Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમ-પંથ:વિરહ : પ્રેમનો સૌથી નિઃશબ્દ અધ્યાય

    2 days ago

    માનસી રાણપરા પ્રેમનું નામ સાંભળતાં જ મનમાં સૌપ્રથમ મિલનની ક્ષણો, સાથે વિતાવેલો સમય, નિર્દોષ સ્મિતો અને હૃદયને સ્પર્શી જતી યાદો જીવંત થઈ ઊઠે છે. પરંતુ પ્રેમનો એક એવો અધ્યાય પણ છે, જે કદાચ સૌથી વધુ ઊંડો, સૌથી વધુ પીડાદાયક અને છતાં સૌથી વધુ પવિત્ર હોય છે - વિરહ. વિરહ માત્ર કોઈ વ્યક્તિથી દૂર થઈ જવાનું નામ નથી. વિરહ એટલે અંતર હોવા છતાં હૃદયમાં કોઈનું અવિરત અસ્તિત્વ. શરીરો ભલે દૂર હોય, પરંતુ આત્માઓ વચ્ચેનું બંધન ક્યારેય તૂટતું નથી. મુલાકાતો અટકી જાય છે, વાતો અધૂરી રહી જાય છે, છતાં યાદોનો પ્રવાહ ક્યારેય અટકતો નથી. ઘણાં લોકો માને છે કે પ્રેમનો સાચો અર્થ મિલનમાં છે, પરંતુ ઘણી વખત પ્રેમનું સાચું મૂલ્ય વિરહમાં સમજાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આપણી સાથે હોય છે, ત્યારે તેની હાજરી સ્વાભાવિક લાગે છે. પરંતુ જ્યારે તે દૂર થઈ જાય છે, ત્યારે જ તેની ગેરહાજરી આપણને સમજાવે છે કે તે આપણા જીવનમાં કેટલો અમૂલ્ય હિસ્સો હતો. વિરહની પીડા અનોખી હોય છે. તે બહારથી દેખાતી નથી, પરંતુ અંદર સતત ધબકતી રહે છે. દિવસ દરમિયાન માણસ પોતાની જાતને કામોમાં વ્યસ્ત રાખી શકે છે, લોકો સાથે હસી શકે છે, વાતો કરી શકે છે. પરંતુ રાત્રિના એકાંતમાં, જ્યારે શાંતિ મનને ઘેરી લે છે, ત્યારે યાદો ધીમે ધીમે હૃદયના દરવાજા ખખડાવવા લાગે છે. કેટલીક વ્યક્તિઓ જીવનમાંથી ચાલી જાય છે, પરંતુ તેમની સાથે જોડાયેલી નાની-નાની ક્ષણો ક્યારેય જતી નથી. કોઈ જૂનું ગીત, કોઈ ઓળખીતી સુગંધ, કોઈ રસ્તો, કોઈ તસ્વીર કે અચાનક સાંભળેલો કોઈ શબ્દ.... આ બધું ફરી એકવાર તેમને આપણી સામે જીવંત કરી દે છે. કદાચ આ જ વિરહની સૌથી મોટી શક્તિ છે; તે વ્યક્તિને દૂર હોવા છતાં હૃદયમાં જીવંત રાખે છે. વિરહ માણસને ઘણું શીખવે છે. તે સમજાવે છે કે દરેક વ્યક્તિ આખું જીવન આપણી સાથે રહેવા માટે આવતી નથી. કેટલીક વ્યક્તિઓ માત્ર એટલા માટે આવે છે કે તેઓ આપણને પ્રેમનો સાચો અર્થ શીખવી શકે. પછી ભલે તેઓ જીવનમાં રહે કે ન રહે, પરંતુ તેમની યાદો જીવનભર આપણી અંદર એક સુંદર અધ્યાય બનીને જીવે છે. ઘણીવાર આપણે પ્રેમને કોઈને મેળવી લેવાની ઇચ્છા સાથે જોડીએ છીએ. પરંતુ વિરહ શીખવે છે કે પ્રેમનો અર્થ હંમેશાં મેળવવો જ નથી હોતો. ક્યારેક કોઈને દિલથી યાદ કરવું, તેની ખુશી માટે પ્રાર્થના કરવી અને તેને પોતાની યાદોમાં જીવંત રાખવું પણ પ્રેમનું જ એક નિઃસ્વાર્થ સ્વરૂપ છે. કારણ કે સાચો પ્રેમ માલિકી નથી માંગતો; તે માત્ર સામેવાળાના અસ્તિત્વને સ્વીકારી લે છે. રાધા અને કૃષ્ણના પ્રેમને જ જુઓ. તેમનો પ્રેમ માત્ર મિલનથી મહાન બન્યો નહોતો. જો કંઈ તેમને અમર બનાવતું હોય, તો તે તેમનો વિરહ હતો. એકબીજાથી દૂર હોવા છતાં બંને એકબીજાના હૃદયમાં સદાય જીવતા રહ્યા. કદાચ એટલે જ પ્રેમનું સૌથી ઊંચું સ્વરૂપ વિરહમાં જોવા મળે છે. સમય ઘણું બધું બદલી શકે છે. નવા લોકો આવે છે, નવી પરિસ્થિતિઓ સર્જાય છે, જીવન આગળ વધે છે. છતાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે, જેમનું સ્થાન કોઈ લઈ શકતું નથી. તેઓ કદાચ જીવનમાં સાથે ન હોય, પરંતુ જીવનમાંથી ક્યારેય જતા પણ નથી. વિરહનો અંત નથી. ધીમે ધીમે તે પીડાથી પ્રાર્થના બની જાય છે. મિલનમાં આપણે કોઈની સાથે જીવવાનું શીખીએ છીએ, પરંતુ વિરહમાં આપણે કોઈની યાદો સાથે જીવવાનું શીખીએ છીએ. કદાચ આ જ પ્રેમનું સૌથી પરિપક્વ, સૌથી નિઃસ્વાર્થ અને સૌથી પવિત્ર સ્વરૂપ છે. અને કદાચ પ્રેમની સૌથી સુંદર વ્યાખ્યા પણ આ જ છે કોઈ વ્યક્તિ જીવનમાંથી દૂર થઈ જાય, છતાં હૃદયમાંથી ક્યારેય દૂર ન થાય. કોઈ સંબંધ અધૂરો રહી જાય, છતાં તેની લાગણી આખી જિંદગી પૂર્ણ લાગતી રહે. અને કોઈ વ્યક્તિ પોતાની ન હોવા છતાં, આખી જિંદગી પોતાની જ લાગે એ જ વિરહ છે.
    Click here to Read More
    Previous Article
    ખબરનામા:વિક્રમ સારાભાઈ મેડલ મેળવનાર પ્રથમ મહિલા વિજ્ઞાની
    Next Article
    ખોબામાં દરિયો:અસલ ઓળખ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment