Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૂડ માઈન્ડ:બધાની ભૂલોનું ભારણ… એક માના ખભા પર...!

    2 days ago

    ડૉ. સ્પંદન ઠાકર સાંજના સાત વાગ્યા હતા. રસોડામાં વઘારની સુગંધ ફેલાઈ રહી હતી, પણ અનિકાના મનમાં જાણે કોઈ અજાણી ચિંતા ઘૂંટાઈ રહી હતી.દીકરો બારમા ધોરણમાં અપેક્ષા કરતાં ઓછા ગુણ લાવ્યો હતો. પતિએ ચાની ચુસ્કી લેતાં સહેજ કહ્યું હતું, ‘આ વખતે તમે થોડું વધારે ધ્યાન રાખ્યું હોત તો સારું થાત.’ વાક્ય સામાન્ય હતું… કદાચ બોલનાર માટે તો ક્ષણિક પણ હતું. પરંતુ અનિકાના મનમાં એ વાક્ય જાણે હથોડાની જેમ વાગતું રહ્યું. ‘મારી ભૂલ હશે,કદાચ મેં એને પૂરતો સમય આપ્યો નહીં, કદાચ હું સારી મા જ નથી…’ થોડી વારમાં તેણે દીકરાની માર્કશીટ ગોઠવીને મૂકી દીધી. પરંતુ મનમાં ઊભી થયેલી પોતાની નિષ્ફળતાની ફાઈલ બંધ ન થઈ. થોડા મહિનાઓ પહેલાં દીકરીનો સંબંધ તૂટી ગયો હતો. ત્યારે પણ અનિકાએ કોઈને દોષ આપ્યો નહોતો. તેણે શાંતિથી પોતાના મનને જ સજા કરી હતી. મારા સંસ્કાર પૂરતા સારા નહીં હોય, હું દીકરીને જીવન સમજાવી શકી નહીં.આ વિચારો હજુ મનમાંથી ગયા ન હતા અને દીકરાનું રિઝલ્ટ નવું ગિલ્ટ આપી ગયા. આશ્ચર્ય એ હતું કે આ જ અનિકા વર્ષોથી પરિવાર માટે સૌથી પહેલાં જાગતી અને સૌથી છેલ્લે સૂતી હતી. બાળકો બીમાર પડતાં ત્યારે આખી રાત માથા પર હાથ ફેરવનારી પણ એ જ હતી. પરીક્ષાના દિવસોમાં પોતાના આરામનો ત્યાગ કરીને તેમની બાજુમાં બેસનારી પણ એ જ હતી. પરિવાર પર કોઈ મુશ્કેલી આવે ત્યારે દીવાલ બનીને ઊભી રહેનારી પણ એ જ હતી. પણ ઘરમાં કંઈ સારું થાય, તો સફળતાનો શ્રેય બધાને મળતો. અને કંઈ ખરાબ થાય…તો અનિકાના મનમાં એક જ નામ ઊભું થતું ‘હું.’ આ માત્ર અનિકાની વાર્તા નથી. ઘણી મહિલાઓ વર્ષોથી પરિવારની દરેક ઘટના સાથે પોતાની માતૃત્વની કસોટી જોડતી રહે છે. સંતાન ઓછા ગુણ લાવે તો ‘હું પૂરતી ધ્યાન રાખનારી મા નહોતી.’ સંતાન ખોટો નિર્ણય લે તો ‘મારા ઉછેરમાં ખામી હતી.’ સંતાન દુઃખી હોય તો ‘હું એને ખુશ રાખી શકી નહીં.’ માનસશાસ્ત્રમાં આને ઘણી વખત ‘અતિશય સેલ્ફ ગિલ્ટ’ કહી શકાય. લાંબા સમયનો તણાવ, સતત જવાબદારીઓ, હોર્મોનલ ફેરફારો, ચિંતા કે ડિપ્રેશન મનના વિચારવાની રીતને અસર કરી શકે છે. ત્યારે મગજ જીવનનું સંતુલિત ચિત્ર જોવાને બદલે માત્ર ખામીઓ શોધવા લાગે છે. દસ સારી બાબતો થઈ હોય, તો પણ મન એક ખરાબ ઘટનાને પકડીને કહે, ‘જુઓ… આ બધું મારી ભૂલથી થયું છે.’ પરંતુ સત્ય એટલું સરળ નથી. દરેક ઘટનાની જવાબદારી પોતાના ખભા પર ઉપાડવી પ્રેમ નથી… ઘણી વખત એ વર્ષોથી થાકેલા મનની મૌન પીડા હોય છે. અને થાકેલા મનને દોષારોપણ નહીં…થોડો આરામ જોઈએ.થોડી સમજ જોઈએ.થોડી સારવાર જોઈએ.અને સૌથી વધુ પોતાની જ હૂંફ જોઈએ. મૂડ મંત્ર: પોતાને સતત દોષ આપવો એ જવાબદારી નથી.ક્યારેક એ વર્ષોથી થાકેલા મનની મૌન પીડા હોય છે.
    Click here to Read More
    Previous Article
    પાંચમો વેદ:કોઈ પણ જાતનું મરચું કે તીખું ખાવાનું સદતું નથી, તીખાશ માટે રસોઈમાં શું વાપરવું?
    Next Article
    મીઠી મૂંઝવણ:મને માતૃત્વ ધારણ કરવાની તીવ્ર ઇચ્છા છે, પણ પતિ એ માટે માનતા જ નથી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment