Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૂબકી:હું માનવી માનવ થાઉં તો ઘણું

    1 day ago

    દેશ અને દુનિયામાં અનેક સારી-માઠી ઘટનાઓ સતત બનતી રહે છે. સાથેસાથે માનવની માનવ પ્રત્યેની અસંવેદનશીલતાની ઘટનાઓ પણ બનતી રહે છે. અમેરિકા, રશિયા, ઇઝરાયેલ જેવા દેશોએ છેડેલાં વિનાશક યુદ્ધોમાં નિર્દોષ લોકોનાં મૃત્યુ થયાં છે અને આખી દુનિયા પાયમાલ થઈ ગઈ છે. લાખો શરણાર્થીઓએ એમનું વતન છોડી પારકી ભૂમિમાં આશ્રય લેવો પડ્યો છે. અનિશ્ચિત ભાવિની સામે યુવાપેઢીનો આક્રોશ ફાટી નીકળે છે. ધરતીકંપ, યુદ્ધ, પૂર, દુષ્કાળ, આતંકવાદી હુમલા, હત્યા, આપઘાત, બળાત્કાર, આગમાં જીવતાં સળગી જતાં લોકો, વનવિસ્તારનો વિનાશ – એવું કેટલુંય બનતું રહે છે અને એના સમાચાર તરત ઘેર બેઠા મળી જાય છે, પરંતુ પ્રશ્ન એ છે કે તે ઘટનાઓ આપણી સંવેદનશીલતાને ઢંઢોળે છે કે કેમ? માનવોની પીડા પ્રત્યે આપણી તટસ્થ પ્રતિક્રિયાનો વિચાર કરીએ ત્યારે ડર લાગે કે માનવજાત વધારેને વધારે નિંભર તો નથી બની ગઈને? હૃદય દ્રવી જાય એવા બનાવો માત્ર અખબારો કે ટી.વી. ન્યૂઝ ચેનલોની હેડલાઇન્સ બનીને રહી જાય છે અને થોડા જ સમયમાં ભુલાઈ જાય છે. આજે પ્રપંચો અને કૌભાંડોના ભોગ બનતા લોકો માત્ર આંકડા બની ગયા છે. એની પાછળ છુપાયેલા લોકોના ચહેરાઓની અણકહી વ્યથા ઘણી વાર આપણા સુધી પહોંચતી નથી. એમની પીડા આપણી સુષુપ્ત સંવેદનશીલતાને જગાડી શકે તો ઘટનાની કરુણતા સુધી પહોંચી શકાય. સંવેદનશીલતા માનવને માનવ સાથે જોડે છે. આપણે બાળકોને નાનપણથી માનસિક રીતે મજબૂત બનવાની શીખ આપીએ છીએ. એ જરૂરી પણ છે. તેમ છતાં મજબૂત હોવાનો અર્થ સંવેદન, અનુકંપા, કરુણાના ભાવોને ચગદી નાખવા જેવો થતો નથી. આપણી આસપાસ અને દૂરદૂરનાં સ્થળોમાં બનતી ઘટનાઓને ઊંડાણથી અનુભવી શકવાથી સમસંવેદન જાગે છે અને દીન-દુ:ખિયાં-પીડિતો માટે કશુંક કરી છૂટવાની ભાવના વિકસે છે. માનવઇતિહાસ માનવોએ માનવો પર આદરેલાં જઘન્ય કૃત્યોથી ખરડાયેલો છે, તો અનેક જાણીતાં-અજાણ્યાં લોકોનાં માનવતાપૂર્ણ કાર્યોથી ઉજ્જવળ પણ છે. કુદરતસર્જિત કે માનવસર્જિત આપત્તિમાં પીડિતોના પડખે ઊભા રહેલા સ્વયંસેવકો અને સેવાભાવી સંસ્થાઓએ સંવેદનશીલતાની મશાલ પ્રજ્વલિત રાખી છે. ગુલામીની પ્રથા અમેરિકાના ઇતિહાસનો કાળો અધ્યાય છે. તે અંધારા સમયમાં પણ કેટલીક વ્યક્તિઓએ સંવેદનશીલ કાર્યો કર્યાં હતાં. 1894માં હેરિયેટ ટબમેન નામની આફ્રિકન ગુલામ મહિલાને જ્યારે ખાતરી થઈ કે એનો માલિક એને બીજા માલિકને વેચી નાખશે અને એણે એના પરિવારથી અલગ થઈ જવું પડશે ત્યારે એણે ગુલામીની જંજીરમાંથી છૂટવાનો નિર્ધાર કર્યો. એ ગુપ્ત માર્ગે નાસતી-ભાગતી મહામુશ્કેલીએ સુરક્ષિત સ્થળે પહોંચી. એ આઝાદ અને સુરક્ષિત જીવન જીવી શકી હોત, પરંતુ એણે જાનના જોખમે લગભગ દસ વર્ષ સુધી એ જ વિકટ માર્ગે આવ-જા કરી પોતાના પરિવારના સભ્યો અને બીજાં સ્ત્રી-પુરુષોને ગુલામીમાંથી છોડાવવાનું ભગીરથ કાર્ય કર્યું. બીજું જાણીતું દૃષ્ટાંત સ્વિટ્ઝરલેન્ડના બિઝનેસમેન હેનરી ડ્યુનાન્ટનું છે. ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં ઇટાલીમાં યુદ્ધ થયું હતું. હેનરી એના વ્યવસાયના કામ માટે ઇટાલી ગયા હતા. ત્યાં એમણે યુદ્ધમાં માર્યા ગયેલા અને હજારો ઇજાગ્રસ્ત સૈનિકોની યાતનાનાં દૃશ્યો જોયાં. એમની સારવારની કોઈ વ્યવસ્થા નહોતી. એ જોઈ હેનરીનું હૃદય દ્રવી ઊઠ્યું. એણે પોતાનું કામ પડતું મૂક્યું. આજુબાજુનાં ગામોનાં લોકોને ભેગાં કર્યાં. દવા અને ભોજન-પાણીની સગવડ કરી. ઘાયલોની સારવાર કરી. મૃતદેહોની આંતિમ વિધિ કરી. આગળ જતાં એનું એ સંવેદનશીલ કાર્ય રેડ ક્રોસ સોસાયટીની સ્થાપનાનું નિમિત્ત બન્યું. સંવેદનશીલતા માત્ર દયાભાવ નથી, દુનિયાને જોવાની રીત છે. સમજાય છે કે આપણા અંત:કરણ પર બીજી વ્યક્તિનો પણ અધિકાર છે. પ્રેમનો વિરોધી ભાવ ઉદાસીનતા નથી. ઉદાસીનતામાં પણ સામેની વ્યક્તિનો સ્વીકાર છે, જ્યારે અસંવેદનશીલ વ્યવહાર બીજી વ્યક્તિઓનું અસ્તિત્વ જ ભૂંસી નાખે છે. સંવેદનશીલતા નૈતિકતાનો પાયો છે, ‘મને લાગે કે વળગે’ – એ પ્રકારના અભિગમથી નૈતિક પતનની શરૂઆત થાય છે. યુદ્ધની આગ ફેલાવતા અવિચારી રાજનેતાઓ, કેટલાંય કૌભાંડો કરી માનવોને મૃત્યુના મુખમાં ધકેલતા લોકો, પ્રજાના પ્રશ્ર્નો અને એમની ઉચિત માગણીઓને અવગણતા સત્તાધીશો અને અધિકારીઓની અસંવેદનશીલતા માજા મૂકે ત્યારે માનવ હોવા પર શંકા થવા લાગે છે. આ પૃથ્વી પર કેવળ માનવોનો અધિકાર નથી. દરેક જીવજંતુ, પ્રાણી-પક્ષી, જંગલ-ઝાડવાં, નદી-સમુદ્ર-પહાડોનો પણ સમાન અધિકાર છે. માનવો એમની સાથે અસંવેદનશીલ વ્યવહાર કરતા રહ્યા છે. વન્ય પશુઓની જગ્યા પચાવી પાડી છે. પર્યાવરણ દૂષિત કરી નાખ્યું છે. માનવજાતનું ભાવિ ટેક્નોલોજીના વિકાસ કે કહેવાતાં બુદ્ધિમાન મશીનો અને આર્થિક વિકાસ પર જ અવલંબિત નથી, માનમાત્રની સંવેદનશીલતા પર પણ નિર્ભર કરે છે. જીવનયાત્રામાં દરેક માણસે બીજા માણસનાં આંસુ લૂછવાનાં હોય; પશુ-પંખી, વૃક્ષો, નદીઓ, સમુદ્રોની મૂંગી ચીસો સાંભળવાની હોય; પ્રકૃતિનાં સંસાધનોની જાળવણી કરવાની હોય. સંવેદનશીલતા દાખવવાથી જ પૂર્ણ માનવ બની શકાય છે. સંવેદનશીલ વ્યવહાર નિર્બળતા નથી. સંવેદનશીલ રહેવા માટે દૄઢ મનોબળ અને હિંમતની જરૂર પડે છે. ઘણી વાર અંગત પરિસ્થિતિ કે બાહ્ય વાતાવરણ માણસને કઠોર બનાવી દે છે, પરંતુ બીજાની પીડા સમજી શકનાર માણસને પોતાની પીડામાંથી બહાર નીકળવાનો માર્ગ મળે છે. માનવીયસંવેદન સભ્ય સમાજનો પાયો છે. સંવેદનશીલતાથી એકબીજાનાં સુખ-દુ:ખ, સપનાં, આકાંક્ષાઓને સમજી શકાય છે, માનવ માનવ વચ્ચે પરસપર સહયોગ અને વિશ્વાસની ભૂમિકા રચાય છે. જે દિવસે એક માનવ બીજા માનવની પીડા અનુભવવાનું બંધ કરશે, પશુ-પંખી અને કપાતાં વૃક્ષોની ચીસો સાંભળવાનું બંધ કરશે તે દિવસથી માનવજાતનું આસ્તિત્વ તો રહેશે પરંતુ માનવતા મરી પરવારશે, વિકાસ નિરર્થક બની જશે અને આ જગત ભાવિ પેઢી માટે રહેવાલાયક રહેશે નહીં. ‘મૃતાત્મા’ અને ‘મૃત;પ્રાય આત્મા’ શબ્દો વચ્ચેનો ભેદ સમજવા જેવો છે. કવિ સુંદરમની કાવ્યપંક્તિ યાદ કરીએ – ‘હું માનવી માનવ થાઉં તો ઘણું.’ એ જ છે સાચા માનવ બનવાની પવિત્ર પ્રાર્થના.
    Click here to Read More
    Previous Article
    મજાતંત્ર:દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ
    Next Article
    માનસ દર્શન:યુદ્ધને નહીં, બુદ્ધને આદર્શ બનાવો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment