Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજ-કાલ:સદાશિવ બર્વે: ડૂબતા પુણેને તારનારા સંકટમોચક

    एक दिन पहले

    કુદરતી આફતો અક્ષરશ: કુદરતનો પ્રકોપ નથી જ. એના માટે માનવજાતની લાલચ, બેદરકારી અને બેવકૂફી સરખે ભાગે ગુનેગાર છે. આ સિવાય આપદા સમયે આપત્તિ વ્યવસ્થાપને ચાવીરૂપ ભૂમિકા ભજવવાની હોય, જેમાં ઘણા અમલદારો ઊણા ઊતરે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એક નામ યાદ આવે: સદાશિવ ગોવિંદ બર્વે. એમની કદરરૂપે પુણેકરોએ મોડર્ન કેફેના ચોકનું નામકરણ ‘સ. ગો. બર્વે ચોક’ કર્યું. આજકાલ તો અમલદારો આવે ને જાય. કોઈ માલ બનાવે તો કોઈ બદનામ થઈને જાય. આવામાં બર્વેભાઉએ એવું તે વળી કયું તીર માર્યું હતું? 12 જુલાઈ, 1961ની સવારે 5:30 વાગ્યે પુણેથી લગભગ 50 કિમી દક્ષિણ-પશ્ચિમે અંબી નદી પર બનેલા પાનશેટ ડેમ દ્વારા તાનાજી સાગર જળાશયમાં ન થવાનું થયું. છત્રપતિ શિવાજી મહારાજના બહાદુર સુબેદાર અને સિંહગઢના યુદ્ધના નાયક તાનાજી માલુસરે (હા, અજય દેવગનની ‘તાનાજી’ના રિયલ લાઈફ હીરો)ની યાદમાં આ જળાશયને ‘તાનાજી સાગર’ નામ આપવામાં આવ્યું હતું. તે સમયે આ ડેમ નવોસવો જ હતો. ભારે વરસાદને કારણે જળસ્તર ખૂબ વધી ગયું હતું. તે સમયે સ્ટીલની અછતના કારણે ડેમની દીવાલના અમુક ભાગોમાં રિઇન્ફોર્સ્ડ સિમેન્ટ કોંક્રીટ (RCC)ને બદલે સામાન્ય કોંક્રીટનો ઉપયોગ થયો હતો. પાણીના ભારે દબાણથી એ દીવાલમાં ભંગાણ પડ્યું હતું. આ સાથે પાણીનો પ્રચંડ ધોધ સીધો મૂઠા નદીમાં ધસી ગયો. અને સવારના 10 વાગ્યા સુધીમાં તો પુણે શહેરના શનિવાર પેઠ, નારાયણ પેઠ, કસબા પેઠ અને સદાશિવ પેઠ જેવા નીચાણવાળા વિસ્તારોમાં તો 25-25 ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં હતાં. આ ભયાનક માનવસર્જિત અને કુદરતી આપત્તિમાં પ્રલયકારી પાણીના પ્રવાહો ઘરોમાં, આંગણાંઓમાં અને ગૌશાળાઓમાં તાંડવ મચાવી રહ્યા હતા. સેંકડો ઘરો ધ્વસ્ત, હજારો પરિવારો બેઘર. લોકો શરીર પરનાં કપડાં સિવાય કશું જ બચાવી શક્યાં નહીં. અરે, દુકાનો તો વહેતી થઈ ગઈ! આવા કપરા સમયે એક અધિકારી ગજબનાક ફરજનિષ્ઠા, અસાધારણ હિંમત અને અનન્ય કુનેહ સાથે આ સંકટ સામે 56 પ્લસની છાતી સાથે ઊભા રહ્યા. યોગાનુયોગે સ. ગો. બર્વેને મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી યશવંતરાવ ચવ્હાણે એ જ દિવસે શહેરનું નેતૃત્વ સોંપ્યું. આ અધિકારી પોતાની અસાધારણ કાર્યક્ષમતા માટે જાણીતા હોવાથી ચવ્હાણે તેમની પસંદગી કરી હતી. અને પૂર આવ્યા પછીના બીજા જ દિવસથી બર્વે સતત અઢી મહિના સુધી ઓફિસમાં જ રહ્યા હતા. તેમણે શું કર્યું? પ્રથમ ચાર દિવસમાં જ વીજળી અને પાણી પુરવઠો ફરીથી નિયમિત. બે અઠવાડિયાંની અંદર ત્રણ લાખ લોકોને પ્રતિરોધક રસી સાથે આરોગ્યસેવા અપાઈ. 100 કેન્દ્રોમાં 36,000 નાગરિકોને આશ્રય અપાયો. મોટા પાયે અતિ અનિવાર્ય એવું પુનર્વસનની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાવી. આ સાથે લોકમાન્ય નગર, રાજેન્દ્ર નગરના નિસાન હટ્સ, દત્તવાડી, પાર્વતી અને ગોખલે નગર જેવા વિસ્તારોમાં રહેણાંક ગાળા બાંધવાની ઝુંબેશ શરૂ કરી. આજના સહકારનગર વિસ્તાર સુધી પુણેકરો વસાવ્યા. સ્વાભાવિક છે કે પુણે શહેર સાથે તેમનો અતૂટ સંબંધ બંધાઈ ગયો, જેની સાક્ષી આજેય ‘સ. ગો. બર્વે ચોક’ પુરાવે છે. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કરીને ભારતીય સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી 1936માં ભારત આવી વહીવટી સેવામાં જોડાયા. અમદાવાદ, ધારવાડ અને પુણેમાં કલેક્ટર તરીકે સેવા આપી. 1947માં પુણેના જિલ્લા કલેક્ટર, તો 1949થી પુણે મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે શહેરના આધુનિક વિકાસનો પાયો નાખ્યો. રસ્તાઓ, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, બગીચા, હોસ્પિટલો અને નગર આયોજનમાં અનેક સુધારા અમલમાં મૂક્યા. 1961ની પાનશેટ દુર્ઘટનામાં બર્વેએ આપત્તિને માત્ર નિયંત્રિત જ ન કરી, પરંતુ શહેરના પુનર્નિર્માણને પણ નવી દિશા આપી. તેમનો સન્માનપૂર્વક ‘આદર્શ સંકટ વ્યવસ્થાપક’ તરીકે આજેય ઉલ્લેખ થાય છે. ઝડપી નિર્ણયક્ષમતા, શિસ્ત, પારદર્શિતા અને સંકટ વ્યવસ્થાપનમાં અસાધારણ કુશળતાને યશવંતરાવ ચવ્હાણ ભૂલ્યા નહીં. ચવ્હાણના આગ્રહને માન આપીને મહારાષ્ટ્રના સૌથી દૂરંદેશી અને લોકકેન્દ્રિત વહીવટી અધિકારીઓમાંના એક એવા બર્વેએ રાજકારણમાં પ્રવેશીને મહારાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. 1962માં કોંગ્રેસની ટિકિટ પર પુણેના શિવાજીનગર મતવિસ્તારમાંથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયા. પછી મહારાષ્ટ્ર સરકારમાં નાણામંત્રી અને પછી ઉદ્યોગમંત્રી બન્યા. તેઓ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC)ના મુખ્ય શિલ્પીઓમાં ગણાય છે. આવા બર્વે વિશે ઘણા કહેતા કે તેઓ માત્ર સારા અધિકારી નહોતા, પરંતુ સંકટના સમયમાં નેતૃત્વ શું હોય તેનું ઉદાહરણ હતા. ઈશ્વરે આવા માનવી બનાવવાનું કેમ બંધ કરી દીધું હશે? ઓનલાઈન-ઓફલાઈન (કુદરતી આપદા સામેની) તૈયારીનો શ્રેષ્ઠ સમય ગઈકાલે હતો; બીજો શ્રેષ્ઠ સમય આજે છે.- ચીની કહેવત
    Click here to Read More
    Previous Article
    ક્રાઈમ સિક્રેટ:આઠ વર્ષે એણે ગુનો ના કબૂલ્યો, દિમાગે કબૂલી લીધો!
    Next Article
    સહજ સંવાદ:લોકતંત્રમાં ‘અરાજકતાનું વ્યાકરણ’ ચાલતું રહેશે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment