Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપણા સમાજમાં એન. આર. આઈ. મુરતિયાનો જે ક્રેઝ:ભીની યાદો

    12 hours ago

    દક્ષા રંજન સાંજનો સમય હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયેલાં હતાં અને ધીરે-ધીરે વરસાદ શરૂ થયો હતો. આલાપ અને કુંજલ સામસામેના ઘરમાં રહેતાં હતાં. આલાપ પોતાની બારીમાંથી કુંજલને રોજ જોતો હતો, પણ ક્યારેય તેની સામે જવાની હિંમત નહોતો કરી શક્યો. વરસાદી વાતાવરણમાં આકાશમાંથી પડતાં વરસાદનાં ટીપાં જાણે ધરતી પર પ્રેમ વરસાવી રહ્યા હોય તેવું બંનેને લાગતું! આજે પણ આલાપ ઘરની બારી પાસે બેઠો હતો. હાથમાં ચાનો કપ હતો, પણ એની ગરમાહટ તેની અંદરની વર્ષો જૂની બેચેની સામે ફીકી હતી. આજે ઘણાં વર્ષો પછી, આટલો જોરદાર વરસાદ પડ્યો હતો! આલાપને યાદ આવી, પાંચ વર્ષ પહેલાંની એક સાંજ, જ્યારે તે કોલેજથી પલળતો પાછો આવી રહ્યો હતો, ત્યારે એને જોઈને કુંજલે રસ્તા પરની ભીની માટીમાં હસીને તેનું નામ લખ્યું હતું: ‘આલાપ’ અને તરત ઘરમાં દોડી ગઈ હતી. આલાપે આ જોયું તો ત્યાં ઊભો જ રહી ગયો. આજે એના પગ જાણે ધરતી પર ટકી રહ્યા ન હતા! એ ફટાફટ પોતાની બારીમાં આવ્યો. એણે જોયું કે કુંજલે લખેલું એનું નામ ધીમે ધીમે વરસાદનાં પાણીમાં વહી રહ્યું હતું અને એ પણ એ પ્રવાહમાં જાણે તણાઈ રહ્યો હતો! થોડીવારે એણે જોયું કે કુંજલ એની અગાશીમાં ઊભી હતી. બંને એકબીજાને બસ જોતા રહ્યા. ના, કદાચ આંખોથી વાતો કરી રહ્યા હતા. ​પછી ધીમે ધીમે એમની મુલાકાતનો સિલસિલો શરૂ થયો, પણ હજી તો એ બંને ઘરમાં વાત કરે ત્યાં જ એક દિવસ આલાપની મમ્મીએ ઘરમાં બધાને કુંજલની સગાઈની વાત કરી. આલાપ કશું બોલી ના શક્યો. કુંજલ પણ , માબાપની મરજી સામે લાચાર હતી. આપણા સમાજમાં એન. આર. આઈ. મુરતિયાનો જે ક્રેઝ છે એમાં કુંજલના માવતર પણ આવી ગયાં. જાણે જિંદગીનો એક અધ્યાય પૂરો થઈ ગયો! કુંજલ પરણીને અમેરિકા જતી રહી. આજે ફરી એવો જ મુશળધાર વરસાદ વરસ્યો હતો. આલાપનું મન ફરીથી તે ભૂતકાળમાં સરી પડ્યું. તે ઊભો થયો અને ઘરની બહાર નીકળીને વરસાદમાં ઊભો રહી ગયો. રસ્તા પર જ્યાં પાણીનાં ખાબોચિયાં ભરાયાં હતાં, ત્યાં તેણે ઘૂંટણિયે બેસીને પોતાની આંગળીથી કુંજલનું નામ લખવાનો પ્રયત્ન કર્યો. જ્યાં તેણે ભીની માટીમાં ‘કું’ લખ્યો, ત્યાં જ અચાનક નજીકમાંથી પાણી ભરેલી એક ડોલ આવી અને તે આખા અક્ષર પર છવાઈ ગઈ. ‘કું’ ક્ષણવારમાં જ વિલાઈ ગયો. આલાપે નવાઈ પામીને ઉપર જોયું, તો એક નાનકડી છોકરી હાથમાં ખાલી ડોલ લઈને ઊભી હતી. તે છોકરી આલાપને જોઈને ખૂબ જ હરખાતી, જાણે કોઈ મોટો ખેલ કરી દીધો હોય એમ ખિલખિલાટ હસી પડી અને નિર્દોષતાથી બોલી, ‘સોરી અંકલ!’ ‘અરે બેટા, આવું નહીં કરવાનું!’ ચાલતા થઈ ગયેલા આલાપે આ અવાજ સાંભળી પાછળ જોયું તો તેના શ્વાસ થંભી ગયા. સામે કુંજલ સજળ આંખે સ્તબ્ધ ઊભી હતી. આલાપ અને કુંજલ, જે પાંચ વર્ષ પહેલાં છૂટાં પડ્યાં હતાં, તે આજે ફરી એકબીજાની સામે હતાં. આ કુદરતનો જ કોઈ ઈશારો હતો કે કુંજલની દીકરીએ અજાણતામાં જ આલાપના એ જૂના નામને લખવાના પ્રયત્નને અસફળ કરી દીધો હતો. કુંજલની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. આલાપ પણ કંઈ બોલી શક્યો નહીં. ઊંડી ખામોશી બંને વચ્ચે તણાઈ રહી. અંતે, આલાપ ઊંડો શ્વાસ લઈને ધીરે-ધીરે પાછા પગે પાછો ચાલવા લાગ્યો. કુંજલ પણ સ્થિર ઊભી રહી, તેણે પોતાની દીકરી ‘ડોલી’ને તેડી લીધી અને ભીની આંખે પોતાના ઘરની દિશામાં જવા લાગી. વરસાદ હવે ધીમો પડી ગયો હતો, પણ આલાપના હૃદયમાં જે ભીનાશ હતી તે કાયમ માટે અકબંધ રહી ગઈ. વરસતો વરસાદ જમીન પર લખેલું નામ ભૂંસી ગયો, પણ હૃદય પર લખાયેલું નામ, કોઈ વરસાદ નથી ભૂંસી શકતો.
    Click here to Read More
    Previous Article
    જીવનના હકારની કવિતા:પ્રવાસ શરીરનો યાત્રા આત્માની…
    Next Article
    થેન્ક યૂ:ભણીભણીને ઢાંકણીમાં

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment