Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અગરિયા પરિવારોની રોજગારી અને જીવનનિર્વાહ પર સંકટ‎:વલસાડ તાલુકામાં મીઠા ઉદ્યોગો પર મેઘતાંડવનો કહેર, લાખો ટન ઉત્પાદિત કરેલું મીઠું પાણીમાં

    13 hours ago

    વલસાડ જિલ્લામાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ ને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં સર્જાયેલી રેલની સ્થિતિએ વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના મીઠા ઉદ્યોગને ભારે અને મરણતોલ ફટકો પહોંચાડ્યો છે. છરવાડા, ધરાસણા, કરદીવા, ભાગલ સહિતના દરિયાકાંઠાના ગામોમાં આવેલા મીઠાના અગરો પાણીમાં ગરકાવ થતાં તૈયાર થયેલો મીઠાનો વિશાળ જથ્થો ધોવાઈ ગયો છે. આ કુદરતી આફતના કારણે મીઠા ઉત્પાદકોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજો દર્શાવે છે. આ સાથે હજારો અગરિયા પરિવારોની રોજગારી અને જીવનનિર્વાહ પર ગંભીર સંકટ ઊભું થયું છે. વલસાડ તાલુકાનો દરિયાકાંઠો રાજ્યના મહત્વના મીઠા ઉત્પાદન વિસ્તારોમાંનો એક ગણાય છે. દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં મીઠાના અગરોમાં લાખો ટન મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે. જે રાજ્યના વિવિધ જિલ્લાઓ ઉપરાંત દેશના અનેક ભાગોમાં પહોંચાડવામાં આવે છે. મીઠા ઉદ્યોગ સાથે સીધા અને પરોક્ષ રીતે હજારો શ્રમિકો, પરિવહન વ્યવસાયકારો, વેપારીઓ અને નાના ઉદ્યોગકારો સંકળાયેલા છે. પરંતુ આ વર્ષે કુદરત રૂઠતા વરસાદના પ્રકોપે સમગ્ર વ્યવસ્થાને હચમચાવી દીધી છે. ભારે વરસાદને કારણે અગરોમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. ત્યારબાદ દરિયાઈ રેલ અને પાણીના વધેલા પ્રવાહને કારણે અગરોના પાળા અનેક સ્થળોએ તૂટી ગયા હતા. પરિણામે તૈયાર થયેલો મીઠાનો લાખો ટન તૈયાર પાક પાણીમાં ઓગળી ગયો છે. જ્યારે ઉત્પાદન માટે તૈયાર કરવામાં આવેલી જમીન પણ ભારે નુકસાન પામી છે. આખા વર્ષની કમાણી રેલમાં તણાઈ ગઈ વલસાડ તાલુકાના ભાગલ ગામના મીઠાના અગરો રેલના પાણીમાં સંપૂર્ણ તબાહ થઈ ગયા છે. મીઠું પકાવવાનું કામ એટલે કાળી મજૂરી કરવાનું કામ છે. 42 થી 44 ડિગ્રી ગરમી પડે ત્યારે મીઠું પાકતું હોય છે. આવી કાળી મજૂરી કરીને પકવેલું મીઠું આ રેલમાં ધોવાઈ ગયું છે. એટલે અગરીયાઓની આખા વર્ષની કમાણી રેલમાં તણાઈ ગઈ છે. એટલે સરકાર અગરીયાઓ ને બેઠા કરવા ખાસ પેકેજ જાહેર કરે એવી તેમણે માંગ કરી છે.> આનંદભાઈ પટેલ,સરપંચ, ભાગલ કરોડો રૂપિયાનું નુકશાન થયું ધરાસણા ગામ આઝાદીના આંદોલનથી ઇતિહાસમાં જાણીતું છે. 1930ના મીઠા સત્યાગ્રહથી જાણીતા થયેલા ધરાસણા ગામ ખાતે આવેલા સેંકડો મીઠાના અગરો વરસાદના મેઘ તાંડવમાં તારાજ થઈ ગયા છે. ધરાસણા ગામના ડેપ્યુટી સરપંચ વિજયભાઈ પટેલએ કહયું કે, વરસાદના કાળા કહેરમાં ધરાસણાના અગરો ઉત્પાદિત કરેલું લાખો ટન મીઠું રેલના પાણીમાં સ્વાહા થઈ ગયું છે. જેના કારણે ગરીબ અગરીયાઓને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. મીઠું પકવતા ગરીબ વૃદ્ધ અને વિધવાઓની હાલત ખુબ કરૂણ બની છે. તેઓ પાસે રોજગારીનું બીજુ કોઈ સાધન નથી.
    Click here to Read More
    Previous Article
    364 આંગણવાડીના 18000 બાળકોને જમવાની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મંજૂર:કોણ કહે છે કે મોંઘવારી છે? એક બાળકને બે ટાઇમ જમવા માટે રૂ. 4.93 ફાળવાયા
    Next Article
    પૂરે શિક્ષણને પણ નહીં છોડ્યું:વલસાડના પૂરમાં છાત્રોના પાઠ્યપુસ્તકો, નોટબુક,બેગ તણાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment