Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનસ દર્શન:યુદ્ધને નહીં, બુદ્ધને આદર્શ બનાવો

    1 day ago

    એક ભાઈએ લખી જણાવ્યું છે કે ‘બાપુ, હું ચૌદ વર્ષથી કથાનું શ્રવણ કરી રહ્યો છું. હું બાવીસ વર્ષનો યુવાન છું. મારા મનમાં બે પ્રશ્નો છે. આપ સત્ય-પ્રેમ-કરુણામાં માનો છો; યુદ્ધને નથી માનતા. પરંતુ સત્ય-પ્રેમ-કરુણા ઉત્પન્ન થવા માટે પણ યુદ્ધ જરૂરી છે.’ કોણે કહ્યું? એમની મારી સાથે મુલાકાત કરાવો. સત્ય-પ્રેમ અને કરુણા માટે યુદ્ધ જરૂરી છે, એવું કોણે કહ્યું? હા, તમે દૃષ્ટાંતો આપ્યાં છે. ચાહે એ ‘મહાભારત’ હોય; ચાહે એ પૌરુષ-સિકંદરનું હોય કે ચંદ્રગુપ્તનું હોય; ઈતિહાસ તો યુદ્ધોથી ભર્યો છે. સમાજમાં શાંતિ લાવવા માટે કોઈએ હાથમાં હથિયાર પણ ઉઠાવવાં પડશે, આવો પ્રશ્ન તમે પૂછ્યો છે. હું સ્વીકારું છું કે જગતનો ઈતિહાસ યુદ્ધોથી ભર્યો છે. મોટા ભાગે જગતના ‘વસુધૈવ કુટુમ્બકમ્’ કહેનારા ધર્મને જરા એક બાજુ મૂકીને બાકીના ધર્મોએ પણ ખૂબ યુદ્ધ કરાવ્યાં છે! રાજનીતિએ પણ બહુ યુદ્ધ કરાવ્યાં! એ બધું થયું પરંતુ શું યુદ્ધ એ સંસારનો આદર્શ બનવો જોઈએ? યુદ્ધ ક્યારેય સંસારનો આદર્શ નહીં બનવો જોઈએ. સંસારનો આદર્શ બનવા જોઈએ બુદ્ધ. યુદ્ધને બદલે બુદ્ધ તરફ જવું પડશે. બુદ્ધની અધખૂલી આંખો સામે મોટા મોટા સમ્રાટોનાં હથિયાર છૂટી ગયાં હતાં. હું સમજું છું કે દુરિતની સામે સંઘર્ષ થતો રહે છે. પરંતુ યુદ્ધને આદર્શ ન બનાવો, પ્લીઝ. નિયતિના રૂપમાં ક્યારેક સંઘર્ષ થાય છે તો એ નિયતિનો નિર્ણય છે. પરંતુ હું રિક્વેસ્ટ કરીશ કે યુદ્ધને આદર્શ ન બનાવો. યુદ્ધને નહીં, બુદ્ધને આદર્શ બનાવો. યુદ્ધ અંતિમ માઈલસ્ટોન નથી. ક્યારેક ને ક્યારેક ઉપચાર બદલવો પડશે. પ્રત્યેક દેશ પાંચ વર્ષ તો યુદ્ધ ન કરવાનાં વ્રત લે! દુનિયાનાં બધાં રાજ્યો કેવળ પાંચ વર્ષ એક નવી દવા તો અજમાવે! જેવી રીતે પંચવર્ષીય યોજનાઓ બને છે. પાંચ વર્ષ નિઃશસ્ત્રીકરણ થાય દુનિયામાં. જ્યારે રાવણરૂપી દુરિતનું નિર્વાણ કરીને રામરાજ્યનું નિર્માણ કરવા માટે પુષ્પારૂઢ રામ અયોધ્યા આવ્યા, વિમાનમાંથી ઊતર્યા ત્યારે ગુરુવર વશિષ્ઠજીને જોતાં જ ભગવાન દોડીને એમનાં ચરણોમાં દંડવત્‌‍ કરે છે; એ વખતે તુલસીએ લખ્યું છે કે રામજીએ પોતાના હાથમાંથી શસ્ત્રો છોડી દીધાં છે કે હે ગુરુદેવ, જ્યાં સુધી શસ્ત્રની જરૂર પડી ત્યાં સુધી મેં એ ઉઠાવ્યાં, પરંતુ હવે શસ્ત્રની જરૂર નથી; હવે શાસ્ત્રવેત્તાનાં ચરણ પકડવાની જરૂર છે. એટલા માટે મેં હથિયાર હટાવ્યાં છે. મારા રામે અહલ્યાનો સ્વીકાર કર્યો. મારા રામે ગુહનો સ્વીકાર કર્યો. મારા રામે વાનર-રીંછને સ્વીકાર્યાં. મારા રામે રાક્ષસોને સ્વીકાર્યા. મારા રામે પત્થરોનો સ્વીકાર કર્યો. મારા રામે શબરીઓનો સત્કાર કર્યો. તો ગુરુકૃપાથી મારે પણ સ્વાભાવિક રીતે જ એ કરવું જોઈએ. બીમાર લોકો જ મારી પાસે આવે. આવો, સૌનો સ્વીકાર છે અહીં. કતીલ શિફાઈનો શે’ર સાંભળો – નિકલ કર દૈર-ઓ-કાબા સે અગર મિલતા ન બુત-ખાના તો ઠુકરાયે હુએ ઇન્સાં ખુદા જાને કહાં જાતે! ન મંદિરે સ્વીકાર કર્યો, ન મસ્જિદે સ્વીકાર કર્યો, ન ગુરુદ્વારાએ સ્વીકાર કર્યો, ન ગિરજાઘરોએ સ્વીકાર કર્યો! તમે અછૂત છો, આવા છો, ભાગો-ભાગો! તો જેને કાઢી મૂકવામાં આવ્યાં છે કે તમે ન આવો, ન આવો, એવાં લોકો ખુદા જાણે, ક્યાં જાય? અને જેને કાઢી મૂકવામાં આવે છે એ જ ઈન્સાન હોય છે; કાઢી મૂકનારા શયતાન હોય છે! જેને તમે ઠુકરાવો છો એ ઈન્સાન છે; ધક્કો દેનારા શયતાન છે. યાદ રાખજો, જેને તમે ધક્કો મારો છો એ જ ઈન્સાન છે. ધક્કો દેનારા નિપટ હેવાન છે. અહલ્યાનો રામે સ્વીકાર ન કર્યો હોત તો અહલ્યા ક્યાં જાત? રામે એક કેવટ, એક નિષાદ, એક ગુહ, એક પતિત, એક ઉપક્ષિતનો સ્વીકાર કર્યો. મારી રામકથા શા માટે સૌનો આદર કરે છે? હું કોઈ ધર્મોનું નામ લેવા નથી માગતો. પરંતુ આ મારું પવિત્ર મયખાનું છે, એમાં સૌનો સમાદર છે. કથામાં હિન્દુઓ પણ આવે છે, મુસ્લિમ પણ આવે છે. સૌનો સ્વીકાર કરો! આખરે સૌ માણસ છે. હવે આવી વાતોથી ઘણાંને તકલીફ થશે, હું જાણું છું. તો હું કરું પણ શું? પરંતુ આપ સૌની દુવા છે; ગુરુકૃપા છે એટલે જે વિરોધ કરે એની સામે જોઉં છું તો એ આશીર્વાદ આપે છે. અંદરથી તો બધાં સમજે છે કે આ માણસ યોગ્ય કરી રહ્યો છે. પરંતુ જે કેટલીક પિટી-પિટાઈ વાતો છે, એ જરા મુશ્કેલીમાં મૂકે છે. ભગવતકથામાં સૌનો સમાદર છે. સત્ય ઠુકરાવી નથી શકાતું. સૌનો સ્વીકાર કરો. }(સંકલનઃ નીતિન વડગામા) /nitin.vadgama@yahoo.com
    Click here to Read More
    Previous Article
    ડૂબકી:હું માનવી માનવ થાઉં તો ઘણું
    Next Article
    માય સ્પેસ:પેપર લીક નથી થયું; સિસ્ટમ ગળવા લાગી છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment