Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઝાદીના અમર વીર નાયક:સરદાર ઉધમસિંહ

    11 hours ago

    ધારો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે, ‘શેરસિંહ હરનામકૌર ટહલસિંહ કોણ હતા?’ તો અચ્છા-ભલા તજજ્ઞો પણ માથું ખંજવાળવા લાગે એમાં મીનમેખ નથી, પરંતુ સીધેસીધો પ્રશ્ન એમ પૂછાય કે ‘સરદાર ઉધમસિંહ કોણ હતા?’ તો કોઈપણ હરખપદુડો સમજ્યા-વિચાર્યા વગર જવાબ આપી દે કે ‘હા, મને ખબર છે... એ તો જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે જવાબદાર જનરલ ડાયરને ગોળી ધરબી દેનાર વીરપુરુષ!’ તો સુજ્ઞ અભ્યાસુઓ, અહીં ભૂલ તમારા-મારા જેવા પેલા હરખપદુડાની જ થતી નથી, પણ ખાટલે મોટી ખોડ એ છે કે કૂવામાં હોય તો જ હવાડામાં પાણી આવે ને? મારા અંગત અભ્યાસ અનુસાર, સ્પર્ધાત્મક પરીક્ષા લેતા આયોગોએ અનેકવાર પ્રશ્ન ખોટો પૂછ્યો છે કે ‘જનરલ ડાયરની હત્યા કોણે કરી હતી?’ વિકલ્પમાં સરદાર ઉધમસિંહ હોય જ, પણ ‘નોટા’ (NOTA) વિકલ્પ ન હોય! ભલું થજો ‘નેશનલ બુક ટ્રસ્ટ’નું... તે પુસ્તકમાં બ્રિગેડિયર જનરલ રેજીનાલ્ડ ડાયર અને માઈકલ ઓ’ડવાયરની તસવીરો પ્રકાશિત કરીને સત્ય વિવરણ રજૂ થયું હતું. ત્યારબાદ ‘સફારી’ સામયિકમાં પણ ઉપરોક્ત ખુલાસો વાંચેલો હોવાનું લખનારને સજાગપણે યાદ છે! પણ હજુ કેટલાક ખાનગી પ્રકાશનો તો જનરલ ડાયરને સરદાર ઉધમસિંહના ગોળીબારમાં મર્યો હોવાનું દર્શાવી રહ્યા છે! આપણે હજુ ભૂલ સુધારવા તૈયાર નથી; પછી ભલે તે વિદ્યાર્થી વર્ગ હોય, શિક્ષક વર્ગ હોય કે પાઠ્યપુસ્તકો લખતા સંશોધકો હોય! મૂળ વાત પર આવીએ... દેશને આઝાદ કરવા દરેક ધર્મ-કોમના વીરો પ્રયાસો કરી રહ્યા હતા, ત્યારે ક્રૂર અંગ્રેજ સરકાર ‘રોલેટ એક્ટ’ નામનો કાળો કાયદો બનાવી વિના વોરંટ ધરપકડ કરતી અને અમાનુષી અત્યાચાર આચરતી. તે કાળા કાયદાનો વિરોધ કરવા પંજાબના અમૃતસર ખાતે આવેલ ‘જલિયાંવાલા બાગ’માં 10-04-1919ના રોજ સત્યપાલ અને સૈફઉદ્દીન કીચલૂની કરેલી ધરપકડના શાંત વિરોધમાં 13-04-1919ના રોજ જંગી સભા ભરાઈ હતી. ક્રાંતિકારી નેતા લાલા હંસરાજ ભાષણ કરી રહ્યા હતા, ત્યારે મિલિટરી ઑફિસર બ્રિગેડિયર જનરલ રેજીનાલ્ડ ડાયર તેની ટુકડી સાથે આવ્યો અને પૂર્વ ચેતવણી વગર શાંત શ્રોતાઓ પર આડેધડ ગોળીબાર શરૂ કર્યો. અંધાધૂંધી અને નાસભાગમાં 1500થી વધુ માણસો અપમૃત્યુ પામ્યા. ત્યાં જળપાન કરાવવા નજીકના અનાથગૃહમાંથી લવાયેલા કિશોરો પૈકી, નજરોનજર હત્યાકાંડ જોયેલા સરદાર ઉધમસિંહે તે ભૂમિની માટી મસ્તક પર ચડાવીને પ્રણ લીધું કે ‘આ જઘન્ય હત્યાકાંડ માટે જવાબદાર વ્યક્તિની હું હત્યા કરીને જ જંપીશ!’ સુનામ શહેરમાં 26-12-1899ના રોજ ટહેલસિંહ અને હરનામકૌરના ગૃહે જન્મેલા બાળકનાં પિતા-માતાનું નાની વયે નિધન થતાં, તેમને અનાથગૃહમાં મોકલવામાં આવ્યા. ત્યાં તેમનું નામ ‘ઉધમસિંહ’ રખાયું. પ્રણ અનુસાર જલિયાંવાલા બાગના હત્યારાને હણવા તેમણે તૈયારીઓ શરૂ કરી. 1919માં અનાથગૃહ છોડી, ભગતસિંહથી પ્રભાવિત થઈ આઝાદીની લડતમાં જોડાયા. 1924માં વિદેશ જઈ ગદર પાર્ટીના સભ્ય બન્યા. જેલજીવન દરમિયાન તેમણે ‘રામ મોહમ્મદ સિંહ આઝાદ’ નામ ધારણ કર્યું હતું. 1927માં જનરલ ડાયર 63 વર્ષની ઉંમરે બીમારીથી મૃત્યુ પામ્યો. મૂળ આદેશદાતાને હણવા 1934માં ઉધમસિંહ લંડન પહોંચ્યા અને એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. 13-03-1940ના રોજ લંડનના કેક્સ્ટન હોલમાં સભા ભરાઈ હતી. પંજાબના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર સર માઈકલ ઓ'ડવાયર વક્તવ્ય આપીને નીચે ઊતરતા હતા, ત્યારે દળદાર પુસ્તકને કોતરીને સંતાડેલી રિવોલ્વર વડે સરદાર ઉધમસિંહે તેને વીંધી નાખ્યો. 04-06-1940ના રોજ ફાંસીની સજા જાહેર થઈ અને 31-07-1940ના રોજ પેન્ટનવિલે જેલમાં ફાંસી આપાઈ. સામી છાતીએ ઘા કરનાર વીરપુરુષના ચોમેરથી વખાણ થયા. 1974માં બ્રિટિશ સરકારે ઉધમસિંહના અવશેષ ભારત સરકારને સોંપ્યા, જેમાંથી થોડાક સતલજમાં પધરાવાયા અને બાકીના જલિયાંવાલા બાગમાં રખાયા. કેસની સુનાવણી દરમિયાન મહિલાઓ પર હુમલો ન કરવાનું કારણ પૂછતાં ઉધમસિંહનો ઉત્તર હતો: ‘અમારી ભારતીય સંસ્કૃતિમાં મહિલા પરનો હુમલો એ હીન કૃત્ય છે!’ આજે પણ સુનામ ‘સુનામ ઉધમસિંહવાલા’ કહેવાય છે અને 31 જુલાઈએ પંજાબ-હરિયાણામાં જાહેર રજા રાખવામાં આવે છે. – જિતેન્દ્ર એમ. ટાંક
    Click here to Read More
    Previous Article
    બુધવારની બપોરે:છત્રી-રેઇનકોટ કાઢવાનાં કે નહિ?
    Next Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:વિનાશકાળે વિપરીત બુદ્ધિ!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment