Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિફ્લેક્શન:સ્લીપ ડિવોર્સ છતાંય પ્રેમ અને લગ્ન અડીખમ!

    1 day ago

    નમ્રતા દેસાઈ પાંચ દાયકા પહેલાં હું વેકેશનમાં મારા મોસાળના ઘરે રહેવા જતી ત્યારે એમના ઓરડામાં અમે બધાં ભાઈ-બહેનો નીચે પથારીમાં સૂતાં, પણ નાના-નાની કે મામા-મામીના સાદા પાટીવાળા ખાટલા અલગ અલગ રહેતા. વચ્ચે એક નાનકડું લાકડાનું ટેબલ રહેતું. મોટાં થયાં પછી સમજાયું કે એ સમયે સંયુક્ત પરિવાર એટલે કુટુંબના સભ્યો પણ વધુ અને તે સમયે યુવાનો કે બાળકોની સામે વડીલો પણ પોતાની મર્યાદાઓ જાળવતા. ઉપરાંત કોઈ લાંબી બીમારી કે કોઈ નિયમ-પાલન હોય તો પતિ-પત્નીની પથારીઓ અલગ અલગ થતી. એક સમય એવો આવ્યો કે જ્યારે પતિ-પત્ની એક જ પથારીમાં સૂએ એ જ સુખી દાંપત્યની ઓળખ માનવામાં આવતી. પરંતુ હાલના સમય સાથે એક નવો ટ્રેન્ડ આવ્યો, જેમાં જીવનશૈલી બદલાઈ, પતિ-પત્ની બંને વર્કોહોલિક બન્યાં અને આર્થિક ક્ષેત્રે પણ સ્વતંત્ર બન્યાં. એમાંય વિભક્ત કુટુંબ અને ક્યાંક તો ઘરમાં ફક્ત બે જ જણ! આમાં કામનું દબાણ વધ્યું એટલે લોકો હવે સમજવા લાગ્યાં છે કે સારી ઊંઘ એ પોતાના સ્વાસ્થ્ય અને નિરોગી રહેવા માટે ખૂબ મહત્ત્વની છે અને જોડે સુખી સંબંધ પણ એટલો જ મહત્ત્વનો છે. આ જ વિચારમાંથી જન્મ્યો છે એક નવો ટ્રેન્ડ, જે આજકાલ મેટ્રો સિટીમાં ‘સ્લીપ ડિવોર્સ’ (Sleep Divorce) તરીકે ચલણમાં છે. નામ ભલે સ્લીપ ડિવોર્સ હોય, પરંતુ તેને છૂટાછેડા સાથે આડો, અવળો કે સીધો કોઈ જ સંબંધ નથી. એનો અર્થ માત્ર એટલો કે પતિ-પત્ની પોતાની ઊંઘ, આરોગ્ય અને માનસિક શાંતિ માટે અલગ પથારી કે અલગ રૂમમાં સૂવાનું હવે પસંદ કરે છે, છતાં તેમનો પ્રેમ અને સંબંધ પહેલાં જેટલો જ મજબૂત કે થોડો વધારે હૂંફાળો પણ બન્યો છે એવું એમનું કહેવું છે. બેંગ્લોરની એક આઈ-ટી કંપનીમાં જોબ કરતી મોસમ નામની યુવતી પરણિત છે અને એક દીકરાની મા પણ છે. એ પોતાની ઓફિસના કામના ભારણને લઈને ઘણીવાર પોતાના પતિ કરતાં રાતે ઘરે મોડી પહોંચે છે, ત્યારે પતિ કે પોતાના સંતાનની ઊંઘમાં ખલેલ ન પડે એ કારણસર એ બીજા બેડરૂમમાં અલગ સૂવાનું પસંદ કરે છે. આવાં ઘણાં બધાં કપલ્સ છે જે પોતાની પ્રાઈવસી માટે મોડે સુધી લેપટોપ પર ઓફિસ વર્ક, મોબાઈલ, પુસ્તકો વાંચવાનું કે લેખનકાર્ય હોય, મોડી રાતે પાર્ટીમાંથી પરત ફરતાં હોય કે કોઈ નાની-મોટી બીમારી હોય, એટલે સમજદારીથી અલગ રૂમમાં સૂવાનો નિર્ણય લે છે. એમનું ફિઝિકલ ડિસ્ટન્સ ભલે રહેતું હોય, પણ ઈમોશનલ બોન્ડિંગ પહેલાં કરતાં વધુ મજબૂત બન્યું છે એવો આ કપલ્સ દાવો કરે છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જર્મની, જાપાન અને ઈન્ડિયા જેવા દેશોમાં સ્લીપ ડિવોર્સ હાલમાં ઝડપથી ચર્ચાનો વિષય બન્યો છે. એકલા અમેરિકામાં જ અંદાજે 30થી 40 ટકા દંપતી ક્યારેક-ક્યારેક અથવા નિયમિત રીતે અલગ સૂવાનું પસંદ કરે છે. તો બ્રિટનમાં આશરે 15થી 20 ટકા દંપતી અલગ બેડ અથવા અલગ રૂમમાં સૂતાં હોવાનું જાણવા મળ્યું છે. જાપાન જેવા કામઢા દેશમાં તો ઘણા દંપતી લાંબા સમયથી અલગ સૂવાની પરંપરા અપનાવે છે, કારણ કે ત્યાં વ્યક્તિગત આરામ અને સારી ઊંઘને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. કેટલાક આંતરરાષ્ટ્રીય અભ્યાસોમાં એવું પણ સામે આવ્યું છે કે લગભગ 50 ટકા દંપતીઓએ જીવનમાં કોઈ ને કોઈ સમયે અલગ સૂવાનો અનુભવ કર્યો છે, ભલે તે કાયમી ન હોય. એમનાં સ્લીપ ડિવોર્સનું સૌથી મોટું કારણ છે ઊંઘની ગુણવત્તા! બેમાંથી એક વ્યક્તિને નસકોરાં, સ્લીપ એપ્નિયા, વારંવાર ઊંઘ તૂટી જવી, શરદી-ખાંસી થઈ હોય કે પછી કામના અલગ અલગ સમય, બાળકોની સંભાળ, રાત્રે મોડે સુધી મોબાઇલ કે ટીવીનો ઉપયોગ અને સૌથી કોમન કારણ એસી અને પંખાને કારણે ગરમી-ઠંડીની અલગ પસંદગી. આ બધું જ જાણ્યે-અજાણ્યે આપણી ઊંઘને અસર કરે જ છે, પણ આપણી આ અંગત પસંદગીથી શું સંબંધો નબળા પડે ખરા? મનોચિકિત્સકોનું માનવું છે કે જો આ નિર્ણય બંનેની સંમતિથી લેવાયો હોય, તો તે સંબંધને નુકસાન પહોંચાડતો નથી. ઘણી વખત સારી ઊંઘ મળવાથી રિલેક્સ ફીલ થાય છે, ચીડિયાપણું ઘટે છે, વાતચીત સારી થાય છે અને સંબંધ વધુ મજબૂત બને તો સેક્સ લાઈફ પણ હેલ્ધી રહે છે. પ્રેમનું માપ એ નથી કે બે લોકો એક જ પથારીમાં સૂએ છે કે નહીં. પ્રેમનું સાચું માપ એ છે કે તેઓ એકબીજાની ખુશી, આરામ અને સ્વાસ્થ્યને કેટલું મહત્ત્વ આપે છે. આપણા ભારતમાં સામાન્ય જીવન જીવતા મધ્યમવર્ગ માટે આ ટ્રેન્ડ હજુ નવો અને અજુગતો પણ લાગે, કારણ કે સંયુક્ત પરિવાર, સામાજિક માન્યતાઓ અને ‘લોકો શું કહેશે?’ જેવી માનસિકતાને કારણે ઘણાં દંપતી ખુલ્લેઆમ આ વિષય પર વાત કરતા નથી. પરંતુ મેટ્રો શહેરોમાં અને યુવા દંપતીમાં આ વિચાર ધીમે-ધીમે સ્વીકારાઈ રહ્યો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે જો અલગ સૂવાથી બંનેને સારી ઊંઘ મળે અને દિવસ દરમિયાન પ્રેમ, સંવાદ અને લાગણી યથાવત્ રહે, તો તેમાં કોઈ ખોટ નથી. હા, સતત શંકા કરતા, લડાઈ-ઝઘડા કરતા અને લગ્નેતર સંબંધમાં મગ્ન હોય કે ચેટિંગ સાથે ચીટિંગ કરતા કપલ્સ માટે આ ટ્રેન્ડ ખતરનાક અને જોખમી સાબિત થઈ શકે છે, જે ખરેખરા ડિવોર્સ સુધી પહોંચાડી શકે. સંબંધો માત્ર એક પથારીથી જીવંત રહેતા નથી. સંબંધોને જીવંત રાખે છે વિશ્વાસ, સમજણ, સન્માન અને એકબીજાની કાળજી. જો એકબીજાની બાજુમાં સૂવાથી ઊંઘ ઊડી જતી હોય અને અલગ સૂવાથી જીવનમાં શાંતિ, સ્મિત અને પ્રેમ પાછો આવતો હોય, તો એ નિર્ણયમાં સંકોચ શા માટે? ક્યારેક બે ઓરડા સંબંધોને દૂર નથી કરતા, પરંતુ બે હૃદયને વધુ નજીક લાવી દે છે, કારણ કે સાચો પ્રેમ એક જ પથારીમાં નહીં, પરંતુ એકબીજાની ખુશીમાં વસતો હોય છે.
    Click here to Read More
    Previous Article
    મનદુરસ્તી:એક એવો થાક, જે ઉતરતો જ નથી
    Next Article
    રેઈનબો:વિન્સેન્ટ : કેનવાસના કિનારે ખુલતી બ્રહ્માંડ બારી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment