Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શું શેખ હસીનાની વતન વાપસીની જમીન તૈયાર છે?:બે વર્ષ પછી ફરી દેખાવા લાગી અવામી લીગ, ઑફિસ ખુલી, મોટા નેતાઓ જેલમાંથી બહાર

    10 hours ago

    બાંગ્લાદેશમાં અવામી લીગની એક જૂની ઑફિસ બહાર પાર્ટીનું બેનર લાગેલું છે. કાર્યકરો ભેગા થઈ રહ્યા છે. દીવાલ પર શેખ મુજીબુર રહમાન અને શેખ હસીનાના ફોટો ફરી દેખાવા લાગ્યા છે. પાર્ટીના કાર્યક્રમોમાં પોલીસની દખલ પહેલા જેવી નથી રહી. નેતાઓ સ્થાનિક ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. ક્યાંક નાના-નાના સરઘસો નીકળી રહ્યા છે, તો ક્યાંક બંધ પડેલી ઑફિસોના તાળાં ફરી ખુલી રહ્યા છે. ભીડ બહુ વધારે નથી, પરંતુ એક વર્ષ પહેલાં સુધી આ બધું દેખાવું પણ મુશ્કેલ હતું. 5 ઑગસ્ટ 2024ના રોજ શેખ હસીનાના સત્તા પરથી હટવા અને ભારત આવ્યા પછી અવામી લીગના મોટા નેતાઓને જેલ ભેગા કરી દેવાયા. કાર્યકરોની ધરપકડ થઈ. ભીડે પાર્ટી ઑફિસોમાં તોડફોડ કરીને આગ લગાવી દીધી. પાર્ટીની પ્રવૃત્તિઓ પર બેન લગાવી દેવાયો. હવે માહોલ ધીમે-ધીમે બદલાઈ રહ્યો છે. આ દરમિયાન શેખ હસીનાએ પણ જાહેરાત કરી દીધી- ‘હું વર્ષના અંત સુધીમાં દેશ પાછી ફરીશ. પરત ફરવાની તારીખ પછીથી બતાવવામાં આવશે, પરંતુ હું મારા લોકો પાસે ચોક્કસ પાછી ફરીશ. તેઓ મારી ધરપકડ કરી શકે છે, મારી પણ નાખે... છતાં પણ મારે જવું જ પડશે.’ અમે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓની આ નાની-નાની ઘટનાઓને એકસાથે રાખીને જોઈ. બે સવાલ હતા… આના જવાબ કેટલાક સંકેતોમાં છુપાયેલા છે… પહેલો સંકેત: મોટા નેતાઓ જેલમાંથી બહાર આવવા લાગ્યા 8 એપ્રિલ, 2026ની વાત છે. શેખ હસીના સરકારમાં સંસદના સ્પીકર રહેલાં શિરીન શર્મિન ચૌધરીની અચાનક ધરપકડ કરી લેવામાં આવી. શેખ હસીનાના દેશ છોડ્યા પછીથી જ તેઓ જાહેર જીવનથી દૂર હતાં. ચાર દિવસ પછી તેમને જામીન મળી ગયા. બે મહિના પછી 3 જૂને નારાયણગંજ સિટી કોર્પોરેશનના પૂર્વ મેયર અને અવામી લીગ સાથે જોડાયેલાં સેલિના હયાત આઈવીને પણ જામીન મળી ગયા. તેઓ લગભગ એક વર્ષથી જેલમાં હતાં. બાંગ્લાદેશ પોલીસ અને સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, અવામી લીગના સત્તા પરથી હટ્યા પછી 2026 સુધીમાં 112 પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી અને રાજ્ય મંત્રીની ધરપકડ કરવામાં આવી. જેમાં 12 મહિલા પૂર્વ સાંસદ પણ સામેલ છે. આમાંથી ઓછામાં ઓછા 8 નેતાઓને જામીન મળી ચૂક્યા છે. જે નેતાઓને જામીન મળ્યા છે, તેમાં મોટાભાગના પર 6થી 10 સુધીના ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. કેટલાક નેતાઓ પર 50થી વધુ કેસ છે. જેમાં સાબેર હુસેન ચૌધરી પણ છે. તેઓ શેખ હસીનાના સેક્રેટરી રહી ચૂક્યા છે. પશ્ચિમી દેશોના રાજદૂતો સાથે તેમના સારા સંબંધો રહ્યા છે. તેઓ દુનિયાભરની સંસદોના સંગઠન ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન એટલે કે IPUના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ધરપકડ કરાયેલા લોકોમાંથી 73%ને જામીન પોલીસ મુખ્યાલયના સપ્ટેમ્બર 2025ના એક રિપોર્ટમાં મોટા પાયે થયેલી ધરપકડો અને જામીનના આંકડા સામે આવ્યા હતા. રિપોર્ટનું નામ હતું- Information Regarding Arrests and Bail of Persons Involved with Fascism. આ મુજબ, 5 ઑગસ્ટ 2024 પછીના 13 મહિનામાં 44,472 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી 32,371 લોકોને જામીન મળી ગયા, એટલે કે લગભગ 73% ધરપકડ કરાયેલા લોકોને જામીન મળી ચૂક્યા હતા. તેમાં મોટી સંખ્યા અવામી લીગના નેતાઓ અને કાર્યકરોની હતી. મોહમ્મદ યુનુસના નેતૃત્વ વાળી વચગાળાની સરકાર દરમિયાન અવામી લીગ સામે ઓપરેશન ડેવિલ હંટ ચલાવાયું હતું. BNP સરકારના છેલ્લા સાત મહિનામાં આવી કાર્યવાહી ખૂબ ઘટી ગઈ છે. આ જ કારણ છે કે બાંગ્લાદેશમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું અવામી લીગને ફરીથી રાજકીય જગ્યા આપવામાં આવી રહી છે. જવાબમાં બાંગ્લાદેશના ડેપ્યુટી એટોર્ની જનરલ બેરિસ્ટર સિહાબઉદ્દીન ખાન કહે છે, 'માત્ર કોઈ વ્યક્તિની રાજકીય ઓળખના કારણે તેના નાગરિક અને કાનૂની અધિકાર છીનવી શકાય નહીં. આરોપની ગંભીરતા જોઈને કાનૂની પ્રક્રિયા ચાલવી જોઈએ.' સરકાર ભલે આને અવામી લીગ માટે રાહત નહીં, પરંતુ કાયદાના શાસનનો હિસ્સો બતાવી રહી હોય, પરંતુ વાર્તા માત્ર અદાલત અને જેલ સુધી સીમિત નથી. બીજો સંકેત: ગામની રાજનીતિથી પરત ફરવાની તૈયારી અવામી લીગ ફેબ્રુઆરીમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ભાગ લઈ શકી નહોતી. પાર્ટીની રાજકીય પ્રવૃત્તિઓ પર રોક હતી. હવે પાર્ટીના નેતાઓ આગામી સ્થાનિક ચૂંટણીને તક તરીકે જોઈ રહ્યા છે. 2026ના અંતમાં યુનિયન પરિષદ ચૂંટણી યોજાવાની શક્યતા છે. સૂત્રો ઓક્ટોબરની આસપાસ ચૂંટણી યોજાવાની વાત કહી રહ્યા છે. આ ચૂંટણી પાર્ટી સિમ્બોલ પર લડવામાં આવતી નથી. આ જ અવામી લીગ માટે સૌથી મોટો રસ્તો બની ગયો છે. શેખ હસીનાના સમયે યુનિયન પરિષદો પાર્ટીના જમીની સંગઠનનો મોટો આધાર હતી. સરકાર પડ્યા પછી વચગાળાના વહીવટીતંત્રે આ સંસ્થાઓને ચલાવવા માટે વહીવટદારોની નિમણૂક કરી હતી. હવે આરોપ લાગી રહ્યા છે કે આ વહીવટદારો સરખી રીતે કામ નથી કરી રહ્યા. તેથી ચૂંટણીની માગ વધી રહી છે. અવામી લીગના નેતાઓનું કહેવું છે કે પાર્ટી સિમ્બોલ ન હોવાથી અમારા કાર્યકરો અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે. જમાલપુરના કમાલ હુસેન યુનિયન પરિષદના ચેરમેન હતા, પરંતુ અવામી લીગ સાથેના જોડાણને કારણે તેમની ખુરશી જતી રહી હતી. કમાલ ફરી એ જ ખુરશી માટે તૈયારી કરી રહ્યા છે, પરંતુ અપક્ષ ઉમેદવાર બનીને. કમાલ એકલા નથી. અમે ચટગાંવના પટિયા વિસ્તારના એક સંભવિત ઉમેદવાર સાથે વાત કરી. તેઓ કહે છે, ‘પાર્ટી સિમ્બોલ જરૂરી નથી, તેથી ચૂંટણીમાં ઊતરવાનો રસ્તો ખુલ્લો છે.’ અવામી લીગની કેન્દ્રીય સમિતિના એક સંગઠન સચિવે પણ આ વાતની પુષ્ટિ કરી. તેમના જણાવ્યા મુજબ, કાર્યકરો અત્યારે ગામડાઓમાં ચૂપચાપ કામ કરી રહ્યા છે. સમય આવ્યે ખુલ્લેઆમ સામે આવશે. ચૂંટણી કમિશનર અબ્દુર રહેમાનેલ મસૂદે પણ કહ્યું છે કે જે વ્યક્તિ ચૂંટણી લડવા માટે યોગ્ય છે, તે ચૂંટણી લડી શકે છે. વડાપ્રધાનના માહિતી અને પ્રસારણ સલાહકાર ઝાહેદ ઉર રહેમાને કહ્યું છે કે અવામી લીગ સાથે જોડાયેલા લોકો અપક્ષ ઉમેદવાર તરીકે સ્થાનિક ચૂંટણી લડી શકે છે. અવામી લીગના સંયુક્ત મહાસચિવ એ.એફ.એમ. બહાઉદ્દીન નસીમનો દાવો છે કે શેખ હસીનાએ પોતે પાર્ટી કાર્યકરોને સ્થાનિક ચૂંટણીમાં ઊતરવાની સલાહ આપી છે. ત્રીજો સંકેત: 300 બેઠકો પર સંગઠન ઊભું કરી રહ્યાં છે શેખ હસીના જેલમાંથી નેતાઓ નીકળી રહ્યા છે. કાર્યકરો ફરી ગામડાઓમાં ફરી રહ્યા છે. લોકલ ચૂંટણીની તૈયારી થઈ રહી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ હતો કે આ બધું પોતાની મેળે થઈ રહ્યું છે કે પાછળથી કોઈ સંગઠન ચલાવી રહ્યું છે? અવામી લીગના નેતાઓએ અમને બતાવ્યું કે શેખ હસીના તમામ 300 સંસદીય બેઠકો પર સંગઠન પર નજર રાખી રહ્યાં છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, શેખ હસીના ઓનલાઈન પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયાથી નેતાઓ સાથે સંપર્કમાં છે. વાત માત્ર કેટલાક મોટા નેતાઓ સુધી સીમિત નથી. ઉપજિલ્લા સ્તર સુધીના નેતાઓ સાથે પણ વર્ચ્યુઅલ બેઠકો થઈ રહી છે. આ બેઠકોમાં સ્થાનિક નેતાઓની સમસ્યાઓ સાંભળવામાં આવે છે. સંગઠનની સ્થિતિ પૂછવામાં આવે છે. સમિતિઓને ફરીથી બનાવવા પર વાત થાય છે. અને સૌથી મહત્વનું શેખ હસીનાની પરત ફરવાની તૈયારી પર ચર્ચા થાય છે. ચટગાંવ નોર્થ જિલ્લાના રંગુનિયા સ્ટેશનના છાત્ર લીગના પૂર્વ મહાસચિવ શિમુલ ગુપ્તા પણ આવી ઓનલાઈન બેઠકોમાં સામેલ રહ્યા છે. તેઓ કહે છે કે શેખ હસીનાના પાછા ફરવાની જાહેરાત પછી કાર્યકરોમાં જોશ ભરાઈ ગયો છે. તેમના જણાવ્યા મુજબ, કેન્દ્રીય નેતૃત્વથી લઈને વોર્ડ સ્તર સુધી સંગઠનને ફરીથી જોડવાનું કામ ચાલી રહ્યું છે. ઢાકા જિલ્લા યુવા લીગના સભ્ય ઝકારિયા દીપુ જણાવે છે કે 5 ઑગસ્ટથી શેખ હસીના ટેલિગ્રામ ગ્રુપથી ચોકી, ઉપજિલ્લા અને વોર્ડ સ્તરના નેતાઓ સાથે સંપર્કમાં છે. તેમનો દાવો છે કે શેખ હસીના પાછા ફરીને આત્મસમર્પણ કરશે. તેમની સાથે પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પણ એવું જ કરશે. આશુલિયાના અવામી લીગના અધ્યક્ષ ફારૂક હુસેન તુહીન પણ કહે છે કે જમીની સ્તરથી કેન્દ્રીય નેતૃત્વ સુધી પરત ફરવાની તૈયારી કરવામાં આવી રહી છે, એટલે કે પાર્ટીની પ્રવૃત્તિઓ હવે માત્ર ઓનલાઈન નથી. ચોથો સંકેત: બંધ ઑફિસોના દરવાજા ફરી ખુલી રહ્યા છે 5 ઑગસ્ટ 2024 પછી અવામી લીગની જાહેર ઉપસ્થિતિ લગભગ ખતમ થઈ ગઈ હતી. હવે ચિત્ર ધીમે-ધીમે બદલાઈ રહ્યું છે. પંચગઢના ચકલાહાટમાં જે ઑફિસ પર ક્યારેક તાળું લાગેલું હતું, ત્યાં હવે બેનર લાગેલું છે. અંદર ખુરશીઓ મૂકવામાં આવી રહી છે. અલગ-અલગ જિલ્લાઓ અને શહેરોમાં ઓછામાં ઓછી 50 ઑફિસો ફરી ખુલી ચૂકી છે. ક્યાંક માત્ર બેનર લગાવીને મેસેજ આપવામાં આવ્યો કે પાર્ટી હજુ ખતમ નથી થઈ. જોકે, ઢાકામાં અવામી લીગનું કેન્દ્રીય મુખ્યાલય અને મુખ્ય ઑફિસ હજુ પણ બંધ પડ્યા છે. 5 ઑગસ્ટ 2024ની આગચંપી પછી ત્યાં સન્નાટો છે. સરકાર ચલાવી રહેલી BNPએ કહ્યું- હસીનાએ પાછા ફરવું હોય તો સરેન્ડર કરવું પડશે શેખ હસીનાના ડિસેમ્બરમાં પાછા ફરવાની જાહેરાત પર બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના ટ્રેનિંગ અફેર્સના સેક્રેટરી ABM મુશર્રફ હુસેન કહે છે, ‘જો શેખ હસીના ખરેખર પાછા ફરવા માંગતા હોય, તો તેમણે બાંગ્લાદેશમાં સરેન્ડર કરવું પડશે. આ પછી પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા પડશે.’ અવામી લીગના નેતાઓને જામીન મળવા પર હુસેન કહે છે કે આને BNP સરકારમાં કાયદાનું શાસન સ્થાપિત થવા તરીકે જોવું જોઈએ. શેખ હસીના પરત ફર્યા, તો શું એરપોર્ટ પર જ ધરપકડ થશે? સ્થિતિ ભલે બદલાઈ રહી હોય, પરંતુ શેખ હસીના માટે પરત ફરવું એટલું સરળ નથી. તેમની સામે સૌથી મોટો પડકાર રાજકારણ નહીં, કાયદો છે. તેમની વિરુદ્ધ દેશભરમાં 663 કેસ નોંધાયેલા છે. તેમને ફાંસીની સજા પણ સંભળાવવામાં આવી ચૂકી છે. એટલે કે પરત ફરવાનો પ્રયાસ તેમના માટે જેલનો દરવાજો ખોલી શકે છે. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અહસાનુલ કરીમના જણાવ્યા અનુસાર, શેખ હસીના સામે ધરપકડ વોરંટ ઈશ્યુ થઈ ચૂક્યા છે, તેથી એજન્સીઓએ તેમની એરપોર્ટ પર જ ધરપકડ કરવી પડશે. વિદ્યાર્થી નેતાઓનો પ્રભાવ ઘટ્યો, હવે રેલીઓમાં ભીડ નથી આવતી 2024ના આંદોલન પછી ચાર વિદ્યાર્થી નેતાઓને વચગાળાની સરકારમાં મંત્રી સ્તરનો દરજ્જો આપીને સલાહકાર બનાવ્યા હતા. પાછળથી આ જ નેતાઓએ નેશનલ સિટિઝન્સ પાર્ટી એટલે કે NCP બનાવી. શરૂઆતમાં તેમની રેલીઓમાં મોટી ભીડ ભેગી થતી હતી. જમાત-એ-ઈસ્લામીનું સમર્થન પણ હતું, પરંતુ આમચૂંટણીમાં NCP માત્ર 6 બેઠકો જીતી શકી. છેલ્લા સાત મહિનામાં વિદ્યાર્થી નેતાઓનો પ્રભાવ ઘટ્યો છે. જમાતના સમર્થન વિના તેમની રેલીઓમાં ભીડ ઓછી થઈ ગઈ. બીજી તરફ અવામી લીગ પૂરી રીતે ગાયબ નથી થઈ. પાર્ટી સીક્રેટ મીટિંગ, ઓનલાઈન ડિસ્કશન અને સરઘસોથી પોતાની હાજરી જાળવી રહી છે. એક્સપર્ટે કહ્યું- હસીનાની વાપસીની જમીન હજુ તૈયાર નથી જહાંગીરનગર યુનિવર્સિટીમાં રાજનીતિ વિભાગના પ્રોફેસર ડૉ. નુરુલ હુદા સાકિબ માને છે કે અત્યારે માહોલ શેખ હસીનાની વાપસીને અનુકૂળ નથી. તેઓ કહે છે કે BNP ક્યારેય શેખ હસીનાની વાપસી નહીં ઈચ્છે. તેમનો વાપસીનો રસ્તો હજુ સાફ નથી થયો, પરંતુ તેમની પાર્ટીએ રસ્તો ફરીથી શોધવાનું શરૂ જરૂર કરી દીધું છે.
    Click here to Read More
    Previous Article
    શરીરમાંથી આત્મા નીકળતો જોવા માટે ચાર હત્યા કરી!:માતા, પિતા, બહેન સહિત આખો પરિવાર સાફ; ઓનલાઇન હથિયાર મંગાવીને પૂતળાં પર પ્રેક્ટિસ કરી
    Next Article
    30 Venues, 30 Matches: Yashasvi Jaiswal Joins Sachin Tendulkar In Unique List

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment