Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાસણ ગીરમાં હોમસ્ટે-ધાબા ધારકો પર તંત્રની કાર્યવાહીથી રોષ:​ઇકો ઝોન નિયમો અને દંડની કનડગત સામે સાસણ ગીરમાં ખેડૂતો અને સંચાલકો એકઠા થયા: ધારાસભ્યોએ સરકારમાં રજૂઆતની ખાતરી આપી

    11 hours ago

    ​જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગીર પંથકમાં આવેલા રિસોર્ટ, હોમસ્ટે અને સ્થાનિક ધાબા સંચાલકો સામે તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી નોટિસ અને રૂ. 20 લાખ સુધીના ભારે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં 0 થી 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવતી મિલકતો પર તંત્રની આ કડક ઝુંબેશને કારણે નાના ખેડૂતો અને વ્યવસાયીઓમાં ભારે ફફડાટ અને નારાજગી ફેલાઈ ગઈ છે. આ કનડગત અને દંડ સામે વિરોધ નોંધાવવા તેમજ આગળની રણનીતિ ઘડવા માટે સાસણ ગીર ખાતે ભાલછેલમાં રામભાઈના ફાર્મ પર ખેડૂતો, હોટલ એસોસિએશન, હોમસ્ટે સંચાલકો અને લારી-રેસ્ટોરન્ટ ધારકોની એક અત્યંત મહત્વપૂર્ણ મહાબેઠક યોજાઈ હતી. ​તંત્ર દ્વારા કરવામાં આવેલી આ આકરી તપાસમાં ગીર સોમનાથ જિલ્લામાં 308 જેટલા યુનિટની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 54 જેટલા યુનિટો કાયદાકીય કનડગતના કારણે બંધ કરવાનો હુકમ કરાયો છે. સાથોસાથ જૂનાગઢ જિલ્લામાં પણ 32 જેટલા હોમસ્ટે અને ધાબા સંચાલકોને સરકારી નોટિસો ફટકારવામાં આવી છે. ગીર વિસ્તારમાં પ્રવાસીઓનો સતત ઘસારો રહેતો હોવાથી ભાલછેલ અને દેવડીયા જેવા ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ પોતાની 2 થી 5 વીઘા જમીનમાં દેશી ઝૂંપડાઓ બનાવીને ધાબા શરૂ કર્યા હતા. આ ધાબા પર આવતા ટૂરિસ્ટોને ચુલા પર બનેલું દેશી ભોજન પીરસીને સ્થાનિક ખેડૂતો પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ તંત્ર દ્વારા હવે આ દેશી ધાબાઓ પણ બંધ કરાવવાની નોટિસો આપી દંડ ફટકારાતાં ખેડૂતોની રોજીરોટી છીનવાઈ જવાનો ભય ઊભો થયો છે. ​આ મહાબેઠકમાં કલેક્ટર તંત્ર અને વન વિભાગના નિયમો સામે પીડિત ખેડૂતોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ભાલછેલના સ્થાનિક રહેવાસી દામજીભાઈએ જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલી થોડી ઘણી જમીન પર કોઈ સરકારી સબસિડી લીધા વિના જાતમેનતથી ઝૂંપડા બનાવી ધાબા શરૂ કર્યા હતા, જેથી પરિવારનો રોટલો નીકળી શકે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારે અગાઉ દંડ ફટકાર્યો ત્યારે એવું આશ્વાસન આપ્યું હતું કે દંડ ભર્યા બાદ કામગીરી ચાલુ રહેશે. જેથી તેમણે દંડ ભરી દીધો હોવા છતાં અત્યારે તંત્ર દ્વારા ધાબા સંપૂર્ણ બંધ કરાવી દેવામાં આવ્યા છે. તેમણે સરકાર પાસે દયાની અરજી કરી છે કે નાના ખેડૂતોના પરિવારના નભાવ માટે ધાબા પુનઃ ચાલુ કરવાની તાત્કાલિક મંજૂરી આપવામાં આવે. ​ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ જણાવ્યું હતું કે, ઇકો ઝોનમાં 0 થી 1 કિલોમીટરના નિયમોને કારણે ખેડૂતો પર જમીનમાં બોજા નોંધ નાખવાની અને પેસકદમી હટાવવાની કામગીરી અંગે ઘણી અણસમજ અને ક્ષતિઓ રહી ગઈ છે. કલેક્ટર શ્રી દ્વારા ઈશ્યૂ કરાયેલી નોટિસો અને બોજા નોંધ અંગે હોટલ એસોસિએશન તેમજ કિસાન સંઘે રજૂઆતો કરી છે. તેમણે ખાતરી આપી હતી કે ખેડૂતો અને નાના વ્યવસાયીઓના આ વ્યાજબી પ્રશ્નને તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂ કરી યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. ​ગામડાના ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવતા ગીર સોમનાથ કિસાન સંઘના પ્રમુખ ભરતભાઈ સોજીત્રાએ તંત્રની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે યાદ અપાવ્યું હતું કે 2012માં જ્યારે વાઇલ્ડ લાઇફ નિયમો આવ્યા ત્યારે જ કલેક્ટરને આવેદનપત્ર આપી 0 થી 1 કિલોમીટરના વિસ્તારમાં ખેડૂતોને આર્થિક ટેકો આપવા હોમસ્ટે અને ફાર્મહાઉસની મંજૂરી આપવાની માંગ કરાઈ હતી. જંગલી જાનવરો દ્વારા પાકનું ભેલાણ થવાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે ત્યારે હોમસ્ટે તેમની રોજીરોટીનું સાધન બન્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે ખેડૂતો જ સાચા પર્યાવરણ અને વન્યપ્રાણી પ્રેમી છે. સિંહ તો ખેતરમાં બેઠો હોય તો પણ ખેડૂતો ભય વગર કામ કરે છે; અસલી કનડગત રોજ, ભૂંડ અને નીલગાયથી થાય છે, જેના વળતર અંગે કે હોમસ્ટે નીતિ અંગે સરકારે પુનઃવિચાર કરવો પડશે. ​કિસાન સંઘના પ્રમુખ ભરત સોજીત્રાએ જણાવ્યું હતું કે જંગલમાંથી નીકળતા કાયમી ગ્રામીણ રસ્તાઓના રિપેરિંગ માટે દર વર્ષે પરવાનગી લેવાની જટિલ પ્રક્રિયામાંથી ખેડૂતોને મુક્તિ મળવી જોઈએ. બે ભાઈઓ અલગ થાય ત્યારે 5 ટકાના જૂના નિયમ મુજબ પોતાની વાડીએ રહેવા માટે નાની ઓરડી પણ બનાવી શકાતી નથી, જેથી તે ટકાવારીમાં પણ વધારો કરવો જરૂરી છે. જો સરકાર દ્વારા 0 થી 1 કિલોમીટરના ખેડૂતોના હિતમાં તાત્કાલિક યોગ્ય અને સાનુકૂળ નિર્ણય લેવામાં નહીં આવે, તો સ્થાનિક ખેડૂતો અને નાના વેપારીઓ નાછૂટકે ઉગ્ર આંદોલનના માર્ગે રસ્તા પર ઊતરવાની ફરજ પડશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં 8 ચોરીની મોટરસાયકલ સાથે શખ્સ ઝડપાયો:LCBએ નાવડા ગામના રાજુ વાંઝડીયાને 2.05 લાખના મુદ્દામાલ સાથે પકડ્યો
    Next Article
    શ્રાવણ માસમાં કૃષિમંત્રી વાઘાણીએ સપરિવાર સોમનાથ દર્શન કર્યા:સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા કરી, ગૌશાળામાં ગૌપૂજન પણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment