Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુનામી:ભાઇ-બહેન, ઝઘડવું હોય એટલું ઝઘડજો પણ...

    1 day ago

    બહેન ભાઇનાં કાંડે રાખડી બાંધે અને ભાઇ બહેનની આજીવન રક્ષા કરવાનું વચન આપે-પણ સવાલ એ છે કે-આજની બહેનોને ભાઇ પાસેથી ખરેખર ‘રક્ષા’નું વચન જોઇએ છે ખરું? બહેન પોતે કમાતી થઇ છે. જાતે ડ્રાઇવ કરે છે. એકલી દેશ-દુનિયા ફરે છે-પોતાનાં નિર્ણયો પોતાની જાતે લે છે-મુશ્કેલીમાં રસ્તો પણ જાતે શોધી લે છે-તો પછી રક્ષાનાં વચન સાથેની રાખડી શું કામ? રાખડી હવે રક્ષાનાં વચન માટે નથી રહી-રાખડી એ વાતની ખાતરી છે કે-બહેન દુનિયા સામે ગમે તેટલી મોટી થઇ જાય-પણ ભાઇ સામે તો એ જ બહેન રહેવાની છે-જે વર્ષો પહેલા હતી! ઉંમર વધતી જાય એમ-એમ ભાઇ-બહેનનાં સંબંધ ક્યારેક ભાગ-બટાઇનાં સંબંધ પણ થઇ જતા હોય છે. ‘મેં ત્યારે તારા માટે આ કર્યું હતું.’ ‘મમ્મી-પપ્પાની જવાબદારી મેં વધારે ઉપાડી છે’, ‘તને વધારે મળ્યું’, ‘મને ઓછું મળ્યું’- અને પછી વાત પૈસા સુધી પહોંચી જાય-ક્યારેક મિલકત સુધી તો ક્યારેક વારસા સુધી!! પણ એકવાત ખાસ યાદ રાખજો કે એક દિવસ મા-બાપ નહીં હોય ત્યારે દુનિયામાં બહુ ઓછા માણસો એવા બચ્યા હશે જેને તમારે સમજાવવું નહીં પડે કે ‘આપણા ઘરમાં પહેલાં આવું થતું હતું!’ એ તમારા ભાઈને ખબર હશે. એ તમારી બહેનને ખબર હશે. એને મમ્મીના હાથનાં ભીંડાનાં શાકનો સ્વાદ ખબર હશે-એને પપ્પાનો ગુસ્સો યાદ હશે. એને ઘરમાં કયા તહેવારે શું થતું એ યાદ હશે. એને એ જૂનું ઘર યાદ હશે. એને ઉનાળાની રજાઓ યાદ હશે. એને તમારી સ્કૂલ યાદ હશે. એને તમારા એ મા-બાપ યાદ હશે, જેમને દુનિયાએ કદાચ જુદી રીતે ઓળખ્યાં હશે, પણ તમે બંનેએ ‘મમ્મી-પપ્પા’ તરીકે ઓળખ્યા હતાં. આ સહિયારી સ્મૃતિઓનો કોઈ દસ્તાવેજ બનતો નથી. એની કોઈ રજિસ્ટ્રી થતી નથી. એમાં કોઈના પચાસ ટકા અને કોઈના પચાસ ટકા નથી થતા. એ વારસો આખેઆખો બંને પાસે રહે છે. જે ઘરમાં ભાઈ અને બહેન બંને મોટાં થયાં હોય, થોડાં વર્ષો પછી એ જ ઘર માટે બંનેની ભાષા બદલાઈ જતી હોય છે. ભાઈ કહેતો હોય છે કે-‘હું ઘરે જ છું!’ અને બહેન કહેતી હોય છે કે-‘હું પિયર આવી છું.’ એક જ ઘર. એક જ મા. એક જ બાપ. એક જ બાળપણ. છતાં એક માટે એ ‘ઘર’ રહે છે અને બીજા માટે એ ‘પિયર’ બની જાય છે. રાખડી બાંધતી બહેનને માત્ર રક્ષાબંધન પર ગિફ્ટ આપો કે ના આપો-એને એટલું ચોક્કસ કહેજો કે- ‘આ ઘર જેટલું મારું છે, એટલું જ તારું છે. અહીં આવવા માટે તારે કોઈ પ્રસંગની જરૂર નથી.’ અને બહેને પણ ભાઈને કહેવું જોઈએ કે-‘મમ્મી-પપ્પા માત્ર તારી જવાબદારી નથી. તેમની ઉંમર વધશે ત્યારે તારી બાજુમાં હું અડીખમ ઊભી રહીશ.’ કારણ કે રક્ષાબંધન માત્ર બહેનની રક્ષાનું વચન નથી-ભાઈને પણ ક્યારેક બહેનની જરૂર પડે છે. એ પણ થાકે છે. એ પણ ડરે છે. એ પણ ક્યારેક પૈસાની ચિંતામાં રાતભર જાગે છે. એના લગ્નજીવનમાં પણ મુશ્કેલીઓ હોઈ શકે. એ પણ ક્યારેક બહારથી બહુ મજબૂત દેખાતો હોય અને અંદરથી તૂટી રહ્યો હોય. રક્ષાનો અર્થ કોઇ તમારા બદલે લડી લે એ નથી-પણ કોઇ પાછળ આવીને ઊભું રહી જાય એ પણ છે! ‘પૈસાની જરૂર હોય તો કહેજે’ એ પણ રક્ષા છે. ‘ઘરે કોઈને ન કહેવું હોય તો મને કહી દેજે’ એ પણ રક્ષા છે. ‘પહોંચી ગઈ?’ આ સવાલ પણ રક્ષા જ છે. અને વર્ષો જૂના ઝઘડા પછી ‘ચાલ, હવે બહુ થયું…’ આવું કહેવું એ પણ રક્ષા જ છે!! જીવનમાં આપણને હંમેશાં કોઈ રક્ષકની જરૂર નથી પડતી. પણ એક એવા માણસની જરૂર ચોક્કસ જ પડે છે જેણે આપણને સફળ થયા પછી નથી ઓળખ્યા. જેણે આપણને ત્યારે જોયા છે જ્યારે આપણી પાસે બતાવવા જેવું કશું નહોતું. જેને આપણું પહેલું રિઝલ્ટ ખબર છે, પહેલો ડર ખબર છે. પહેલી નિષ્ફળતા ખબર છે. આપણે કેટલા જીદ્દી છીએ એ ખબર છે અને દુનિયા સામે મજબૂત દેખાતા આપણે ક્યાં તૂટી જઈએ છીએ એ પણ ખબર છે. આ રક્ષાબંધને એવું વચન આપવાની જરૂર નથી કે આપણે ક્યારેય ઝઘડીશું નહીં. ઝઘડજો, ગુસ્સો પણ વ્યક્ત કરજો પણ જીવનના કોઈ વળાંકે પાછા ફરવાનું મન થાય ત્યારે એકબીજાના હૃદય સુધી પહોંચતો રસ્તો બંધ ન કરી દેતા! કારણ કે એક દિવસ પૈસાનો હિસાબ પૂરો થઈ જશે. મિલકતના કાગળો વહેંચાઈ જશે. મા-બાપની વસ્તુઓ પણ વહેંચાઈ જશે. પણ તમારું બાળપણ ક્યારેય નહીં વહેંચી શકો!! રક્ષાબંધન એટલે કાંડા પર બાંધેલો દોરો જ નહીં, પણ બે માણસો વચ્ચે બચાવી રાખેલો એક એવો રસ્તો, જેના પર વર્ષો પછી પણ પાછા ફરી શકાય!!
    Click here to Read More
    Previous Article
    એકબીજાને ગમતાં રહીએ:આઝાદ તો થયાં આપણે, સ્વતંત્ર નથી થયાં...
    Next Article
    સજાવટ:ઓપન શેલ્ફ : સુંદરતા કે પછી મુશ્કેલી?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment