Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનદર્પણ:પતિના અવસાનનાં વર્ષો પછી આર્મી હેડક્વાર્ટરે સુનયનાને શા માટે બોલાવી હશે?

    2 days ago

    ધર્મેન્દ્રસિંહ રાઠોડ પછીના દિવસનો સૂર્ય મધ્યાહ્ને પહોંચ્યો હતો. સુનયના હજુ તેમની ઓફિસમાં આવ્યા નહોતા. આશુતોષની ચેમ્બરમાં ફાઈલો ગોઠવી રહેલા મગનને આશુતોષે પૂછ્યું, ‘સુનયનાજી હજુ તેમની ઓફિસમાં આવ્યા નથી?’ ‘સવારે હું આવ્યો ત્યારે સુનયનાજી મારી રાહ જોઈને ઊભાં હતાં. તેમના હાથમાં બેગ હતી. ઉતાવળમાં હતાં, તેમણે મને કહ્યું,‘ ‘દિલ્હી આર્મી હેડક્વાર્ટરમાંથી એક અર્જન્ટ મેસેજ છે, મને તાત્કાલિક બોલાવી છે. હું ત્યાં જાઉં છું.’ ‘આર્મી હેડક્વાર્ટર... દિલ્હી!’ આશુતોષ વિચારી રહ્યો. ‘ગુડ મોર્નિંગ સર, હું સુનયના વિજયેન્દ્રસિંહ.’ ‘વેલકમ, સુનયનાજી! અમે તમારી જ રાહ જોતા હતા.‘ લશ્કરના અધિકારી કુલદીપસિંહે કહ્યું. એક ફોજી બંને માટે પાણી લઈ આવ્યો. કુલદીપસિંહે મેડમ માટે કોફી લઈ આવવાનો હુકમ કર્યો. પતિના અવસાનનાં વર્ષો પછી આર્મી હેડક્વાર્ટરે મને શા માટે બોલાવી હશે? સુનયના પ્રશ્નાર્થ દૃષ્ટિએ કુલદીપસિંહને નીરખી રહી. ‘મેડમ, એક ગુડ ન્યૂઝ છે અને એ પણ કલ્પના બહારના! પાકિસ્તાન વર્ષો પછી કેટલાક યુદ્ધકેદીઓને છોડી રહ્યું છે. તેમણે અમને એક લિસ્ટ મોકલ્યું છે, તેમાં કેપ્ટન વિજયેન્દ્રસિંહનું નામ પણ છે.’ સુનયનાની આંખોમાંથી હર્ષાશ્રુ વહી રહ્યાં. આગલા દિવસે યોગીજીએ આપેલા ‘અખંડ સૌભાગ્યવતી’ના આશીર્વાદ તેના કાનમાં ગુંજી રહ્યા. ‘સર, વિમાન ક્યારે આવવાનું છે?’ સુનયનાએ અધીરાઈથી પૂછ્યું. ‘સાંજે સાડા પાંચ વાગ્યે.’ કુલદીપસિંહે કહ્યું. ‘યુદ્ધ દરમિયાન પકડાયેલા યુદ્ધકેદીઓની સાચી માહિતી દુશ્મન દેશ ન આપે અને સરહદ પરથી જવાન ન પાછો ફરે કે ન તેની ભાળ મળે, ત્યારે આવી ગેરસમજ ઊભી થતી હોય છે.’ એક અન્ય અધિકારીએ સુનયનાને કહ્યું. ‘સુનયનાજી, આપના પતિ કેપ્ટન વિજયેન્દ્રસિંહ અઢી દાયકા સુધી પાકિસ્તાનની જેલમાં રહ્યા છે. આ વર્ષો દરમિયાન રાત્રે સ્વપ્નમાં ઘણી વખત તેઓ તેમનાં કુટુંબીજનોને મળ્યાં હશે અને સવારે ફરી પોતાની જાતને કાળકોટડીમાં જોઈ હશે. આજે જ્યારે તેઓ ખરેખર છૂટી રહ્યા છે, ત્યારે તેમની માનસિકતા અકલ્પનીય હશે.’ સુનયના કુલદીપસિંહને સાંભળી રહી હતી. ‘મેડમ, વ્યક્તિગત મારી તમને સલાહ છે કે, તમારા પતિને સૌપ્રથમ તમે એ માહોલમાં લઈ જજો જ્યાં તમે પચ્ચીસ વર્ષ પહેલાં રહેતાં હતાં. ત્યારબાદ તેમને વતનમાં અને પછી અનુકૂળ આવે ત્યાં રહેવાનું પસંદ કરજો. આપ શિક્ષિત છો, વધારે સલાહ નહીં આપું. મારી અને ભારતીય લશ્કરની શુભેચ્છાઓ આપની સાથે છે.’ ‘થૅન્ક યૂ સર, પચ્ચીસ વર્ષ પછી પોતાના ઘરે પાછા ફરતા જવાનની માનસિકતા ધ્યાનમાં રાખી આપે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ કરેલાં સૂચનો ધ્યાનમાં રાખીશ.’ અને પછી સ્વગત જ બોલી, ‘હવે બધું શુભ જ હશે.’ ફોજે વર્ષો પહેલાં મૃત જાહેર કરેલા કેપ્ટન વિજયેન્દ્રસિંહ યોગીજીના આશીર્વાદથી પાછા ફરી રહ્યા હતા. સાંજે સાડા પાંચ વાગ્યે વિમાન દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયું. ‘ભારત માતા કી જય’ના નારાઓ ચારે બાજુથી ગુંજી રહ્યા હતા. લશ્કરના બેન્ડમાં કવિ ઈકબાલની પ્રસિદ્ધ રચના ‘સારે જહાં સે અચ્છા હિંદુસ્તਾਂ હમારા…’ની ધૂન વાગી રહી હતી. લશ્કરના અધિકારીઓ પાછા ફરેલા જવાનોનું ફૂલહારથી સ્વાગત કરી રહ્યા હતા. વર્ષો પછી કુટુંબીજનોના મેળાપથી ભાવવિભોર દૃશ્યો સર્જાયાં. દેશભરની ટીવી ચેનલો અને પ્રેસ ફોટોગ્રાફરો જીવનમાં ભાગ્યે જ જોવા મળતાં દૃશ્યો કંડારવા પડાપડી કરી રહ્યા હતા. સુનયનાએ આજે પિંક કલરની સાડી પહેરી હતી. પિંક કલર વિજયેન્દ્રસિંહની પસંદગીનો કલર હતો. પતિની ઊંડી ઊતરી ગયેલી આંખોની આરપાર એ જોઈ રહી... જોઈ રહી... અને ભેટી પડી. આંખોમાં ઊમટેલાં આંસુઓને તેણે વહેવા દીધાં. વિજયેન્દ્રસિંહના ચહેરા પર ઉંમરની સાથે સિતમની કરચલીઓ વર્તાતી હતી. પોતાના બંને હાથ તેમણે સુનયનાના ગાલ પર મૂક્યા અને સુનયનાનાં આંસુ લૂછ્યાં. ‘આપણી ઢીંગલી?’ વિજયેન્દ્રનો અવાજ સુનયનાના કાને અથડાયો. ‘શી ઇઝ હેપી.’ પતિને આછું સ્માઇલ આપી સુનયનાએ ટૂંકો જવાબ આપ્યો. સુનયનાના ખભે હાથ મૂકી વિજયેન્દ્રસિંહે ચાલવાની શરૂઆત કરી. વર્ષો પછી પાછા ફરેલા જવાનો અને તેમનાં કુટુંબીજનો માટે રહેવાની અને જમવાની શાહી વ્યવસ્થા લશ્કરે કરી હતી. સવારે છ વાગ્યે સુનયના જાગી ત્યારે વિજયેન્દ્રસિંહ ઘસઘસાટ ઊંઘતા હતા. અઢી દાયકા પછી માતૃભૂમિ પર નિર્ભય ઊંઘ માણી રહ્યા હતા. પતિના મસ્તક પર હળવો હાથ ફેરવી સુનયના રૂમ બહાર બાલ્કનીમાં આવી. મોબાઈલ પર ઝડપથી નંબર લગાવી ગ્રીન બટન દબાવ્યું. ‘યસ મમ્મી.’ સામેથી પાયલનો પ્રત્યુત્તર આવ્યો. ‘બેટા, તને કલ્પના બહારના એક સમાચાર આપવા ફોન કર્યો છે.’ ‘એવા શા સમાચાર છે, મમ્મી?’ છેલ્લા ચોવીસ કલાકમાં બનેલો સુખદ ઘટનાક્રમ સુનયનાએ દીકરીને કહી સંભળાવ્યો. ‘મમ્મી, તું કોઈ સ્વપ્નની વાત તો કરતી નથી ને? ઇઝ ઇટ ફેક્ટ?’ પાયલે ગળગળા અવાજે પૂછ્યું. ‘બેટા, સ્વપ્ન જેવી લાગતી વાત વાસ્તવિક છે અને એ વાસ્તવિકતાનો મેં સ્પર્શ કર્યો છે. તારા પિતાએ સૌપહેલા ખબરઅંતર તારા જ પૂછ્યા. તારા પિતા તને જોવા આતુર છે.’ સુનયના માંડ એટલું બોલી શકી, તેના ગળે ડૂમો ભરાયો. પાયલ પણ આખરે એક સ્ત્રી હતી. તેની માતાને અઢી દાયકા પછી તેનો સુહાગ પ્રાપ્ત થયો હતો અને જે પિતાને તેણે કદી જોયા નથી, સ્મરણ નથી, એ પિતાને મળવાનો-તેમના દર્શન કરવાનો તેનો રોમાંચ પણ કમ નહોતો. પાયલ સાથે વાત પૂરી કરી સુનયના હોટેલના રૂમમાં પાછી ફરી. વિજયેન્દ્ર હજુ સવારની મીઠી ઊંઘ માણી રહ્યા હતા. ટેબલ પર ‘મોર્નિંગ ટી’ અને આજનાં અખબારો પડ્યાં હતાં. અખબારોના ફ્રન્ટ પેજ ઉપર જ અઢી દાયકા પછી પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા જવાનોના સમાચાર હતા અને દેશનાં લગભગ તમામ અખબારોએ તેના પહેલા પેજ પર કેપ્ટન વિજયેન્દ્રસિંહ અને સુનયનાના ફોટા પ્રસિદ્ધ કર્યા હતાં. સુનયનાના મોબાઈલ પર અભિનંદનની વર્ષા થઈ રહી હતી, મેસેજ પણ સતત આવી રહ્યા હતા. શાંતિનગરના સમગ્ર સ્ટાફે પણ આગલા દિવસે ટીવી સમાચારમાં કેપ્ટન વિજયેન્દ્રસિંહ અને સુનયનાને જોયાં હતાં. કેપ્ટન વિજયેન્દ્રસિંહ-સુનયનાના પતિ જીવતા છે અને પાછા ફર્યા છે એ જાણી સૌએ મીઠાં મોં કર્યાં હતાં. જરૂરી વહીવટી પ્રક્રિયા પૂરી થતાં દરેક જવાનને તેમના વતનમાં પરત મોકલવાની વ્યવસ્થા પણ આર્મી હેડક્વાર્ટરે કરી હતી. રાજકોટ એરપોર્ટ પર શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ કેપ્ટન વિજયેન્દ્રસિંહનું ઉમળકાભેર સ્વાગત કર્યું. પચ્ચીસ વર્ષ.... પાકિસ્તાનની જેલમાં પસાર થયાં. હવે એમણે રાજકોટ ખાતેના પોતાના મકાનમાં પગ મૂક્યો. દિલ્હીથી રાજકોટ આવવા રવાના થતાં પહેલાં સુનયનાએ પાડોશમાં રહેતાં શોભનાબહેનને ઘરની સફાઈ કરાવી લેવાની સૂચના આપી હતી. ડ્રોઇંગરૂમ, સ્ટડીરૂમ, પૂજારૂમ, કિચન બધું જ વિજયેન્દ્રસિંહની પસંદગી પ્રમાણે જ ગોઠવાયેલું પડ્યું હતું. પાણીનો ગ્લાસ આપતાં સુનયનાએ પતિને કહ્યું, ‘વેલકમ હોમ, યોર ઓન હોમ.’ વિજયેન્દ્ર ઘરને અને સુનયનાને નીરખી રહ્યા. પતિની આંખના ખૂણા ભીના થાય એ પહેલાં સુનયનાએ પતિને કહ્યું, ‘તમે સોફા પર આરામથી બેસો, હું આપણા બંને માટે નાસ્તો લાવું છું.’ આજના બપોરનું જમણ પાડોશી શોભનાબહેનને ત્યાં લેવાનું હતું અને સાંજે યુનિવર્સિટી રોડ પર રહેતા સુનયનાના પિતરાઈ ભાઈ અશોકકુમારને ત્યાં જવાનું હતું. અન્ય સગાંસંબંધીઓ અને સ્નેહીઓનાં આમંત્રણો ઊભાં હતાં. અમેરિકાથી પાયલ અને તેના પતિ ધ્રુવકુમારના આગમનનો દિવસ આવી ચૂક્યો હતો. અમેરિકાથી આવતું વિમાન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું. વિજયેન્દ્ર અને સુનયનાની નજર વિમાનમાંથી ઊતરતા પેસેન્જરો તરફ સ્થિર હતી. યલો પંજાબી ડ્રેસમાં શોભતી પાયલને સુનયના દૂરથી જ ઓળખી ગઈ. સુનયના પાસે ઊભેલા ‘હેન્ડસમ ઓલ્ડમેન’ને પાયલ નીરખી રહી. પિતાના ચરણસ્પર્શ કરવા એ નીચી નમે એ પહેલાં જ વિજયેન્દ્ર તેને ‘મારી ઢીંગલી’ કહી ભેટી પડ્યા. પિતાની વિશાળ છાતી પર માથું મૂકી પાયલ ક્યાંય સુધી રડતી રહી. દીકરીના માથા પર પિતાનો હાથ ફરતો રહ્યો. જીવનમાં પિતાના વાત્સલ્યની હૂંફ તેણે ક્યારેય અનુભવી નહોતી. એક સવારે પિતા સાથે લાડ કરતાં પાયલે પૂછ્યું, ‘પપ્પા, મારું નામ તો પાયલ છે, તમે મને ‘ઢીંગલી’ કહીને કેમ બોલાવો છો?’ ‘તારા ફોઈબાએ તારું નામ પાયલ રાખેલું, પણ તું નાની હતી ત્યારે હું તને ‘ઢીંગલી’ કહેતો. તું રૂપાળી તો હતી જ. તું હસતી ત્યારે તારો ગોળ ચહેરો વધારે ખીલતો. તારા મમ્મી તને તૈયાર કરતી ત્યારે તું ‘જાપાની ડોલ’ જેવી લાગતી, તેથી હું તને ઢીંગલી કહેતો.’ ‘હા, મમ્મીએ ઘણી વખત મને એ વાતનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ પપ્પા, આ બધી વાતો હું તમારા મુખેથી સાંભળવા ઇચ્છતી હતી.’ પાયલે હસીને કહ્યું. ‘પાકિસ્તાનની જેલમાં અમારી ચોકી કરતા એક સૈનિકના હાથમાં એકવાર મેં બંદૂકની જગ્યાએ ઢીંગલી જોઈ. પોતાની વહાલી દીકરીનો જન્મદિવસ હોઇ તેણે ખરીદી હતી. સાંજે નોકરી પૂરી થતાં એ ઘરે જઈ રહ્યો હતો. ઢીંગલી જોઈ મારી આંખો ભીની થઈ. મેં તેને કહેલું,‘તમારી પાસે રહેલી ઢીંગલી મને થોડીવાર આપશો?’ સૈનિક ભલો હતો. ઢીંગલીના માથા પર હું ક્યાંય સુધી હાથ ફેરવતો રહ્યો. સુનયના સાડીના પાલવ વડે આંસુ લૂછી રહી. પાયલની આંખો પણ ભીંજાઈ, પિતાએ દીકરીની આંખો સાફ કરી. સૌ એકબીજાને ભેટી પડ્યાં. વિજયેન્દ્રએ પાકિસ્તાનની જેલમાં પસાર કરેલા દિવસોની વાત આજે પહેલી વખત ઉચ્ચારી હતી. }(ક્રમશ:)
    Click here to Read More
    Previous Article
    અપડેટ:મીમ્સ: માત્ર મજાક નહીં, નવી પેઢીની નવી ભાષા!
    Next Article
    જીવનના હકારની કવિતા:આપણે જ આપણા સાચા પથદર્શક

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment