Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકબીજાને ગમતાં રહીએ:કિશોર કુમારઃ ગંભીર અવાજવાળો રમૂજી માણસ

    2 days ago

    દાદામુની, અશોક કુમારના સૌથી નાના ભાઈ. જેમનું મૂળ નામ અભયકુમાર ગાંગુલી હતું. એ તો સફળ અભિનેતા ભાઈને મળવા મુંબઈ આવ્યા હતા. મોટાભાઈને અભિનય કરતા જોઈને એમને પણ ફિલ્મી દુનિયામાં રસ પડવા લાગ્યો. બાળપણથી જ ટીખળી અને તોફાની સ્વભાવે અભયને ‘ધંધે લગાડવા’ માટે મોટાભાઈએ સંગીતના શિક્ષક રાખ્યા... કે.એલ. સાયગલની કોપી કરતા અભયને એક દિવસ એસ.ડી. બર્મને કહ્યું, ‘કોઈની કોપી કરવાથી સફળતા નહીં મળે, તારો પોતાનો અવાજ શોધ!’ એ પછી આપણે જેને આદરપૂર્વક યાદ કરીએ છીએ એવા, કિશોર કુમાર આપણને મળ્યા! અભિનેતા, દિગ્દર્શક, લેખક, ગીતકાર, કમ્પોઝર, પ્લેબેક સિંગર અને પ્રોડ્યુસર તરીકે એમણે હિન્દી સિનેમાને યાદગાર ફિલ્મો અને ગીતો આપ્યાં! બહુ ઓછા લોકો જાણે છે કે, ‘આ ચલ કે તુજે મેં લે કે ચલુ એક ઐસે ગગન કે તલે...’ ના ગીતકાર કિશોર કુમાર છે! એ આજે હોત તો 97 વર્ષના હોત! એમના કેટલાક રસપ્રદ કિસ્સા, એમની યાદમાં... કિશોરદાને એક નિર્માતાએ અડધા પૈસા આપ્યા, પછી ગલ્લાં તલ્લાં કરતા હતા. બીજા દિવસે તેઓ શૂટિંગ પર આવ્યા ત્યારે ચહેરાની એક બાજુ મૂંછ અને મેકઅપ હતો, બીજી બાજુ ખાલી! નિર્માતાએ પૂછ્યું, ‘આ શું?’ કિશોરદાએ જવાબ આપ્યો, ‘અડધા પૈસા મળ્યા છે, એટલે અડધો લુક.’ પૈસા મળ્યા પછી જ બાકીનો મેકઅપ કર્યો! એમના ઘરના દરવાજા પર બોર્ડ લાગેલું હતું, ‘બીવેર ઓફ કિશોર’. એક પ્રોડ્યુસર જેમણે કિશોરદાને સંઘર્ષના દિવસોમાં સતાવ્યા હતા એ સફળ ગાયક પાસે ગીત ગવડાવવાની વિનંતી લઈને આવ્યા. કિશોરદાએ એમનો હાથ પકડીને હળવેથી કરડી લીધો અને પછી બોર્ડ તરફ આંગળી ચીંધી. જાણે કહેતા હોય: ‘ચેતવણી તો આપી હતી!’ એક નિર્માતાએ એમના પાંચ હજાર રૂપિયા આપ્યા નહોતા. શૂટિંગ દરમિયાન કિશોરદાને સીધા ચાલવાનું હતું. પરંતુ તેઓ દરેક બે પગલાં પછી ‘પાંચ હજાર રૂપિયા!’ કહીને એક ગુલાંટિયું લગાવતા. સૌને ભરપેટ હસાવ્યા પછી, એ સેટ છોડીને નીકળી ગયા. એક દૃશ્યમાં કિશોરદાને કાર ચલાવવાની હતી. ડિરેક્ટર ‘કટ’ કહેવાનું ભૂલી ગયા. કિશોરદા કાર ચલાવતા જ રહ્યા અને ઘણું દૂર નીકળી ગયા. લગભગ લોનાવાલા પહોંચીને ફોન કર્યો, ‘તમે કટ નહોતું કહ્યું, હું કેવી રીતે ઊભો રહું?’ લોકો એમને પૈસા માટે કડક માનતા, પણ બીજી બાજુ દિલ બહુ મોટું હતું. એક વખત એમને ખબર પડી કે એક ડ્યુએટ ગીત માટે એમને કરતાં વધુ પૈસા મળ્યા છે. તેમણે નિર્માતાને ફોન કરીને કહ્યું કે રફી સા’બને પણ એ જ રકમ આપો. ગાયક શાનએ એક સુંદર કિસ્સો કહ્યો હતો. તેમના પિતા, સંગીતકાર માનસ મુખર્જી માટે કિશોરદાએ બે ભોજપુરી ગીતો ગાયાં. તે સમયે તેઓ એક ગીત માટે લગભગ ₹50,000 લેતા હતા, પરંતુ મિત્રતા અને લાગણીના કારણે માત્ર ₹3,000માં ગીતો ગાઈ આપ્યાં. ગીતકાર સમીરના જણાવ્યા પ્રમાણે, તેમના પિતા અનજાન જ્યારે પ્રોડ્યુસર બન્યા ત્યારે એમના માટે દસ જેટલા ગીતો એક પણ પૈસો લીધા વગર ગાયાં હતાં. એ કહેતા, કાં તો પૈસા માટે કામ કરું અને કાં તો મિત્રતા માટે! સમીરે એક બીજો કિસ્સો પણ કહ્યો હતો, જ્યારે તેમના પરિવાર પાસે કાર ખરીદવાની સગવડ નહોતી, ત્યારે કિશોરદા ઘણી વખત તેમના પિતાને (અનજાન) પોતાની કારમાં ઘરે મૂકી જતા. રસ્તામાં પાણી પુરી ખાવા રોકાતા અને કહેતા હું કંઈ તમને મુકવા નથી આવતો. પાણી પુરી અહીં સારી મળે છે, માટે આવું છું. 1950 અને 60ના દાયકામાં કિશોરકુમાર અભિનેતા, ગાયક, નિર્માતા—ત્રણેય રૂપે ખૂબ કમાણી કરવા લાગ્યા. પરંતુ તેમને ટેક્સના નિયમો સમજાતા નહોતા અને ઘણી વાર હિસાબ-કિતાબમાં ગડબડ થતી. ધીમે ધીમે ટેક્સ, દંડ અને વ્યાજ વધતા ગયા. પછી ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસો અને દરોડાઓનો સામનો કરવો પડ્યો. એક સમય એવો પણ આવ્યો કે કિશોરદાએ વિચાર્યું કે જો તેમની પોતાની ફિલ્મો ફ્લોપ જશે તો નુકસાન બતાવીને ટેક્સનો બોજ ઓછો થશે. કહેવાય છે કે ‘ચલતી કા નામ ગાડી’ જેવી ફિલ્મથી તેમને ખાસ નફાની અપેક્ષા નહોતી. પરંતુ ફિલ્મ સુપરહિટ થઈ ગઈ! ટેક્સની સમસ્યા ઓછી થવાને બદલે વધી ગઈ. 1975-76ની ઇમરજન્સી દરમિયાન સરકારી કાર્યક્રમમાં ગાવાનો દબાણ આવ્યો ત્યારે તેમણે ના પાડી. પરિણામે તેમના ગીતો પર રેડિયો અને દૂરદર્શન પર પ્રતિબંધ મૂકાયો. છતાં તેઓ ઝૂક્યા નહીં. આ પૈસાની નહીં, પણ સ્વાભિમાન અને સિદ્ધાંતની ઉદારતા હતી. પોતાના નુકસાનની ચિંતા કર્યા વગર પોતાના મત પર અડગ રહેવાની. બહારથી રમૂજી, વિચિત્ર ક્યારેક ‘પાગલ’ લાગતા હતા, પરંતુ અંદરથી અત્યંત સંવેદનશીલ માણસ હતા. ‘લોકો મને પાગલ સમજે છે, પણ હું મારી રીતે જીવું છું. લોકોની પરવાહ કર્યા વગર!’ કિશોરકુમારનું આખું જીવન જાણે એક જ સંદેશ આપતું હતું — પ્રતિભા હોય તો પ્રસિદ્ધિ મળે, પરંતુ જીવનને ગંભીરતાથી લેવાની જરૂર નથી. નાની વાતમાં આનંદ લેવો એ જ જીવન છે.
    Click here to Read More
    Previous Article
    મીઠી મૂંઝવણ:મને માતૃત્વ ધારણ કરવાની તીવ્ર ઇચ્છા છે, પણ પતિ એ માટે માનતા જ નથી
    Next Article
    સજાવટ:ઇકો-ફ્રેન્ડલી કિચન: આવતીકાલની જરૂરિયાત

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment