Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અપડેટ:મીમ્સ: માત્ર મજાક નહીં, નવી પેઢીની નવી ભાષા!

    2 days ago

    કેવલ ઉમરેટિયા થોડા દિવસ પહેલાં દિલ્હીના જંતર-મંતર પર એક વિદ્યાર્થી આંદોલન થયું, જેને ‘જેન ઝી’ના આંદોલન તરીકે ઓળખ મળી. આંદોલન તો પૂરું થઈ ગયું, પણ એક વાતે સૌનું ધ્યાન ખેંચ્યું - અને એ હતી તેમની વિરોધ પ્રદર્શન કરવાની અનોખી રીત. આ વિરોધ પ્રદર્શનમાં દેખાયેલા પ્લેકાર્ડ્સ કે પોસ્ટરો પર કોઈ રાજકીય નારા નહોતા લખ્યા, પરંતુ મીમ્સ છાપેલાં હતાં. એટલે કે તે પોસ્ટર ઓછાં અને સોશિયલ મીડિયાની પોસ્ટ વધારે લાગતા હતાં. આ પ્લેકાર્ડ્સના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા. છેલ્લે વાત એ તારણ પર આવી કે, મીમ્સ હવે નવી પેઢીની ભાષા બની ગયા છે. તો આવો, આ નવી ભાષા વિશે થોડું જાણીએ. મીમ એટલે શું? આ શબ્દ ક્યાંથી આવ્યો? મીમ એટલે કોઈ ફોટો, વિડીયો, લખાણ કે વિચાર, જેની સાથે સામાન્ય લોકો તરત જ કનેક્ટ થઈ જાય છે અને વારંવાર તેને શેર કરે છે. આ એક એવી ડિજિટલ વસ્તુ છે જેને લોકો પોતાના સંદર્ભ અનુસાર સોશિયલ મીડિયા પર મૂકે છે. મીમ ક્યારેય સ્થિર નથી હોતા; તેમાં સતત રી-મિક્સિંગ થતું રહે છે. લોકો મૂળ ઈમેજ કે વિડીયોમાં પોતાની કલ્પના અને સ્થાનિક ભાષા ઉમેરીને તેને નવો વળાંક આપે છે અને જોતજોતામાં તે વાઇરલ થઈ જાય છે. મોટા ભાગે આમાં કોઈ જાણીતી તસવીર (ટેમ્પલેટ) કે વાઇરલ વિડીયોના સીનનો ઉપયોગ અલગ-અલગ પરિસ્થિતિઓ દર્શાવવા માટે થાય છે. મોટા ભાગના લોકોને લાગે છે કે મીમનો જન્મ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામના કારણે થયો છે, જોકે આ વાત સાચી નથી. મીમ શબ્દ તો ઇન્ટરનેટ પહેલાંનો છે અને એક સમયે તેને ઇન્ટરનેટ સાથે કોઈ લેવાદેવા પણ નહોતી. આ શબ્દનો સૌથી પહેલો ઉપયોગ વર્ષ 1976 માં પ્રખ્યાત બ્રિટિશ જીવવિજ્ઞાની રિચાર્ડ ડોકિન્સે તેમના પુસ્તક ‘ધ સેલ્ફિશ જિન’માં કર્યો હતો. તેમણે મૂળ ગ્રીક ભાષાના શબ્દ ‘મિમેમા’ (Mimema) ને ટૂંકાવીને આ શબ્દ બનાવ્યો હતો, જેનો અર્થ થાય છે ‘નકલ કરવામાં આવેલી વસ્તુ.’ આ શબ્દના ઉપયોગ વડે તેઓ સમજાવવા માગતા હતા કે જેવી રીતે ‘જિન’ એક શરીરમાંથી બીજા શરીરમાં જૈવિક ગુણો પહોંચાડે છે, તેવી જ રીતે વિચારો, ટેવ, સંસ્કૃતિ અને રીતરિવાજો પણ એક મગજમાંથી બીજા મગજમાં નકલ થઈને ફેલાય છે. આજે સોશિયલ મીડિયા પર મીમ બરાબર આવું જ કામ કરી રહ્યાં છે. જોકે, ડોકિન્સે આ શબ્દ ઇન્ટરનેટ માટે નહોતો આપ્યો. તેમણે તો સપનામાંય નહીં વિચાર્યું હોય કે તેમનો આપેલો આ શબ્દ એક દિવસ વૈશ્વિક સ્તરે એક આખી ભાષા બની જશે. મીમ્સની સફર: ઇમેઇલથી લઈને રીલ્સ સુધી ઇન્ટરનેટ મીમની શરૂઆત 1990ના દાયકામાં થઈ, જ્યારે ઇન્ટરનેટ સામાન્ય લોકો સુધી પહોંચ્યું. 1996 માં આવેલો ‘ડાન્સિંગ બેબી’ નામનો એક 3D એનિમેશન વિડીયો ઇમેઇલ દ્વારા ફરતો થયો, જેને દુનિયાનું સૌથી પહેલું વાઇરલ ઇન્ટરનેટ મીમ માનવામાં આવે છે. ત્યારબાદ ‘લોલકેટ્સ’ (LOLcats) નો ટ્રેન્ડ આવ્યો, જેમાં બિલાડીઓના ફોટા પર ભાંગીતૂટી અંગ્રેજીમાં મજેદાર કેપ્શન લખવામાં આવતા હતા. 2005ની આસપાસ શરૂ થયેલો આ ક્રેઝ એટલો લોકપ્રિય થયો કે તેના માટે એક આખી અલગ વેબસાઇટ બનાવવી પડી. ત્યારબાદ ‘રેજ કોમિક્સ’ અને ‘એડવાઇસ એનિમલ્સ’ જેવાં ટેમ્પલેટ્સ આવ્યાં, જેમાં એક જ ફોટા પર અલગ-અલગ કેપ્શન મૂકીને નવા જોક્સ બનાવવામાં આવતા હતા. ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામના આગમન પછી મીમ્સ મુખ્ય પ્રવાહનો હિસ્સો બની ગયા અને હવે તો ટિકટોક અને રીલ્સના જમાનામાં મીમનો ટ્રેન્ડ છે. તમે સોશિયલ મીડિયા પર આ લાઈન અવારનવાર જોઈ, વાંચી કે સાંભળી હશે: ‘દેખ રહા હૈ બિનોદ…’ મૂળ તો આ લોકપ્રિય વેબ સિરીઝ ‘પંચાયત’નો એક ડાયલોગ છે, પણ ‘મીમ’ બન્યા પછી તેનો ઉપયોગ મિત્રોની મજાક ઉડાવવાથી લઈને રાજકારણીઓ પર કટાક્ષ કરવા સુધી થાય છે. આ જ રીતે ‘હેરા ફેરી’ ફિલ્મના બાબુરાવનો ‘યે બાબુરાવ કા સ્ટાઈલ હૈ’ કે ‘ઉઠા લે રે બાબા’વાળું મીમ પણ તમે જોયું જ હશે. ‘સાથ નિભાના સાથિયા’નો ‘રસોડે મેં કૌન થા’ ડાયલોગ હોય, ‘સ્કેમ 1992’નું આઇકોનિક બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય કે પછી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ અને બાપુજીના રમૂજી રિએક્શન્સ હોય, આ બધું જ હવે ઓનલાઇન જીવનનો ભાગ બની ગયું છે. ખાસ કરીને યુવાનો માટે તો આ મીમ્સ ડિજિટલ વાતચીતનું એક અભિન્ન અંગ બની ચૂક્યાં છે. જેન ઝીને મીમ્સ કેમ ગમે છે? મનોવિજ્ઞાન અનુસાર, મીમ્સ લોકોને એકબીજા સાથે જોડવાનું, હાસ્ય અને અભિવ્યક્તિનું સરસ સાધન છે. ખાસ કરીને જેન-ઝી માટે તો મીમ્સ ડિજિટલ વાતચીતની માતૃભાષા જેવા બની ગયાં છે. આ પેઢી સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા સાથે મોટી થઈ છે, તેથી તેમને લાંબા લેખો કરતાં એક સેકન્ડમાં વાત સમજાવતું વિઝ્યુઅલ કન્ટેન્ટ વધુ ગમે છે. પરીક્ષાનો તણાવ, ડિપ્રેશન કે નોકરીની હતાશા જેવા વિષયોને તેઓ ‘ડાર્ક હ્યુમર’થી હળવા કરી નાખે છે. મીમ્સ જોઈને તેમને લાગે છે કે ‘આ તો મારી જ વાત છે!’ મીમ્સ તેમને ઓનલાઈન કોમ્યુનિટીઝ (ગેમર્સ, કોડર્સ કે મીમ પેજ ફોલોઅર્સ) સાથે તરત જ જોડી દે છે. ચેટમાં સાદા ઇમોજીની જગ્યાએ ‘This is Fine’ કે ‘Surprised Pikachu’ જેવાં રિએક્શન મીમ્સ મોકલવા એ તેમની રોજિંદી આદત છે. જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોમાં જોયું તેમ, તેમના માટે શાંતિથી કટાક્ષ દ્વારા પોતાનો વિરોધ નોંધાવવાનો આ સૌથી સ્માર્ટ રસ્તો છે. લાંબા નારાને બદલે એક મીમ પ્લેકાર્ડ પર મૂકીને તેઓ પોતાનો વિરોધ વાઇરલ બનાવી દે છે. મીમ્સ હવે માત્ર મનોરંજનનું સાધન નથી રહ્યાં, પરંતુ પ્રભાવ ઊભો કરવાનું એક પાવરફુલ હથિયાર બની ગયાં છે. મોટી બ્રાન્ડ્સ હવે ‘મીમ માર્કેટિંગ’નો સહારો લે છે. યાદ છે ને ‘ધુરંધર 2’નો એ વાઇરલ ડાયલોગ ‘બચ્ચા હૈ તૂ મેરા?’ રાકેશ બેદીની આ લાઈનને જ્યારે મીમ્સનું રૂપ મળ્યું, ત્યારે અનેક બ્રાન્ડ્સે તરત જ પોતપોતાના વર્ઝન બનાવીને યુવાનો સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કર્યો. કોઈએ સ્નેક્સ શેર કરવા માટે, કોઈએ વેફલ્સની ઑફર માટે અને કોઈએ સ્કિનકેર કે બેંકિંગને આ મીમ સાથે જોડી દીધાં. જેમ જેમ દુનિયા વધુ ડિજિટલ બની રહી છે, તેમ મીમ્સનું સામ્રાજ્ય વિશાળ બની રહ્યું છે. તેમાંય હવે તો AI ના કારણે કોઈ પણ વ્યક્તિ સેકન્ડોમાં પોતાની મરજી મુજબ મીમ્સ બનાવી શકે છે. એવું પણ કહી શકાય કે મીમ્સ ડિજિટલ યુગની લોકકળા છે. જંતર-મંતર પર જેન-ઝીના હાથમાં મીમ્સવાળા પ્લેકાર્ડ્સ એ વાતનો જીવંત પુરાવો છે કે આ પેઢી દુનિયાને પોતાની આગવી સ્ટાઇલમાં બદલી રહી છે. મીમ્સના વિવિધ પ્રકાર ઇમેજ મીમ્સ: એક સામાન્ય તસવીર કે ફોટો, જેના પર કોઈ રમૂજી કે કટાક્ષભર્યું લખાણ લખેલું હોય છે. રિએક્શન મીમ્સ: પોતાની ચોક્કસ લાગણી કે હાવભાવ વ્યક્ત કરવા માટે વપરાતા ફોટા અથવા GIFs. વિડીયો મીમ્સ: ટૂંકા અને રમૂજી વિડીયો ક્લિપ્સ, જે સામાન્ય રીતે સોશિયલ મીડિયા રીલ્સ અને શોર્ટ્સ પર વધુ વાઇરલ થાય છે. ટેમ્પલેટ: એક બ્લેન્ક ક્લાસિક ફોટો કે સીન, જેમાં લોકો પોતાની મરજી મુજબ લખાણ ઉમેરીને નવા જોક્સ બનાવે છે. ઓડિયો મીમ્સ: કોઈ પ્રખ્યાત ડાયલોગ, મ્યુઝિક કે રમૂજી અવાજ, જેના પર લોકો લિપ-સિંક અથવા વિડીયો શૂટ કરે છે. ટેક્સ્ટ મીમ્સ: કોઈપણ ચિત્ર વિના માત્ર શબ્દો, વન-લાઇનર કે ટૂંકા કાલ્પનિક સંવાદો દ્વારા બનાવાતા જોક્સ.
    Click here to Read More
    Previous Article
    સફર:પરદેશ પ્રવાસમાં ભારતીય UPI પેમેન્ટ
    Next Article
    મનદર્પણ:પતિના અવસાનનાં વર્ષો પછી આર્મી હેડક્વાર્ટરે સુનયનાને શા માટે બોલાવી હશે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment