Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર રિપોર્ટરે બોટમાં બેસી બોપલ-ઘુમાની સ્થિતિ જાણી:બે દિવસ બાદ પણ સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી, વ્યથા જણાવતા રહીશો રડી પડ્યા

    11 hours ago

    અમદાવાદમાં વરસાદના વિરામ બાદ પણ બોપલ-ઘુમામાં હજુ પણ પાણી ઓસર્યાં નથી. ઘરોમાં પાણી ઘૂસતાં ઘરવખરી બરબાદ થઈ ગઈ છે, જ્યારે તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે અધિકારીઓને બદલે રિપોર્ટરને જોઈ લોકો ભાવૂક બની ગયા અને રડતાં-રડતાં પોતાની વ્યથા ઠાલવી. વરસાદના વિરામ બાદ પણ બોપલ-ઘુમાના રહીશો ઘરમાં કેદ અમદાવાદમાં પડેલા અતિભારે વરસાદને બે દિવસ વીતી ગયા હોવા છતાં બોપલ-ઘુમા વિસ્તારના અનેક ભાગોમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યાં નથી. કોર્પોરેશનમાં ભળ્યા બાદ પણ શહેરના આ પોશ વિસ્તારની સ્થિતિ એવી છે કે, લોકો પોતાના ઘરમાં જ કેદ બની ગયા છે. રસ્તાઓ પર હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે, અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી, ઇલેક્ટ્રોનિક્સ સામાન અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ બગડી ગઈ છે. છેલ્લા બે દિવસથી પાણી ભરાયેલા હોવા છતાં તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી. વર્ષો સુધી નિયમિત ટેક્સ ચૂકવવા છતાં દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે, જેના કારણે હવે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઘુમાના હરિઓમ વિલામાં બે દિવસથી પાણી ઓસર્યા નથી દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે બોપલ ગામ અને ઘુમાના વિસ્તારોમાં પહોંચી ત્યારે લોકોનો આક્રોશ અને પીડા બંને સ્પષ્ટ જોવા મળ્યાં હતા. કેટલાક લોકો રડતાં-રડતાં પોતાની વ્યથા જણાવવા લાગ્યા હતા. બોપલ-ઘુમા વિસ્તારમાં આવેલા હરિઓમ વિલામાં બે દિવસથી પાણી ઓસર્યા નથી. ઘરમાંથી તો પાણી નીકળી ગયા, પરંતુ રસ્તાઓ પર હજુ પણ ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે. બોપલ-ઘુમામાં પાણીના નિકાલની મશીનરી કે પમ્પિંગની વ્યવસ્થા નથી ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ, મેયર સહિતના લોકો વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. લોકોને પાણીનો નિકાલ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ ગઈકાલે વરસાદ ધીમો થયો છતાં પણ હજી સુધી પાણીના નિકાલ માટેની કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે હરિઓમ વિલામાં રહેતા લોકો ઘૂંટણસમા પાણીમાં જીવનજરૂરી વસ્તુઓ લેવા જવા મજબૂર બન્યા છે. તેમજ વાહનો પણ બહાર ન નીકળી શકતા હોવાથી નોકરી ધંધે પણ જઈ શકતા નથી. બોપલ-ઘુમા વિસ્તારમાં વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પાણીના નિકાલ માટે કોઈ મશીનરી કે પમ્પિંગની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી. જોધપુર વોર્ડ નં-20માં ઠાકોરવાસ, પરમારવાસ, વણકરવાસમાં બે દિવસથી પાણી જોધપુર વોર્ડ નંબર 20માં આવેલા ઠાકોરવાસ, પરમારવાસ, વણકરવાસમાં બે દિવસથી પાણી ભરાયેલા છે. ત્રણ જેટલા વાસમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર જોવા મળી રહી છે. ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ જતાં લોકો પોતાનો સામાન પણ બચાવી શક્યા નથી. ઘરવખરીથી લઈને જરૂરી દસ્તાવેજો સુધીનું નુકસાન થયું છે. અનેક પરિવારો હજુ પણ પોતાના ઘરમાંથી પાણી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક યુવાનો અને રહેવાસીઓ જ એકબીજાની મદદે આવ્યા છે. બોટ મારફતે લોકોને દૂધ, પીવાનું પાણી, ખાદ્યસામગ્રી અને અન્ય જીવનજરૂરી વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ સ્થાનિકોએ જ હાથ ધરી છે. ‘વિકાસના કારણે વરસાદી પાણી માટે કુદરતી માર્ગ બંધ થઈ ગયા’ સ્થાનિક રહેવાસીઓએ પાણી ભરાવાના મૂળ કારણ અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનો દાવો છે કે, વિસ્તારમાં આવેલા કુદરતી તળાવો અને પાણીના નિકાલના માર્ગો પર થયેલા વિકાસના કારણે વરસાદી પાણી માટે કુદરતી માર્ગ બંધ થઈ ગયા છે. પરિણામે વરસાદ પડતાં જ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. વર્ષોથી રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. સુરતની જેમ બોપલ-ઘુમાના રહેવાસીઓને પણ મિલકત વેરામાં રાહત આપો ચૂંટણી સમયે વિકાસના વચનો આપનારા નેતાઓ અને વારંવાર આશ્વાસન આપતા અધિકારીઓ હવે ક્યાંય દેખાતા નથી. સ્થાનિકોએ માગ કરી છે કે સુરતમાં જેમ ભારે વરસાદ બાદ પ્રભાવિત વિસ્તારોના નાગરિકોને ટેક્સમાં રાહત આપવામાં આવી હતી, તેવી જ રીતે બોપલ-ઘુમાના રહેવાસીઓને પણ મિલકત વેરા સહિતના ટેક્સમાં રાહત આપવામાં આવે, કારણ કે તેઓ દર વર્ષે ટેક્સ ચૂકવે છે છતાં મૂળભૂત સુવિધાઓ પણ મળતી નથી. કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી પર ગંભીર સવાલો આ સમગ્ર સ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. કરોડો રૂપિયાના ખર્ચના દાવા વચ્ચે જો શહેરના પોશ ગણાતા બોપલ-ઘુમા જેવા વિસ્તારોમાં વરસાદના બે દિવસ બાદ પણ પાણીનો નિકાલ ન થઈ શકે, તો તૈયારીઓ કેટલી અસરકારક હતી તે પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉભો થાય છે. હાલ જરૂર માત્ર પાણી ઉતારવાની નથી, પરંતુ જવાબદારી નક્કી કરવાની પણ છે. લોકો હવે આશ્વાસન નહીં, પરંતુ કાયમી ઉકેલ માંગે છે. કારણ કે દર વર્ષે વરસાદ આવે છે, પાણી ભરાય છે, નુકસાન થાય છે અને પછી બધું ભૂલાઈ જાય છે. ટેક્સ ના ભરીએ તો ઇન્ટરેસ્ટ સાથે વસૂલે છે: રાકેશ ઓઝા સ્થાનિક રાકેશ ઓઝાએ જણાવ્યું હતું કે, 104 જેટલા બંગલા અમારા વિલામાં આવેલા છે. ગુરુવારે જે વરસાદ વરસ્યો તે બાદથી પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ હતી. છેલ્લા બે દિવસથી પાણી ભરાયેલા છે જેના કારણે પરેશાન થઈ રહ્યા છીએ. જોકે ગઈકાલે વરસાદે થોડો વિરામ લીધો જેના કારણે ઘરમાંથી પાણી નીકળ્યા, પરંતુ સોસાયટીમાં હજુ પણ પાણી ભરાયેલા છે. સોસાયટી અને રોડના પાણી ના ઉતરતા અવર-જવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ટેક્સ કોર્પોરેશન કોઈ દિવસ બાકી રાખતી નથી. કોર્પોરેશનમાં ભેળવવામાં આવે ત્યારે પાછલા વર્ષનો પણ ટેક્સ વસૂલવામાં આવે છે. ટેક્સ ના ભરીએ તો ઇન્ટરેસ્ટ સાથે પણ વસૂલ કરવામાં આવતો હોય છે. સોસાયટીના પાછળના ભાગે એક તલાવડી હતી. તેને પૂરી દેવામાં આવી છે જેથી અમારી સોસાયટીના પાણી તે તલાવડીમાં ભરાતા બંધ થઈ ગયા છે. તલાવડી મોટી કરવામાં આવી હોત તો સોસાયટીના પાણી તેમાં જતા રહ્યા હોત. પરંતુ તલાવડી મોટી કરવાના બદલે તેને પૂરી દેવામાં આવતા આ સમસ્યા સર્જાય છે. તલાવડી પૂરી દીધી એટલે પાણી નીકળી શકતા નથી: રાકેશભાઈ સ્થાનિક રાકેશભાઈએ જણાવ્યું હતું કે, દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાઇ રહી છે પરંતુ આ વર્ષે ખૂબ જ પાણી ભરાઈ ગયા છે. બળિયા દેવનું મંદિર છે ત્યાં તલાવડી આવેલી હતી પરંતુ તેને પૂરી દેવામાં આવી જેના કારણે પાણી નીકળી શક્યા નથી. 15થી 16 જેટલી સોસાયટીના રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. તમામ રહેવાસીઓ સમયસર ટેક્સ ભરે છે. પરંતુ ટેક્સના બદલામાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી. મુખ્યમંત્રી પણ ગઈકાલે આવ્યા હતા, પરંતુ તે પણ પાણી જોઈને અન્ય રસ્તેથી જતા રહ્યા હતા. ઘણા બધા સિનિયર સિટીઝન અહીંયા રહે છે જેથી વહેલી તકે પાણી ઓશરે તેવી અમારી માંગણી છે. બાળકો અને વડીલો પણ અહીંયા રહે છે જેથી તેમને પણ કોઈ બીમારી ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી કોર્પોરેશન પાસે માગણી કરીએ છીએ. ‘ગ્રામ પંચાયતમાં હતા ત્યારે આવી સ્થિતિ સર્જાતી ન હતી’ વધુમાં રાકેશભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે અમારો વિસ્તાર ગ્રામ પંચાયતમાં હતા ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતી ન હતી. જ્યારે બેથી ત્રણ વર્ષથી કોર્પોરેશનમાં ભળ્યું છે ત્યારથી આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની સર્વિસ આપવામાં આવતી નથી. તેમજ સુરતમાં જે પ્રકારે ટેક્સ માફી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી તે જ પ્રકારે અમારા વિસ્તારના લોકોને પણ ટેક્સ માફી આપવામાં આવે તેવી માગણી છે. મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર વિસ્તારની મુલાકાતે આવ્યા હતા, પરંતુ આશ્વાસન આપ્યા બાદ પણ હજી સુધી પાણી ઓસર્યા નથી. પાણી ભરાવાથી ઘરવખરીને નુકસાન: બિનલબેન સ્થાનિક રહેવાસી બિનલબેને જણાવ્યું હતું કે, જ્યારથી વરસાદ શરૂ થયો ત્યારથી પાણી ભરાયેલા છે મહત્વનું છે કે પાણી ઉતરતા જ નથી. વરસાદ પડે અને પાણી ભરાય તે સ્વાભાવિક છે, પરંતુ પાણી ભરાયા બાદ તે ઉતરવું જોઈએ પરંતુ અમારા વિસ્તારમાંથી પાણી ઉતરતા જ નથી. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે રસોડાનો સામાન, ડ્રોઈંગ રૂમ સહિતની ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે. પાણી ભરાયેલા રહેવાને કારણે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. CM બોપલમાં આવ્યા પણ મોટા-મોટા બંગલામાં ફર્યા: નીરૂબેન પરમાર બોપલ ગામના રહેવાસી નીરૂબેન પરમારે જણાવ્યું હતું કે, ગુરુવારે સવારથી જ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી. છેલ્લા બે દિવસથી સતત પાણી ભરાયેલા રહ્યા છે. અમારું અનાજ અને ફર્નિચર સહિત તમામ વસ્તુઓ પલળી ગઈ છે. ઘરડા મા-બાપને બેસાડીએ તો ક્યાં બેસાડીએ, તે જ ખબર નથી પડી રહી. ઘરમાં પણ સોફા અને બેડ પાણીમાં પલળી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે બોપલ ગામમાં આવ્યા હતા. પરંતુ મોટા મોટા બંગલામાં અને સારા સારા સાહેબોના ઘરે ફર્યા છે. ગરીબોના ઘર સુધી ભૂપેન્દ્રભાઈ ફર્યા જ નથી. હું ભૂપેન્દ્રભાઈને વિનંતી કરું છું કે ગરીબોની સામે જુએ. ચૂંટણી હોય ત્યારે બધા જ લોકો બાપા ભાઈ સાહેબ કરવા માટે આવી જાય છે, પરંતુ કોઈપણ અમારી સામે જોતું નથી. ચાર દિવસથી અમે લોકો પાણીમાં રહેવા મજબૂર બની ગયા છીએ. કોઈપણ નેતાઓ અમારા ઘરે જોવા માટે આવતા નથી. જેથી ભૂપેન્દ્રભાઈને વિનંતી કરું છું કે અમારા બોપલ ગામના વિસ્તારની મુલાકાત લે અને અમારી સ્થિતિ જાણે. ગરીબ લોકોને વિનંતી સાંભળે કારણ કે અમે લોકો બે દિવસથી ઊંઘ્યા નથી.
    Click here to Read More
    Previous Article
    ચુબડકમાં ₹11.22 કરોડના 66 KV સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત:રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કર્યું ભૂમિપૂજન, વીજ સુવિધા સુધરશે
    Next Article
    સુરેન્દ્રનગરમાં 197 લોકોનું સ્થળાંતર, 36 માર્ગો બંધ:ધારાસભ્ય અને કલેક્ટરે ધોળીધજા ડેમની મુલાકાત લીધી, સ્થિતિની સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment