Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહજ સંવાદ:લોકતંત્રમાં ‘અરાજકતાનું વ્યાકરણ’ ચાલતું રહેશે?

    1 day ago

    શું આમરણ અનશન સાર્વજનિક જીવનમાં પોતાની માગણીને માટેનો ઉચિત ઉપાય ગણી શકાય? 1950માં ભારતીય સંવિધાન પ્રસ્તુતિના સમયે ડૉ. ભીમરાવ આંબેડકરે લોકશાહીમાં આ પ્રકારની પદ્ધતિઓ- બંધ, ઘેરાવ, ધરણા, ઉપવાસ વગેરેને ‘ગેરબંધારણીય અરાજકતાનું વ્યાકરણ’ ગણાવીને તેને સદંતર બંધ કરવા જણાવ્યું હતું. તેના થોડાંક વર્ષ પહેલાં 1947માં ગાંધીજીએ દિલ્હીમાં આમરણ અનશન જાહેર કર્યા હતા. જોકે, તેનો હેતુ દિલ્હીમાં હિન્દુ-મુસ્લિમ હિંસાચાર બંધ થાય તે માટેનો હતો. તે પહેલાં આગાખાન મહેલમાં કેદી તરીકે મતદાર અનામત સંઘ વિશે પણ ઉપવાસ કર્યા હતા. તે છોડાવવા માટે આંબેડકર મળ્યા હતા અને પારણા કરાવ્યા હતા. સ્વતંત્રતા પછી, સૌથી મોટો સવાલ એ જ થયો હતો કે વિચારોની સ્વતંત્રતાનો કેવો અને કેટલો ઉપયોગ કરવો દેશના હિતમાં છે? એટલે બંધારણ અમલમાં આવ્યું ત્યારે જ પહેલું ઘમાસાણ આવા સંવિધાન-સુધારા માટે થયું હતું. 1950થી અત્યાર સુધીમાં ઘણાં આંદોલનો થયાં. એક વાર શંકરાચાર્ય ગોવધ વિરોધી આંદોલનમાં અનશન પર ઉતર્યા હતા. આંધ્રમાં રાજકીય નેતા રામુલુ આમરણ અનશનમાં મૃત્યુ પામ્યા હતા. દેશમાં મિસા કાનૂનના દુરુપયોગની સામે મોરારજીભાઈ દિલ્હીમાં અનશન પર ઉતર્યા હતા, તે પહેલાં મહાગુજરાત આંદોલન દરમિયાન હિંસા બંધ કરાવવા મોરારજીભાઈ અમદાવાદમાં ઉપવાસ પર ઉતર્યા હતા. એમ તો આંદોલનના સત્યાગ્રહીઓ પણ છાવણી નાખીને આવા પ્રયોગો કરતા. પરંતુ આ બધા અનશનનો શુભ અંત લીંબુ પાણીથી પારણામાં જ આવ્યો. જૂન-જુલાઈમાં વળી વાંગચૂકે અનશન શરૂ કર્યા. જંતરમંતર આવાં આંદોલનોનો મંચ છે. અમદાવાદમાં અગાઉ ભદ્રના કોંગ્રેસ હાઉસ અને ઈન્કમટેક્સની ગાંધી પ્રતિમા પાસે આવાં આંદોલનો યોજાતાં, જે આજકાલ તે જગ્યાઓથી મુક્ત છે. ગાંધીનગરમાં સેક્ટર-5ની એવી એક ખુલ્લી જગ્યા છે, જ્યાં આંદોલનકારી છાવણી દેખાતી રહી છે. કોકરોચનું આંદોલન ચાલુ રહ્યું, પણ મૂળ મુદ્દાને બાજુ પર રાખીને બીજાં તિકડમ શરૂ થયાં. કોંગ્રેસે તો નવો પ્રયોગ કર્યો, જંતરમંતરને બદલે વડાપ્રધાન નિવાસની પાસે ધરણા (અનશન નહિ) આદર્યા, તેમાં સમાજવાદી નેતા અખિલેશ જોડાયા હતા. આ આંદોલન મુખ્યત્વે તો નીટ (NEET) પરીક્ષાની ઘોર અવ્યવસ્થાના વિરોધ માટે હતું. શિક્ષણ અને પરીક્ષાઓ યુવાવર્ગને અસર કરે છે, તેને માટે છેક અમેરિકાથી કોઈ નેતાગીરી કરવા આવે તે નવાઈની અને આશંકા પેદા કરે તેવી ઘટના હતી. વિદ્યાર્થી કોણ અને ઈતર યુવકો કોણ એ તારવવું મુશ્કેલ હતું. પોલીસે તો જેમને પકડ્યા તેમાંના મોટા ભાગના વિદ્યાર્થી નહોતા તેવી જાહેર માહિતી પણ આપી, પણ એક તરફ પથ્થરબાજી, વાહનોને આગ લગાડવી, બેરિકેડ તોડી પાડવા વગેરે થયું; બીજી તરફ પોલીસે લાઠીચાર્જ કર્યો. બંને તરફ ઘાયલ થયા તેની ગંભીરતા સમજવા જેવી છે. આંબેડકર તો લોકતંત્રના આદર્શના વિદ્વાન હતા, તેમણે માત્ર આગ્રહ રાખ્યો હતો કે હવે લોકતંત્ર છે, તેમાં આવા રસ્તાઓની જરૂર નથી, મંત્રણા અને વાતચીત જેવા માર્ગેથી કોઈ પણ સમસ્યા હલ થઈ શકે છે. પણ આ તો આદર્શ થયો, દેશમાં એક બાજુ સત્તાધારીઓ અને બીજી તરફ વિરોધી આંદોલનકારો - એવી છાવણી પડી ગઈ. ગઈકાલે જે સત્તા પર હતા તે હવે વિરોધ પક્ષે છે. તેમણે પણ તેવાં જ આંદોલનો ચાલુ રાખ્યાં. છેલ્લો નમૂનો લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નિવાસ પાસે ધરણા કર્યા તેનો છે. સમાજવાદી સાથે રહ્યા, પણ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું કે આંદોલનમાં ભાગલા પાડવા માટે, જંતરમંતર પર બેઠેલા યુવકોની સાથે થવાને બદલે આવો અલગ કાર્યક્રમ કરવાની જરૂરત ક્યાં હતી? એ પ્રસંગે એક દૃશ્ય એવું જોવા મળ્યું કે અખિલેશ તો માની ગયા, પણ રાહુલે ઈનકાર કર્યો અને અસલ આંદોલનકારીની જેમ જમીન પર સૂઈ ગયા. પોલીસે ભારે પરિશ્રમ અને બળજબરી વિના તેમને ઊંચકીને પોલીસ-બસમાં બેસાડવા પડ્યા. આવાં દૃશ્યો સામાન્ય બની ગયાં છે, તેનું એક કારણ મીડિયા અને કેમેરાધારીઓ હોય છે. લોકોને ખબર પડે તે માટે હવે તો સોશિયલ મીડિયા વધુ સક્રિય છે, પણ અખબાર અને ટીવી વિના કેમ ચાલે? રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ મૂકેલી માગણીઓની કેટલીક સ્વીકારી હતી. તેમાં સંમત થઈને સહજભાવે ઊભા થઈ, વાન તરફ ચાલીને (એવું અખિલેશ યાદવે કર્યું) ધરપકડ વહોરી લીધી હોત તો વિપક્ષી નેતાના વ્યવહારનું સૌજન્ય વખણાયું હોત. મને 1968ની એક ઘટનાનું સ્મરણ થયું, જેનો હું સાક્ષી હતો. કચ્છમાં છાડબેટ પાકિસ્તાનને સોંપી દેવા સામે કચ્છ સત્યાગ્રહ થયો, તેમાં તે સમયના તમામ વિરોધ પક્ષોના નેતાઓ જોડાયા હતા. કચ્છના છેવાડે આવેલા ખાવડાથી પાકિસ્તાની સરહદ સુધીનો સત્યાગ્રહ હતો. સરકાર અને સત્યાગ્રહીઓ બધા જ જાણતા હતા કે ત્યાં સુધી જવાનું શક્ય જ નથી (જોકે જ્યોર્જ ફર્નાન્ડિઝ અને તેમના સાથીદારોએ બીજા રસ્તે રણમાં નીકળીને એવો પ્રયોગ કર્યો હતો). એટલે ખાવડામાં સત્યાગ્રહ થાય, પોલીસ પકડી લે, ભુજની જેલમાં એક દિવસ રાખે - તેવો ક્રમ રહ્યો. બેરિસ્ટર નાથ પાઈ, અટલબિહારી વાજપેયી, મધુ દંડવતે, મહારાજ કુમાર હિંમતસિંહ, જગન્નાથરાવ જોશી, કેશુભાઈ પટેલ, સનત મહેતા વગેરેએ તો તેમ કર્યું, પોલીસને પકડવામાં કોઈ મુશ્કેલી પડી નહિ. પણ પ્રથમ સત્યાગ્રહી તો હતા સમાજવાદી નેતા રાજનારાયણ! જેવો પ્રચંડ દેહ, એવો જ વ્યવહાર! મેદાનમાં એ તો ચત્તાપાટ સૂઈ ગયા! અને ભાષણ કરવા માંડ્યા! આ દેશી ભાષણથી પોલીસ મૂંઝાઈ ગઈ. ઉપરથી આદેશ હતો એટલે માંડ માંડ ઊંચકીને વાન સુધી લઈ જવામાં સૌને પરસેવો વળી ગયો! રાહુલની પૂર્વે ગાંધી-નેહરુ પરિવારે સ્વાતંત્ર્ય આંદોલનમાં તો ભાગ લીધો હતો, પણ આવું દૃશ્ય સર્જાયું હશે? સંશોધનનો વિષય છે. સંસદમાં અગાઉ અન્ય વિપક્ષ નેતાએ આવો ઈતિહાસ રચ્યો હતો? તે પણ એક રસપ્રદ વિષય!
    Click here to Read More
    Previous Article
    આજ-કાલ:સદાશિવ બર્વે: ડૂબતા પુણેને તારનારા સંકટમોચક
    Next Article
    ઓક્સિજન:પરજા તંતર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment