Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓફબીટ:વરસાદના વતનમાં…

    1 day ago

    વરસાદ પૃથ્વીની તરસનું વતન છે. તરસ વર્તુળ પૂરું કરે છે. છાંટાઓ જોવાની નિરાંત બચી છે જ ક્યાં? વરસાદના થોડાક છાંટાઓ ખમી શકે એવું શરીરનું ડિવાઈસ પણ ક્યાં રહ્યું જ છે? વરસાદ આવે એ બધાંને ગમે. બાળપણમાં સ્કૂલે જવાના સમયે વરસાદ પડે તો આપોઆપ રજા પડી જતી. સ્કૂલેથી પાછાં આવવાના સમયે વરસાદ આવે તો બહુ જ ગમે. ઓફિસમાં વરસાદની રજાનો નિયમ નથી હોતો! ગમે તેવો સાંબેલાધાર વરસાદ હોય તો પણ ઓફિસના મેઈન ગેટની આગળ ફિંગરપ્રિન્ટ દસ મિનિટ મોડી પડે તો પણ રજા જ કહેવાય છે! વરસાદ રવિવારે પણ માણવો પોસાય નહીં એવી પૂરપાટ જિંદગીમાં બધાં મસ્ત છે. હજુયે કો'ક કો'ક વીરલા છે જેમને સમય ચોરીને વરસાદ માણતા આવડે છે. એમની કદર ખુદ વરસાદ પોતે જ કરે છે. વાદળાં રડે છે કે વરસે છે એની ખબર ક્યારે પડે? વાતાવરણનું મન વાંચતા જેમને આવડે છે એ બધાં તો ભીતરના આકાશમાં પોતાના જ વરસાદથી તરબોળ છે. વરસાદ મારી કવિતામાં જુદી રીતે છાલકની છોળ ઉડાડે છે. શેરમાં એનું ઘુંટાઈ જવું વાદળની જેમ સહજ લાગ્યું છે. આજે એવા જ લખાઈ ગયેલા વરસાદના શેરો સાથેનો મારો અનુભવ વરસાદવંતો કરવો છે. જેમને વરસવાનો લ્હાવો માણતા આવડે છે એમના માટેનો શેર… લે, હવે ચોમાસું બારેમાસ છે, કો’ક એવું આપણામાં ખાસ છે. શ્વાસમાં ગમતું ખાસ જીવંત હોય તો વરસાદ બારેમાસ હોય જ. બે છાંટા વચ્ચે નજીવા અંતરને પામતાં આવડે તો વાદળની બારાખડી ધરતીના ધૈર્યથી ઉકેલતા પણ આવડે જ. ભુલાયેલી ઘણીયે સાંજને પૂછું છું રસ્તા પર, નર્યા વરસાદમાં તડકો થઈને કઈ રીતે આવી? વરસાદ અને તરત નીકળતો તડકો ખૂબ પાસેના અનુભવ પછી મૌન થઈ જતી કવિતાનો જ રણકો છે. છો ભલે ઘેરાય આખા શહેર ઉપર વાદળો, પણ બધો વરસાદ ખાલી ફક્ત તારા પર પડે! વરસાદની ઉપર જ વરસાદ ખાબકે એ તો દરિયાને દરિયો જ મળતો હોય એવી સરહદ છે. પ્રેમનું અનહદ છે. અકારણ શુષ્કતા સાથે જીવતા માણસોથી વરસાદ પડતો હોય છતાંય દૂર જ રહે છે. અને ક્યાંક એવું પણ બને છે કે… તરસ વરસાદની ઓછી થતી ગઈ છે જીવનમાંથી, જીવે છે આંસુઓ પીને હવે ચાતક બધી બાજુ. વિકલ્પો વિશે વિચારવાનો સમય ન મળતો હોય ત્યાં ખુદ આપણે જ વિકલ્પ બની જતા ખુદને જ અનુભવીએ. ચાતકની ખુમારી સમાધાન કરીને જીવનની ઘટમાળને સ્વીકારી લેવાના મૂડમાં આવી જાય! હૃદયમાં સહજતાથી તડકને વાવી, ઉપરથી વરસતો રહ્યો એકધારો. લીઝ ઉપર ઓફિસ રાખીને નફો કરનારી કંપનીઓની શાખ વધારે હોય છે. વરસાદને નફામાં પડવું જ હોય તો… વરસ્યા વગરનો ના રહે, પાંપણને સાંખી જો! વરસાદ મારી આંખ આજે ભાડે રાખી જો! વાવડ વાયરો લાવે પછી સુગંધનો ડાયરો જામે. પછી છાંટા... પછી ફોરાં... પછી ધોધમાર... પછી મૂશળધાર... પછી... પછી... વાયરા સુધરી ગયા વંટોળિયાં બન્યાં, જેટલા ખાડા હતા ખાબોચિયાં બન્યાં. ન્હાયાં પછી ઘણા સારા નથી લાગતાં! એટલે તો વરસાદ જોવાનું જ પસંદ કરે છે. ખાબોચિયાં તો ખાડાનો મેકઅપ કરીને, વાદળાં નાનાં નાનાં ઝરણાંને નદી, નાળાની સ્કૂલમાં મૂકવા જાય છે. આત્માના લેન્ડસ્કેપ પર સદીઓથી વરસાદ શરીરની ક્ષમતા મુજબ ટાઢક કરે છે. વરસાદ વિશે જેટલું લખાયું છે એમાં મારાથી મારી જ અંદર ઘેરાઈને વરસી જવાયું છે. આભાર માનવા માટે આભને ઝૂકી જવા કરતાં વરસવાનું વધારે માફક આવતું લાગે છે. એમનો આભાર માની ગણગણું, જેમણે વરસાદની બાંધી તરજ. વરસાદની તરજ જેણે બાંધી છે એણે મન મૂકીને સંગીત ભર્યું છે. એ સંગીત જ ધરતી ઉપર લીલુંછમ ઊગે છે. ભરતી અને ઓટના સમયે દરિયો ભરીને ગાય છે. પવનના કાનમાં ફૂંક મારે છે, પ્રિયતમની જેમ. વરસીએ ત્યારે પૂરેપૂરું વરસી જવાનું. આવતીકાલની ચિંતા વગર. છૂટો પડતો અને ધરતીને મળતો પ્રત્યેક છાંટો ધ્યાનમગ્ન હોય છે. વરસાદ માણવાનો હોય છે. મનાવવાનો હોય છે. ખાબકી પડીને ઊગાડવાનો હોય છે. ભીનાશ ધરતીમાંથી વાદળમાં જાય ત્યાં સુધીનો સ્થાનફેર શિયાળો અને ઉનાળો છે. ચોમાસું પોતાના જ આસનમાં સ્થિર રહીને જાતને ડોલાવતી ઋતુ છે. મારો શબ્દ વરસાદના વતનમાં રજા માણતા સિપાઈ જેવો વધુ લાગે છે. ઑન ધ બીટ્સ હતાં કંઈ તરબતર એવા સુરાલયમાંથી નીકળીને, જુએ કોઈ તો સમજે જાય છે વરસાદ પ્હેરીને. - મરીઝ
    Click here to Read More
    Previous Article
    રેઈનબો:વિન્સેન્ટ : કેનવાસના કિનારે ખુલતી બ્રહ્માંડ બારી
    Next Article
    નીલે ગગન કે તલે:જેસિકા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment