Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનદુરસ્તી:એક એવો થાક, જે ઉતરતો જ નથી

    1 day ago

    ડૉક્ટર, હું નવ્યા. મારા મનમાં જબરો ઉત્પાત ચાલે છે. મારી ઉંમર 36 વર્ષ છે. મારી જોબ સોફ્ટવેર કંપનીમાં જનરલ મેનેજરની છે. હું સતત કામના ભાર નીચે દબાયેલી રહું છું. મેં અત્યાર સુધીમાં ફાઇનાન્શિયલી ખૂબ ગ્રોથ કર્યો છે. આવતાં 20 વર્ષ સુધી હું કંઈ જ કામ ન કરું તો પણ આરામથી લાઈફ એન્જોય કરી શકું એટલું સેવિંગ્સ છે, પણ હું અત્યારે કામ માટે દોડી-દોડીને થાકી ગઈ છું. અત્યારે હું સિંગલ છું. લેપટોપ સિવાય શ્વાસ ન લઈ શકું એવી હાલત છે. આખો દિવસ ઓફિસમાં મીટિંગો અને રાત્રે ઓવરસીઝ મીટિંગો હોય. મારા જીવનમાં કામનું ‘ઓફ’નું બટન જ બગડી ગયું છે. આ મારો એવો થાક છે જે ઉતરતો જ નથી. હવે મારે માત્ર શાંતિ જોઈએ છે.’ નવ્યાએ એકી શ્વાસે આખો પ્રોબ્લેમ કહી નાંખ્યો. નવ્યાની સમસ્યા સ્પષ્ટ રીતે ‘બર્ન-આઉટ’ (Burnout)ની હતી. જર્મનીમાં જન્મેલા ન્યૂયોર્કના સાયકોલોજિસ્ટ ડૉ. હર્બર્ટ ફ્રોઈડનબર્ગર દ્વારા આ શબ્દ સૌપ્રથમ વપરાયો હતો. વધુ પડતા કામને લીધે અનુભવાતા થાક, માથાનો દુખાવો, અનિદ્રા, પેટનો દુખાવો તેમજ શ્વાસની સમસ્યાઓ વગેરે ફરિયાદો માટે આ બર્નઆઉટ શબ્દ વપરાયો હતો. ગજા બહારનું વધુ પડતું કામ કરવાથી જે શારીરિક અને માનસિક થાક અનુભવાય છે તે બર્નઆઉટ છે. ઈ.સ. 2014માં સ્વીડનના પ્રતિષ્ઠિત કેરોલિંસ્કા ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ એક સંશોધનમાં સિદ્ધ કર્યું કે જે લોકો બર્નઆઉટથી પીડાતાં હોય છે, તેમનાં મગજમાં પણ ફેરફારો થાય છે. બર્નઆઉટથી મગજના ‘એમિગડાલા’ (Amygdala) નામનો ભાગ થોડો મોટો થઈ જાય છે. આ ભાગમાં ભય, ગભરામણ, આક્રમકતા વગેરે પ્રોસેસ થાય છે, કારણ કે ભયજનક સ્થિતિમાં એમિગડાલા જ વ્યક્તિને ‘ફાઈટ ઓર ફ્લાઈટ’ (Fight or Flight)ની સ્થિતિમાં લઈ જાય છે; જેનાથી એ હાઈપર-એક્ટિવ બને છે અને આપણને ખ્યાલ આવે છે કે અમુક-તમુક પરિસ્થિતિ ખતરારૂપ છે, જેથી લડવાની કે ભાગવાની ક્રિયા કરવી અનિવાર્ય છે. તબીબી દૃષ્ટિએ બર્નઆઉટ એ કોઈ રોગ નથી પણ એ એક પ્રક્રિયા કે સ્થિતિ છે, જે લાંબા સમયના સતત તણાવનું પરિણામ છે. અહીં વ્યક્તિ જેમ-તેમ કરીને પોતાની લાગણીઓનું સતત દમન કરીને કામ ચલાવ્યે રાખે છે. દરેક આસપાસના લોકો અને પરિસ્થિતિઓ માટે અવિશ્વાસ ઊભો થઈ જાય છે, નિરાશા છવાઈ જાય છે. આ બધાંને લીધે વ્યક્તિ ઝડપથી વ્યસની બની શકે છે. વ્યસન એક પ્રકારની ભાગેડુ-વૃત્તિ જ હોય છે. ધીરે-ધીરે વ્યક્તિ એક પ્રકારનું સાયકોલોજિકલ પેઈન અનુભવે છે અને લાગણીની દૃષ્ટિએ શુષ્ક બનતી જાય છે. વાસ્તવતમાં આવી પરિસ્થિતિમાંથી નીકળવા માટે સૌપ્રથમ એક એવા ‘બ્રેક’ની જરૂર હોય છે જેમાં લાંબા ગાળાના ‘બ્રેક’ વિશે વિચારી શકાય. પોતાના તણાવનાં કારણોનું બુદ્ધિપૂર્વક વિશ્લેષણ કરવું અનિવાર્ય છે. બર્નઆઉટને દૂર કરવાના કેટલાક સરળ ઉપાયો છે: પોતાના વિચારોનું નિરીક્ષણ કરવું એ પોતે એક સક્ષમ વિચાર છે. સરળ ‘માઈન્ડફુલનેસ’ પ્રેક્ટિસ વ્યક્તિમાં ઘણા ફેરફારો લાવી શકે છે. શારીરિક અને માનસિક રીતે આપણને જે અનુભવો સતત થઈ રહ્યા હોય, એ વિશે થોડો વિરામ લઈને વિચારવું જરૂરી છે. આને કારણે પોતાના મન વિશેની જાગૃતિ વધે છે. એટલે જ્યારે-જ્યારે નકારાત્મક કે ખંડનાત્મક વિચારો માથું ઊંચકે એ પહેલાં જ એને સંભાળી શકાય છે. એ વિકૃત વિચારની પેટર્નમાંથી બહાર નીકળવાનો મોકો મળે છે. સંશોધનો સૂચવે છે કે, કેટલાક માટે રોજની 20થી 30 મિનિટની ‘વોક’ પણ ઘણીવાર એન્ટિ-ડિપ્રિસેન્ટ દવાઓ જેટલી અસરકારક નીવડે છે. રોજની થોડી શારીરિક કસરતની ટેવો લાંબા ગાળે મોટા ફાયદા કરે છે. સોશિયલ મીડિયા અને સ્ક્રીનના વળગણે આપણને વાસ્તવિક સંબંધોથી દૂર કરી નાંખ્યા છે. નજીકના માનવીય સંબંધો સાથેની સાર્થક અને હૂંફાળી વાતચીતથી બર્નઆઉટમાં મોટી ઠંડક મળે છે. મોટેભાગે હવે લોકો એકલા જમતા થઈ ગયા છે. સાથે જમવું એ એક હૂંફ આપનારી પ્રક્રિયા જ છે. બને ત્યાં સુધી વાસ્તવિક બનવાની માનસિકતા વ્યક્તિને જમીન પર લાવે છે. એડિક્ટિવ સ્ક્રીનનું કહેવાતું ડહાપણ એ ઇન્ફોર્મેશન માત્ર છે. સંવેદના અને સ્પર્શ જેવી હૂંફ ક્યારેય સ્ક્રીન કે રોબોટ આપી શકશે નહીં, એટલીસ્ટ અત્યારે તો એવું લાગે છે. ટૂંકા બ્રેક, પોતાનાં સ્વજનો, રેગ્યુલર હેલ્ધી ખોરાક અને કસરત તેમજ વાસ્તવવાદી મહત્ત્વાકાંક્ષાઓ અને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ બર્નઆઉટને પણ બાળી શકે છે. કામનો થાક તો લાગે, પણ ફરીથી તરોતાજા થવાની ટેકનિક સાયકોલોજીકલી સમજવી જરૂરી છે. વિનિંગ સ્ટ્રોક અતિશય મહત્ત્વાકાંક્ષા અને અહંકાર બર્નઆઉટને ભડકાવતાં બળતણ છે.
    Click here to Read More
    Previous Article
    આઠમી અજાયબી:મેઘરાજાનું કાયમી સરનામું: અગુમ્બે
    Next Article
    રિફ્લેક્શન:સ્લીપ ડિવોર્સ છતાંય પ્રેમ અને લગ્ન અડીખમ!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment