Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રાઈમ સિક્રેટ:આઠ વર્ષે એણે ગુનો ના કબૂલ્યો, દિમાગે કબૂલી લીધો!

    1 day ago

    રાજ ભાસ્કર રા જસ્થાનના અલવર પાસે આવેલા ટપુકડા ગામમાં રહેતો 22 વર્ષનો યુવાન કમલ સિંગલા અને 20 વર્ષની શકુંતલા પ્રેમમાં પડ્યાં. પણ બધાને ખબર પડી જતાં 8મી ફેબ્રુઆરી-2011ના રોજ શકુંતલાનાં લગ્ન દિલ્હી પાસેના સમાલખાના રહેવાસી રવિ સાથે કરી દેવાયાં. એકાદ મહિના બાદ કમલ અને શકુંતલાએ રવિના મર્ડરનો પ્લાન બનાવ્યો. એક દિવસ શકુંતલા રવિને લઈને બહેનના ઘરે જવા નીકળી. આયોજન મુજબ કમલે એમને લિફ્ટ આપી અને પછી આગળ લઈ જઈને કમલ અને એના મિત્રએ રવિને કન્સ્ટ્રક્શન સાઈટ પર ખાડો ખોદીને દફનાવી દીધો. એ પછી શકુંતલા એકલી સાસરીમાં પાછી આવી અને કહ્યું કે ‘રવિ મને બહેનના ઘરે મૂકીને ગયા એ ગયા. પછી પાછા જ ના આવ્યા. ફોન પણ નથી લાગતો.’ શોધખોળ બાદ એ ના મળતાં બીજા દિવસે પોલીસને જાણ કરી. પોલીસે શકુંતલાની પૂછપરછ કરી. પોલીસે એ પછીય ઘણાં લોકોની પૂછપરછ કરી, પણ કોઈ પાસેથી કંઈ નક્કર બાબત જાણવા ના મળી. છ મહિના વીતી ગયા. રવિના પિતા જયભગવાન રોજેરોજ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ ખાઈને કંટાળી ગયા હતા, એટલે જુલાઈ-2011માં તેમણે કોર્ટના દરવાજા ખખડાવ્યા. મામલાની ગંભીરતા જોઈને ઓક્ટોબર-2011માં કોર્ટે આ કેસ દિલ્હી ક્રાઈમ બ્રાંચને સોંપી દેવાનો હુકમ કર્યો. આ દરમિયાન શકુંતલા થોડા દિવસ પિયરમાં ટપુકડા આવી ગઈ હતી. બંને કેસ ઢીલા પડવાની રાહ જોઈ રહ્યાં હતાં. પણ કેસ તો વધુ ઉછળ્યો. ક્રાઈમ બ્રાંચને સમાચાર મળ્યા કે શકુંતલાને લગ્ન પહેલાં એના જ ગામના કમલ નામના યુવાન સાથે પ્રેમ હતો. આથી પોલીસે બંનેને બોલાવીને પૂછપરછ કરી. બંનેનો એક જ જવાબ હતો કે ‘એ અમારું ગાંડપણ હતું. હવે અમારી વચ્ચે કંઈ જ નથી.’ આ બંને પ્રેમીઓ કોઈને શંકા ના જાય એવી રીતે જ રહ્યાં હતાં. એટલે ગામનાં લોકોએ પણ એ જ નિવેદન આપ્યું કે બંને વચ્ચે હવે કંઈ નથી. કમલનો પ્લાન સક્સેસ થઈ રહ્યો હતો. વરસ વીતવા લાગ્યાં, પણ કંઈ નક્કર મળતું નહોતું. આમ ને આમ આઠ વર્ષ વીતી ગયાં. રવિનો પતો ના લાગ્યો. હવે તો એના પિતા પણ હારી ચૂક્યા હતા અને અન્ય લોકોય ઘટના ભૂલી ગયાં હતાં. કમલ અને શકુંતલા પોતાના પરફેક્ટ મર્ડર પ્લાનિંગ માટે પોરસાઈ રહ્યાં હતાં. એમને હતું કે અમે કેવું દિમાગ વાપર્યું કે ક્રાઈમ બ્રાંચ પણ અમને પકડી ના શકી! પણ તેમને અંદાજ નહોતો કે ક્રાઈમ બ્રાંચ કોઈ પણ કેસને કદી એમ જ પડતો ના મૂકે. આ આઠ વર્ષમાં ક્રાઈમ બ્રાંચને રવિના ગુમ થવા પાછળ કોઈ એક પણ સુરાગ મળ્યો નહોતો, પણ તેમનો અનુભવ કહેતો હતો કે આ કેસમાં શકુંતલા અને કમલ 100 ટકા ઈન્વોલ્વ છે, બસ તેમના વિરુદ્ધ પુરાવા નથી. આ પુરાવા એકઠા કરવા માટે જ ક્રાઈમ બ્રાંચે સિવિલ ડ્રેસમાં કેટલાક કોન્સ્ટેબલોને કમલ અને શકુંતલા પર નિગરાની રાખવા માટે ગામ ટપુકડાની આસપાસ ગોઠવી દીધા હતા. કમલ અને શકુંતલા ચોરી-છૂપી મળતાં હતાં એ વાત તેઓ ગામ લોકોથી તો છુપાવી શક્યાં હતાં, પણ ક્રાઈમ બ્રાંચથી ના છુપાવી શક્યાં. સાથે સાથે કમલનો મિત્ર ગણેશ પણ તેમાં સંડોવાયો હોવાની વાત સામે આવી. પરંતુ પરફેક્ટ પુરાવા માટે ક્રાઈમ બ્રાંચે એક નવો રસ્તો અપનાવ્યો અને કોર્ટ પાસે કમલ અને ગણેશના બ્રેઈન મેપિંગની પરવાનગી માગી. કેસની ગંભીરતા જોઈને કોર્ટે પરવાનગી આપી દીધી. એ પછી પોલીસ આ બંનેને લઈને ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવ્યા અને ત્યાંની ફોરેન્સિક લેબમાં કમલ અને ગણેશનું બ્રેઈન મેપિંગ થયું. એ સાથે જ ખેલ ખતમ થઈ ગયો! જે વાત આઠ-આઠ વર્ષથી જીભ નહોતી કબૂલતી, એ વાત દિમાગે એક જ સેકન્ડમાં કબૂલી લીધી. આખરે દિમાગે સાચું બોલી જ દીધું કે હત્યા એણે જ કરી છે. પરંતુ બ્રેઈન મેપિંગ ટેસ્ટ લીધા પછી એનો રિપોર્ટ ઘણા દિવસે આવ્યો હતો. એ દરમિયાન શકુંતલા ઘર છોડીને ગાયબ થઈ ગઈ હતી. અને ટેસ્ટ પછી ફસાઈ ગયાનો અંદાજ આવતા કમલ અને ગણેશ પણ ભાગી ગયા હતા. પરંતુ ત્રણેય બહુ દૂર ભાગી શક્યાં નહીં. પહેલાં ગણેશ રાજસ્થાનમાંથી ઝડપાયો અને પછી કમલ બિહારથી. આ બંનેએ ગુનો કબૂલ કરી લીધો અને જ્યાં લાશ દાટી હતી એ સ્થાન પણ બતાવી દીધું. ત્યાં ખોદકામ કરાવવામાં આવ્યું. ખાડામાંથી 25 હાડકાં મળ્યાં. ડીએનએ (DNA) ટેસ્ટથી એ સાબિત પણ થઈ ગયું કે હાડકાં રવિનાં જ હતાં. દરમિયાન સ્પેશિયલ ઓપરેશન કરીને શકુંતલાને પણ અલવર જિલ્લાના એક અંતરિયાળ વિસ્તારમાંથી પકડી લેવામાં આવી. ત્રણેય પર કેસ ચાલ્યો અને હાલ આ ત્રણેય હત્યાના ગુના સબબ અલવરની જેલમાં છે. બ્રેઈન મેપિંગ જેવી ટેક્નોલોજીને કારણે આરોપી જેલમાં ધકેલાયો હોય એવો આ અનોખો કિસ્સો આજેય દિલ, દિમાગ અને દગાની કહાની તરીકે ક્રાઈમના ચોપડે નોંધાયેલો છે.
    Click here to Read More
    Previous Article
    શહેરોને સ્માર્ટ કઈ રીતે ગણવા?:અમદાવાદ-સુરત-મુંબઈ જેવાં મહાનગરો વરસાદમાં થંભી જાય તો પછી
    Next Article
    આજ-કાલ:સદાશિવ બર્વે: ડૂબતા પુણેને તારનારા સંકટમોચક

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment