Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શરીરમાંથી આત્મા નીકળતો જોવા માટે ચાર હત્યા કરી!:માતા, પિતા, બહેન સહિત આખો પરિવાર સાફ; ઓનલાઇન હથિયાર મંગાવીને પૂતળાં પર પ્રેક્ટિસ કરી

    11 hours ago

    9 એપ્રિલ 2017 તિરુવનંતપુરમ, કેરળ કેરળના મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન જ્યાં આવેલું છે તે ક્લિફ હાઉસનો પોશ વિસ્તાર. તેની પાસેના નંદનકોડ એરિયાની ગલીઓ હંમેશની જેમ ચોખ્ખીચણાંક હતી. એકદમ શાંતિ, લીલોતરી અને સિક્યોરિટી માટે જાણીતો આ વિસ્તાર થથરી જઇએ તેવી ખોફનાક ઘટનાથી ધ્રુજી જવાનો હતો. તે દિવસે ઘર નંબર 117ની આસપાસ કંઈક સડી રહ્યું હોય તેવી તીવ્ર દુર્ગંધ હવામાં ફરી વળી હતી. પહેલાં તો પડોશીઓને લાગ્યું કે કદાચ કોઈ પ્રાણી મરી ગયું હશે. પરંતુ સમય વીતતો ગયો અને દુર્ગંધ ઓછી થવાને બદલે વધવા માંડી. આખરે કોઈએ પોલીસને ફોન કર્યો. CMના ઘરની નજીક એક ઘરમાં ચાર લાશો પડી હતી! ફટાફટ પોલીસનો કાફલો આવી પહોંચ્યો. ઘરનો દરવાજો ખોલાવ્યો. જેવો દરવાજો ખૂલ્યો કે એક માથું ફાડી નાખે તેવી ભયંકર દુર્ગંધે તેમના પર હુમલો કર્યો. તેમની આંખ સામે જે દૃશ્ય હતું તેણે વર્ષોથી જાતભાતના ક્રાઇમ સાથે પનારો પાડનારા અનુભવી પોલીસ અધિકારીઓને પણ હચમચાવી દીધા. ઉપરના બાથરૂમમાં ત્રણ માનવ શરીર ભયંકર હદે બળી ગયાં હતાં. અવશેષોના નામે રાખ અને હાડકાંનો ઢગલો જ દેખાતો હતો. અન્ય એક રૂમમાં ચાદરોમાં લપેટાયેલી બીજી એક લાશ પડી હતી, જેમાં મેગટ્સ તરીકે ઓળખાતા સફેદ કીડા ખદબદી રહ્યા હતા. આ ઘર કોઈ સામાન્ય પરિવારનું નહોતું. અહીં એક જાણીતા ડોક્ટર, એક નિવૃત્ત પ્રોફેસર, તેમની પુત્રી અને એક વૃદ્ધ સંબંધી રહેતા હતા. અત્યારે તે તમામ મૃત્યુ પામ્યા હતા. માથા પર ઘણની જેમ વાગે તેવો પ્રશ્ન એ હતો શેતાન પણ ધ્રુજી ઊઠે તેવું આ કૃત્ય કર્યું કોણે? તેનો જવાબ એટલો ભયાનક નીકળ્યો કે આખું કેરળ સ્તબ્ધ થઈ ગયું. *** શરીરમાંથી આત્મા નીકળતો જોવા માટે કોઈ હત્યા કરે ખરું? મૃત્યુ પછી માણસનું શું થાય છે અને શરીરમાં આત્મા જેવું કશું હોય છે કે કેમ તેનું માણસને હજારો વર્ષોથી કુતૂહલ રહ્યું છે. પરંતુ એકવીસમી સદીના સાયન્સના યુગમાં આ રહસ્ય જાણવા માટે કોઈ વ્યક્તિ જીવતા માણસોની હત્યા કરે તે વાત કોઇનેય ગળે ઊતરે તેવી નથી. છતાં આજથી નવ વર્ષ પહેલાં કેરળના તિરુવનંતપુરમમાં ખરેખર આવો જ એક હત્યાકાંડ થયો. આજના ‘ખાખી કવર’માં વાત કરીએ એ જ ‘નંદનકોડ હત્યાકાંડ’ની, જેમાં હજી એક ચોંકાવનારું સસ્પેન્સ બાકી હતું. *** ડૉક્ટર, પ્રોફેસરનો પરિવાર, પણ અંદર હતાં ડાર્ક સિક્રેટ્સ તિરુવનંતપુરમના નંદનકોડ વિસ્તારમાં બૈંસ કમ્પાઉન્ડ નામની એક શાંત, પ્રતિષ્ઠિત કોલોની આવેલી છે. અહીં બે માળના મકાન નંબર 117 માં 58 વર્ષના ડોક્ટર જીન પદ્મા રહેતાં હતાં, જે શહેરના જાણીતાં અને ભરોસાપાત્ર ડોક્ટર હતા. પોતાની આખી કરિયરમાં ઘર અને વ્યવસાય બંનેને સારી રીતે સંભાળ્યાં હતાં. તેમના પતિ 60 વર્ષીય પ્રોફેસર રાજા થંકમ એક નિવૃત્ત કોલેજ પ્રોફેસર હતા, જેમણે પોતાનું આખું જીવન ભણાવવામાં વિતાવ્યું હતું અને વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય હતા. તેમની 26 વર્ષીય પુત્રી કેરોલિન ચીનમાં મેડિસિનનો અભ્યાસ કરી રહી હતી અને જે સમયે આ ઘટના બની તે દિવસોમાં રજાઓમાં ઘરે આવી હતી. ઘરમાં એક અન્ય સભ્ય પણ રહેતા હતા. તે હતાં 70 વર્ષીય લલિતા જૈન, જે ડોક્ટર જીન પદ્માની બહેન અને પ્રોફેસર રાજા થંકમનાં સાળી હતાં. ઉંમર સાથે લલિતાની આંખોની દૃષ્ટિ નબળી પડી ગઈ હતી. આ જ ઘરના પહેલા માળે એક ઓરડો હતો, જેમાં આ પરિવારનો પુત્ર રહેતો હતો, 29 વર્ષીય કેડલ જેન્સન રાજા. પહેલી નજરે જોતાં આ એક આદર્શ, સુવિધાસંપન્ન પરિવાર હતો. પૈસાની કોઈ કમી નહોતી, સમાજમાં ઇજ્જત, સારા શિક્ષણનું વાતાવરણ. પરંતુ પરિવારના ચિરાગ કેડલના રૂમની અંદર કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. કોઇને ખબર નહોતી કે ઘરમાં હથિયાર અને પૂતળાં આવી ચૂક્યાં છે તે આખો વખત પોતાના રૂમમાં કમ્પ્યૂટરમાં ઇન્ટરનેટ પર ગેમ્સ રમતો રહેતો અને બીજાં પણ ખાંખાંખોળા કરતો રહેતો. ઘરમાં કોઇનેય ખ્યાલ નહોતો કે થોડા સમય પહેલાં તેણે ઓનલાઇન અત્યંત ધારદાર તલવાર જેવું ‘મેશેટ’ તરીકે ઓળખાતું હથિયાર મંગાવ્યું હતું. તેની સાથે તે ક્યાંકથી દુકાનોની બહાર શોકેસમાં રાખવામાં આવતાં મેનિકિન તરીકે ઓળખાતાં માણસનાં પૂતળાં પણ લાવ્યો હતો. મહિનાઓથી તે આ પૂતળાંઓ પર એક ભયાનક રિહર્સલ કરી રહ્યો હતો, જેની ઘરના કોઇનેય જાણ નહોતી. વીડિયો ગેમ બતાવવાના બહાને બોલાવ્યા અને રહેંસી નાખ્યા 5 એપ્રિલ 2017 ની બપોર હતી. કેડલ તેના રૂમમાં હતો. અચાનક તેણે બહાર આવીને પોતાની માતા ડોક્ટર જીન પદ્માને બૂમ પાડીઃ ‘અમ્મા, ઉપર આવી જાઓ, મેં એક નવી વીડિયો ગેમ બનાવી છે, તમને બતાવવી છે.’ તેની માતા દીકરાએ શું પરાક્રમ કર્યું છે તેના સહજ કુતૂહલથી સીડીઓ ચડીને તેના રૂમમાં ગઈ. પરંતુ જેવી તે રૂમમાં પહોંચી તે સાથે જ તેના સગા દીકરાએ માતા પર મેશેટ તલવારથી હુમલો કર્યો. એક, બે, ત્રણ… પોતાની માતા પર તેણે કુલ નવ વખત પ્રચંડ પ્રહારો કરીને તેનું શરીર ક્ષત-વિક્ષત કરી નાખ્યું. આટલેથી તેનું હુતાશન ઓસર્યું નહોતું. માતા પર નવ પ્રહાર, પિતા પર સાત અને બહેન પર 12 ઘા માર્યા આ પછી તે નીચે ઊતર્યો અને તેના પિતા પ્રોફેસર રાજા થંકમ પાસે ગયો. તે જ રીતે તેણે પિતાને પણ કહ્યું કે તેણે એક નવી વીડિયો ગેમ બનાવી છે અને તેમને ઉપર આવીને જોવી પડશે. થોડી આનાકાની પછી પિતા માની ગયા. પિતા પણ જેવા દીકરાના રૂમમાં ઉપર પહોંચ્યા કે તરત જ તેમના માથા પર એક પછી એક સાત પ્રહારો થયા. હવે વારો હતો, એની બહેન કેરોલિનનો. ચીનથી રજાઓ ગાળવા ઘરે આવેલી કેરોલિન પર સૌથી વધુ બાર વખત પ્રહારો થયા. ઘરમાં ત્રણ લાશ હતી અને બહારથી પિત્ઝા ઓર્ડર થતા રહ્યા! જ્યારે આ પાશવી ખેલ ખેલાયો ત્યારે ઘરના નીચેના માળે લલિતા જૈન બેઠાં હતાં. ઉપર શું ચાલી રહ્યું છે તેની તેમને લેશમાત્ર શંકા નહોતી. ઉંમર અને નબળી દૃષ્ટિને કારણે તેમને ઉપર થઈ રહેલી કોઈ પણ વાતની જાણ પણ ન થઈ. તે જ દિવસે ઘરની નોકરાણી પણ આવી, પરંતુ કેડલે તેને કહી દીધું કે ઘરના બાકીના બધા લોકો બહાર ગયા છે અને આજે જમવાનું બહારથી મંગાવી લેવામાં આવશે. આમ કહીને તેને રવાના કરી દેવાઈ. નોકરાણી ગઈ, અને ઘરમાં જે કંઈ થયું હતું, તેની જાણ બહારની દુનિયાને ન થઈ. પછીના લગભગ 48 કલાક આ જ રીતે પસાર થયા. ઘરના ઉપરના માળે ત્રણ મૃતદેહો પડ્યા હતા, અને નીચે લલિતા જૈન તેનાથી બેખબર પોતાની રોજિંદી જિંદગી જીવી રહ્યાં હતાં! બે દિવસ પછી એ જ ઘરમાં ચોથી હત્યા થઈ જ્યારે ઘરનો જ ઘાતકી બનેલો દીકરો કેડલ આ દરમિયાન જાણે કશું બન્યું જ ન હોય તે રીતે ઘરમાં આવતો-જતો, બહારથી જમવાનું મંગાવતો અને ખાતો રહ્યો. પરંતુ તેને ડર હતો કે લલિતાને કોઈ સમયે સચ્ચાઈની ખબર પડી શકે છે. આખરે 48 કલાક પછી તેણે લલિતા જૈન પર પણ હુમલો કરી દીધો. લલિતા જૈનને તેણે એ જ ધારદાર મેશેટથી 22 વાર ઘા માર્યા. નબળી દૃષ્ટિને કારણે તેમને પોતાના પર હુમલો કરનારો કોણ છે તેની પણ ખબર પડી નહીં. ત્રણ મૃતદેહને પેટ્રોલ છાંટીને આગ લગાડી દીધી અત્યંત ઠંડા કલેજે ચાર હત્યાઓ કર્યા પછી કેડલને હવે સૌથી મોટી ચિંતા પુરાવા નષ્ટ કરવાની હતી. DNA અને ફિંગરપ્રિન્ટ કેવી રીતે નાશ કરી શકાય તે વિશે તેણે ઇન્ટરનેટ પર પહેલાં જ વાંચી લીધું હતું. તે પોતાની માતા, પિતા અને બહેનના મૃતદેહોને ઘરના બાથરૂમમાં ઢસડીને લઈ ગયો અને પેટ્રોલ છાંટીને આગ લગાડી દીધી. પરંતુ લલિતા જૈનના મૃતદેહને તેણે ચાદરોમાં લપેટીને ઘરના એક રૂમમાં જ છોડી દીધો. કોઇક ભેદી કારણોસર તેને સળગાવવામાં આવ્યો ન હતો. હત્યારો દાઝ્યો, ભાગ્યો અને 800 કિમી દૂર છુપાઈ ગયો પરંતુ થયું એવું કે બાથરૂમમાં લાગેલી આગ બેકાબૂ બની ગઈ. આગની જ્વાળાઓ ચારેકોર ફેલાવા લાગી. તેને બુઝાવવાનો પ્રયાસ કરતી વખતે કેડલનો પોતાનો હાથ અને શરીરનો એક ભાગ પણ દાઝી ગયો. પરિસ્થિતિ હાથમાંથી બહાર નીકળી જતી જોઈને તે રાતના અંધારામાં ઘરેથી ભાગી ગયો. પગપાળા થંપાનૂર રેલવે સ્ટેશન પહોંચ્યો અને ત્યાંથી ટ્રેન પકડીને સીધો લગભગ 800 કિલોમીટર દૂર ચેન્નઈ જતો રહ્યો. પોતાની પાછળ મૂકતો ગયો ત્રણ સળગેલા મૃતદેહો, એક અડધી સડેલી લાશ, અને એક એવું રહસ્ય જે થોડા જ દિવસોમાં દુર્ગંધ બનીને ગલીઓ સુધી પહોંચવાનું હતું. હત્યારો પોતાના જ ઘરના હત્યાકાંડના ન્યૂઝ TV પર જોતો હતો! જ્યારે પોલીસે આવીને ઘરનો દરવાજો તોડીને ખોલ્યો અને આ હત્યાકાંડની વાત ચોમેર પ્રસરી ત્યારે આખા કેરળમાં સનસનાટી મચી ગઈ. ટીવી ન્યૂઝ ચેનલોએ આ નંદનકોડ હત્યાકાંડની રજેરજની વિગતોનું કવરેજ કરવા માંડ્યું. બીજી બાજુ ચેન્નઈમાં બેઠેલો હત્યારો કેડલ ટીવી પર પોતાના જ ઘરના સમાચાર જોઈ રહ્યો હતો. અચાનક એણે ચેન્નઈથી તિરુવનંતપુરમ પાછા ફરવાનો નિર્ણય કર્યો. કદાચ તેને અહેસાસ થઈ ગયો હતો કે પકડાઈ જવું નિશ્ચિત છે, અથવા કદાચ તેના પોતાના દિમાગમાં કોઈ નવી જ શેતાની ખુરાફાત ચાલી રહી હતી. રેલવે પોલીસે તેને 10 એપ્રિલ 2017ના રોજ થંપાનૂર રેલવે સ્ટેશન પર જ પકડી લીધો. તેના હાથ અને શરીર પર દાઝી ગયેલાં નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યાં હતાં. કેડલની પૂછપરછમાં જે સામે આવ્યું તેણે અનુભવી તપાસ અધિકારીઓને પણ ચોંકાવી દીધા. કેડલે જણાવ્યું કે તેણે આ બધું ‘એસ્ટ્રલ પ્રોજેક્શન’ના એક પ્રયોગ તરીકે કર્યું હતું. ‘મેં તો આત્મા કાઢવાના એક્સપરિમેન્ટમાં હત્યાઓ કરી છે!’ ‘એસ્ટ્રલ પ્રોજેક્શન’ તરીકે ઓળખાતી એક એવી આધ્યાત્મિક થિયરી છે, જે પ્રમાણે આત્મા શરીર છોડીને અલગ જગ્યાએ જઈ શકે છે અને અમુક પ્રકારની ધ્યાનની પદ્ધતિઓથી માણસ ‘આઉટ ઓફ ધ બોડી’ એટલે કે સૂક્ષ્મ રૂપે શરીરની બહાર નીકળીને દુનિયામાં ગમે ત્યાં જઈ શકે છે. અલબત્ત, આમાંની એકેય વાતને વિજ્ઞાને સમર્થન આપ્યું નથી, અને સંશોધકો તેને ‘સ્યુડોસાયન્સ’ તરીકે નકારી કાઢે છે. પરંતુ આવી વાતોને માનનારો એક મોટો વર્ગ વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. 29 વર્ષનો કેડલ જેન્સન રાજા તેનું લોહિયાળ ઉદાહરણ હતો. પોલીસ સમક્ષ કેડલે દાવો કર્યો કે તે પોતાના પરિવારના આત્માઓને શરીરથી મુક્ત થઇને બહાર નીકળતા જોવા માગતો હતો. વધુ શૉકિંગ વાત તો એ હતી કે તેને પોતાને આ ‘એક્સપરિમેન્ટ’ પર ગર્વ પણ હતો! હત્યારો રાક્ષસની જેમ હસતો હતો, ક્રાઇમ સીનને ટૂર ગાઇડની જેમ બતાવ્યો જ્યારે પોલીસ તેને પુરાવા એકઠા કરવા માટે ક્રાઇમ સીન પર એટલે કે તેના ઘરે લઈ ગઈ, ત્યારે તેનું વર્તન જોઈને હાજર અધિકારીઓ પણ અસ્વસ્થ થઈ ગયા. તે કોઈ વિકૃત રાક્ષસની જેમ હસી રહ્યો હતો, પડોશીઓની સામે જોઇને એવી રીતે હાથ હલાવી રહ્યો હતો જાણે કોઈ જૂના મિત્રને મળી રહ્યો હોય, અને ખૂબ જ આરામથી એક-એક હત્યાને નવેસરથી રિકન્સ્ટ્રક્ટ કરીને બતાવી રહ્યો હતો, જાણે કોઈ ટૂર ગાઈડ કોઈ ઐતિહાસિક ઘટનાનું વર્ણન રહ્યો હોય! લેપટોપ અને ડાયરીમાંથી શૉકિંગ વિગતો મળી ફોરેન્સિક અને સાયબર ટીમે જ્યારે કેડલનું લેપટોપ અને અન્ય ગેજેટ્સ તપાસ્યાં, ત્યારે જે સામે આવ્યું તેણે આખા કેસનું એક ભયાવહ ચિત્ર રજૂ કર્યું. તેની બ્રાઉઝર હિસ્ટ્રીમાં ગળું કાપવા અને હત્યાની પદ્ધતિઓ વિશેની સર્ચ થયેલી હતી. તેને લગતા યુટ્યુબ વીડિયો પણ તેણે જોયા હતા. એક હિંસક વીડિયો ગેમથી પ્રેરિત થઇને તેણે ઓનલાઇન ખરીદેલા ધારદાર મેશેટ હથિયારની વિગતો પણ મળી આવી. ઘરમાંથી તેની પોતાની હાથથી લખેલી એક ડાયરી પણ મળી આવી, જેમાં તેની હતાશા, ગુસ્સો અને ઇરાદાઓ નોંધાયેલા હતા. અગાઉ પરિવારને ઝેર આપવાનો પણ પ્રયાસ કરેલો! આનાથી પણ ચોંકાવનારી વાત એ બહાર આવી કે હત્યાઓ પહેલાં કેડલે પોતાના પરિવારને ઝેર આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેના ઘરમાંથી ઝીંક ફોસ્ફાઇડ નામનું હળાહળ ઝેરી કેમિકલ મળી આવ્યું. જ્યારે તે પ્લાન નિષ્ફળ રહ્યો, તે પછી જ તેણે ધારદાર મેશેટનો રસ્તો પસંદ કર્યો અને મહિનાઓ સુધી પૂતળાઓ પર તેનું રિહર્સલ કર્યું. ઓસ્ટ્રેલિયાનું એકલવાયું જીવન અને આઠ વર્ષનો રોષ અદાલતમાં સુનાવણી દરમિયાન કેડલના જીવનનાં અનેક પાસાં ખુલ્લાં પડ્યાં. તે મેડિસિનનો અભ્યાસ કરવા ઓસ્ટ્રેલિયા ગયો હતો, પરંતુ કોર્સ ક્યારેય પૂરો કરી શક્યો નહીં. પ્રોસિક્યુશનના પક્ષ મુજબ કેડલને ઇતિહાસ ભણવામાં રસ હતો, પરંતુ પરિવારના પ્રેશરને કારણે તેને મેડિસિનના અભ્યાસ માટે મોકલી દેવામાં આવ્યો હતો. ત્યાં તેનું મન ક્યારેય લાગ્યું નહીં, તે સતત નાપાસ થતો રહ્યો. તેણે ક્લાસમાં જવાનું પણ છોડી દીધું, અને આખરે 2009માં કોઈ ડિગ્રી વિના ખાલી હાથે ભારત પાછો ફર્યો. તેના ઓસ્ટ્રેલિયાના એક સહપાઠીએ અદાલતમાં જુબાની આપી કે કેડલ ત્યાં હંમેશાં એકલો રહેતો હતો. તેણે કોઈની સાથે મિત્રતા નહોતી કરી. તે તેનાં ગેજેટ્સ અને હિંસક વીડિયો ગેમ્સમાં ડૂબેલો રહેતો અને ક્લાસમાં બહુ ઓછો આવતો હતો. યાને કે સંપૂર્ણપણે સમાજથી વિખૂટો પડેલો હતો. જ્યારે તે 2009માં ઘરે પાછો ફર્યો, ત્યારે અહીં પણ પરિસ્થિતિ બદલાઈ નહીં. એ જ ઘર, એ જ લોકો, અને હવે નિષ્ફળતાનો એક વધારાનો બોજ. આઠ વર્ષ સુધી મા-બાપ સામે કડવાશ એકઠી થતી રહી, અને પછી… પ્રોસિક્યુશને અદાલતમાં જે મનોવૈજ્ઞાનિક તસવીર રજૂ કરી, તે મુજબ ઘરે પાછા ફર્યા પછી કેડલના મનમાં એવી ધારણા ઘર કરી ગઈ કે તેને ઇગ્નોર કરવામાં આવી રહ્યો છે, યાને કે તેની અવગણના થઈ રહી છે. તેને સતત એવું લાગવા માંડ્યું કે તેનો અભ્યાસ અને મિત્રતા બંનેની ઈચ્છાઓ તેના પિતાને કારણે અધૂરી રહી. જ્યારે તેણે પોતાની માતા ડોક્ટર જીન પદ્માને પિતા સામેની ફરિયાદો કહી, ત્યારે માતાએ પણ તેનો સાથ ન આપ્યો. આનાથી તેના મનમાં વધુ ઊંડી કડવાશ ભરાઈ ગઈ. આ નારાજગી 2009 થી 2017 સુધી, યાને કે પૂરાં આઠ વર્ષ સુધી ચૂપચાપ તેના મનમાં દારૂગોળાની જેમ એકઠી થતી રહી. આ દરમિયાન વાસ્તવિક દુનિયાથી વિખૂટો પડેલો કેડલ હિંસક વીડિયો ગેમ્સ અને યુટ્યુબ વીડિયોની વર્ચ્યુઅલ દુનિયામાં કલાકો વિતાવવા લાગ્યો, જે ધીમે ધીમે તેના મનની નફરતને વધુ ઊંડી કરતી ગઈ. આખરે તેણે પોતાના જ પરિવાર પાસેથી બદલો લેવાનું નક્કી કર્યું. ‘આ હત્યારો સ્કિઝોફ્રેનિયાનો દર્દી છે’ 10 એપ્રિલ 2017ના રોજ ધરપકડ બાદ કેડલને તિરુવનંતપુરમની પૂજાપ્પુરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો. જેલ અધિકારીઓ માટે તેનું વર્તન બિલકુલ વિચિત્ર હતુંઃ ન કોઈ ડર, ન પસ્તાવો. જાણે કશું થયું જ ન હોય તેમ તે હસતો, વાતો કરતો, સામાન્ય રીતે ખાતો અને સૂતો. તેણે જેલ અધિકારીઓને જણાવ્યું કે તેનાં મૃત માતા-પિતા રોજ તેને મળવા આવે છે અને તેમની સાથે તેની વાતચીત થાય છે, અને તેણે એવો પણ દાવો કર્યો કે તે દસ વર્ષથી વધુ સમયથી ‘એસ્ટ્રલ પ્રોજેક્શન’નો અભ્યાસ કરી રહ્યો છે. જેલમાં એકવાર તેણે બીજા કેદી પર પણ હુમલો કર્યો, ત્યારબાદ તેને સોલિટરી કન્ફાઇનમેન્ટ (એકાંત કારાવાસ)માં ખસેડવો પડ્યો. 2017 માં મનોચિકિત્સકોના રિપોર્ટમાં સામે આવ્યું કે કેડલ સ્કિઝોફ્રેનિયા જેવી ગંભીર માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે, ત્યારબાદ અદાલતે માન્યું કે આવી બીમારીનો ભોગ બનેલો હોય તેવા સમયે તે કોર્ટ કેસનો સામનો કરવાની સ્થિતિમાં નથી. તેને માનસિક ચિકિત્સા સુવિધા (ઓલંપારા મેન્ટલ હોસ્પિટલ)માં મોકલી દેવામાં આવ્યો, અને કેસ ત્યાં જ અટકી ગયો. ત્યારબાદ વર્ષો સુધી કેડલ પૂજાપ્પુરા જેલ અને ઓલંપારા વચ્ચે આવતો-જતો રહ્યો. દર થોડા મહિનાઓના અંતરે તેની માનસિક સ્થિતિની સમીક્ષા થતી, ક્યારેક ડોક્ટરો તેને કોર્ટની ટ્રાયલ શરૂ કરવા યોગ્ય જણાવતા તો ક્યારેક નહીં. 2020 માં કોવિડ મહામારીએ સમગ્ર દેશની અદાલતી કાર્યવાહી ઠપ્પ કરી દીધી, અને આ કેસ પણ તે જ સમયગાળામાં લાંબા સમય સુધી અટવાયેલો રહ્યો. માનસિક બીમાર દર્દી આટલા પ્લાનિંગથી હત્યા કરી શકે ખરો? 2023 માં પરિસ્થિતિ બદલાઈ, જ્યારે અદાલતે ઔપચારિક રીતે કેડલને મુકદ્દમાનો સામનો કરવા યોગ્ય જાહેર કર્યો અને ટ્રાયલ શરૂ થઈ. આ વખતે સુનાવણી સંપૂર્ણ ગંભીરતાથી આગળ વધી. 41 થી વધુ સાક્ષીઓએ અદાલતમાં જુબાની આપી. ફોરેન્સિક નિષ્ણાતો, સાયબર સેલના અધિકારીઓ, પડોશીઓ, ઘરની નોકરાણી, ઓસ્ટ્રેલિયાના સહપાઠીઓ અને તબીબી નિષ્ણાતો દરેકની જુબાની લેવામાં આવી. દરેક સાક્ષીએ આ ભયાવહ ચિત્રનો એક-એક ટુકડો જોડ્યો. 28 એપ્રિલ 2025 ના રોજ અંતિમ દલીલો પૂર્ણ થઈ. પ્રોસિક્યુશનનો તર્ક સીધો અને મજબૂત હતોઃ જે વ્યક્તિ પહેલાં ઝેરથી હત્યાનો પ્રયાસ કરે, પછી ઇન્ટરનેટ પરથી હથિયારો મંગાવે, હત્યાની રીતો શોધે, પૂતળાઓ પર મહિનાઓ સુધી હત્યાનું રિહર્સલ કરે, અને આખરે એક પછી એક પરિવારના સભ્યોને રૂમમાં બોલાવે, તેમની અત્યંત નિર્દયતાથી હત્યા કરે, 48 કલાક સુધી મૃતદેહો સાથે તે જ ઘરમાં રહે, નોકરાણી સાથે જૂઠું બોલે, પુરાવા બાળી નાખે અને પછી 800 કિલોમીટર દૂર ભાગી જાય… આટલી હદનું ડિટેલ્ડ પ્લાનિંગ કરનારો માણસ માનસિક રીતે એટલો અસ્થિર ન હોઈ શકે કે તેને પોતાના કૃત્યનો અહેસાસ જ ન હોય. આ હત્યારાને મૃત્યુદંડ આપવો કે નહીં? બચાવ પક્ષે સમગ્ર મુકદ્દમા દરમિયાન સ્કિઝોફ્રેનિયાની બીમારીનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો. કેડલના વકીલો એવો દાવો કરતા કે કેડલને પોતાના કૃત્યનું ભાન જ નહોતું. પરંતુ અદાલતે આ દલીલ ફગાવી દીધી. 12 મે 2025 ના રોજ તિરુવનંતપુરમની છઠ્ઠી એડિશનલ સેશન્સ કોર્ટમાં જજ વિષ્ણુ કે. એ ચુકાદો આપ્યો. કેડલ જેન્સન રાજાને હત્યા, પુરાવા નષ્ટ કરવા, મૃતદેહોની આગચંપી અને હથિયાર તથા પેટ્રોલના ઉપયોગ સહિતના દરેક આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો. પ્રોસિક્યુશન પક્ષે તેને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણાવીને મૃત્યુદંડની માગ કરી હતી, જ્યારે બચાવ પક્ષે કેડલની ઉંમર અને માનસિક સ્થિતિનો હવાલો આપીને નરમાશ દાખવવાની અપીલ કરી. અદાલતે આ અપરાધને ‘ગંભીર, જઘન્ય અને અંતરાત્માને હચમચાવી દેનારો’ ગણાવ્યો, પરંતુ મૃત્યુદંડને બદલે આજીવન કેદની સજા સંભળાવવાનો નિર્ણય કર્યો. હત્યારો પહેલાં બાર વર્ષની કેદ કાપશે, પછી આજીવન કેદ શરૂ થશે 13 મે 2025 ના રોજ કેડલને સજાની જાહેરાત થઈઃ આજીવન કેદ અને 15 લાખ રૂપિયાનો દંડ. જોકે, આ આજીવન કેદ તરત શરૂ થશે નહીં. તે પહેલાં તેને આગચંપી માટે સાત વર્ષ અને પુરાવા નષ્ટ કરવા માટે પાંચ વર્ષ, એટલે કે કુલ 12 વર્ષ અલગથી જેલમાં કાપવા પડશે. આ સમયગાળો પૂરો થયા પછી જ આજીવન કેદની સજા શરૂ થશે. સ્પેશિયલ પ્રોસિક્યુટર દિલીપ સત્યમના જણાવ્યા અનુસાર, જો રાજ્ય સરકાર ભવિષ્યમાં તેની સજા માફ કરવાનો નિર્ણય ન લે, તો પણ કેડલને ઓછામાં ઓછા 25 થી 30 વર્ષ જેલમાં વીતાવવા પડશે. દંડની રકમ ડોક્ટર જીન પદ્માના ભાઈ અને પરિવારના એકમાત્ર જીવિત નજીકના સંબંધી હોઝે સુંદરમને વળતર તરીકે આપવામાં આવી. ત્રણ દાયકા સુધી હત્યારો જેલની બહાર નહીં આવે હાલમાં કેડલ જેન્સન રાજા આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે, અને કોર્ટના આદેશ મુજબ આગામી અઢી-ત્રણ દાયકા સુધી અલગ-અલગ સજાઓ ક્રમિક રીતે ભોગવશે. તે પહેલાં તેની આજીવન કેદ ઔપચારિક રીતે શરૂ થઈ ગણાશે. કેસ દરમિયાન તેની જામીન માટે અગાઉ પણ કેરળ હાઈકોર્ટમાં અરજીઓ દાખલ થઈ હતી, જે નામંજૂર થઈ હતી. સજાના નિર્ણય સામે ઉચ્ચ અદાલતમાં અપીલની સંભાવના કાયદેસર રીતે રહે છે, પરંતુ અત્યાર સુધી આ કેસમાં કોઈ નવી સુનાવણી કે અપીલ પરના નિર્ણયની સાર્વજનિક પુષ્ટિ સામે આવી નથી. પરિવારમાં જીવિત બચેલા એકમાત્ર નજીકના સંબંધી હોઝે સુંદરમ કેસમાં સાક્ષી અને ફરિયાદી બંને રહ્યા, અને તેમને જ કોર્ટ તરફથી વળતર અપાવવામાં આવ્યું.
    Click here to Read More
    Previous Article
    સ્પોટ મેમો આપવાનું બંધ કરાવ્યું તો જવાનો 'ગાયબ' થઈ ગયા:અમદાવાદમાં મોટાભાગે પોલીસકર્મી ટ્રાફિક નિયમનના બદલે મોબાઈલમાં વ્યસ્ત, ભાસ્કરના રિયાલિટી ચેકમાં ખુલાસો
    Next Article
    શું શેખ હસીનાની વતન વાપસીની જમીન તૈયાર છે?:બે વર્ષ પછી ફરી દેખાવા લાગી અવામી લીગ, ઑફિસ ખુલી, મોટા નેતાઓ જેલમાંથી બહાર

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment