Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમયાંતર:દુનિયાના સૌથી જૂના રોડ શેનાં બનેલાં છે?

    2 days ago

    લલિત ખંભાયતા 1994નું વર્ષ. જ્યાં નવામાં નવા અવશેષો પણ હજારો વર્ષ જૂના હોય એવા પુરાતન દેશ ઇજિપ્તમાં અમેરિકાના ઇન્ડિયાના જોન્સ જેવા પુરાતત્ત્વશાસ્ત્રીઓ ખાંખાખોળાં કરી રહ્યા હતા. ખાંખાખોળાંનું સ્થળ ઇજિપ્તનો ફૈયુમ નામનો છીછરો મેદાની વિસ્તાર હતો. પાટનગર કૈરોથી 70 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમે વિચિત્ર બાંધકામના અવશેષો મળ્યા. ઈજિપ્તમાંથી પિરામિડ જેવાં કદાવર બાંધકામો, સ્ફિંક્સ જેવી વિશાળ મૂર્તિઓ, એલેક્ઝાન્ડ્રિયાની દીવાદાંડીના અવશેષો, ભૂગર્ભમાં રહેલા મહેલો.. વગેરે મળ્યાં કરતાં હતાં. પણ 1994માં જે અવશેષો મળ્યા એ એવા કોઈ પ્રકારના ન હતા. રેતિયા પત્થરો અને લાવાના (બેસાલ્ટ) ખડકોમાંથી કાપેલા પત્થરો વેરવિખેર હતા. પુરાતત્ત્વશાસ્ત્રીઓ વધારે ગંભીરતાથી વિચારતા હતા પણ બાદમાં સમજાયું કે એ બાંધકામ જગતના સૌથી જૂના કાયદેસરના રોડનું છે. ત્યાં કોઈ મહેલ-માળિયાં-ઝરૂખા નહોતા. પછી તો તપાસ કરી એટલે ખબર પડી કે મુખ્ય અને બાજુના પેટા રસ્તા મળીને કુલ અઢારેક કિલોમીટર લંબાઈ હતી. પહોળાઈ 6-7 ફીટ જેટલી હતી. તળાવને ખાણ વચ્ચે જોડવાનું કામ એ રસ્તો કરતો હતો. રસ્તો છેક ઇસવીસન પૂર્વે અઢી હજારની આસપાસ બન્યો હતો. એટલે કે સાડા ચાર હજાર વર્ષ જૂનો હતો. સાડા ચાર હજાર વર્ષ પછી આજે રસ્તો જોઈએ તો ચોમાસામાં આપણા તૂટેલા રોડ જેવો લાગે. એટલે કે આજેય રસ્તો સાવ નાબૂદ નથી થયો. સંશોધકોએ જોયું ત્યારે પહેલાં તો લાગ્યું કે આ રસ્તો તો ક્યાંય નથી જતો. પણ વધુ તપાસ કરતાં એ પણ ખબર પડી કે એક સમયે અહીં પત્થરની ખાણો હતી, પાણીની આવન-જાવન હતી. માટે રસ્તોય વપરાતો હતો. હવે એવું કંઈ નથી, રસ્તો છે અને અવશેષ સ્વરૂપે આજેય ટકી રહેલો છે. આપણે ત્યાં શહેરોમાં થાર જેવી ગાડીઓ સાહસિક (અને ક્યારેક બેફામ) ડ્રાઈવિંગનો પર્યાય બની છે. એવી ગાડી લઇને જવામાં આવે તો ઇજિપ્તના આ ‘લેક મોરિસ ક્વેરી રોડ (મોરિસ સરોવરની ખાણ સુધી જતો રસ્તો)’ પર ચાલી શકે. ખેતીમાં વપરાતા ટ્રેકટર તો બેશક ચાલી જ શકે. રસ્તા ઉપરાંત ત્યાંથી પત્થરો કાપવાની સામગ્રી, પરિવહન સુવિધાના અન્ય અવશેષો વગેરે મળી આવ્યા. અંતે ગુણતા, ભાગતા, બાકી મેલતા સંશોધકો એવા તારણ પર આવ્યા કે આ જગતનો સૌથી જૂનો પદ્ધતિસર બન્યો હોય એવો રોડ હતો. ઇજિપ્તમાંથી મળી આવ્યો એટલે બહુ નવાઈ ન લાગી કેમ કે ત્યાંના રહેવાસીઓ તો પિરામિડ જેવા અશક્ય લાગતાં બાંધકામો સાડા ચાર, પોણા પાંચ હજાર વર્ષ પહેલાં બાંધી શકતા હોય તો રસ્તો તો બનાવી જ શકે ને! *** ગુજરાતમાં વરસાદ આવે ત્યારે સૌથી પહેલો કોઇનો ભોગ લેવાતો હોય તો એ રસ્તાઓનો છે. ગુજરાત સરકારે તો વળી ક્યાંક ક્યાંક ડામરને બદલે આરસીસીના રસ્તાઓ બનાવી મજબૂતાઇ વધારાશે એવો નિર્ણય પણ લીધો છે. રસ્તો તો છેવટે તો જ ટકશે જો ગુણવત્તાથી બનશે. એવા રસ્તાઓ બને ત્યારે ખરાં, પણ આપણને એ સવાલ જરૂર થાય કે હજારો વર્ષથી ટકી રહેલા અને કેટલાક કિસ્સામાં તો આજેય વાપરી શકાતા રસ્તા શેમાંથી બનતાં હશે? *** ‘ઓલ રોડ લીડ્સ ટુ રોમ (બધા રસ્તા રોમ તરફ જાય છે)’ એવી કહેવત જાણીતી છે. કહેવત એટલા માટે છે કે રોમન સામ્રાજ્ય જગતભરમાં ફેલાયું એ પાછળ તેની રસ્તા બાંધવાની આવડત પણ કારણભૂત હતી. એટલે રોમનોની વાત આવે ત્યારે ઈતિહાસના સર્વોત્તમ રસ્તા બાંધનારા તરીકે પણ એમને યાદ કરવા જ પડે. ઈસવીસન પૂર્વે બીજી-ત્રીજી સદીમાં જ્યારે રોમન સામ્રાજ્ય તેના શિખરે હતું ત્યારે તેમનું રસ્તા નેટવર્ક 3 લાખ કિલોમીટરથી વધારે લાંબું હતું. એમાંથી 80 હજાર કિલોમીટર જેટલા રોડ તો વળી એવા કે જે બરાબર ઢંકાયેલા હતા, એટલે કે પાકા પાયે બાંધકામ થયું હતું ને વળી એમાંથી આઠેક હજાર કિલોમીટરના રસ્તા એવા છે, જે આજે પણ ટકી ગયા છે. અલબત્ત, સમય સાથે તેનું નવીનીકરણ થયું છે. નવીનીકરણ ન થયું હોય અને પુરાતન બાંધકામ જાળવી રખાયું હોય એવા રોમન રસ્તાઓ પણ છે જ. શહેનશાહ ટ્રાજન રોમન ઈતિહાસનો સર્વોત્તમ રાજવી ગણાય છે. એ વખતે રોમન સામ્રાજ્ય વિસ્તરતું વિસ્તરતું 51 લાખ ચોરસ કિલોમીટરે પહોંચ્યું હતું. લગભગ સાડા પાંચ કરોડ લોકો રહેતા હતા અને બધા ગમે તે ખૂણેથી રોડ દ્વારા રોમ પહોંચી શકતા હતા. માટે કહેવત પડી કે ગમે તે રસ્તો પકડો, રોમ જઈ શકશો. ને રોમનોના રોડનો આજેય રોલો પડે છે. યુરોપમાં ક્યાંક ખોદકામ થાય ત્યારે વળી રોડ મળી આવે. વિજ્ઞાન જગતમાં આધારભૂત ગણાતા જર્નલ ‘નેચર’માં 2025માં રોમન રોડ વિશે સંશોધન પ્રગટ થયું. લાંબા સંશોધનમાં એક તારણ એવું હતું કે ‘નવા નવા રોમન રોડ મળતા રહે છે ત્યારે ખ્યાલ આવે છે કે રોમનોના રસ્તા ખરેખર કેટલા લાંબા હતા, તેના વિશેની આપણી જાણકારી બહુ ટૂંકી છે.’ રોડની બાબતમાં રોમનો જેવું સામ્રાજ્ય જગતના પટ પર એ પછી ક્યારેય આવ્યું હોવાનું નોંધાયું નથી. લશ્કર દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી શકતા હતા કેમ કે ગમે તેવા ચોમાસેય ટકી શકે એવા રસ્તા બાંધ્યા હતા. એટલું જ નહીં જરૂરી સૂચના બોર્ડ, પાણીનો નિકાલ, ફૂટપાથ વગેરે રસ્તા સાથે જરૂરી સુવિધાઓ રોમનો પાસે હતી. 15-16મી સદી (મધ્યયુગ)માં જર્મની કોનાર્ડ પીટિંગર નામે વિદ્વાન થઈ ગયા. પુરાતન દસ્તાવેજો પરથી તેમણે 22 ફીટ લાંબો, એકાદ મીટર પહોળો એક નકશો તૈયાર કર્યો. એ નકશો રોમન રોડમેપ હતો, કેમ કે રોમનોએ તેમના યુગમાં રસ્તા બનાવવા સાથે નકશા પણ બનાવ્યા હતા. પીટિંગરભાઈએ એના પરથી જ કદાવર નકશો તૈયાર કરી રોમન સામ્રાજ્યની ભવ્યતા એક જ દસ્તાવેજમાં રજૂ કરી દીધી. આજે રસ્તાઓ હાઈ-વે કહેવાય એનું કારણ પણ રોમનો છે, કેમ કે રોમનો જમીન કરતાં ઊંચા (હાઇ) રસ્તા (બાંધતા) હતા. હવે તો સમાંતર હોય કે આસપાસનાં મેદાનો કરતાં નીચાણવાળા વિસ્તારમાં હોય તો પણ હાઇ-વે ગણાય છે. એ નામ આખા જગતે સ્વીકારી લીધું છે. *** દુનિયા વિકસતી ગઈ, વિસ્તરતી ગઈ એમ રોડનો વ્યાપ વધતો ગયો. પ્રદેશ-ખંડ મુજબ બાંધકામની પદ્ધતિમાં થોડો ફેરફાર થતો ગયો. પ્રાચીન જગતમાં વિશિષ્ટ ઓળખ ધરાવતા ભારત પાસે કંઈ રસ્તા ન હતા એવું નથી. ભારતના ઇતિહાસનો સૌથી જાણીતો રસ્તો એટલે ‘ગ્રાન્ડ ટ્રન્ક (GT)રોડ’. એ અંગ્રેજી નામ, ભારતીય નામ તો હતું ‘ઉત્તરપથ’. મૂળ ઉત્તરપથ પ્રતાપી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બંધાયો. સમયે સમયે લાંબો-ટૂંકો થતો ગયો. સરવાળે તેની લંબાઈ 2400 કિલોમીટર જેટલી નોંધાઈ. છેલ્લે એ રોડનો વ્યાપક ઉપયોગ 16મી સદીમાં શેરશાહ સૂરીકાળમાં થતો હતો. સૂરીકાળમાં એક મહત્ત્વનું કામ ‘કોસ મિનાર’ બનાવાનું થયું. રસ્તો તો હતો, પરંતુ અંતર કેટલું છે એ જાણવાની કામગીરી અઘરી હતી. એટલે દર એક કોસ (લગભગ સવા ચાર કિલોમીટર)ના અંતરે મિનારા ચણાવ્યા. મોગલ શાસનમાં એ મિનારા વધ્યા અને પછી આધુનિક યુગમાં તૂટ્યા. એટલે આજે તો એક મિનારો દિલ્હીના ઝૂમાં (ત્યારે ત્યાં રસ્તો હતો), એકાદ અંબાલા શહેરમાં જોવા મળે છે. આજનું બાંગ્લાદેશ (ત્યારે ભારતનો ભાગ) થઈ લઈને અફઘાનિસ્તાન સુધી એ રસ્તો પહોંચતો હતો. ઉત્તર ભારતનો એ રસ્તો પ્રવાસીઓને વધારે ઉત્તરમાં, દુનિયાના ઉત્તર ગોળાર્ધમાં, રશિયા-યુરોપ તરફ લઈ જતો હતો. એશિયાને જગત સાથે જોડવાનું મહત્ત્વનું કામ તેણે કર્યું. હવે તો એ રૂટ પર જ આધુનિક રસ્તા બની ગયા છે છતાં પણ ક્યારેક ખોદકામ દરમિયાન પુરાતન ઉત્તરપથના અવશેષો મળી આવે છે. જેમ કે થોડાં વર્ષો પહેલાં બિહારની સોન નદીના પટમાં ખોદકામ દરમિયાન ચાર કિલોમીટર લાંબો એ રસ્તો મળી આવ્યો હતો. એવો બીજો જગવિખ્યાત રસ્તો એટલે ‘ધ સિલ્ક રોડ’. અંદાજે સાડા છ હજાર કિલોમીટર લાંબો એ રસ્તો કોઈ એક જ રોડ ન હતો, માટે તેનું બાંધકામ પણ બધે સરખું ન હતું. પૂર્વમાં ચીનથી પશ્ચિમે રોમન સામ્રાજ્ય સુધીના જોડાણનું મહત્ત્વનું કામ એ રસ્તાએ કર્યું હતું. હજારો વર્ષથી વપરાતા રસ્તાને ‘સિલ્ક રૂટ’ એવું નામ તો છેક 1877માં જર્મન નકશાવિદ્ ફર્ડિનાન્ડ વોન રિચથોફેને આપ્યું હતું. બ્રિટનમાં રીજવે નામનો પાંચેક હજાર વર્ષ જૂનો રસ્તો છે, પણ કાચો. એ રસ્તો જોઈને જ એક લેખકને પોતાના વર્ણનમાં એવા ઉતાર-ચઢાવવાળા મારગની પ્રેરણા મળી. એ લેખક એટલે જે. આર. આર. ટોકિન અને સર્જન એટલે ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’. દક્ષિણ અમેરિકા ખંડના પહાડો પર ઈન્કા પ્રજાએ પત્થરો ગોઠવીને બનાવેલા રોડ પૈકીના કેટલાક આજેય કડેધડે છે. જગતની જેટલી પ્રાચીન સંસ્કૃતિઓ છે, તેમની પાસે કોઈને કોઈ રીતે બનેલા રોડ છે. બસ આપણી જેમ એકાદ-બે વરસાદમાં તૂટીને સ્વંય વિસર્જિત થઇ એવી રોડ ટેક્નિક જગતનો કોઈ દેશ વિકસાવી શક્યો નથી એ અલગ વાત થઇ! }
    Click here to Read More
    Previous Article
    મરક મરક:નીચું જોઈને ચાલવામાં પણ ‘નીચું જોવા જેવું’ લાગે!
    Next Article
    શબ્દ સકળ પૃથ્વીના:યાયાવરી આવારગીનો બીજો પડાવ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment