના લશ્કરનું વિકેન્દ્રીકરણ કર્યં હતું. મેદાનમાં રહેલા કમાન્ડર કે સૈનિકને નિર્ણય લેવાનો અધિકાર આપી દેવાયો હતો. જ્યારે રશિયામાં કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો મૉસ્કોને પૂછવું પડે. રશિયન લશ્કર દરેક નિર્ણય મૉસ્કોને પૂછીને લેવા જાય એટલી વારમાં યુક્રેન ત્યાં ધોલધપાટ કરી નાખે. હકીકત એ પણ છે કે રશિયાને ઘણાં વર્ષોથી યુદ્ધનો કોઈ અનુભવ નથી. યુદ્ધનીતિ છે એ લગભગ બીજા વિશ્વ યુદ્ધ વખતની જૂની છે. રશિયાની સૈન્ય-સામગ્રી-સરંજામ આધુનિક હશે પરંતુ માળખું જૂનવાણી છે. સામે પક્ષે યુક્રેન તો દેશ જ 1991માં જન્મેલો યુવાન છે. તેની નીતિરીતિ પણ યુવાન છે. લશ્કરી-આર્થિક મદદ રશિયા પોતે દુનિયાને લશ્કરી મદદ કરે છે. શસ્ત્ર-સરંજામ પૂરતો છે. યુક્રેન પાસે નથી, તો યુરોપના દેશો અને અમેરિકા સતત સામગ્રી આપતાં રહે છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી 40થી વધારે દેશો યુક્રેનને 300 અબજ પાઉન્ડ (35 હજાર અબજ રૂપિયાથી વધારે)ની લશ્કરી સહિત વિવિધ પ્રકારની મદદ કરી ચૂક્યા છે. અમેરિકા-યુરોપના દેશોએ ટેન્ક, વિવિધ પ્રકારની મિસાઈલ્સ, લશ્કરી વાહનો, ફાઈટર જેટ, હોવિત્ઝર.. એવું તો ઘણુંબધું આપ્યું છે અને સતત આપતા રહે છે. મજબૂત નેતૃત્વ રશિયા પાસે પુતિન છે. દાયકાઓથી શાસન કરે છે. રશિયા પર તેની પકડ હશે, પરંતુ ભ્રષ્ટ્રાચાર, લશ્કરમાં આળસ વગેરે પરિબળોય મહત્ત્વનાં છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુદ્ધ આરંભાયું ત્યારથી ટી-શર્ટ પહેરીને મેદાનમાં જવાનું હોય કે વિશ્વના દેશોના નેતાઓને મળવા જવાનું હોય પોતાની સક્રિયતા જરાય ઓછી થવા દીધી નથી. પરિણામે રશિયાના હાથમાં યુક્રેનનો 20 ટકા જમીની ભાગ ગયો હોવા છતાં યુક્રેનવાસીઓને પોતાના નેતૃત્વથી ખાસ નારાજગી નથી. એમને તો લડી જ લેવું છે. રશિયાને લડવું નથી. જે સૈનિકોને ધરાર મોકલાય છે એ નિષ્ફળ જાય છે. વધુમાં રશિયાના 15થી વધારે લશ્કરી જનરલો, કમાન્ડિંગ ઓફિસરો, ફ્લેગ ઓફિસરો આ યુદ્ધમાં માર્યા ગયા છે. બીજા વિશ્વ યુદ્ધ પછી એ રશિયા માટે સૌથી મોટું નેતૃત્વ નુકસાન છે. યુક્રેનની ડ્રોન ક્રાંતિ પાંચ સદી પહેલાં 1526માં થયેલા પાણીપતના યુદ્ધે જગતેન તોપનો પરિચય કરાવ્યો. પહેલા વિશ્વ યુદ્ધમાં મશીનગન અને ટ્રેન્ચવૉર ટેકટિકનો ભરપૂર ઉપયોગ થયો. બીજા વિશ્વ યુદ્ધ વખતે સમુદ્રી યુદ્ધજહાજોએ હાહાકાર મચાવ્યો હતો. યુક્રેન-રશિયા યુદ્ધ એવું છે, જેમાં જગત ડ્રોનની તડાફડી જોઈ રહ્યું છે. ફોટા માટે ઊડતાં ડ્રોનથી આપણે વાકેફ છીએ, પણ યુક્રેને તો 100થી વધારે પ્રકારનાં ડ્રોન મેદાનમાં ઉતારીને રશિયા સહિત સૌ કોઈને સ્તબ્ધ કરી દીધાં છે. રશિયા બે-ચાર પ્રકારનાં ડ્રોન અને તેનો જથ્થો તોડી પાડે ત્યાં યુક્રેન નવા ડ્રોન વિકસાવીને વધુ નુકસાન કરી નાખે છે. જો રશિયા સ્વીકારે નહીં તો કોઈને માનવા જેવું ન લાગે કે યુક્રેન છેક 1300 કિલોમીટર દૂર મૉસ્કોમાં જઈને રશિયા પર હુમલો કરી આવે છે. રશિયાની એવી કેવી નિષ્ફળતા અને નિષ્ફળ એર ડિફેન્સ સિસ્ટમ કે પાંચસો, હજાર કિલોમીટર સુધી યુક્રેનનાં સંખ્યાબંધ ડ્રોન આવી જાય તોય એમને અટકાવી શકાતા નથી. 16મી ઑગસ્ટે મૉસ્કો પર હુમલો કર્યો એ યુક્રેનનો પહેલો ડ્રોન હુમલો નથી. રશિયામાં ઊંડે સુધી (500 કિલોમીટર કરતાં વધારે) હુમલો કર્યો હોય એવા ડઝનથી વધારે પ્રસંગો બન્યા છે. ક્યારેક રિફાઈનરી, ક્યારેક લશ્કરી ગોડાઉન, ક્યારેક એરબેઝ, ક્યારેક સ્પેસ સ્ટેશન…… યુક્રેને જ્યાં જેટલી થાય એટલી તોડફોડ કરી છે. ને યુક્રેન પોતાની જરૂરિયાતના 90 ટકાથી વધારે ડ્રોન દેશમાં બનાવે છે. એટલે કોઈ જથ્થો મોકલે એની રાહ જોવાનો પ્રશ્ન નથી. નૌકાદળ વગર રશિયન જહાજોનો નાશ જેને ખરા અર્થમાં નૌકાદળ કહેવાય એવું યુક્રેન પાસે કંઈ નથી. હોડકાં ગણી શકાય એવાં પેટ્રોલિંગ વગેરેનાં 40 જેટલાં નાનાં નાનાં જહાજો છે. તો પણ વાંદરો સિંહને લાફો મારી જાય એમ યુક્રેને એપ્રિલ-2022માં રશિયાનું 11,500 ટન વજનનું પ્રમુખ જહાજ ‘મોસ્કવા’ ડુબાડી દીધું હતું. રશિયાએ કાફલાનું મુખ્ય જહાજ ગુમાવી દીધું હોય એવો 1905 (જાપાન સામેના યુદ્ધ) પછી પહેલો પ્રસંગ હતો. પછી તો ડ્રોન, પાણીમાં ચાલી શકતાં ડ્રોન જેવાં વાહનો વગેરેનો ઉપયોગ કરીને પછી તો યુક્રેને રશિયાનાં 20થી વધારે નાનાં-મોટાં જહાજો ડુબાડી દીધાં છે. ઇરાન પર હુમલો કરીને ટ્રમ્પે છાપમાં પગ મૂકી દીધો છે, એવો પગ પુતિને યુક્રેનમાં મૂકી રાખ્યો છે. ઉપાડાય એમ નથી, વધારે પગલું ભરાય એમ નથી અને હાથેથી છાણ સાફ કરાય એમ નથી. }
    Click here to Read More
    Previous Article
    શબ્દસૌંદર્ય .:આઝાદ: સ્વતંત્ર માનવી, વિચારક
    Next Article
    લક્ષ્યવેધ:સેનાનાં દ્વાર વસાયાં તો નવો રાહ કંડાર્યો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment