Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરોને સ્માર્ટ કઈ રીતે ગણવા?:અમદાવાદ-સુરત-મુંબઈ જેવાં મહાનગરો વરસાદમાં થંભી જાય તો પછી

    1 day ago

    પહેલાં સુરત, પછી અમદાવાદ અને આ છપાશે ત્યાં સુધીમાં વળી ત્રીજું કોઈ શહેર વરસાદી પાણીથી ઠપ્પ થયું હશે. ભારતમાં છેલ્લા દાયકાથી શહેરોને સ્માર્ટ કહેવાની પ્રથા શરૂ થઈ છે, પણ એ શહેરોની સ્માર્ટનેસ બે-ચાર ઈંચ વરસાદમાં ધોવાઈ જાય છે. અમદાવાદમાં 23મી જુલાઈએ પડ્યો એવો આઠ-દસ ઈંચ વરસાદ પડે તો લગભગ આખું શહેર અટકી પડે છે. વરસાદી પાણી ભરાયું ન હોય એવા રસ્તા શોધવા મુશ્કેલ છે. બે-ચાર ઇંચ પછીય ચાલુ હોય એવો અન્ડરબ્રિજ શોધવો મુશ્કેલ છે. ચોમાસા પહેલાં જે રસ્તાનું કામ, બાંધકામ પૂરું થવાનું હોય એ ખરેખર પૂરું થયું હોય એવો કિસ્સો શોધવો પણ મુશ્કેલ છે. બીજી તરફ ઘર નજીક પ્લાસ્ટિકનો કચરો નાંખી ગટરનાં ઢાંકણાં બંધ કરી ન દેતા હોય એવા નાગરિકો શોધવા મુશ્કેલ થતા જાય છે. જે ભાગ વાહનોની અને વરસાદ ટાણે પાણીની અવરજવર માટે ખુલ્લો રાખવાનો હોય એને ખુલ્લો રાખનારા નાગરિકો શોધવા પણ મુશ્કેલ છે. સરકારી જગ્યામાં સોસાયટીનું બાંધકામ કરી, પાણી વહી જવાનો માર્ગ રોક્યો ન હોય એવી સોસાયટીઓ પણ મુશ્કેલીથી મળે છે. ત્રીજી તરફ લોકોની વિચારધારા એવી ઉચ્ચ કક્ષાની છે કે જ્યાં સૌથી વધુ પાણી ભરાવાનું હોય, સૌથી વધારે ટ્રાફિક થવાનો હોય એવા વિસ્તારમાં જમીન-મકાનના ઊંચા ભાવ હોવા એ ગૌરવની વાત ગણાય છે. અમદાવાદ સહિતનાં શહેરોમાં એવા ઘણાય વિસ્તારો છે, જે પોશ ગણાય છે. પોશ ગણાય એટલે ત્યાં સારી સુવિધા હોય, વધુ વૃક્ષો હોય, રસ્તા પહોળા હોય... એવું બધું? ના પોશ એટલે એવો વિસ્તાર જ્યાં ઊંચી બિલ્ડિંગો હોય પણ પાર્કિંગમાં પાણી ભરાય તો નિકાલ ન થઈ શકે. પોશ એટલે એવો વિસ્તાર કે જ્યાં સતત ટ્રાફિક જામ થતો હોય તો પણ મકાન-જમીન-દુકાનના ભાવ અકારણ ઊંચા હોય. પોશ એટલે એવો વિસ્તાર કે જ્યાં 50 લાખ કે તેનાથી વધારે કિંમતની કાર રસ્તા પર મૂકીને ચાલતા ઘરે જવું પડે. એવો વિસ્તાર પણ ખરો જ્યાં ટ્રાફિક રોકવા માટે દોરડા બાંધવા પડે અને ગટરનું ઢાંકણું ખુલ્લું મૂકી દીધા પછી લોકોને ખબર પડે એ માટે લીમડાની ડાળી ખોસવી પડે. ભારતનાં શહેરોની આ સ્થિતિ છે. આઈએએસ થઈને આવતા કમિશનરો કે ઊંચું ભણેલા એન્જિનિયરોને શહેરી આયોજન કેમ કરવું એ ખબર પડતી હોવાની વ્યાપક માન્યતા છે, પણ એ બધા અધિકારીઓ શિયાળામાં એવા જ બાંધકામ પ્લાન મંજૂર કરે છે, જ્યાં ચોમાસામાં પાણી ભરાય. બેશક, કેટલાક અધિકારીઓ દૂરંદેશી ધરાવતા હોય છે, પાણીના નિકાલ માટે રસ્તોય રાખે છે, પણ એવા અધિકારીઓ લઘુમતીમાં છે. બાકી તો સામાન્ય રાહદારીને સમજાય કે અહીં રસ્તાને સાંકડો કરી નાખતું બાંધકામ કરવાથી ચોમાસામાં પાણી ભરાશે, એ સમજણ ઊંચા અધિકારીઓને આવતી નથી. સ્થિતિ એવી સર્જાય છે કે ભારતનું દરેક મોટું નગર નિયમિત રીતે વરસાદથી ઠપ્પ થવા લાગ્યું છે. 2005માં મુંબઈ, 2015માં ચેન્નઈ, 2020 હૈદરાબાદ, 2022માં બેંગ્લુરુ, 2023 અને 2025માં દિલ્હી, 2025માં જ કોલકાતા, 2019 અને 2025માં વડોદરા… લિસ્ટ લાંબું થાય એમ છે. કોઈ મોટું શહેર પુરના પ્રકોપમાં ન આવ્યું હોય એવો કિસ્સો શોધ્યો જડે એમ નથી. પુરથી થયેલું આર્થિક નુકસાન 2025માં 8000 કરોડ ઉપર હતું. એ નુકસાન વળી એવું, જેની ગણતરી થઈ હોય. બાકી આપણું વાહન બગડી જાય, વીમો મંજૂર ન થાય અને એનું નુકસાન થાય એનો કોઈ હિસાબ નથી હોતો. ભારતમાં જળની જાળનું આર્થિક નુકસાન વધતું જાય છે. ભારતનાં શહેરો હવે પોતાનો ભાર ખમવા માટે અસક્ષમ થઈ રહ્યાં છે. ઉનાળે એટલી આકરી ગરમી હોય કે ઘર, ઓફિસ, કાર બધે એસીની જરૂર પડે. ચોતરફ ચાલતાં એસી સરવાળે હવામાં ગરમી ફેંકે અને પહેલેથી વધેલા તાપમાનમાં વૃદ્ધિ કરે. ચાર-છ-આઠ લાઈન ધરાવતા રસ્તા બની રહ્યા છે, બે-બે રેલવે ટ્રેક સમાંતર પથરાઈ રહ્યા છે, પણ પાણી આવે ત્યારે રેલવે સ્ટેશનો, ટ્રેક બધું ધોવાય છે. એટલે ટ્રેનો રદ કરવી પડે કે પછી ટૂંકાવવી પડે છે. શહેરમાં બાર-ચૌદ માળની બિલ્ડિંગ બને છે. બધી સુવિધા છે, પણ ત્યાં સુધી પહોંચતા રસ્તામાં ચોમાસે પાણી નહીં ભરાય એની કોઈ ખાતરી નથી. ઊંચી બિલ્ડિંગો પાર્કિંગ માટે પેટાળમાં જગ્યા આપે છે. એ વખતે જ સમજી જવું જોઈએ કે જો પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોય તો પેટાળ પાર્કિંગ સ્વિમિંગ પુલ બનશે અને પાંચ-પચ્ચા લાખની ગાડીઓ એમાં તરતાં રમકડાં. એટલે થયું છે એવું કે શહેરમાં રહેવા કરતાં લોકો શહેરથી દૂર અર્ધ શહેરી, ગ્રામીણ વિસ્તાર તરફ પ્રયાણ કરી રહ્યાં છે. અમદાવાદમાં જ એવાં અનેક લોકો મળી આવશે, જે અમદાવાદને બદલે ગાંધીનગરથી દૂર કે પછી નડિયાદ નજીક કે પછી સાણંદના પાદરમાં કે પછી શહેરથી 20-30 કિલોમીટર દૂર ક્યાંક રહેવાનું પસંદ કરે છે, કેમ કે શહેરમાં રહેતાં હોય તો પણ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા અડધીથી લઈને દોઢ કલાક લાગે છે, બહાર હોઈએ તો પણ સરેરાશ એટલો જ સમય લાગે. તો પછી શહેરમાં રહેવાનો ફાયદો શું? શહેરથી દૂર રહેવાની પ્રથા લોકોએ અપનાવી એમાં જ ભારતનો એક જાણીતો વિસ્તાર વિકસ્યો છે. એનું નામ ગ્રેટર નોઇડા. અલબત્ત, એટલો બધો વધારે વિકસી ગયો છે કે હવે ત્યાં પણ રહેવું મુશ્કેલ બન્યું છે. કોરોનાએ વર્ક ફ્રોમ હોમ નામની સુવિધા આપી. એ સુવિધા હવે લોકોને પુર જેવી આફત વખતે ઉપયોગી થઈ રહી છે. જેમને ઓફિસમાં આવવું અનિવાર્ય નથી એ બધાં શહેરોથી દૂર ભાગવાનું વલણ અપનાવી રહ્યાં છે. એ વલણ અપનાવવા જેવું જ છે, કેમ કે શહેરો હવે વધુ લોકોને સમાવવા માટે સક્ષમ નથી બની શકવાનાં, સરકાર ભલે કાગળ પર ગમે એટલી સ્માર્ટ યોજના તૈયાર કરે.
    Click here to Read More
    Previous Article
    નીલે ગગન કે તલે:જેસિકા
    Next Article
    ક્રાઈમ સિક્રેટ:આઠ વર્ષે એણે ગુનો ના કબૂલ્યો, દિમાગે કબૂલી લીધો!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment