Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસ્મય:એક દેશનો લડવૈયો, બીજા દેશનો ચાંચિયો... વાત છે એક દરિયાઈ ડાકુની, જેનો હાહાકાર ભુલાવાનો નથી

    2 days ago

    ધૈવત ત્રિવેદી કેપ્ટન હેન્રી મોર્ગન. એક એવો ખેપાની લડવૈયો જે દરિયાઈ લૂંટફાટના ઈતિહાસમાં મોખરાની હરોળમાં ગણાય છે. મોટા ભાગના લૂંટારા પોતે કરેલી લૂંટનો વૈભવ માણવા જીવતા નથી રહેતા, પણ ચબરાક હેન્રી જીવ્યો ત્યાં સુધી બાદશાહી ઠાઠમાઠ જાળવી શક્યો. ગળા ફરતું સફાઈદાર બાંધેલું ટાર્ટન (સ્કોટિશ પરંપરા મુજબનું ચોકડીવાળું કપડું), ચસોચસ મોરીની બ્રિચિસ, સોનાનાં સાંકળીબટન સીવેલો વૂલનનો ઓવરકોટ, કિનારી પર ઝગમગતા હીરા જડેલી હેટ, હાથમાં સોનાનું પતરું મઢેલી એપલવૂડની બેટન, મોંમાં હાથીદાંતની ચૂંગી, ચૂંગીમાંથી માદક સોડમ પમરાવતી બાર્બાડોઝની વિખ્યાત ગડાકુ (તમાકુ) અને બીજા હાથમાં નકશીદાર ગ્લાસમાં ભરેલો જમૈકાનો પહેલી ધારનો રમ... ઘૂઘવતા દરિયાના યાળ ઉછાળતા સન્નાટા વચ્ચે જહાજો, કાંઠાનાં નગરો લૂંટીને તબાહ કરનારો કેપ્ટન હેન્રી મોર્ગન અલગ હતો અને નિવૃત્તિની વયે શાહી જિંદગી બસર કરનારો સર હેન્રી મોર્ગન પણ અલગ હતો. હેન્રી મોર્ગન ચાંચિયો હતો કે બ્રિટનનો દરિયાઈ યોદ્ધો? એ નિર્દયી લૂંટારો હતો કે સમુદ્રી યુદ્ધના દાવપેચનો માહેર લડાકુ હતો? ઈ. સ. 1635માં વેલ્સ (ઈંગ્લેન્ડ) ખાતે જન્મેલા મોર્ગનને બાળપણથી દરિયો સાદ દેતો હોય તેમ જાતે બનાવેલા તરાપા પર સવાર થઈને કાંઠાથી ક્યાંય આગળ જવા લાગ્યો. કિશોરાવસ્થામાં આછી-પાતળી હોડીમાં એટલાન્ટિક ખૂંદવાનાં દુઃસાહસ પણ કર્યાં. દરિયાના ભીષણ મોજાંના પ્રહારોથી બબ્બે વખત ડૂબતા બચ્યો. એ વખતે ઈંગ્લેન્ડ અને સ્પેન વચ્ચે અમેરિકા ખંડને ધમરોળવાની હોડ જામી હતી. ઉત્તર તેમજ દક્ષિણ ખંડની ભૂમિ કબજે કરવાની હોડમાં જહાજી કાફલાઓને તરોતાજાં સૈનિકો, શસ્ત્રો, રસદથી સજ્જ રાખવા માટે કેરેબિયન ટાપુઓ થાણાં બન્યાં હતાં. તોફાની દરિયો ખેડીને એ નધણિયાતા ટાપુઓ સુધી પહોંચવું, સ્થાનિક મૂળ નિવાસીઓ સાથે લડાઈઓ કરી તેમને તાબે કરવા અને પછી અજાણી ભોમકામાં પોતાનો અસબાબ પાથરીને કાંઠેથી નીકળતાં જહાજોની લૂંટફાટ આદરવી એ સઘળું એ જમાનાની તાસીર મુજબ બહાદુરીનો પર્યાય ગણાતું હતું. હેન્રી મોર્ગન બહાદુરીની એ વ્યાખ્યામાં શિરમોર સાબિત થયો. ફક્ત વીસ વર્ષની ઉંમરે બાર્બાડોસ પહોંચીને તેણે પોતાનું દળ તૈયાર કરવા માંડ્યું. વહાણોની બાંધણીથી માંડીને શઢની ગૂંથણી સહિતની જહાજીવિદ્યામાં એ અવ્વલ હતો. દરિયાઈ યુદ્ધોના દાવપેચ જાણે ગળથૂથીમાંથી શીખી આવ્યો હોય એવો અનોખો હતો અને હિંમત એવી કે સાધારણ ચાંચિયા દરિયામાં જહાજ લૂંટે, હેન્રી મોર્ગન તો કાંઠાનાં નગરો પર જ ત્રાટકે એવી સાખ ઊભી કરી દીધી. આ સાખ બ્રિટનના ધ્યાને ચડી. સ્પેન સાથે બ્રિટનને કટ્ટર હરીફાઈ હતી પરંતુ નૌકાદળ મર્યાદિત, બધે તો પહોંચી શકાય નહીં. એટલે ચબરાક અંગ્રેજોએ હેન્રીને સાધ્યો. સ્પેનનાં જહાજો લૂંટો, ડુબાડો, સ્પેનના કબજા હેઠળના દ. અમેરિકાનાં નગરો લૂંટો, બાળો, તબાહ કરો... લૂંટમાં મળે એ સઘળું તમારું. બદલામાં અમે તમને શસ્ત્રો આપીશું, ઈનામ પણ આપીશું અને જરૂર પડ્યે રક્ષણ પણ. આજે હુતિ, હમાસ, હિઝબુલ્લાહ વગેરે આતંકવાદી સંગઠનોને આંતરરાષ્ટ્રીય કૂટનીતિની પરિભાષામાં ઈરાનના ‘એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ’ કહેવાય છે. અર્થાત્ આ સંગઠનો સ્વતંત્ર છે એટલે એમને કોઈ કાયદા-કાનૂન કે નૈતિકતા નડતી નથી. એક દેશ તરીકે ઈરાન જે ન કરી શકે એ સઘળું ઈરાનના ઈશારે આ આતંકી જૂથો કરે. એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ યાને પ્રોક્સી ફોર્સનો દુનિયાનો પહેલો મોટો પ્રયોગ હેન્રી મોર્ગને કર્યો. ઈંગ્લેન્ડની ઓથ મળ્યા પછી મોર્ગને હાહાકાર મચાવી દીધો. ગત લેખમાં જોયું એમ, બબ્બે મહિના સુધી રોકાઈને મરાકાઈબા અને જિબ્રાલ્ટર લૂંટ્યાં. એ પછી પનામા સિટી પર ત્રાટક્યો. દરિયાઈ આક્રમણનો મોર્ગનનો કાફલોય કેવડો? 30 જહાજો તોપથી સજ્જ, 5 જહાજો પર તીરંદાજ અને બંદૂકબાજો તહેનાત અને બાકીનાં પાંચ જહાજો પર હથિયારોનો જખીરો અને ખાધાખોરાકીનો સામાન. 1400 જેટલા લડવૈયાઓ, જહાજ સંચાલનના 300 નિષ્ણાતો, 200 રસોઈયા અને અનુચરો અને 100 જેટલાં એવાં લોકો જે ઘાયલોના પાટાપીંડી, જરૂર મુજબના વાઢકાપ અને દવાદારૂ કરી શકે. આવો તોસ્તાન કાફલો લઈને મોર્ગન પનામા સિટી પર ઝિંકાયો. મોર્ગનની સૌથી મોટી તાકાત તેની ઝડપ હતી. એ જમાનામાં બે શઢ મોરા પર, બે તૂતક પર હોય એવાં જહાજો પ્રચલિત હતાં, જે પવનની દિશા મુજબ જહાજોને વેગ આપતાં હતાં. મોર્ગને વધુ ઝડપ માટે ત્રણ શઢ લગાવ્યા અને મોરા પર, તૂતકના ખુવાથંભ પર પણ શઢ બાંધ્યા. એક શઢમાં ભરાતી હવા વેગ આપે અને જરૂર મુજબ શઢને તાણતાં-ઢીલ આપતાં જઈને હવાને અંકુશિત પણ કરી શકાય. આ તરકીબને લીધે મોર્ગનનો જહાજી કાફલો અન્ય જહાજો કરતાં બમણો વેગ હાંસલ કરી શકતો હતો. દરેક જહાજની અંદર સાંકડી હોડીઓ પણ રાખવાની. દરિયામાંથી નદીના બારામાં પ્રવેશતી વખતે હોડીઓનો ઉપયોગ કરવાનો. કેરેબિયન સમુદ્રમાંથી તે ચાગ્રેસ નદી સુધી પહોંચ્યો. જહાજોને નદીમાં વાળીને જંગલોની દિશાએ લાંગર્યા. હવે અહીંથી પગપાળા પ્રવાસ કરવાનો હતો. અડાબીડ જંગલો, કમર સુધી ખૂંપી જવાય એવો કાદવ, હિંસક પ્રાણીઓ, ઝેરી જંતુઓ, કાળોતરા નાગ અને વીંછી પણ પારાવાર. એ આકરી મુસાફરી કરીને, દિવસો સુધી ભૂખ વેઠીને તેનો કાફલો આખરે સ્પેનિશ કિલ્લા સુધી પહોંચ્યો. અહીં સુધી તેણે બેહદ ગુપ્તતા જાળવી હતી, પણ હવે જ ખરો ખેલ શરૂ થતો હતો. બે દિવસના વિરામ દરમિયાન સૈન્યને તેણે તાજા થવાનો સમય આપ્યો અને એક ટુકડીને આસપાસના કસ્બાઓમાંથી ઘેટાં-બકરાં પકડી લાવવા આદેશ કર્યો. વહેલી સવારે બે કલાક માટે કિલ્લાનો તોતિંગ દરવાજો ખૂલે. વેપારીઓ માલસામાન લઈને નદીના માર્ગે વેપાર માટે નીકળે. એ જ વખતે મોર્ગને ઘેટાં-બકરાંનાં શિંગડાંની ખરી પર દિવેટ બાંધીને આગ ચાંપી એટલે કોઈ ડચકારા વગર બિચારાં અબોલ પ્રાણી સામેની એકમાત્ર ખુલ્લી દિશાએ ભાગ્યાં. કિલ્લાના પહેરેદારો હજુ કંઈ સમજે, વિચારે, પ્રતિક્રિયા દાખવે એ પહેલાં પ્રાણીઓ કિલ્લામાં ઘૂસીને ચોમેર બાંગરાટા નાખવા લાગ્યાં. તરત તેની પાછળ કિલકારી કરતા મોર્ગનના સૈનિકો ઘૂસ્યા અને ગણતરીની કલાકોમાં સ્પેનનો કિલ્લો જીતી લીધો. એ પછી નિરાંતે પનામા સિટી અને આસપાસના દરેક નાનાં નગરો, કસ્બાઓમાં લૂંટ ચલાવી. ખેતરોનો ઊભો પાક બાળી નાખ્યો. કેટલાયને ગુલામ તરીકે પકડીને બાર્બાડોસ રવાના કરી દીધાં. નગરમાં લૂંટવા જેવું હવે કશું જ નથી બચ્યું તેની પાકી ખાતરી કરીને પછી તેણે પનામા સિટીને આગ ચાંપી દીધી અને સ્પેનિશ હુમલો આવે એ પહેલાં સહી-સલામત રવાના પણ થઈ ગયો. દરિયાની દબંગગીરીનું આ એક અપૂર્વ પ્રકરણ હતું. પણ એ વખતે યોગાનુયોગ એવો બન્યો કે મોર્ગન જ્યારે પનામા સિટીને બરબાદ કરી રહ્યો હતો એ જ વખતે કાયમી શત્રુતા ભૂલીને ઈંગ્લેન્ડ તેમજ સ્પેન સમજૂતી કરી રહ્યા હતા. બાદમાં સમજૂતીની શરત મુજબ સ્પેને મોર્ગનનો કબજો માગ્યો. તેમની નજરે મોર્ગન ચાંચિયો હતો, સમુદ્રી લૂંટારો હતો, સ્પેનનો ગુનેગાર હતો. એટલે ઈંગ્લેન્ડે મોર્ગનને સ્પેનને સોંપવો જ પડે. પરંતુ મોર્ગનનાં અપ્રતિમ પરાક્રમોને લીધે ઈંગ્લેન્ડમાં તે એટલો લોકપ્રિય થઈ ચૂક્યો હતો કે તેની તરફેણમાં લોકોએ સડક પર ઊતરી આવ્યા. લંડનની બજારો બંધ થઈ ગઈ. મહેલનેય લોકો ઘેરી વળ્યા. આખરે સમજૂતી તોડીને પણ ઈંગ્લેન્ડે મોર્ગનની સોંપણી ટાળી દીધી. એ જ મોર્ગનને બાદમાં બ્રિટિશ તાજે નાઈટહુડનો ખિતાબ પણ આપ્યો. એક ચાંચિયો, ક્રૂર લૂંટારો, ઘાતકી આક્રમક હવે ‘સર હેન્રી મોર્ગન’ હતો અને જીવ્યો ત્યાં સુધી એ ઠાઠમાઠ તેણે જાળવી રાખ્યા. મોર્ગનની સ્મૃતિ આજે તેની બંને ઓળખ મુજબ સચવાયેલી છે. મરાકાઈબા અને પનામાએ મોર્ગનના હુમલાના મ્યુરલ્સ બનાવીને તેની ક્રૂરતાને યાદ રાખી છે. બ્રિટન માટે એ હીરો હતો. તેનાં પૂતળાંઓ સ્થપાયાં. કેરેબિયન ટાપુઓ પર તેનાં નામે ઈમારતોય બની. મોર્ગનનો ફેવરિટ જમૈકન રમ આજેય ‘કેપ્ટન મોર્ગન’ તરીકે દુનિયાભરમાં લોકપ્રિય છે. મોર્ગનનો વારસો આટલો જ હોત તોય બરાબર, પરંતુ સમુદ્રી લૂંટફાટની તેની વિરાસત પણ એટલી વરવી અને ઘાતક બની છે કે આધુનિક વિશ્વ પણ તેને નાથી શકતું નથી. (વધુ આવતા રવિવારે)
    Click here to Read More
    Previous Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:એક બોલમાં બાવીસ રન!
    Next Article
    સફર:પરદેશ પ્રવાસમાં ભારતીય UPI પેમેન્ટ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment