Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાક નિષ્ફળ જતા ખેડૂતો મગફળી સળગાવવા મજબૂર:​જૂનાગઢના વંથલી પંથકમાં મેઘરાજા ખેંચાતાં ખેડૂતોની હાલત કફોડી: મગફળીમાં રોગચાળો ફેલાતાં ઊભો મોલ સળગાવવા જગતનો તાત મજબૂર

    17 घंटे पहले

    ​ગુજરાત ભરમાં મેઘરાજાએ મહેર કરી છે, પરંતુ જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ થંભી ગયો છે. વરસાદ મોડો પડતાં ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે. વંથલી પંથકમાં ચોમાસાની શરૂઆતમાં જગતના તાતે અનેક આશાઓ સાથે મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ ખેંચાતાં ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. એકતરફ મોંઘા ભાવના બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો વીઘાદીઠ હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ગુણવત્તા વગરના કે ડુપ્લિકેટ બિયારણ તેમજ દવાનો કોઈ અસર ન પડતાં ખેડૂતોની મુશ્કેલીઓ બેવડાઈ છે. તેવામાં મગફળીના પાકમાં પીળીયો અને સુકારો જેવા રોગો આવતા ઊભો પાક સુકાવા લાગ્યો છે.વારંવાર દવાઓના છંટકાવ છતાં કોઈ ઉકેલ ન મળતાં આખરે જગતનો તાત કાળજા પર પથ્થર મૂકીને ખેતરમાં વાવેલો પાક રાપ ફેરવીને કે સળગાવી દેવા મજબૂર બન્યો છે. ​વરસાદ ખૂબ મોડો પડવાને કારણે કૂવાઓ કે બોરમાં પૂરતા પાણી રહ્યા નથી. દિવાળીના સમયે જે પાકની ઉપજ થવાની આશા હતી, તે સાતમ-આઠમના તહેવારો સમયે જ સાવ નિષ્ફળ ગઈ છે. પરિણામે, ખેડૂતોને વીઘાદીઠ હજારો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને શિયાળુ પાકનું વાવેતર કરવું પણ હવે મુશ્કેલ બન્યું છે. સૌથી મોટી વ્યથા એ છે કે ખેતીનો મોલ સાવ ફેલ થઈ ગયો હોવા છતાં, સરકારી સ્તરેથી કે જવાબદાર તંત્ર તરફથી ખેતરોના નિરીક્ષણ માટે કોઈ ફરક્યું નથી. વંથલી પંથકના ખેડૂતો હાલ આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી આ વિકટ સ્થિતિમાં યોગ્ય વળતર તથા સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ​લુશાળા ગામના ખેડૂત પીડી ડાંગરે જણાવ્યું હતું કે વંથલી તાલુકાના લુસાડા ગામ પંથકમાં હિરીયા નામના રોગના આક્રમણને કારણે અનેક ખેડૂતોને મગફળીનો ઊભો પાક ઉપાડી લઈને અન્ય વાવેતર કરવાની નોબત આવી છે. ખેડૂતોને જે વીઘાદીઠ 30,000 રૂપિયાનું ઉત્પાદન મળવાની અપેક્ષા હતી, તેની સામે હાલ વીઘે 10,000 રૂપિયા સુધીની નુકસાની સહન કરવી પડી રહી છે. જો સારો વરસાદ થયો હોત, ઉત્તમ બિયારણ વાવ્યું હોત અને યોગ્ય દવાઓનો છંટકાવ કર્યો હોત, તોપણ હિરીયા રોગે મગફળીના પાકને સંપૂર્ણ ફેલ કરી દીધો છે. ખેડૂતોને જે દિવાળીના સમયે મગફળી ઘરમાં આવવાની આશા હતી, તેને બદલે અત્યારે સાતમ-આઠમના સમયે જ નવેસરથી વાવેતર કરવાની ફરજ પડી રહી છે. હવે મગ, તલ, તુવેર અને અડદ જેવા પાકોનું વાવેતર કરવું પડશે કારણ કે મગફળીનો સમય પૂર્ણ થઈ ગયો છે. ખેડૂતોને વીઘાદીઠ 30,000 થી 35.000 રૂપિયાનું નુકસાન થયું છે, જેની સામે 10 થી 15,000 રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો હતો. ચોમાસુ પાક સાવ નિષ્ફળ ગયો છે અને વરસાદ ઓછો હોવાથી કૂવામાં પાણી ન હોવાના કારણે શિયાળુ પાકની આશા પણ ધૂંધળી બની છે. ​લુશાળા ગામના અન્ય ખેડૂત શૈલેષભાઈ ડાંગરે જણાવ્યું હતું કે તેમણે 50 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ ખેંચાતાં અને વાયરસના ઉપદ્રવને કારણે પાક સંપૂર્ણપણે બગડી ગયો છે. સમગ્ર આજુબાજુના ગામોમાં મગફળી પીળી પડીને સુકાવા લાગી છે. વીઘાદીઠ 2500 થી 2700 રૂપિયાનું તો માત્ર બિયારણ ખરીદ્યું હતું. એગ્રોવાળાની સલાહ મુજબ અનેક પ્રકારની મોંઘી દવાઓ છાંટવા છતાં કોઈ જ ફાયદો થયો નથી. આખરે કંટાળીને ખેડૂતો ખેતરમાં રાપ ફેરવી રહ્યા છે અને નવા સાહ નાખી રહ્યા છે. થોડું બિયારણ ડુપ્લિકેટ હોવા સાથે વરસાદનો ખેંચાવ અને ખરાબ વાતાવરણ મુખ્ય કારણ બન્યા છે, જેનાથી આખા પંથકના ખેડૂતો નુકસાનીમાં ધકેલાયા છે. ​ ખેડૂત હાદાભાઈ જાટીયાએ જણાવ્યું હતું કે ગામમાં 30 ટકા જેટલી મગફળી સાવ ફેલ થઈ ગઈ છે અને ઢોરના ચારા કે અન્ય ઉપયોગ માટે પણ કશું મળે તેમ નથી. હવે જો વરસાદ પડે તો પણ ઉત્પાદન માટે ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગે તેમ છે, જ્યારે પાણીની કોઈ વ્યવસ્થા નથી. ખેડૂતોને વીઘાદીઠ 15 થી 20,000 રૂપિયાનું સીધું નુકસાન પહોંચ્યું છે. મામલતદાર, ટીડીઓ, ગામસેવક, કલેક્ટર કે પ્રાંત અધિકારી જેવા કોઈ પણ જવાબદાર અધિકારીઓ ખેતરોનું નિરીક્ષણ કરવા આવ્યા નથી. કોરોના સમયે વિદેશથી પણ ટીમો આવી પહોંચી હતી, પરંતુ ખેડૂતોના મોલ નાશ પામ્યા હોવા છતાં કોઈ સરકારી પ્રતિનિધિ ડોકાયો નથી. વરસાદ ન હોવાથી ઉત્પાદનની કોઈ આશા રહી નથી ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે યોગ્ય વળતર ચૂકવવું જોઈએ અથવા ખેડૂતોને સ્પષ્ટ કહી દેવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    વડનગરમાં ઈનોવામાં ₹3.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:ડ્રાઈવર ફરાર, વનરાજસિંહ નામનો આરોપી ઝડપાયો; રાજસ્થાનથી દારૂ લાવીને ડિલિવરી સુંઢીયામાં કરવાની હતી
    Next Article
    છોટાઉદેપુરમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે તિરંગા યાત્રા યોજાઈ:જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment