Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લેક એન્ડ વ્હાઈટ:વિનાશકાળે વિપરીત બુદ્ધિ!

    12 hours ago

    ધારો કે એક દિવસ સવારે તમે ઊઠો અને તમે મોબાઈલ ફોન હાથમાં લો અને તમારો ફોન બંધ થઈ ગયો હોય. તમારા મોબાઈલ ફોનમાં નેટવર્ક જ ન આવતું હોય! ધારો કે શું થયું છે એ જાણવા માટે કમ્પ્યુટર ખોલીને બેસો તો કમ્પ્યુટર પર ઈન્ટરનેટ ઠપ્પ થઈ ગયું હોય. ધારો કે તમે એવું વિચારો કે ટીવી પર જોઈએ કે શું થયું છે? તમે ટીવી પર સમાચાર જોવાની કોશિશ કરો તો ટીવી પણ ચાલતું ન હોય. તમે ઘાંઘાવાંઘા થઈ જાઓ અને કોશિશ કરો કે શું થયું છે એ ગમે તે રીતે જાણી લઈએ, પરંતુ એ જાણવા માટે પણ તમારી પાસે કોઈ ઉપાય ન હોય. ધારો કે તમે ક્યાંક ખરીદી કરી હોય અને ‘જીપે’થી કે બીજી કોઈપણ એપથી પેમેન્ટ કરવાની કોશિશ કરો તો એ સિસ્ટમ (અને મોબાઈલ ફોન પણ) બંધ હોવાને કારણે તમે પેમેન્ટ પણ ન કરી શકો. ધારો કે તમે બેન્કમાં પૈસા કઢાવવા જાઓ તો બેન્કમાંથી પૈસા કઢાવી ન શકો, કારણ કે બેન્કનાં બધાં કમ્પ્યુટર પણ ઠપ્પ થઈ ગયાં હોય. ધારો કે તમે એરપોર્ટ પર ગયા તો ત્યાં પણ બધું ઠપ્પ થઈ ગયું હોય. ધારો કે સ્ટોક એક્સચેન્જમાં શેરોના ભાવ ગગડી રહ્યા હોય અને તમે સ્ટોપ લોસ મૂકવાનું ભૂલી ગયા હો અને ધડાધડ તમારા શેરોનો ધબડકો થઈ રહ્યો હોય અને તમને ખબર જ ન હોય! આ કલ્પના પણ પણ ધ્રુજાવી દે એવી છે ને? પણ ભવિષ્યમાં આ વાસ્તવિકતા બની શકે છે. હમણાં અમેરિકાએ આક્ષેપ કર્યો કે રશિયાએ સ્પેસમાં પરમાણુ શસ્ત્રો ગોઠવ્યાં હોવાની અમને શંકા છે એને કારણે અમે રશિયાના ‘કોસ્મોસ 2553 સેટેલાઈટ’ પર અમારા સેટેલાઈટ્સથી નજર રાખી રહ્યા છીએ. રશિયાએ અમેરિકાની આ શંકાને પાયાહીન ગણાવી છે, પરંતુ રશિયાની મેલી મથરાવટી જોતા તેણે સ્પેસમાં પરમાણુ શસ્ત્રો ગોઠવ્યાં હોય તો નવાઈ નહીં (અને અમેરિકા પણ રશિયાનું માથું ભાંગે એવું છે એટલે અમેરિકાએ પણ સ્પેસમાં પરમાણુ શસ્ત્રો મોકલાવી દીધાં હોય તો નવાઈ નહીં)! સ્પેસમાં શસ્ત્રોને લઈને છેલ્લાં કેટલાંક વર્ષોથી આખી દુનિયામાં ચિંતા વધી રહી છે. 1967માં થયેલી ‘આઉટર સ્પેસ ટ્રીટી’ હેઠળ સ્પેસમાં પરમાણુ શસ્ત્રો (કે સામૂહિક વિનાશ કરે એવાં કોઈ પણ શસ્ત્રો) રાખવા પર પ્રતિબંધ છે. એ ટ્રીટીને (સમજૂતીને) રશિયા, અમેરિકા, ચીન સહિત 118 દેશોએ સ્વીકારી છે. એ ટ્રીટી અનુસાર સ્પેસમાં પરમાણુ હથિયાર મૂકવા એ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે, પણ રશિયા, અમેરિકા અને ચીન જેવા દેશોના માથાંફરેલા વડાઓ આંતરરાષ્ટ્રીય કાયદાને પગની જૂતીએ રાખીને વર્તે છે! અને આ ટ્રીટીનું પાલન થાય છે કે નહીં તે ચકાસવા માટે અસરકારક અને પ્રેક્ટિકલ રસ્તો નથી. રશિયા કહે છે કે અમે ‘કોસ્મોસ 2553’ સેટેલાઈટ સંશોધન માટે મોકલાવ્યો છે, પરંતુ અમેરિકાની ચિંતા એ છે કે રશિયાએ સંશોધનની આડમાં મોકલાવેલા સેટેલાઈટમાં પરમાણુ શસ્ત્રો અંતરિક્ષમાં મોકલાવ્યાં હોઈ શકે છે અને એવું બન્યું હોય તો રશિયા પૃથ્વીના કોઈ પણ શહેર કે દેશને નિશાન બનાવી શકે છે અને કદાચ રશિયા એવું ન કરે તો પણ અંતરિક્ષમાં પરમાણુ વિસ્ફોટનો ખતરો ઊભો રહે. અને એવું થાય તો કેટલાંય દેશોના સંખ્યાબંધ સેટેલાઇટ્સ નાશ પામે અને દુનિયાના અનેક દેશોની સંચાર વ્યવસ્થા પર અકલ્પ્ય અને ભયંકર પરિણામો લાવી શકે એવો ફટકો પડી શકે. ટૂંકમાં, આ લેખની શરૂઆતમાં કલ્પના કરી છે એવી સ્થિતિ વાસ્તવમાં સર્જાઈ શકે. જો અચાનક મોટી સંખ્યામાં સેટેલાઇટ્સ નાશ પામે કે નકામા થઈ જાય તો દૂરના વિસ્તારોમાં સંચાર મુશ્કેલ બની શકે, ઉપગ્રહ આધારિત ઇન્ટરનેટ સેવા ખોરવાઈ શકે, સૈન્ય અને સરકારી સંદેશાવ્યવહાર પર અસર થઈ શકે, પૂર કે ધરતીકંપ કે બીજી કોઈ હોનારતના સમયમાં રાહત વ્યવસ્થા પણ મુશ્કેલીમાં મુકાઈ શકે. બીજું પણ મોટું જોખમ એ છે કે કોઈ ટેકનિકલ ખામીથી અનાયાસે રશિયાના સેટેલાઈટમાં રખાયેલા પરમાણુ શસ્ત્રનો વિસ્ફોટ થઈ જાય અને અમેરિકાના સેટેલાઇટને નુકસાન પહોંચે તો અમેરિકા જેવો, પોતાને ‘જગત જમાદાર’ માનતો, દેશ એવું માની બેસે કે રશિયાએ અમારા સેટેલાઈટ પર હુમલો કર્યો છે તો તે વળતો જવાબ આપ્યા વિના ન રહે અને રશિયા એને યુદ્ધની શરૂઆત માને. એ પછી ખોટી માહિતી, ગેરસમજ અને ભયને કારણે સંઘર્ષ વધતો જાય અને એ ઘટના કદાચ ત્રીજા વિશ્વયુદ્ધ માટે નિમિત્ત બની જાય. આમ સ્પેસમાં થયેલી ઘટના પૃથ્વી પર યુદ્ધનું કારણ બની શકે. પરમાણુ વિસ્ફોટથી ઉપગ્રહોના વિશાળ સમૂહને નુકસાન થઈ શકે છે. એટલે કે કોઈ એક દેશને નિશાન બનાવીને કરવામાં આવેલી કાર્યવાહી આખા અંતરિક્ષના માળખાને અસર કરી શકે. એક દેશનો સેટેલાઈટ બીજા દેશના સેટેલાઇટની બાજુમાં, એ જ કક્ષામાં અથવા નજીકની કક્ષામાં હોઈ શકે છે એટલે અંતરિક્ષમાં પરમાણુ હથિયાર ગોઠવવાનું ગાંડપણ રશિયા માટે પણ (કે ફોર ધેટ મેટર, કોઈ પણ ખેપાની દેશ એવો જાકુબીનો ધંધો કરે તો એના પોતાના માટે પણ) જોખમી બની શકે છે કે જેમાં હુમલો કરનાર દેશની પોતાની જ સંચાર વ્યવસ્થા અને એ સેટેલાઈટ આધારિત તમામ સુવિધાઓ પણ જોખમમાં મુકાઈ જાય! પરંતુ એમાં પણ મોટું જોખમ છે. જો અમેરિકાનો કોઈ સેટેલાઈટ પરમાણુ શસ્ત્રો હોવાની શંકા છે એવા રશિયાના કોસ્મોસ 2553 કે બીજા કોઈ પણ સંવેદનશીલ સેટેલાઇટની ખૂબ નજીક જાય તો રશિયા એને જાસૂસી કે હુમલાની તૈયારી માની શકે. એટલે કે કોઈ પણ શંકાસ્પદ સેટેલાઈટને તપાસવા જવાની કોશિશ પણ આંતરરાષ્ટ્રીય તણાવ વધારી શકે છે. અમેરિકાએ રશિયાના સેટેલાઈટમાં પરમાણુ શસ્ત્રો ગોઠવ્યાં છે કે નહીં એની તપાસ કરવી હોય તો અમેરિકાએ જે ટેકનિક વિકસાવી છે એ ટેકનિક પ્રમાણે અમેરિકાના નાના સેટેલાઈટે રશિયાના શંકાસ્પદ સેટેલાઈટથી લગભગ ચાર કિલોમીટર દૂરથી ન્યુક્લિયર શસ્ત્રની ભાળ મેળવવી પડે. એ માટે એ સેટેલાઈટે રશિયાના શંકાસ્પદ સેટલાઈટ પાસે એક અઠવાડિયા સુધી રહેવું પડે. એટલે આ માત્ર રશિયા અને અમેરિકા વચ્ચેનો મામલો નથી. જો રશિયા, અમેરિકા, ચીન કે કોઈ પણ દેશ અંતરિક્ષમાં પરમાણુ હથિયાર ગોઠવે તો આખી દુનિયા પર જોખમ ઊભું થાય, કારણ કે સ્પેસમાં કોઈ સરહદ નથી. આજે રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ થઈ શકે છે. આવતીકાલે અન્ય મહાસત્તાઓ વચ્ચે પણ સ્પેસમાં સ્પર્ધા વધી શકે છે. જો એક દેશ પરમાણુ શસ્ત્ર ગોઠવે તો બીજા દેશો પણ પોતાની સુરક્ષા સામે જોખમ ગણીને સ્પેસમાં પરમાણુ શસ્ત્રો ગોઠવવા માંડે અને સ્પેસમાં પરમાણુ હથિયારો ગોઠવવાની સ્પર્ધા શરૂ થઈ જાય. પૃથ્વી પર તો ઓલરેડી પરમાણુ શસ્ત્રોની હોડને કારણે માનવજાત બીજા વિશ્વયુદ્ધના સમયથી (અમેરિકાએ નાગાસાકી અને હિરોશિમા પર અણુબોમ્બ ઝીંક્યા એ પછી) અદૃશ્ય ભય હેઠળ જીવી રહી છે. હવે જો એ જ હોડ અંતરિક્ષમાં શરૂ થશે તો તેની અસર વધુ ખતરનાક હોઈ શકે છે. માનવજાતે અંતરિક્ષમાં ઉપગ્રહો મોકલ્યા ત્યારે તેનો હેતુ હતો કે સંચાર સરળ બને, હવામાનની આગાહી સચોટ રીતે થઈ શકે, વૈજ્ઞાનિક સંશોધનને આગળ ધપાવી શકાય, પરંતુ આજના સમયમાં અંતરિક્ષ મહાસત્તાઓ વચ્ચેની નવી સ્પર્ધાનું મેદાન બની રહ્યું છે. ટૂંકમાં, ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’ એ કહેવત સાર્થક કરવાની દિશામાં માનવજાત ધસમસી રહી છે!
    Click here to Read More
    Previous Article
    આઝાદીના અમર વીર નાયક:સરદાર ઉધમસિંહ
    Next Article
    ઈમિગ્રેશન:J-1 કે H-1B વિઝા રિજેક્ટ થાય તો શું કરવું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment