Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેઈનબો:વિન્સેન્ટ : કેનવાસના કિનારે ખુલતી બ્રહ્માંડ બારી

    1 day ago

    રક્ષા શુક્લ સ્પેનિશ ચિત્રકાર અને શિલ્પકાર પાબ્લો પિકાસો એક દિવસ એક પાર્કમાં બેઠા હતા. ત્યારે એક મહિલા તેમની પાસે આવી અને તેમને ઓળખી ગઈ. તેણે પિકાસોને વિનંતી કરી કે ‘તમે મારા માટે એક પેઇન્ટિંગ બનાવી આપો.’ પિકાસોએ હસીને એક કાગળ લીધો અને માત્ર 30 સેકન્ડમાં એક સુંદર ચિત્ર બનાવીને તે મહિલાને આપ્યું. પછી પિકાસોએ કહ્યું, ‘આ ચિત્રની કિંમત 10 લાખ ડોલર છે.’ મહિલા આશ્ચર્યચકિત થઈ ગઈ અને બોલી, ‘આ બનાવતા તમને માત્ર 30 સેકન્ડ જ લાગ્યા છે.’ ત્યારે પિકાસોએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો, ‘બહેન, આ 30 સેકન્ડની કળા શીખવા પાછળ મેં મારા જીવનનાં 30 વર્ષ વિતાવ્યાં છે.’ કલાનું સર્જન એક રાતમાં નથી થતું, તેના માટે વર્ષોની સાધના અને ધીરજની જરૂર પડે છે. એ સતત પરિશ્રમ, રિયાઝ અને સમર્પણ માગે છે. કલાકારો પોતાના અગાધ મૌનને પથ્થરમાં, રંગોમાં અને સૂરોમાં ઢાળી એને બોલતા કરે છે, વાચાળ કરે છે. આ જ કલા માનવીના અંધકારમય મનને પ્રકાશિત કરી ઉજાસના કમાડ ખોલી આપે છે. મહાન દાર્શનિક ખલિલ ઝિબ્રાન કહે છે કે ‘મને મૌન આપો, હું અંધકારને જીતી લઈશ.’ રંગોનું મેઘધનુષ અવનવાં દૃશ્યોનો દરબાર સજાવી આપણા માંહ્યલાને રંજીત કરી નવી દિશા ચીંધે છે. વિન્સેન્ટ વાન ગોઘ ડચ ચિત્રકાર હતા, જેમને સામાન્ય રીતે પોસ્ટ-ઇમ્પ્રેશનિસ્ટ્સમાં સૌથી મહાન ગણવામાં આવે છે. વાન ગોઘે તેમની કલાત્મક કારકિર્દી છેક 27 વર્ષની ઉંમરે શરૂ કરી હતી. તે પછીના દાયકામાં તેમણે આશ્ચર્યજનક રીતે પુષ્કળ સર્જન કર્યું, જેમાં તેમના આકર્ષક રંગ, ભારપૂર્વકનું બ્રશવર્ક અને આઉટલાઈન ફોર્મ ધરાવતી તેમની અનોખી અને જાણીતી વ્યક્તિગત શૈલી તેમના જીવનનાં છેલ્લાં ત્રણ વર્ષોમાં જ સાકાર થઈ. વાન ગોઘ પોતે જીવતા હતા ત્યારે તેમણે તેમની કલાનો બહુ ઓછો હિસ્સો વેચ્યો હતો પરંતુ મૃત્યુ પછી આશ્ચર્ય અનુભવાય એટલા લોકપ્રિય બન્યા. વાન ગોઘે ઇંગ્લેન્ડમાં ભાષા શિક્ષક અને સામાન્ય ઉપદેશક તરીકે કામ કર્યા પછી 1877માં નેધરલેન્ડ્સમાં એક પુસ્તક વિક્રેતા બન્યા. બાદમાં માનવતાની સેવા કરવાની ઝંખનાથી પ્રેરાઈને, તેમણે સેવાકાર્યમાં પ્રવેશવાનું વિચાર્યું અને ધર્મશાસ્ત્ર અપનાવ્યું. પણ પછી 1878માં બ્રસેલ્સમાં પ્રચારક તરીકે તાલીમ લેવા આ પણ છોડ્યું. અહીં રૂઢિચુસ્ત સૈદ્ધાંતિક અભિગમ પર વિવાદ થતાં સંઘર્ષ થયો. તેઓ બેલ્જિયમના કોલસા ખાણકામ ક્ષેત્ર બોરીનેજની ગરીબ વસ્તીમાં મિશનરી કાર્ય કરવા માટે ચાલ્યા ગયા. ત્યાં, 1879-80ના શિયાળામાં, તેમણે તેમના જીવનની પ્રથમ મહાન આધ્યાત્મિક કટોકટીનો અનુભવ કર્યો. ગરીબો વચ્ચે રહ્યા બાદ તેમણે બધી દુન્યવી વસ્તુઓ દાન કરી દીધી. પણ ત્યારબાદ ખ્રિસ્તી શિક્ષણના ખૂબ જ શાબ્દિક અર્થઘટન માટે તેમને ચર્ચ અધિકારીઓ દ્વારા બરતરફ કરવામાં આવ્યા. વાન ગોઘની લાગણી ખૂબ દુભાઈ. 1881ના અંતમાં અત્યંત મનોવેદના-વ્યથા અનુભવ્યા બાદ એમને જ્ઞાનપ્રાપ્તિ થઈ કે પોતાનું સાચું અને એકમાત્ર જીવનકર્મ ચિત્રકલા છે. 1882થી 1885 સુધી એમણે પ્રણાલીગત ડચ ચિત્રકારો પાસે ચિત્રકલાની તાલીમ લીધી. એની સીધી અસર રૂપે વાન ગોઘનાં પ્રારંભિક ચિત્રો અંધારિયાં બન્યાં છે. એના રંગો અત્યંત ઘેરા કથ્થાઈ, ભૂખરા અને કાળા છે. ગોઘની સર્વ નાણાકીય જવાબદારીઓ નાના ભાઈ થિયોએ ઉપાડી લીધી હતી. પૅરિસ ગયા બાદ પ્રભાવવાદી (ઇમ્પ્રેશનિસ્ટ્સ) ચિત્રકારોના સંસર્ગના પ્રતાપે વાન ગોઘનાં ચિત્રોના રંગો ખૂલતા ગયા. ઇમ્પ્રેશનિસ્ટ્સ ચિત્રકારોની જેમ શુદ્ધ રંગો વડે હૂબહૂ દસ્તાવેજી આલેખનમાં વાન ગોઘને રસ નહોતો. ઊઘડતા અને તેજસ્વી રંગો વડે વાન ગોઘે મનના ઊંડાણમાં રહેલી આનંદ, વ્યથા, ક્રોધ, ઉત્કંઠા, આક્રોશ, એકલતા જેવી મૂળભૂત લાગણીઓનું નિરૂપણ કરવું શરૂ કર્યું. એથી એમના ચિત્રોમાં અંગત અભિવ્યક્તિ એટલી બધી મુખર બની કે તે અભિવ્યક્તિવાદી કલાના નામે ઓળખાઈ. આ રીતે પૅરિસમાં તેમણે આશરે બસો જેટલાં તૈલચિત્રો ચીતર્યાં. માનસિક બીમારીથી પીડાતા વાન ગોઘે એકવાર પોતાનો ડાબો કાન પણ કાપી નાખ્યો હતો. અત્યંત ક્રૂર નિયતિથી ઘેરાયેલું તેમનું જીવન કોઈ અદૃશ્ય અભિશાપ અને કમનસીબીના કાળા ઓછાયાના સકંજામાં સપડાયું હોય તેવું લાગ્યા કરે છે. બે વાર તેમને ગાંડપણનો હુમલો પણ આવ્યો હતો. બધાથી દૂર રહેતા વાન ગોઘે તેમના એક પરિચિતને કહ્યું પણ ખરું કે ‘સંબંધીઓ માને છે કે હું પાગલ છું, પણ કલાકારો પાગલ જ હોય, તો જ એ ઉત્તમ સર્જન કરી શકે.’ વાન ગોઘે નક્કી કર્યું કે તેમનું મિશન કલા દ્વારા માનવતાને સાંત્વના આપવાનું રહેશે. ‘હું દુઃખી લોકોને ભાઈચારાનો સંદેશ આપવા માંગુ છું.’ તેમણે પોતાની સર્જનાત્મક તાકાત અને કૌશલ્યની અનુભૂતિથી તેમનો આત્મવિશ્વાસ પાછો મેળવ્યો. નવોદિતોને પણ વાન ગોઘ કહેતા કે, ‘જો તમે તમારી અંદરથી એવો અવાજ સાંભળો કે તમે ચિત્ર નથી દોરી શકતા તો ગમે તેમ કરીને ચિત્ર દોરવાનું શરૂ કરી દો. એ અવાજ આપોઆપ બંધ થઇ જશે’. ગોઘની ‘પ્રકૃતિ સાથે એકલા’ રહેવાની તીવ્ર ઇચ્છા તેમને ડચ ગામડાઓમાં ખેંચી ગઈ અને તેમણે ખેડૂતોની દૈનિક મુશ્કેલીઓ વિશે ચિત્રો બનાવ્યા. જેમાં 1885માં તેમણે તેમની પ્રથમ શ્રેષ્ઠ કૃતિ, ‘ધ પોટેટો ઈટર્સ’નું નિર્માણ કર્યું. આજે તેમની ઘણી કૃતિઓ જેમાં તેમના અસંખ્ય સેલ્ફ પોટ્રેઇટ્સ, લેન્ડસ્કેપ્સ, પોટ્રેઇટ્સ અને સનફ્લાવર્સની ગણના વિશ્વના સૌથી વધુ માન્યતાપ્રાપ્ત અને કિંમતી કળાકૃતિઓમાં થાય છે. આધુનિક કલામાં તેમનું સ્થાન પિતામહ સમાન છે. ગોઘનું જીવન આલેખતી અમેરિકન ચરિત્રકાર અરવિન્ગ સ્ટોને લખેલી કથા ‘લસ્ટ ફોર લાઈફ’ દુનિયાભરમાં ખ્યાત છે. તેમના પ્રકાશિત પત્રો કલાકારના માનસિક સ્વાસ્થ્ય અને ગરીબી સાથેના સંઘર્ષોનું દસ્તાવેજીકરણ કરે છે. આ પત્રો વાન ગોઘના બ્રહ્માંડની બારી છે. નાના ભાઈ થિયોની નાણાકીય સંકડામણો તથા તેના નાનકડા બાળકની બીમારી જોઈને તેમને આવતા પાગલપણાના હુમલા વધી ગયા. એક દિવસ ચિત્ર કરતાં કરતાં જ તેમણે પોતાની છાતીમાં પિસ્તોલ વડે ગોળી મારી. એક જીવંત ચિત્ર અધૂરું રહી ગયું... ઇતિ સર્જન કરવું હોય તો આપણી જાતનું વિસર્જન કરવું પડે. - સાર્ત્ર
    Click here to Read More
    Previous Article
    રિફ્લેક્શન:સ્લીપ ડિવોર્સ છતાંય પ્રેમ અને લગ્ન અડીખમ!
    Next Article
    ઓફબીટ:વરસાદના વતનમાં…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment