Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પંચાયતી રાજ પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ:પ્રભારી મંત્રીએ સશક્ત શાસન માટે માર્ગદર્શન આપ્યું

    16 hours ago

    પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર, ડાયનાસોર પાર્ક ખાતે પંચાયતી રાજ પ્રતિનિધિઓ માટે એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ અને પંચ સંમેલન યોજાયું હતું. કેન્દ્ર સરકારના વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન (ગ્રામીણ) તથા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સંમેલનમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓ અને સભ્યોએ ભાગ લીધો હતો. પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, જનતાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તાની સાથે વિસ્તારના વિકાસ અને લોકોની આશાઓની જવાબદારી પણ સોંપી છે. તેમણે લોકપ્રતિનિધિઓને પોતાના પાંચ વર્ષના કાર્યકાળને લોકસેવા, વિકાસ અને જવાબદારીના સુવર્ણ અવસર તરીકે સ્વીકારી કામગીરી કરવા અપીલ કરી હતી. મંત્રીએ પંચાયતોના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, તે માત્ર રસ્તા, ગટર કે ઇમારતોના નિર્માણ પૂરતી મર્યાદિત નથી. પંચાયત સ્થાનિક સ્વરાજ્ય, લોકભાગીદારી અને સર્વાંગી ગ્રામ વિકાસનું કેન્દ્રબિંદુ છે. તેમણે ઉમેર્યું કે ગ્રામ પંચાયતો મજબૂત બનશે તો તાલુકા અને જિલ્લા પણ મજબૂત બનશે, જેનાથી વિકસિત ભારત–2047નો સંકલ્પ સાકાર થશે. તેમણે ગ્રામસભાની અસરકારક ભૂમિકા પર ભાર મૂક્યો હતો. મંત્રીએ જણાવ્યું કે, ગ્રામસભાને માત્ર ઔપચારિક બેઠક નહીં, પરંતુ ગામના સર્વાંગી વિકાસના સૌથી શક્તિશાળી લોકમંચ તરીકે વિકસાવવી જોઈએ. આમાં મહિલાઓ, યુવાનો, અનુસૂચિત જાતિ-જનજાતિ, દિવ્યાંગજનો, વડીલો અને વંચિત વર્ગની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત થવી જોઈએ. મંત્રીએ ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP)ના મહત્વ અંગે પણ વાત કરી. તેમણે કહ્યું કે ગામની વાસ્તવિક જરૂરિયાતો, ઉપલબ્ધ સંસાધનો અને વિવિધ સરકારી યોજનાઓના સંકલનથી તૈયાર થતી વિકાસ યોજના ગામના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક બને છે. આ ઉપરાંત, નાણાં પંચની ગ્રાન્ટ સહિત જાહેર નાણાંનો પારદર્શક અને ગુણવત્તાયુક્ત ઉપયોગ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રભારી મંત્રીએ સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, MGNREGA, NRLM, નાણાં પંચની ગ્રાન્ટ અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના અસરકારક સંકલન દ્વારા ગામોના સર્વાંગી વિકાસને નવી દિશા આપવા પર ભાર મૂક્યો. ડિજિટલ ગવર્નન્સ અંગે તેમણે ઇ-ગ્રામ સ્વરાજ અને PFMS જેવા ડિજિટલ પ્લેટફોર્મના અસરકારક ઉપયોગથી આયોજન, નાણાકીય વ્યવસ્થાપન અને વિકાસ કાર્યોમાં વધુ પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવાની વાત કરી. અંતે, તેમણે દરેક ચૂંટાયેલા પ્રતિનિધિને પોતાના કાર્યકાળ દરમિયાન ઓછામાં ઓછું એક એવું ટકાઉ અને લોકહિતનું કાર્ય કરવાની અપીલ કરી, જે ગામની ઓળખ બની રહે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લાના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના નવનિયુક્ત પ્રતિનિધિઓ માટે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા ગ્રામ વિકાસ સંબંધિત મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તાલીમમાં 16મા નાણાં પંચની ગ્રાન્ટ, ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP), આયોજન પ્રક્રિયા, ઘન કચરા વ્યવસ્થાપન, નવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, સ્માર્ટ યોજના, અટલ વાડી, સક્ષમ ગામ–સમૃદ્ધ ગામ, વતન પ્રેમ યોજના સહિતના વિષયો પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જે પંચાયતી રાજ સંસ્થાઓને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવામાં ઉપયોગી સાબિત થશે. કાર્યક્રમ દરમિયાન મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) દ્વારા ગ્રામ્ય રોજગારી, પાણી સંચય, તળાવ ઊંડા કરવાની કામગીરી, વૃક્ષારોપણ અને કુદરતી સંસાધનોના સંરક્ષણ જેવા વિકાસલક્ષી કાર્યો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત રાષ્ટ્રીય ગ્રામ આજીવિકા મિશન (NRLM) અંતર્ગત મહિલા સ્વ-સહાય જૂથોને આત્મનિર્ભર બનાવવા, સ્વરોજગારી, કૌશલ્ય વિકાસ અને ગ્રામિણ યુવાનો માટે રોજગારીની તકો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વિકસિત ભારત જન ગ્રામ યોજના (VGGP) અંતર્ગત ગામોમાં મૂળભૂત સુવિધાઓ, ડિજિટલ સેવાઓ, સ્વચ્છતા, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ અને આધુનિક ટેકનોલોજી આધારિત વિકાસ અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ વિભાગો દ્વારા માહિતી સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઉપસ્થિત પ્રતિનિધિઓ અને ગ્રામજનોએ વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી પોતાની શંકાઓનું નિરાકરણ મેળવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.ડી.વણઝારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર. કે. મકવાણા, જિલ્લા અને તાલુકા કક્ષાના પદાધિકારીઓ, અધિકારીઓ, સરપંચઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત પ્રતિનિધિઓએ સરકારની વિકાસલક્ષી યોજનાઓને ગામડાના છેવાડાના લાભાર્થી સુધી અસરકારક રીતે પહોંચાડવા તથા *"મજબૂત ગામ – સમૃદ્ધ ભારત"* ના સંકલ્પને સાકાર કરવા સક્રિય સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળની ગ્રીન પહેલ:ભાવનગર મંડળમાં 180 કિલોવોટ પીક ક્ષમતાનો સોલાર ઊર્જા પ્લાન્ટ શરૂ, દર વર્ષે અંદાજે 181 ટન કાર્બન ઉત્સર્જનમાં થશે ઘટાડો, વર્ષે અંદાજે રૂ.2.89 કરોડની બચત
    Next Article
    સુરતમાં કાલે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ:નિચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર, લોકોને સાવચેત રહેવા મનપા કમિશનરની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment