Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માય સ્પેસ:પેપર લીક નથી થયું; સિસ્ટમ ગળવા લાગી છે

    एक दिन पहले

    દિલ્હીનું જંતર મંતર ફરી એક વાર યુવાનોના આક્રોશનું કેન્દ્ર બન્યું. આક્રોશનું કારણ માત્ર 2026ની નીટ પરીક્ષા નથી જ. આપણા દેશમાં વારંવાર પેપર લીક અને પરીક્ષાના કૌભાંડો ભારતનું ભવિષ્ય નષ્ટ કરતા રહ્યા છે. 2015માં ઓલ ઈન્ડિયા પ્રી-મેડિકલ ટેસ્ટ સુપ્રીમ કોર્ટના આદેશથી રદ થઈ હતી અને લગભગ 6.3 લાખ ઉમેદવારોએ પરીક્ષા ફરી આપવી પડી. એવી જ રીતે 2017માં બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષા રદ કરાઈ અને અધિકારીઓની ધરપકડ થઈ. 2018માં ધોરણ 10 અને 12ના પેપર લીક થયા. એ જ સમયે એસએસસી સીજીએલની ભરતી પરીક્ષાના પેપર લીક થયા. 2021માં રાજસ્થાન શિક્ષક ભરતીના પેપર, 2022માં બિહાર અને રાજસ્થાનમાં ભરતી પરીક્ષાઓના પેપર લીક થયા. 2024માં ઉત્તર પ્રદેશ પોલીસ ભરતીમાં 48 લાખ ઉમેદવારોએ આપેલી પરીક્ષા રદ થઈ. 2024માં યુજીસી-નેટ અને 2024માં નીટ-યુજીની પરીક્ષાઓ પેપર લીક તથા અંદરના અધિકારીઓએ કરેલી ગેરરીતિઓને કારણે રદ ગણવામાં આવી. 2026માં 22 લાખથી વધારે ઉમેદવારોએ આપેલી પરીક્ષા રદ કરવી પડી. વિરોધ પક્ષના નેતાએ દાવો કર્યો કે, 10 વર્ષમાં 152 પેપર લીકની ઘટનાઓએ 7.5 કરોડ વિદ્યાર્થીઓને અસર કરી છે. આ દાવો સાચો હોય કે ન હોય, પરંતુ ઉપર જણાવેલા કિસ્સા તો સાચા જ છે. દરેક પેપર લીક થયા પછી સરકાર કડક કાયદા, તપાસ સમિતિઓ, સુરક્ષા વ્યવસ્થાની જાહેરાતો કરે છે, પરંતુ થોડાં વર્ષો પછી ને હવે તો બીજા જ વર્ષે ફરી વખત દેશની મહત્વની પરીક્ષાના પેપર લીક થાય છે. 12થી વધુ વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સા નોંધાયા છે ત્યારે યુવાનોનો આક્રોશ ભભૂકે એ સમજાય તેવું છે. આવા કિસ્સાઓમાં જેણે પેપર લીક કરવાનું છે એ તો પોતાનું કામ કરીને ચાલી જાય છે, પરંતુ સૌથી મોટી સજા કોને મળે છે? લાખો મહેનતુ વિદ્યાર્થીઓને, જેમણે લગભગ એક વર્ષનો સમય આપ્યો છે. પરિવારની અપેક્ષાઓ, આર્થિક બોજ અને માનસિક તણાવ વચ્ચે જ્યારે આવા વિદ્યાર્થીઓના ધૈર્યની કસોટી થાય ત્યારે આંદોલન જન્મ લે છે. મહાગુજરાત આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓએ ગુજરાતના સ્વાભિમાન માટે લડત આપી. 1981 અને 1985ના અનામત આંદોલનોમાં યુવાશક્તિએ સરકાર ઉથલાવી. નવનિર્માણ આંદોલન હોય કે દેશના અન્ય વિદ્યાર્થી આંદોલનો—દેશના ભવિષ્યને દાવ પર લગાડનારાઓએ ચેતી જવાનો સમય થઈ ગયો છે, કદાચ! અત્યાર સુધી બદલાતી રહેલી યુવા પેઢી કદાચ સહનશીલ હતી. આઝાદીના સમયમાં ગાંધીજીએ વાવેલાં અહિંસા અને સત્યાગ્રહના બીજ કદાચ હજી સુધી ટકી રહ્યા હતા, એટલે એ પેઢીઓએ ગેરરીતિઓનો વિરોધ કર્યો, પરંતુ એમનો આક્રોશ સંયમમાં રહી શક્યો. છેલ્લા થોડા સમયથી ભારતની જે પરિસ્થિતિ છે એમાં હવે યુવા પેઢી ચૂપ નહીં રહે એ વાત સરકારે સમજી લેવી પડશે. હવે કોઈ એક ઘટનાની પ્રતિક્રિયા સ્વરૂપે આંદોલન થતું નથી, પરંતુ આઝાદીના આઠ દાયકા પછી દેશનો યુવાન બેરોજગાર છે, એનું ભવિષ્ય અનિશ્ચિત છે—એ વાતે યુવા પેઢી અત્યંત અસંતુષ્ટ છે. અસંતોષની અભિવ્યક્તિ પણ બદલાઈ છે, કારણ કે સોશિયલ મીડિયા, સિનેમા, ઓટીટી પ્લેટફોર્મ્સે વિરોધની એક નવી રીત આપી છે. હિંસાનું કારણ ફક્ત અહીંથી જ આવે છે એવું કહેવાનો આશય નથી, પરંતુ કાયદાની શિથિલતા, નબળું પડી રહેલું ન્યાયતંત્ર અને સતત વધી રહેલા ભ્રષ્ટાચાર વચ્ચે ભારતીય યુવાનને દેશ છોડીને બહાર ચાલી જવામાં વધુ તક અને બહેતર જીવન લાગ્યું. કેટલાય ભારતીય બુદ્ધિશાળી, શિક્ષિત યુવાનો દેશ છોડી ગયા, પરંતુ હવે વિશ્વના વિકસિત દેશોમાં જે પરિસ્થિતિ છે એ આપણે સૌ જાણીએ છીએ. યુદ્ધનો માહોલ અને ત્યાં પણ બદલાઈ રહેલા રાજકીય સમીકરણોને કારણે બુદ્ધિશાળી, ભણેલા અને મહેનતુ લોકોને દેશની બહાર પણ પોતાનું ભવિષ્ય સુરક્ષિત લાગતું નથી. ગામડાનો યુવાન પણ હવે સ્માર્ટફોનના કારણે વિશ્વના રાજકારણ સાથે જોડાયો છે, વેલઈન્ફોર્મ્ડ છે, માટે એને આજની સિસ્ટમમાં ભરોસો નથી રહ્યો. જે દિવસે રાષ્ટ્રનું ભવિષ્ય એના અધિકારીઓ, નેતાઓ અને સિસ્ટમ પરથી વિશ્વાસ ખોઈ બેસે, એ દિવસે સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ જોખમમાં મુકાય છે. એથી વધુ દુઃખની વાત એ છે કે, વિદ્યાર્થીઓના વિરોધને સાંભળવાનો આજના નેતાગણ પાસે સમય નથી! બે-ચાર ભ્રષ્ટાચારી અધિકારીઓની બદલી કે સસ્પેન્શનથી વધારે કોઈ બદલાવ 2015થી 2026 સુધીમાં જોવા મળ્યો નથી. શિક્ષણ સંસ્થાઓ મોંઘી થતી જાય છે, સરકારી શિક્ષણની સ્થિતિ કથળતી જાય છે. શિક્ષકોની ઊણપ, પ્રોફેસરોના બદલાયેલા કોન્ટ્રાક્ટને કારણે હવે પ્રતિબદ્ધ અને નિષ્ઠાવાન શિક્ષકો પણ ખૂંટવા લાગ્યા છે. હરણનો શિકાર કરનાર સલમાન ખાન કે ચિત્ર-વિચિત્ર કપડાં પહેરનાર રણવીર સિંહ આજની પેઢી માટે હીરો છે? જે પેઢી પાસે મેન્ટોર નથી, હીરો નથી, એ પેઢી પોતાનું ભવિષ્ય હવે પોતાના હાથમાં લેવા માગે છે—જેમાં કંઈ ખોટું પણ નથી! જંતર મંતર પર થયેલા આંદોલનમાં લાઠીચાર્જ કરવાથી યુવાનો વધુ ભડક્યા. આ તો ભારતના પ્રત્યેક યુવાને જાતે જ લડવી પડે એવી અંગત, પોતીકી અને એમના સંતાનો માટેના સુરક્ષિત ભવિષ્ય માટેની લડાઈ બની ગઈ. બળાત્કાર, છેતરપિંડી, સાઇબર ક્રાઈમ અને ખૂન-લૂંટફાટના સમાચારોથી ભરેલું મીડિયા વધુને વધુ સેન્સેશન ક્રિએટ કરવા માટે, ટીઆરપી વધારવા માટે હકારાત્મકતાને અવગણે છે. દિવસે દિવસે અસુરક્ષિત બનતો જતો આ દેશ જાગૃત, સમજદાર અને નિષ્ઠાપૂર્ણ નાગરિકો માટે પ્રશ્નાર્થ ચિહ્ન બની ગયો છે. જેની પાસે વિપુલ તકો છે એમને વધુ ને વધુ સગવડ, તક અને ઉજ્જવળ ભવિષ્ય મળે, જ્યારે ખરેખર જેમને જરૂર છે, જે મહેનત કરીને આગળ આવવા માગે છે એવા વર્ગ પાસેથી તકો છીનવાતી જાય-ત્યારે એને ‘અચ્છે દિન’ કહેવાય? જંતર મંતર પર એકઠા થયેલા લાખો યુવાનો કદાચ એક ચેતવણી આપી ચૂક્યા છે... જો હજી પણ સરકાર ‘વિકાસ’ની વાતો કરશે, વિદેશ પ્રવાસ અને ટૂરિઝમને વિકસાવવામાં વ્યસ્ત રહેશે, મોંઘવારી પ્રત્યે બેદરકાર અને ન્યાયતંત્ર પ્રત્યે બધીર રહેશે, તો દેશના હોશિયાર, મહેનતુ અને પ્રામાણિક યુવાનો પોતાના પરિશ્રમ પર નહીં, પણ સિસ્ટમના નસીબ પર અને ભ્રષ્ટાચારના ભવિષ્ય પર આધારિત થવા લાગશે.
    Click here to Read More
    Previous Article
    માનસ દર્શન:યુદ્ધને નહીં, બુદ્ધને આદર્શ બનાવો
    Next Article
    એન્કાઉન્ટર:સમાચાર છે કે, પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધી... ને ભારતમાં ઘટી!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment